ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

ધનવાન: છોટા મૂંહ બડી બાત
સૌથી ધનવાન કોણ? જેની પાસે મુંબઈ કે નોઈડામાં ૮ બેડરૂમનો સ્વિમિંગ પુલ એટેચ્ડ ફ્લેટ હોય એ કે પછી ત્રણ માળનો બંગલો હોય એ કે વતનમાં એકડા પર અનેક મીંડાંનું મૂલ્ય ધરાવતી સંપત્તિ હોય એ?
નક્કી કરવું આસાન નથી હોતું. એક કીડી ચટકો ભરી પારધીની જાળમાંથી કબૂતરનો જીવ બચાવે છે એ વાર્તા તમે જાણતા હશો. ટૂંકમાં કદથી શક્તિનું માપ કાઢવામાં ક્યારેક થાપ ખાવાનો વારો આવે. વિશ્ર્વનો સૌથી શ્રીમંત દેશ કયો એવા સવાલના જવાબમાં મોટાભાગે પહેલું નામ અમેરિકા અને ત્યારબાદ યુકે, ચીન અથવા જાપાન – રશિયાના નામ હોઠ પર આવી શકે છે. વિશ્ર્વ સમસ્તના દેશોની આર્થિક બાજુનો અભ્યાસ કરતી ‘ગ્લોબલ ફાઈનાન્સ’ નામની સંસ્થાએ દુનિયાભરના દેશોના જીડીપી (આર્થિક માપદંડ)ની સરખામણી કરી એવું તારણ કાઢ્યું છે કે લક્ઝમ્બર્ગ નામનો દેશ ૨૦૨૪માં વિશ્ર્વનો સૌથી ધનવાન દેશ છે. જોવાની વાત તો એ છે કે યુકે કરતાં દસમા ભાગની વસતિ ધરાવતા લક્ઝમ્બર્ગની શ્રીમંતાઈ એના કરતાં બમણી છે. લક્ઝમ્બર્ગ લોખંડ અને પોલાદ (આયર્ન એન્ડ સ્ટીલ) ઉત્પાદનમાં અગ્રેસર છે અને અહીં કરવેરાનું માળખું આકર્ષક હોવાથી વિદેશમાંથી મબલક આર્થિક રોકાણ આ દેશમાં દર વર્ષે થઈ રહ્યું છે. ફક્ત સાડા છ લાખની વસતિ ધરાવતા આ દેશમાં જુદી જુદી ૧૫૫ બેન્ક કાર્યરત છે, જે આર્થિક સધ્ધરતા અને સમૃદ્ધિનું પ્રતીક છે.

સંરક્ષણમાં શ્ર્વાનની સહાય
શ્ર્વાન મનુષ્યનો સૌથી વફાદાર સાથી તો ગણાય જ છે અને દુશ્મન સામે રક્ષણ કરવાની નામના
પણ ધરાવે છે. ૧૦ વર્ષથી ચાલી રહેલા રશિયા – યુક્રેન યુદ્ધમાં બંને પક્ષે થતી તારાજીની બાતમી
પણ હવે લોકોને વ્યથિત નથી કરી રહી. અલબત્ત, ‘નાનો પણ રાઈનો દાણો’ એ નાતે યુક્રેન જે રીતે રશિયાને ટક્કર આપી રહ્યું છે એ જોઈ કીડી પર કટક પણ નહીં અટક જેવી પરિસ્થિતિ પર અનેક લોકો ગર્વ અનુભવે છે. યુદ્ધની રણનીતિમાં રશિયન ખાઈ અથવા ખાણ શોધી કાઢવા કે પકડી
પાડવા યુક્રેન હવે યાંત્રિક શ્ર્વાન (રોબોટ ડોગ્સ)નો ઈસ્તેમાલ કરવા વિચારી રહ્યું છે. યુક્રેન માનવબળની અછત અનુભવી રહ્યું હોવાથી રશિયન આક્રમણને ખાળવા, એની વ્યૂહરચના ઊંધી વાળવા આ
રોબોટ ડોગ્સ બહુ જ વિલક્ષણ સાથી પુરવાર થઈ શકે એવી માન્યતા છે. આ પ્રયાસને સફળતા
મળશે તો સૈનિકની અછતની સમસ્યાનો ઉકેલ
તો આવશે જ, રશિયાની ખાઈ અથવા ખાણ
શોધી કાઢવાથી સંભવિત આક્રમણને બુઠ્ઠું બનાવી શકાશે.

