ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

લાઆઆઆં…બું નામ નહીં ચાલે

‘ઓળી ઝોળી પીપળ પાન, ફઈબાએ પાડ્યું ફલાણું નામ’ પ્રથા હજુ સચવાઈ છે, પણ ફઈબાની હાજરી નામ બોલવા પૂરતી જ હોય છે, કારણ કે કેષા, કિયારા કે શ્ર્લોક અથવા સુહાન જેવા નામ તો સંતાનના માતા પિતા જ નક્કી કરી ફોઈને જણાવી દેતા હોય છે. જોકે, બાળકના અલાયદા નામની ઝંખનાએ સ્પેનના ડ્યુક (ઉમરાવને) Fernando Fitz-James Stuart ને અડચણમાં મૂકી દીધા છે. થયું એવું કે તાજેતરમાં બીજી પુત્રીના નામ સંસ્કરણની વિધિ વખતે ડ્યુક પતિ – પત્નીએ પારિવારિક સ્મરણ અને પરંપરા જાળવી રાખવા પુત્રીનું ૨૫ શબ્દ ધરાવતું લાંબુ નામSofia Fernanda Dolores Cayetana Teresa Angela de la Cruz Micaela del Santisimo Sacramento del Perpetuo Socorro de la Santisima Trinidad y de Todos Los Santos પાડ્યું અને બધા રાજી રાજી થઈ ગયા. જોકે, તેમનો આનંદ ઝાઝો ટક્યો નથી, કારણ કે નામ રજિસ્ટર કરાવવા યુગલ રજિસ્ટ્રારના કાર્યાલયમાં ગયું ત્યારે ‘આટલા લાઆઆઆં … બા નામની નોંધણી નહીં થાય એમ તેમને સાફ શબ્દોમાં કહી દેવામાં આવ્યું. કાનૂન અનુસાર લંબાઈ અંગેના કાયદાને અનુસરી જ નામ રાખવું દરેક નાગરિક માટે બંધનકર્તા છે. નામ ટૂંકું કઈ રીતે કરવું અથવા નવું પાડવું તો શું પાડવું એ વિમાસણ પેરન્ટ્સને ઘેરી વળી છે. ડ્યુક ફર્નાન્ડો સ્પેનનાં સૌથી શ્રીમંત મહિલા ડચેસ ઑફ આલ્બાના આઠ પ્રપૌત્ર – પ્રપૌત્રી પૈકી એક છે. ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં એક સમયે સ્વર્ગસ્થ ડચેસ ઑફ આલ્બાનું નામ Maria del Rosario Cayetana Alfonsa Victoria Eugenia Francisca Fitz-James Stuart y de Silva સૌથી લાંબા ટાઇટલ નામ (૧૪ શબ્દો) તરીકે સામેલ હતું.

