અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી
સાડા ચાર મહિના કમ્પ્યુટર – મોબાઈલથી કિટ્ટા
આજના ડિજિટલ યુગમાં કમ્પ્યુટર – લેપટોપ- મોબાઈલ જેવાં ઉપકરણો દૈનિક જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગયા છે. શ્ર્વાસ લેવાને સમકક્ષ મહત્ત્વ તેમને પ્રાપ્ત થયું છે. એની ગેરહાજરી દૈનિક વ્યવહારમાં મુસીબત ઊભી કરી શકે છે. એમાંય મોબાઈલ ફોન તો પરિવાર અને મિત્રો સાથે સંપર્ક અને સાનિધ્ય જાળવવાનું હાથવગું સાધન બની ગયું છે અને આંગળીના ટેરવે સમાચાર, માહિતી અને જ્ઞાન મેળવવાનો સ્રોત બની ગયો છે.
જોકે, ચીનમાં પીએચ.ડી. કરી રહેલા એક વિદ્યાર્થીએ સળંગ ૧૩૪ દિવસ (સાડા ચાર મહિના) મોબાઈલને રેઢો મૂકી દેશના
વિવિધ પ્રાંતમાં મુસાફરી કરી ઇલેક્ટ્રોનિક ઉપકરણ વિના પણ લાઈફ એક્સાઈટિંગ હોઈ શકે છે એ સિદ્ધ કર્યું છે. પોતાના અનુભવને રેકોર્ડ કરવા એણે બે ઇન્ટરનેટની સગવડ નહીં ધરાવતા બે કેમેરાનો ઉપયોગ કર્યો. મોબાઈલ ફોન મનુષ્ય જીવનનું ડિજિટલ અંગ બની ગયું છે અને એના વિના અનેક
કામ નથી થઈ શકતાએ હકીકત હોવા
છતાં આ વિદ્યાર્થીએ આ પ્રયોગ કરવાની હિંમત કરી.
ઘણી મુશ્કેલી પડી, પણ અન્ન વિનાના ઉપવાસ જેમ શરીર શુદ્ધિ કરે એમ મોબાઈલ ઉપવાસથી માનસિક શુદ્ધિ થઈ હોવાનું
અને એક અનોખો અનુભવ થયો હોવાની કબૂલાત તેણે કરી છે. હવે આ પ્રવાસને પુસ્તકમાં ઉતારી તેમજ ડોક્યુમેન્ટરી બનાવી પોતાનો અનુભવ એ લોકો સાથે શેર કરવા માગે છે.
ઢોરઢાંખર માટે પોલીસ પહેરો
રાજસ્થાનનું કોટા શહેર ચંબલ નદી, મહેલ અને મ્યુઝિયમ ઉપરાંત યાત્રાધામ અને મેડિકલ – એન્જિનિયરીંગની એન્ટ્રન્સ એક્ઝામમાં અવ્વલ આવવાના નુસખા શીખવતા કોચિંગ ક્લાસ માટે પણ મશહૂર છે.
કોટાની લાક્ષણિકતાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે. આ શહેરમાં ઢોરઢાંખર માટે વિશેષ પોલીસ ચોકીઓ બનાવવામાં આવી છે. પશુ અને પોલીસ વચ્ચે વળી શું સંબંધ એવો સવાલ થવો સ્વાભાવિક છે. આ ચોકીઓ પર સતત પોલીસ પહેરો રાખવામાં આવે છે. આ પ્રાણીઓ કોઈ ખોટું કામ કરે છે કે ભાગી જાય છે એવી વાત નથી, બલકે શહેર બહારથી અન્ય ઢોરઢાંખર કોટામાં ઘૂસી સ્થાનિક પ્રાણીઓ સાથે ભળી જતા અટકાવવા આ કોશિશ થઈ રહી છે. પોલીસ ઉપરાંત કોન્ટ્રેક્ટ લેબર પર પણ શ્રમજીવીઓને રાખી પ્રાણીઓની ઘૂસણખોરી અટકાવવા તેમને કોચિંગ આપવામાં આવ્યું છે. એક દેશમાંથી બીજા દેશમાં ઘૂસી જતા શરણાર્થીઓને
અટકાવતા પ્રસંગોની કોઈ નવાઈ નથી, પણ પ્રાણીઓ પર પાબંદી?! કુછ ભી હો સકતા હૈ.