પતિ પાણીદાર નહીં પાણી પૂરી પ્રેમી ખપે
રૂપાળી- કામઢી ને સંસ્કારી યુવતી જ પત્ની તરીકે જોઈએ એ યુગ હવે આથમવાની તૈયારીમાં છે. ઝમાના બદલ ગયા હૈ. હવે યુવતી આગ્રહ રાખતી થઈ ગઈ
છે કે તગડી કમાણી- માસ્ટર બેડરૂમ અને સારી
સેન્સ ઓફ હ્યુમર હોય એવો યુવક જ પતિ તરીકે
જોઈએ. જોકે, તાજમહેલ માટે વધુ અને પેઠા માટે
ઓછા જાણીતા આગરામાં પત્નીની પતિ પાસેથી અપેક્ષા જાણ્યા પછી રડવું કે હસવું એવી વિમાસણ તમને જરૂર થશે.

પતિ-પત્ની વચ્ચે વૈચારિક મતભેદ હોય એમ આહાર ભેદ પણ હોય. આગરાની મહિલાને પાણીપૂરી માટે એટલી પ્રીતિ હતી કે પતિ સાથે છૂટાછેડા મંજૂર, પણ પાણીપૂરીનો વિરહ નહીં ખમાય એવું વલણ અપનાવ્યું છે. બન્યું એવું કે પતિથી પત્ની નારાજ થઈ એકાદ મહિનાથી પિયરમાં જ રહેતી હતી. નારાજગીનું કારણ પૂછવામાં આવતા ખબર પડી કે હસબન્ડ પાણીપૂરી ખાવા નથી લઈ જતો અને પત્ની અઠવાડિયે કેટલી પાણીપૂરી ઝાપટી જાય છે એનો હિસાબ કિતાબ રાખે છે. પતિ પાણીદાર નહીં હોય તો ચલાવી લે, પણ પાણીપૂરી વિના તો કેમ ચાલે? વાત વણસી અને છૂટાછેડા સુધી પહોંચી ગઈ. જોકે, પત્નીને પારાવાર પ્રેમ કરતા પતિએ પિયર પહોંચી અઠવાડિયામાં એક વાર તો પાણીપૂરીના રસાસ્વાદનું પ્રોમિસ આપ્યું પછી લગ્નજીવન ‘સિર્ફ તીખા’માંથી ‘તીખા મીઠા બરાબર’ પર તો આવી ગયું છે. પત્નીના પાણીપૂરી પ્રેમને પતિએ હૃદયસ્થ કરી દીધો છે. છેડા ફરી ભેગા થઈ ગયા છે.

સન્નારીની સેન્ચુરીનું સિક્રેટ!
વરસગાંઠના દિવસે મળતી ઢગલાબંધ શુભેચ્છાઓમાં એક હોય છે ‘શતં જીવેત શરદ:’ મતલબ કે ૧૦૦ વર્ષના થાવ. અલબત્ત, મળેલી શુભેચ્છાઓમાંથી ખરી પાડવાની સૌથી ઓછી સંભાવના ‘શતં જીવેત શરદ:’ની હોય છે. એમાંય આજકાલ તો ‘એટલું જીવવું જ છે કોને’ એવી લાગણી પ્રબળ થઈ રહી છે. જોકે, વિશ્ર્વ સમસ્તમાં કેટલાક લોકો આયુષ્યની સેન્ચુરી ફટકારી આગળ વધ્યા હોવાના દાખલા વાર-તહેવારે જાણવા મળતા હોય છે.

તાજેતરમાં ૧૧૭ વર્ષનાં સ્પેનિશ સન્નારીએ દેહત્યાગ કરતા જાપાનનાં ૧૧૬ વર્ષનાં દાદીમાના નામ સાથે વિશ્ર્વની સૌથી મોટી ઉંમરની જીવંત વ્યક્તિનો વર્લ્ડ રેકોર્ડ નોંધાઈ ગયો છે. ટોમિકો ઇતુકા નામના જાપનીઝ સન્નારી ૭૦ વર્ષની ઉંમર વટાવી ગયા પછી જાપાનનો સૌથી ઊંચો પર્વત (૧૦ હજાર ૬૨ ફૂટ) બે વખત સર કર્યો હતો. લાંબા આયુષ્યનું રહસ્ય શું એવા સવાલના જવાબમાં ટોમિકો દાદી કહે છે કે ૧૯૭૯માં પતિના અવસાન પછી ૭૨ વર્ષની ઉંમરે એમણે પર્વતારોહણની હોબી અપનાવી અને બીજા ૪૪ વર્ષ જીવી કાઢ્યા છે. અમેરિકામાં વસતા ૧૧૫ વર્ષનાં એલિઝાબેથ ફ્રાન્સિસના દીર્ઘાયુનું સિક્રેટ: ક્યારેય ધૂમ્રપાન નથી કર્યું અને પોતાના જ ગાર્ડનમાં ઉગાડેલા શાકભાજી આરોગ્યા છે. બ્રિટનના ૧૧૫ વર્ષનાં એથેલ કેટરહેમ હાલ કેર હોમમાં વસવાટ કરે છે, પણ ૯૭ વર્ષની ઉંમર સુધી રોજ કાર ચલાવી બહાર જતા. મ્યુઝિક અને મગજને કસરત આપતી ગેમ રમવાથી સ્વાસ્થ્ય સારું રહે છે એવું તેમનું માનવું છે.