બેટમાંથી રનનો ધોધ: ત્રણ ટી-૨૦ ઈનિંગ્સમાં ૧૦૬૦ રન

વેલણથી રોટલી વણવી, ધોકાથી કપડાં વીંઝવા અને બેટથી બોલને ફટકારવો એ ત્રણેય બાબતમાં અલગ પ્રકારના શારીરિક બળ ઉપરાંત કુનેહ અને આવડત પણ જોઈએ. અનેક વર્ષો સુધી પહેલા બે કામમાં મહિલાઓની મોનોપોલી રહી તો ત્રીજામાં પુરુષવર્ગનું આધિપત્ય રહ્યું. એકવીસમી સદીમાં સ્ત્રી પુરુષસમોવડી તો પુરુષ સ્ત્રીસમોવડો બનવાની કોશિશમાં સફળતા મેળવી રહ્યા છે. મહિલા ક્રિકેટને હવે દર્શકો સાથે સ્પોન્સરશિપ પણ મળી રહી છે. ક્રિકેટ રમી મહિલા બે પાંદડે થઈ શકે છે. હાલ ચાલી રહેલા પુરુષોની ૫૦ ઓવરની વિશ્ર્વકપ સ્પર્ધાના ઝળહળાટમાં મહિલા ક્રિકેટની એક અદ્ભુત સિદ્ધિ બહુ ચમકી નહીં. કોઈ મહિલા છુટ્ટું વેલણ ફેંકે એ પહેલા જણાવી દઈએ કે દક્ષિણ અમેરિકાના બે દેશ આર્જેન્ટિના અને ચિલી વચ્ચે તાજેતરમાં ત્રણ ટી ૨૦ મેચ રમાઈ હતી. આ ત્રણ મેચમાં આર્જેન્ટિના મહિલા ટીમ દ્વારા ૧૦૬૦ (જી હા, એક હજાર સાઠ) રન ખડકી દેવામાં આવ્યા હતા, જેમાં પહેલી મેચમાં તો એક વિકેટના ભોગે ૪૨૭ રનનો ધોધ વહ્યો હતો. મજેદાર વાત એ છે કે આ ઇનિંગ્સમાં ૫૭ ચોગ્ગા ફટકારવામાં આવ્યા હતા, પણ સમ ખાવા પૂરતો એક સુધ્ધાં છગ્ગો નહોતો. જવાબમાં ચિલીનો દાવ ૧૫ ઓવરમાં ૬૩ રનમાં સમેટાઈ ગયો હતો જેમાં હાઈએસ્ટ સ્કોર એકસ્ટ્રા (૨૯ જેમાં ૨૬ વાઈડનો સમાવેશ હતો)નો હતો અને ૭ બેટર ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યા હતા. બીજી મેચમાં આર્જેન્ટિના ૨૦ ઓવરમાં છ વિકેટના ભોગે ૩૦૦, જવાબમાં ચિલી ૯.૨ ઓવરમાં ૧૯ રનમાં ઓલઆઉટ (૧૫ એકસ્ટ્રા રન અને ૯ બેટરના નામ સામે શૂન્ય) થઈ હતી. ત્રીજી અને અંતિમ મેચમાં ૨૦ ઓવરમાં આર્જેન્ટિનાનો ૧ વિકેટે ૩૩૩નો ખડકલો અને જવાબમાં ચિલીનો દાવ ૧૦.૪ ઓવરમાં ૨૨ રનમાં સમેટાયો જેમાં ૨૧ એક્સ્ટ્રા. એનો અર્થ એ કે એક બેટરનો એક રન બાકીના ૧૦ના નામ સામે આર્યભટ્ટનો આવિષ્કાર મતલબ કે શૂન્ય. આર્જેન્ટિનાના ૧૦૬૦ સામે ચિલીએ ત્રણ ઈનિંગ્સમાં ૧૦૪ રન નોંધાવ્યા, જેમાં એકસ્ટ્રાનું યોગદાન ૬૫ રનનું. બેટની મદદથી માત્ર ૩૯ રન. આર્જેન્ટિનાએ નવું શિખર સર કર્યું તો ચિલીએ નવું પાતાળ શોધી કાઢ્યું.

