ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

હમ હોંગે કામયાબ એક દિન…

‘કંઈ લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી હોય છે’ એ સુભાષિત વાંચવું – સાંભળવું કે વખત આવ્યે કોઈને કહેવું અને એ જીવનમાં ઉતારવું એમાં બહુ મોટો ફરક છે. જોકે, રાજકારણમાં એવી હસ્તીઓ છે જે આ સુભાષિતના એક એક અક્ષરને પચાવીને બેઠી હોય છે. બિહારના ધરતી પકડ (મૂળ નામ કાકા જોગિંદર સિંહ) વિધાનસભા – લોકસભા ચૂંટણી ૩૦૦ વખતથી વધારે વાર હાર્યા છતાં દર વખતે નવા ઉત્સાહ સાથે ચૂંટણી લડવા માટે જાણીતા હતા. હવે તો તેઓ જીવંત નથી, પણ મધ્ય પ્રદેશના રિયલ એસ્ટેટના બિઝનેસમેન પરમાનંદ તોલાની જાણે ધરતી પકડનો વારસો આગળ વધારવા માગતા હોય એમ છેલ્લા ૩૫ વર્ષમાં ૧૮ ચૂંટણી (૮ લોકસભા, ૭ વિધાનસભા, બે મેયરની ચૂંટણી અને એક વખત મહિલા માટે બેઠક નામે હોવાથી પત્ની પાસે નામાંકન ભરાવ્યું હતું) અપક્ષ તરીકે લડ્યા છે અને દરેક વખતે હાર થવા સાથે તેમની ડિપોઝિટ સુધ્ધાં જપ્ત થઈ છે. જોકે, ‘મન મેં હૈ વિશ્ર્વાસ, પૂરા હૈ વિશ્ર્વાસ, હમ હોંગે કામયાબ એક દિન’નું ફરી એક વાર રટણ કરી ૧૯મી વાર પણ અપક્ષ તરીકે ફરી નામાંકન પત્ર ભરી દીધું છે. લાગે છે નિરાશા શબ્દ જ પરમાનંદની ડિક્ષનરીમાં નથી અને પોતાનો વિજય થશે તો લોકોને કેટલાક ટેક્સમાંથી રાહત અપાવશે એવું પ્રોમિસ પણ તેમણે આપ્યું છે. રસપ્રદ વાત એ છે કે પરમાનંદ તોલાનીના પિતાશ્રી મેઠરામ તોલાની પણ ત્રીસેક વર્ષ ચૂંટણી લડ્યા હતા અને તેમનો પણ દરેક વખતે પરાજય થયો હતો અને ડિપોઝિટ જપ્ત થઈ હતી. પરમાનંદની પુત્રી પણ રાજકારણમાં ઝંપલાવવાના સપના જોઈ રહી છે. મતલબ કે ‘બાત બહોત દૂર તક જાયેગી.’

લ્યો કરો વાત!

મનુષ્યમાં ધનની લાલસા એ હદે તીવ્ર બની ગઈ છે કે એ પૈસા મેળવવા જાનવર જેવી વૃત્તિ અપનાવતા અચકાતો નથી. અલબત્ત માણસ જાનવર વેડા કરે તો પ્રાણીને મનુષ્ય વેડા કરવાની ઈચ્છા થઈ શકે છે. આફ્રિકાના ઝિમ્બાબ્વે દેશના વાયરલ થયેલા વીડિયોમાં એક અજગર પૈસા જડબામાં ચલણી નોટ દબાવીને ભાગતો નજરે પડ્યો છે. શિકાર છટકી ગયો હશે એટલે અજગરને વિચાર આવ્યો હોવો જોઈએ કે ચલણી નોટની લાલચમાં કોઈ નજીક આવે તો એનો શિકાર કરી પેટ ભરી શકાય. આને કહેવાય અજગર મેરા નામ, ચોરી મેરા કામ.

