અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી
‘મારી નાખે’ એ પહેલા ‘જીવતી થઈ’
જન્મ અને મૃત્યુ વચ્ચે જીવાતું જીવન તમારી મરજીનું બનાવી શકો છો, પણ જન્મ ક્યાં અને ક્યારે થશે કે મૃત્યુ કઈ ઘડીએ બારણે ટકોરા મારી દેશે એ મનુષ્યના હાથની વાત નથી. અલબત્ત, મોતના મુખમાંથી ઉગરી ગયા હોય એવા હેરત પમાડતા કિસ્સા વિજ્ઞાનને પણ વિમાસણમાં મૂકી દે છે. યુકેના એસેક્સ નામના વિસ્તારમાં ૩૨ વર્ષની યુવતી મૃત્યુને હાથતાળી આપી જીવ લોકમાં પાછી ફરી છે. ‘હવે કેસમાં કંઈનથી’ એવું તારણ કાઢી ડોક્ટરો બ્રેનડેડ (એવી અવસ્થા જેમાં મગજ કામ કરતું બંધ થાય, માત્ર હૃદય ધબકતું હોય) યુવતીની લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવી લેવાની તૈયારીમાં હતા અને યુવતીની માતા અંતિમ વિદાય આપવા તૈયારી કરી રહી હતી એવામાં અચાનક યુવતીએ આંખો ખોલી. તબીબી વિજ્ઞાન પણ ન સમજાવી શકે એવી આ ઘટના હતી.
આ વાતની જાણ થતા આખો પરિવાર હાજર થઈ ગયો અને બધાની આંખમાંથી આંસુ ફરી વહેતા થયા. ફરક એટલો હતો કે થોડી વાર પહેલાના આંસુ શોકના હતા અને હવે હરખના અશ્રુ દડી રહ્યા હતા. આયુષ્ય રેખા બળવાન હોય ત્યારે યમરાજાએપણ ખાલી હાથે પાછા ફરવું પડતું હોય છે.
ઉંમર વડીલની કામ વંઠેલનું !
‘ઉંમર પચપન કી દિલ બચપન કા’ની ભાવના નિર્દોષ હોય ત્યાં સુધી સારી છે. જોકે, ઉગતા સૂર્યનાદેશ તરીકે ઓળખ ધરાવતા જાપાનમાં ત્રણ દાદાજીઓએ એવો ઉધમ મચાવ્યો છે કે ‘ઉંમર વડીલની કામ વંઠેલનું’ એવી નવી કહેવત બનાવવી પડે એવું છે. ૬૯, ૭૦ અને ૮૮ વર્ષના દાદાજીની પ્રથમ આપસી મુલાકાત કોઈ મંદિર કે નાના નાની પાર્કમાં નથી થઈ, બલ્કે જેલના સળિયા પાછળ થઈ હતી. એમના કરતૂતોને કારણે આંતરરાષ્ટ્રીયસ્તરે એમનાં નામ ગાજી રહ્યાં છે અને જાપાનમાં તો ‘ગ્રાન્ડપા ગેંગ’ના ‘ખિતાબ’થી તેમની નવાજેશ કરવામાં આવી છે. ‘ધ સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ નામના અખબારના અહેવાલ અનુસાર હોકાઈડો નામના ટાપુ વિસ્તારમાં આ ‘ત્રિપુટી’ ઘરફોડી, લૂંટફાટ જેવી પ્રવૃત્તિમાં વ્યસ્ત છે. ટૂંકમાં માળા ફેરવવાની ઉંમરે દાદાજીની ગેંગ હાથફેરો કરી રહી છે. મે મહિનામાં ગ્રાન્ડપા ગેંગ દ્વારા પહેલી ઘરફોડી કરવામાં આવી હતી જેમાં મામૂલી રોકડ રકમ અને વ્હીસ્કીની ત્રણ બોટલ ઉઠાવી જવામાં જ એમને સફળતા મળી હતી. જોકે, લૂંટના માલની વેલ્યૂથી નિરાશ થયા વિના બીજો હાથફેરો કર્યો અને આશરે પાંચ લાખ રૂપિયાના ઘરેણાંની ચોરી કરવામાં સફળતા મેળવી. દાદાજીનાં કરતૂતો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે અને જનમાનસમાં કુતૂહલની સાથે ક્રોધ પણ પેદા કરી રહ્યા છે.