રેસ્ટૉરાંમાં બાળકો: ક્યારેક પેનલ્ટી, ક્યારેક ડિસ્કાઉન્ટ

ખાતી વખતે શાંતિ જોઈએ, ધમપછાડા નહીં કરવાના એવું બાળકો પર ઠોકી બેસાડતા વાલીઓ પર જ એનો અમલ કરવાની નોબત આવી છે. યુએસના જ્યોર્જિયા રાજ્યમાં બાળકો સાથે ખાણીપીણીની મજા માણવા જતા પેરેન્ટ્સ રેસ્ટૉરાં પર ગિન્નાયા છે, કારણ કે ભોજન વેળાએ તેમના બાળકો સખણા રહ્યાં હોવા છતાં ગેરવર્તણૂક માટે તેમને બિલમાં ચાર્જ કરી ‘તમે સારા પેરન્ટ નથી’ એમ કહી દેવામાં આવ્યું છે. રેસ્ટૉરાંના મેનુ કાર્ડમાં સાવ નીચે ‘એડલ્ટ સરચાર્જ’ (પુખ્ત વયના લોકો માટે સરચાર્જ)ની બાજુમાં ’બાળકોને સાચવી નહીં શકતા પુખ્ત વયના લોકો માટે’ લખી ડોલરની ત્રણ નિશાની મૂકવામાં આવી છે. આગળ એમ પણ લખ્યું છે કે ‘આદર નહીં જળવાય તો સર્વિસ પણ નહીં આપવામાં આવે.’ પરિવાર સાથે ડિનર કરવા ગયેલા એક શખસને ભાવતા ભોજનનો ઓડકાર આવ્યા પછી ડિઝર્ટમાં લીમડાનો રસ પીધો હોય એવું મોઢું થઈ ગયું. બન્યું એવું કે હૉટેલ માલિકે શખસના બાળકોના ગેરવર્તન માટે વધારાનો ૫૦ ડોલર (આશરે ૪૧૦૦ રૂપિયા)નો ચાર્જ ઠોકી દીધો હતો. ‘તમારા બાળકો મોટે મોટેથી વાતો કરી રહ્યા હતા અને તમારું ધ્યાન ખાવામાં હતું ત્યારે રેસ્ટૉરાંમાં દોડાદોડ કરી અન્યોને ખલેલ પહોંચાડી રહ્યા હતા’ એવું કારણ એકસ્ટ્રા ચાર્જ માટે આપવામાં આવ્યું હતું. જોકે, ભોજન ઓર્ડર કર્યું અને એ આરોગી લીધું એ દરમિયાન બાળકો ટેબલ પર ચૂપચાપ બેસી ટેબ્લેટ પર ગેમ રમી રહ્યા હતા એવો દાવો શખસે કર્યો હતો. બીજી તરફ યુએસમાં એવી પણ રેસ્ટૉરાં છે જે ડિનર દરમિયાન બાળકો સખણા રહે તો ડિસ્કાઉન્ટ પણ આપે છે. અલબત્ત આ પેનલ્ટીની સરખામણીએ ડિસ્કાઉન્ટની રકમ નજીવી હોય છે.

વડાં પ્રધાન પણ હડતાળમાં જોડાયાં

સ્ત્રી – પુરુષ વેતન અસમાનતા તેમ જ પુરુષની સરખામણીમાં સ્ત્રી પર આચરવામાં આવતી વધુ હિંસા સામે દેખાવ થાય, આંદોલન કરવામાં આવે કે નોકરિયાત વર્ગ હડતાળ પર ઊતરે એ સમસ્યા વિશ્ર્વમાં અનેક ઠેકાણે ફૂંફાડો મારી રહી છે. જોકે, તાજેતરમાં યુરોપિયન દેશ આઈસલેન્ડમાં મહિલાઓ સ્ટ્રાઈક પર ઊતરી ત્યારે અનેક દેશમાં એના વિશે કુતૂહલ નિર્માણ થયું હતું જેનું પ્રમુખ કારણ એ હતું કે એ હડતાળમાં દેશનાં વડાં પ્રધાન યાકોબ સ્ટોટર સુધ્ધાં જોડાયા હતાં અને તેમણે પોતાના પ્રધાન મંડળની અન્ય મહિલાઓને પણ હડતાળમાં જોડાવા હાકલ કરી હતી. અહીં રસપ્રદ વાત એ છે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ચારેક લાખની વસતિ ધરાવતા આ દેશને સતત ૧૪મા વર્ષે વિશ્ર્વના ઉત્તમ સ્ત્રી – પુરુષ સમાનતા ધરાવતા દેશ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. વેતન, શિક્ષણ, આરોગ્ય સેવા અને અન્ય પરિબળોને આધારે ફોરમ આ ઘોષણા કરતી હોય છે. આ પ્રકારની સર્વપ્રથમ હડતાળ આઈસલેન્ડમાં ૨૪ ઑક્ટોબર, ૧૯૭૫ના દિવસે થઈ હતી. ૧૯૭૬માં વેતન સમાનતાનો કાયદો પસાર કરવામાં આવ્યા પછી પહેલી વાર સામુહિક હડતાળ જોવા મળી છે. દેશના સર્વોચ્ચ નેતાનું પીઠબળ લડતને મળે એ કેવી મોટી વાત કહેવાય એ વાત તો નાનામાં નાનો માણસ પણ સમજી શકે.