જેલી માસી, જિંદગી લંબી નહીં બહુત લંબી હોની ચાહિએ

પૃથ્વી પર માત્ર સમય જ શાશ્વત છે. બાકી જન્મ લે છે એનું મૃત્યુ આજે નહીં તો કાલે કે પરમ દિવસે કે જતે દિવસે નિશ્ર્ચિત જ છે. કોઈ અમરપટો લખાવીને નથી આવ્યું. અલબત્ત પ્રાણીએ પ્રાણીએ જીવનરેખાની લંબાઈમાં ફરક જોવા મળે છે. મનુષ્ય માટે ૮૦ પ્લસનું આયુષ્ય સહજ ગણાય છે. સેન્ચુરીયનની સંખ્યા વધી રહી છે. માનવ સિવાયના પ્રાણી જગતની વાત કરી તો ત્રણ અને મેક્સમાં મેક્સ ચાર સપ્તાહનું આયુષ્ય ભોગવતા અનેક જીવ છે તો તારીખીયુ બદલાતા સાથે ખોળિયું બદલતા ૨૪ કલાકનું આયુષ્ય ભોગવતા ‘એક દિવસીય જંતુઓ’ પણ જીવી જાણે છે. આફ્રિકાના ટચુકડા દેશ સેશેલ્સમાં વસતા આશરે ૨૫૦ કિલો વજનના કાચબા ૧૫૦ વર્ષ જીવી જાય છે. અલબત્ત અનુકૂળ વાતાવરણ મળે તો તેમની લાઈફલાઈન લંબાઈને ૧૯૦ વર્ષની થતી હોવાનું વૈજ્ઞાનિક સંશોધન છે. દંતકથામાં એવાં પ્રાણીઓનો ઉલ્લેખ આવે છે જે અધધ જીવે છે અથવા અમર છે. અલબત્ત આ અનુમાન – ધારણા કાલ્પનિક વધુ છે. વૈજ્ઞાનિક આધાર અનુસાર વ્હેલ – શાર્ક ૨૦૦ વર્ષની આસપાસનું આયુષ્ય ધરાવે છે જ્યારે પરવાળા ૫૦૦ વર્ષ લખીને આવ્યા હોય છે. પરવાળાની એક પ્રજાતિ તો ૧૧ હજાર વર્ષ જીવી જાય છે. આ બધી વિરાટ આયુષ્ય રેખા વામણી લાગે એવું જીવન Immortal Jellyfish નામનું જળચર પ્રાણી જીવે છે. વૈજ્ઞાનિકોના અભિપ્રાય અનુસાર આ જેલીફિશ અમરપટો લખાવીને આવી છે. આ જીવની વિશિષ્ટ ખાસિયત એ છે કે ‘સંતાનને જન્મ’ આપ્યા પછી એ પાછું બાલ્યાવસ્થામાં આવી જાય છે અને એનું જીવન એકડે એકથી શરૂ થાય છે. ફરી પાછો ‘બાળ જન્મ’ થાય એટલે ફરી પાછી બાલ્યાવસ્થા. આમ ફોરવર્ડ થયેલી ગાડી પાછી રિવર્સમાં ચાલવા લાગે. અમરત્વનું વરદાન હોવા છતાં તેમની વસ્તીથી સમુદ્ર ઉભરાતો નથી કારણ કે કેટલીક માછલીઓ માટે એ ભાવતું ભોજન છે અને લાગ મળતા જ એને ઓહિયાં કરી જાય છે.

‘મુજે માં બનના હૈ, જજ સાબ!’ .

માતૃત્વ માનવ જીવનનું બહુમૂલ્ય ઘરેણું ગણાયું છે. ‘રાજા કે માથે તિલક લગેગા, રાની કે માંગ સિંદુર’ ગણગણવામાં આનંદ અનુભવતી નારી માતા બની ધન્યતાનો અનુભવ કરતી હોય છે. મધ્ય પ્રદેશની હાઈ કોર્ટમાં એક મહિલાએ સંતાન પ્રાપ્તિ માટે જેલમાંથી પતિ મુક્તિની દાખલ કરેલી અરજી એનું આગવું ઉદાહરણ છે. વાત એમ છે કે કોઈ કેસમાં મહિલાનો પતિ કારાવાસ ભોગવી રહ્યો છે. ક્યારે છૂટશે એ નક્કી નથી. ‘માતૃત્વ ધારણ કરવું એ મારો મૂળભૂત અધિકાર છે’ એવી દલીલ કરી માતા બનવા માટે પતિને જેલમાંથી મુક્ત કરવાની માગણી મહિલાએ કરી છે. જોકે, ‘મુક્તિની માગણી’ આડે એક અડચણ એ છે કે એ શારીરિક બદલાવને કારણે મહિલા માતૃત્વ નૈસર્ગિક કે કૃત્રિમ રીતે ગર્ભધારણ કરી શકે એમ નથી એવી દલીલ સરકારી વકીલ દ્વારા કરવામાં આવી છે. મહિલાનો મેડિકલ રિપોર્ટ મેળવવા પાંચ ડૉક્ટર (ત્રણ ગાયનેકોલોજિસ્ટ, એક સાઈકિયાટ્રીસ્ટ અને એક એન્ડોક્રિનોલોજિસ્ટ)ની ટીમ નિયુક્ત કરવામાં આવી છે જે અરજદાર મહિલા ગર્ભધારણ કરવા સક્ષમ છે કે કેમ એનો રિપોર્ટ પખવાડિયામાં રજૂ કરશે. દિવાળી પછી ૨૨ નવેમ્બરે અદાલતમાં સુનાવણી આગળ ચાલશે અને માની વિનંતી અંગે ફેંસલો લેવામાં આવશે.

સ્પીડ લિમિટ રાખી, દંડની લિમિટ રાખો!