રાશિથી રાજી કરી રોજીરોટી રળો
મધુ રાયની ‘કિમ્બલ રેવન્સવૂડ’ પરથી બનેલી ફિલ્મ ‘વોટ્સ યોર રાશિ’માં યોગેશ પટેલ નામનું પાત્ર લગ્ન કરવા સુક્ધયાની શોધમાં બાર રાશિની ક્ધયાઓ જોઈ વળે છે. રાશિનો મેળ, કુંડળીમાં ગ્રહોની દશા વગેરેનું મેરેજ માટે મહત્ત્વ તો સમજ્યા, પણ નોકરી મેળવવા કુંડળી કામ લાગે એ તો અજબ દુનિયાની ગજબ ઘટના જ કહેવાય. નોકરી મેળવવા શિક્ષણ, અનુભવ અને પ્રતિભા કામ આવે એ તો સમજ્યા, પણ હેરતઅંગેજ બાબતો માટે જાણીતા ચીનની એક કંપની આવડતને બદલે જન્માક્ષર જોઈ નોકરી આપી રહી છે.
સરકાર દ્વારા સંચાલિત ‘ચાઈના મોર્નિંગ પોસ્ટ’ અખબાર અનુસાર અરજદારોને નોકરી આપતા પહેલા એની કુંડળી તપાસે છે, કારણ કે કંપનીનું માનવું છે કે ‘ડોગ યર’માં જન્મેલો ઉમેદવાર બોસ અને કંપની માટે આફતનું પોટલું સાબિત થશે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે મહિને ૪૦૦૦૦ રૂપિયાના પગારે એ ક્લર્કને નોકરીએ રાખવાનો છે, પણ ‘ડોગ ઓફ યર’માં જન્મેલા ઉમેદવારે અરજી ન કરવી.
આ વિચિત્ર આગ્રહ પાછળનો તર્ક એવો છે કે કંપનીના બોસ ‘ડ્રેગન’ છે અને ડ્રેગન – ડોગ વચ્ચે કાયમ મતભેદ રહે છે અને તેમની વચ્ચેના સંબંધો આફતને આમંત્રણ આપનારા હોય છે એટલે ઉમેદવાર ઓછી આવડતવાળો હશે તો ચાલશે, પણ ‘ડોગ યર’વાળો તો ધોળે ધરમેય નહીં ખપે એવું ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે.
અને ચોર ઊડી ગયો
‘ચોર ભાગી ગયો ચોર પોબારા ગણી ગયો..ચોર છૂમંતર થઈ ગયો…’ એવું તમે સાંભળ્યું હશે – જાણ્યું હશે. ચોરી કર્યા પછી ગાયબ થવામાં ચોર મંડળી માહેર હોય છે. જોકે, હાથ સફાઈ કરી ચોર ઊડી ગયો હોવા વિશે તમે અજાણ હોવાના. ચોર પ્લેન પકડી ભાગી ગયો એવો તર્ક પણ તમે બાંધવાના, પણ હકીકત સાવ જુદી છે. યુએસના રાજ્ય મેસેચ્યુસેટસમાં હવાઈ ચોરની ઘટનાથી વિચિત્ર પણ હાસ્યાસ્પદ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. મિસ્ટર કારબર્ગ નામના શખ્સે સ્ટોરમાંથી ખરીદી કરતી વખતે ફિશિંગ દરમિયાન પહેરવામાં આવતા શર્ટ – શોર્ટ્સમાં ખિસ્સા નહોવાથી મોબાઈલ અને પર્સ શોપિંગ કાર્ટમાં રાખ્યા હતા. ખરીદી પતાવી ભાઈસાહેબ સ્ટોરની બહાર પાર્ક કરેલી ટ્રકમાં સામાન મૂકી રહ્યા હતા ત્યારે ઉડતું ઉડતું એક સિગલ (બગલા જેવું દરિયાઈ પક્ષી) શોપિંગ કાર્ટ પર બેઠું અને પલકવારમાં પર્સ ચાંચમાં ઉપાડી સરરર કરતું ઊડી ગયું. એ નક્કી કે આગલા જનમમાં આ સીગલ પાક્કું ઉઠાઉગીર હશે, કારણ કે ઊડીને થોડું દૂર બેઠું પછી પર્સમાં કેટલો માલ છે એ ચકાસવા લાગ્યું. પર્સ ફેંદી ચલણી નોટો પર ઊડતી નજર નાખી મિસ્ટર કારબર્ગનું ક્રેડિટ કાર્ડ ચકાસ્યું અને પછી જાણે સંતોષ થયો હોય એમ પર્સ સાથે ગગનમાં ગાયબ થઈ ગયું. કારબર્ગે આ ઘટનાનો વીડિયો ઉતાર્યો અને ‘ફેસબુક’ પર પોસ્ટ કરી લખ્યું કે કોઈને આ પર્સ મળે તો પાછું કરવા વિનંતી. એમાં રહેલી રોકડ રકમ રાખવાની છૂટ છે અને મારું લાઇસન્સ તેમજ કાર્ડ પાછું આપનારને વધારાના ૧૦૦ ડૉલર બક્ષિસપેટે આપવામાં આવશે.!