એક ઊંઘ ખેંચવા કેટલા ખંખેરવાના!

‘ઊંઘ ન જુએ ઓટલો, ભૂખ ન જુએ રોટલો’ એ કહેવત હવે મહાનગરોમાં વિસરાતી એટલા માટે જાય છે કે આરામ અને આહાર માટે લોકો હવે સગવડને પ્રાધાન્ય આપવા લાગ્યા છે. આરામદાયક જીવનની એષણામાંથી જ અઢી – ચાર કે છ કરોડના ફ્લેટનો જન્મ થયો છે. ધરતી પરના કુબેરોના એશોઆરામ માટે કરવામાં આવતી કલ્પનાનું અકલ્પ્ય સ્વરૂપ જોવા મળ્યું છે. એક સ્વીડિશ કંપનીએ હેન્ડ ક્રાફ્ટેડ – હાથની કારીગરીથી (મતલબ કે મશીનના ઉપયોગ વિના) બેડ – પલંગ તૈયાર કર્યો હોવાનો દાવો કર્યો છે જેની કિંમત છે પાંચ કરોડ રૂપિયા. એક મિનિટ બેડમાં કંઈ સોનું – રૂપું કે પ્લેટિનમ જડ્યું નથી. આંખો ફાટી જાય એવા ભાવનું કારણ છે બેડની મેટ્રેસમાં (મતલબ કે ગાદલામાં) ઘોડાની પૂંછડીના વાળનો વપરાશ કરવામાં આવે છે. હોલીવૂડ સેલિબ્રિટીઝ અને અન્ય ધનપતિઓ આ કંપનીના બેડ ખરીદવામાં ગર્વ અનુભવે છે. આ બેડ ખરીદવો ન હોય તો લંડનની એક હૉટેલમાં એક રાતનું આઠ લાખ રૂપિયા ભાડું ચૂકવી એના પર ઊંઘ ખેંચી શકાય છે. સ્લીપ ઈન્સ્ટ્રુમેન્ટ તરીકે ઓળખાતા આ બેડની કિંમત બે કરોડ રૂપિયાથી શરૂ થાય છે અને ૨૫ વર્ષની વોરંટી આપવામાં આવે છે. ખરીદતા પહેલા એના પર નીંદર લઈ ટ્રાયલ લેવાની સલાહ પણ કંપની દ્વારા આપવામાં આવે છે.

લ્યો કરો વાત!
‘તમે ક્યાંના?’ એ સવાલનો જવાબ અત્યાર સુધી ’અમે ગંદાના’ એવો આપતા અનેક લોકો ગ્લાનિ, અપમાન અનુભવતા હતા. હવે એવું નહીં થાય. ‘ગંદા’ કે ‘કુતિયા ખેરી’ જેવા અપમાનાસ્પદ અને ઘૃણાસ્પદ નામ હરિયાણાના ગામના હતા. ઉપર જણાવેલા બે ગામ સહિત ૧૨ ગામના નામ એવા હતા કે એનો ઉલ્લેખ કરવામાં ગામવાસીઓ જ નાનપ અનુભવતા હતા. મનોહર લાલ ખટ્ટરની સરકારે આ ગામોને હવે નવા નામ આપ્યા છે જેમકે અજીત નગર, વીરપુર, ગુરુકુળ ખેડા વગેરે વગેરે. ‘આપ સબ તો ગંદા ગાંવ કે ’ એવા મેણાં ટોણાં ગામવાસીઓએ સાંભળવા નહીં પડે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button