કાખમાં છોકરું ને ગામમાં ધમાધમ
બાળહઠ- રાજહઠ અને સ્ત્રીહઠમાં કોણ સૌથી વધુ બળવાન એની ‘હરીફાઈ’ થતી રહે છે. જોકે, માસૂમિયતની વાત આવે ત્યારે બાળકની આસપાસ સ્ત્રી કે રાજા નહીં, કોઈ પણ ફરકી ન શકે.
યુએસએનું આ ઉદાહરણ એનો શ્રેષ્ઠ પુરાવો છે.

નવ વર્ષનું એક બાળક સવારે સાતની આસપાસ પોતાના ઘરેથી સ્કૂલ જવા નીકળ્યું પણ પછી માતા પિતાને જાણ થઈ કે પુત્તર તો સ્કૂલ પહુંચા હી નહીં. તો ફિર કિથ્થે ગિયા? પેરેન્ટ્સ હાંફળાફાંફળા થઈ ગયા. તરત પોલીસને ફોન જોડ્યો અને ટીવી પર ઓરેન્જ કલરની ટાઈ પહેરેલા બાળકની તસવીર ‘ગુમાયો છે. કોઈને જોવા મળે તો કૃપયા જણાવે’ એવી માહિતી સાથે ટેલિવિઝન ચેનલ પર ફ્લેશ કરવામાં આવી. અનેક ઠેકાણે બાતમી ફરી વળી, શોધખોળ શરૂ થઈ ગઈ. અમેરિકાની અગ્રણી બ્રોડકાસ્ટિંગ કંપનીએ તો આ ચિંતાગ્રસ્ત માહોલનું કવરેજ કરવા હેલિકૉપ્ટરમાં રિપોર્ટરને મોકલ્યો. બાળકના બિલ્ડિંગ પર ચકરાવો લેતી વખતે આગાશી પર કોઈ વ્યક્તિ પર નજર પડી. કેમેરા ઝૂમ કરીને જોતા ‘ખોવાયેલા બાળકનું’ વર્ણન
આપ્યું હતું એવા જ વર્ણન ધરાવતું કોઈ આરામ ખુરશીમાં બેઠેલું દેખાતું હતું. વધુ ધ્યાનથી જોતા ખબર પડી કે ‘ખોવાયેલું
જ જડી ગયું છે’. રિપોર્ટરે પોલીસને ફોન કરી હકીકત જણાવી અને પોલીસે
ઘરે પહોંચી પેરન્ટ્સને ટેરેસ પર લઈ જઈ બાળક આંગળીએ વળગાડી દીધું. છે ને ‘કાખમાં છોકરું ને ગામમાં ધમધમ’નો ક્લાસિક કિસ્સો.

લ્યો કરો વાત!
લંડનની એક પ્રતિષ્ઠિત કોલેજે ભૂખ અને ક્રોધનું કનેક્શન સાબિત કર્યું છે. સંશોધન અનુસાર ‘ખૂબ ભૂખ લાગે ત્યારે લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટી જતું હોય છે અને હોર્મોન્સનું પ્રમાણ વધી જાય છે. આ હોર્મોન્સ મગજ પર અસર કરે છે. ક્રોધ માટે જે હોર્મોન જવાબદાર છે એ જ હોર્મોન ભૂખ માટે પણ જવાબદાર હોય છે. એટલે જ ભૂખ વધતાની સાથે ગુસ્સાનું પ્રમાણ પણ વધી જતું જોવા મળે છે. આપણી ભાષામાં એક રૂઢિપ્રયોગ છે જે આ દલીલને સમર્થન આપનારી છે: ભૂખ્યો બ્રાહ્મણ અને ધરાયેલો કણબી, એમને છેડવા નહીં..’ . એનો સારાંશ એમ છે કે ભૂખ્યો બ્રાહ્મણ નારાજ હોય અને ખાધા પછી કણબીને આરામ જોઈએ. વાસ્તે એ સમયે એમને છેડવાથી આક્રોશને આમંત્રણ મળી જાય. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button