છોકરમતનું ‘વેચાણ’ કરતી માતા
પતિના છાનગપતિયાં પકડી પાડતી પત્નીના અનેક કિસ્સા જોયા હશે – જાણ્યા હશે. યુકેમાં જોકે ઊલટી ગંગા વહી છે. પતિએ પત્નીની વિચિત્ર હરકત પકડી પાડી છે અને ક્ધયાને પરણીને પોતે ભૂલ તો નથી કરી એવું વિચારતો થઈ ગયો છે. આંચકો આપનારી ઘટના એવી છે કે દંપતીને પાંચ અને આઠ વર્ષના બે સંતાન છે. ઘરમાં હોય ત્યારે આ ઉંમરનાં બાળકો રમતા રમતા લડી પડે કે પડી જાય કે બેસૂરા અવાજમાં ફેવરિટ સોન્ગ ગાય અને બાથરૂમ સુધી પહોંચી ન શકાય એમ હોવાથી કાર્પેટ પર પેશાબ થઈ જાય એ સ્વાભાવિક અને છોકરમત કહેવાય.
જોકે, છોકરાવની માતા આ છોકરમતનો વીડિયો રેકોર્ડ કરતી હોવાનું બાળકોના પિતાના ધ્યાનમાં આવ્યું. પહેલા તો ‘ફની મોમેન્ટ્સ’ની યાદગારી તરીકે આવું કરી રહી હશે એવું ભાઈસાહેબે ધારી લીધું. જોકે, પત્ની આ વીડિયો સોશિયલ મીડિયા પર વેચી એમાંથી પૈસા ઉપજાવતી હોવાનું ધ્યાનમાં આવતા ભાઈસાહેબને ચક્કર આવી ગયા છે. ‘આ શું માંડ્યું છે?’ એવો સવાલ કરતા છોભીલી પડવાને બદલે પત્ની સામી તાડુકી અને પોતાની ક્રિએટિવિટીને સપોર્ટ કરવાને બદલે કરેલી કમાણીની ઈર્ષ્યા કરે છે એવું સંભળાવી દીધું. આવી પત્નીને કઈ રીતે સમજાવવી એની સલાહ પતિ મિત્રો પાસેથી લઈ રહ્યો છે.
લ્યો કરો વાત!
પબ્લિક ટ્રાન્સપોર્ટ એવી વ્યવસ્થા છે જેની પ્રશંસા કરનારા કરતા એને વખોડનારા લોકોની સંખ્યા અનેકગણી હોય છે. જોકે, કેનેડાના વાનકુંવર શહેરથી છેક મેક્સિકો સુધી સરકાર સંચાલિત બસ – ટ્રેનમાં મુસાફરી કરનારા ૪૦ વર્ષના સોફ્ટવેર એન્જિનિયરનો અનુભવ જાણ્યા પછી વખોડનારાની ટકાવારીમાં ઘટાડો થઈ શકે છે.
વિલિયમ નામના શખ્સે સળંગ નવ દિવસ બસ અને ટ્રેનની મુસાફરી કરી એક દેશમાંથી બીજા દેશમાં પહોંચી ગયો. હેરત પમાડનારી વાત એ છે કે ટ્રેન – બસ બદલતી વખતે એણે ક્યારેય ૧૫ મિનિટથી વધુ ચાલવું નથી પડ્યું.