‘બિલ્લી’ના બચ્ચા ડોક્ટર – એન્જિનિયર!
નથી કોઈ ઈશ્ર્વરી ચમત્કારની વાત કે નથી કોઈ અંધશ્રદ્ધાની વાત કે નથી કોઈ ગપગોળા. હકીકત છે- આ એક એવી હકીકત જે જાણ્યા પછી થોડી રમૂજ જરૂર થઈ શકે છે. ‘બિલ્લી’ના બાળકો કેજી – નર્સરીમાં ગયા પછી શાળાના પ્રાથમિક – માધ્યમિક સ્તરે અભ્યાસ કરી ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન મેળવી ડોક્ટર – એન્જિનિયરપણ બની જાય છે. તમે જરૂર સવાલ કરવાના કે ‘શું ટાઢા પહોરની હાંકો છો? ‘બિલ્લી’ના બચ્ચા ડોક્ટર – એન્જિનિયર બને એ વાત ગળે ઊતરે એવી નથી. ‘બિલ્લી’ પરનો પડદો ઉઠાવ્યા પછી જ વાત પલ્લે પડશે. આપણા દેશમાં અનેક ગામ – શહેરના નામ એવા વિચિત્ર છે જે એના રહેવાસીઓ માટે ક્ષોભનું કારણ બને છે. સ્થાનિક રહેવાસીઓ પોતે એ ગામના છે એવું કહેવામાં શરમ આવતી હોય છે. બિહારમાંથી છૂટું પડી ૨૦૦૦ની સાલમાં અસ્તિત્વમાં આવેલા ઝારખંડ રાજ્યના દેવધર જિલ્લામાં એક ગામ છે જેનું નામ ‘બિલ્લી’ છે. આ ગામનાં બાળકો ભણેશ્રી હોવાથી ‘બિલ્લી’ના બચ્ચા ડોક્ટર કે એન્જિનિયર બની ગયા હોવાનું કહેવામાં આવે છે. રહેવાસીઓને પોતે કયા ગામના છે એ કહેવામાં શરમ આવે છે, પણ ‘બિલ્લી’ના બચ્ચા ગામનું નામ રોશન કરી રહ્યા છે.
પક્ષીઓની ‘દાદાગીરી’થી બચવા પક્ષીઓના ‘દાદા’ની મદદ
સમાજમાં સારા લોકો હોય, નઠારા હોય અને ઉપદ્રવી લોકો પણ હોય. આ એક એવી જમાત છે જેને બીજાનુંઅહિત કરવામાં, હેરાનગતિ કરવામાં વધુ દિલચસ્પી હોય છે. આ વાત પ્રાણી સમાજને સુધ્ધાં સ્પર્શે છે. દાખલા તરીકે ઉંદર ઉપદ્રવી પ્રાણી તરીકે ઓળખાય છે. ગ્રેટ બ્રિટનના નોર્થ વેલ્સ વિસ્તારમાં પક્ષીનો ઉપદ્રવ દૂર કરવા માટે અજમાવવામાં આવેલો નુસખો હેરત પમાડનારો છે.
બન્યું એવું કે નોર્થ વેલ્સના એક સિટી સેન્ટરમાં શોપિંગ માટે આવતા ગ્રાહકોને બગલા જેવા દેખાતા દરિયાઈ પક્ષીનું ઝુંડ સી ગલ બહુ ત્રાસ આપી રહ્યું હતું, હેરાન કરી રહ્યું હતું. અજમાવેલાં વિવિધ ઉપાય નિષ્ફળ રહ્યા બાદ બાજ પક્ષીનીનિમણુંક ‘સુરક્ષા અધિકારી’ તરીકે કરવામાં આવી. નવા ચોકીદારની હાજરી જોયા પછી સિટી માર્કેટ પર ચકરાવો લેતા સી ગલના ઝુંડે નીચે ઉતરી ગ્રાહકોની વસ્તુ – ખોરાક ઝુંટવી તેમને પરેશાન કરવાનું માંડી વાળ્યું. પક્ષીના ઉપદ્રવથી બચવા પક્ષી જ મદદરૂપ થયું. ગબ્બર સિંહને પકડવા બે ગુનેગારની મદદ લેવાની ‘શોલે’ જેવી વાત થઈ. કિસ્સો ઝેરનું મારણ ઝેરના સિદ્ધાંતની પુષ્ટિ કરનારોછે.