ટેકનોલોજીની મોહજાળમાં માનવી સપડાયો ત્યારથી એના જીવનમાં નિરાંતની ધીમે ધીમે બાદબાકી થઈ રહી છે. બધું ઝપાટાબંધ – ઝડપથી કરવા એ થનગની રહ્યો છે. ‘સૂરજ ધીમા તપો’ કે પછી ‘ઓ ગાડીવાલે ગાડી ધીરે હાંક રે’ જેવી કવિતા – ગીત હવે તેને નથી ગમતા. કારનું સ્ટિયરિંગ હાથમાં આવ્યા પછી એસ્કેલેટર પર વધુ પ્રેમ થાય છે. સડસડાટ અને પૂરપાટ ગાડી ભગાવવાની મજા માણવી ગમે છે. જોકે, દરેક દેશમાં ચોક્કસ વિસ્તારમાં ઝડપ મર્યાદા – સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવતી હોય છે. એ મર્યાદા – લિમિટનું ઉલ્લંઘન કરનારને દંડ ફટકારવામાં આવે છે. યુએસના જ્યોર્જિયા રાજ્યના સવાના શહેરમાં પ્રતિ કલાક ૫૫ માઈલની મર્યાદાવાળા વિસ્તારમાં ૯૦ માઈલની ઝડપે કાર ભગાવનાર યંગસ્ટરને ઘરે દંડની રકમની ટિકિટ આવી જે એને અપેક્ષિત હતી. જોકે, દંડની રકમ જોઈ એ યુવાનને ચક્કર આવવાના જ બાકી રહ્યા. એ યુવાનને ૧૪ લાખ ડોલર (આશરે ૧૧ કરોડ રૂપિયા) દંડ ફટકારવામાં આવ્યો છે. હેબતાઈ ગયેલા યુવકે ટ્રાફિક ઓફિસમાં દલીલ કરી કે સ્પીડની લિમિટ રાખો છો તો દંડની પણ લિમિટ હોવી જોઈએ ને. એને કહેવામાં આવ્યું કે તારે કોર્ટમાં હાજર રહેવું પડશે અને ન્યાયમૂર્તિ દંડની રકમ નક્કી કરશે. કાયદા અનુસાર ટ્રાફિકના નિયમનો ભંગ કરનારને ૧૦૦૦ ડોલર (૮૩ હજાર રૂપિયા) કરતાં વધુ દંડ નથી કરી શકાતો. આ બધું જાણ્યા પાછું યુવકના હૃદયના ખૂબ જ તેજ થઈ ગયેલા ધબકારા ધીમા પડી નોર્મલ થઈ ગયા છે.

સારાના સેલ્ફી મેરેજ
‘બાત એક રાત કી’માં મજરૂહ સુલતાનપુરીએ ગીત લખ્યું છે કે ‘અકેલા હૂં મૈં ઈસ દુનિયા મેં, કોઈ સાથી હૈ તો મેરા સાયા’. પડછાયો જેવો કોઈ દોસ્ત નથી. લાંબો ટૂંકો થાય પણ આજીવન સાથ ન છોડે. યુકેની સારા વિલિયમ્સ નામની યુવતીને આ ગીત તો નહીં ખબર હોય પણ એની ફિલોસોફી જરૂર જાણતી હશે. વાત એમ છે કે ૨૨ વર્ષની હતી ત્યારથી સારા સપનાના રાજકુમારની રાહ જોઈ રહી હતી. આજ કાલ કરતાં વાતને વીસ વર્ષ થઈ ગયા, પણ મિસ્ટર રાઈટની લાઈફમાં એન્ટ્રી જ ન થઈ. ‘રાહ જોતા જોતા થાકી જાય ભૈ માણસ છે’ એ ન્યાયે હવે ૪૨ વર્ષની થયેલી સારાએ ‘બસ, બહુ રાહ જોઈ’ એવી બૂમ માત્ર પોતાને જ સંભળાય એ રીતે પાડી અને ’હું જ મારો વર’ એવું નક્કી કરી સેલ્ફી મેરેજ કરી લીધા. મજેદાર વાત એ છે કે ૨૨ વર્ષની ઉંમરે જે રીતે લગ્ન કરવાનું વિચાર્યું હતું એ બરકરાર રાખી સારા માસીએ નિકટના ૪૦ લોકોની હાજરીમાં ઠાઠમાઠથી ‘મેરેજ’ કરી લીધા. લગ્ન વખતે પોતે જ પોતાની આંગળીમાં હીરાની વીંટી પહેરાવી અને પ્રસંગ પાછળ ૧૦૦૦૦ પાઉન્ડ (આશરે ૧૦ લાખ રૂપિયા) ખર્ચી નાખ્યા. હાજર રહેલા લોકોએ સારાનો ઉત્સાહ જરાય મોળો ન પડે એની તકેદારી રાખી. ઉત્સાહ – ઉમંગ આગળ બધું પાણી ભરે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…