એક તરફ ઉસકા ઘર એક તરફ મયકદા…
લગ્ન એટલે એક સામાજિક પરંપરા જેમાં સ્થૂળ ભાવે બે શરીર અને સૂક્ષ્મ ભાવે બે આત્માનું મિલન થાય છે. લગ્ન અને ખાસ કરીને ભારતીય લગ્ન એક ઉત્સવનું સ્વરૂપ ધારણ કરતા હોય છે. રીત -રિવાજ અને ધમાલ મસ્તીનું સંયોજન એટલે લગ્ન. મિત્રોને મોજ અને ફુવાનીનારાજગી જેવા બે અંતિમ વચ્ચે લહેરાતા લગ્નમાં અનેક પ્રસંગોનું પોટલું બંધાઈ જતું હોય છે.
બિહારમાં થયેલી એક શાદીનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો કિસ્સો મનોરંજન મોકાણ બની જાય તેનું પ્રતિબિંબ ઝીલે છે.
બિહારના ભાગલપુર જિલ્લામાં એક વરઘોડો માંડવે પહોંચવા નીકળે એ પહેલા ઉત્સાહથી થનગનતા વરરાજાએ મિત્રો સાથે ‘બોટમ્સ અપ’ કરી શરાબની પાર્ટી કરી. મસ્તીમાં ને જોશમાં એટલું બધું લેવાઈ ગયું કે જાન જોડવાનું ભુલાઈ ગયું. બીજી તરફ લગ્નના શણગાર સજી કોડભરી ક્ધયા વરઘોડાની રાહ જોતા જોતા લેવાઈ ગઈ.
વરરાજા શરાબના નશામાં ધૂત થઈ ગયો હોવાથી માંડવે સમયસર ન પહોંચી શક્યો એની જાણ થતા ક્ધયાએ મૈં યે શાદી નહીં કરુંગી કહી દીધું. લગ્ન તો ફોક થયા જ પણ ક્ધયા પક્ષે લગ્નની તૈયારી માટે જે પૈસા ખર્ચી નાખ્યા હતા એની પાઈ પાઈ વરપક્ષે ચૂકવી દેવી પડી. બે ઘડીની મોજ માટે કરેલો નશો એવો ઉતરી ગયો કે હવે કદાચ આજીવન શરાબ નહીં અડે !
લ્યો કરો વાત!
ટ્રાફિકની માથાભારે સમસ્યા હોય એવા મહાનગરમાં ફોર વ્હીલર (કાર) કરતા ટુવ્હીલર (સ્કૂટર – મોટર બાઈક વગેરે) નિયત સ્થળેથી નિશ્ર્ચિત સ્થળે પહોંચાડવામાં ઓછો સમય લેતું હોવાની વાત જાણીતી છે. જોકે, ટ્રાફિક જામમાં શિરોમણી ગણાતા
બેંગલુરુમાં તો ૧૧ નંબરની બસ તરીકે ઓળખાતા બે ટાંટિયાની મદદથી ફોર વ્હીલરની સરખામણીએ ઓછા સમયમાં પહોંચી શકાય છે એવું રસ્તાનો ભોમિયા – એ – શહેનશાહ ગૂગલ મેપ કહે છે. ઓફિસે પહોંચવાના અને ત્યાંથી છૂટવાના પીક અવર્સમાં બેંગલુરુમાં એક સ્થળેથી બીજા સ્થળે વાહન કરતા ચાલીને વહેલા પહોંચી શકાય એ ગૂગલ મેપ દ્વારા એક ઉદાહરણથી દર્શાવવામાં આવ્યું છે.