ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

મૃત્યુ પછી શરીર થીજાવી દેવાની ઘેલછા

અમેરિકાના કુબેરપતિઓમાં એક નવી ઘેલછા જોવા મળી રહી છે. ગયા અઠવાડિયે અમેરિકાના એક જાણીતા ઉદ્યોગપતિ પીટર થીલએ ‘ક્રાયોજેનિક ફ્રિઝિંગ’ તરીકે ઓળખાતી પદ્ધતિ માટે પોતાનું નામ લખાવી દીધું છે. ક્રાયોજેનિક ફ્રિઝિંગ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જેમાં મૃત્યુ પામેલા માનવ શરીરને થીજાવી દેવામાં આવે છે એ આશા સાથે કે ભવિષ્યમાં ક્યારેક (જેનું કોઈ અનુમાન નથી) વિજ્ઞાનની મદદથી એ ફરી જીવિત થઈ શકે છે. અત્યાર સુધીમાં ૫૦૦ લોકોએ મૃત્યુ પછી પોતાના શરીર થીજાવી દેવા માટે કરાર કરી લીધા છે અને બીજા ૫૦૦૦ લોકો લાઈનમાં ઊભા છે. મૃત્યુ એક અલ્પવિરામ છે અને વિવિધ જીવસ્વરૂપે ફરી જન્મ લેવાનો છે એ માન્યતાથી આગળ વધી નવી કલ્પના અસ્તિત્વમાં આવી છે. અવસાન થયેલી વ્યક્તિના મગજને કમ્પ્યુટર સાથે જોડી દેવાય છે અને ભવિષ્યમાં એ પુનર્જીવિત કરી શકાય એવી થિયરી છે. આ પ્રક્રિયા માટે ધનપતિઓ મોં માગ્યા પૈસા આપતા અચકાતા નથી. સંપૂર્ણ શરીર ફ્રીઝ કરાવવું હોય તો બે લાખ ડૉલર (૧ કરોડ ૬૬ લાખ રૂપિયા) અને માત્ર મગજ ફ્રીઝ કરાવવા માટે ૮૦૦૦૦ ડોલર (૬૬ લાખ રૂપિયા) ચૂકવી દેવાના.

MADE ઈન ચાઈના MAD ઈન ચાઈના

પ્રેમિકા – પત્ની માટે ‘કહે તો આસમાં સે ચાંદ તારે તોડ લાઉં’ વાત એકવીસમી સદીમાં જુનવાણી લાગતી હશે, પણ ‘દિલ તો પાગલ હૈ, દિલ દીવાના હૈ’ ભાવના સર્વકાલીન છે. પ્રેમિકા સાથે સાત વર્ષ રિલેશનશિપમાં રહ્યા પછી ગયા મહિને પ્રેમિકાને પત્ની બનાવનાર ૩૧ વર્ષનો લિન શુ નોકરી કરવા રોજના છ કલાક મુસાફરી કરવા ૩૨ કિલોમીટરનું અંતર કાપે છે. મિસ્ટર લિન સવારે પાંચ વાગ્યે જાગી, ૨૦ મિનિટમાં તો દાદરો ઊતરી ઈ – બાઈક પર સવાર થઈ ૩૦ મિનિટનું અંતર કાપી સ્ટેશને પહોંચી સવા છની ટ્રેન પકડી પોણા આઠ વાગ્યે ટ્રેનમાંથી ઊતરી ૧૫ મિનિટ અંડરગ્રાઉન્ડ સબવેમાં મુસાફરી કરી ઓફિસ પહોંચે છે. કંપનીની કેન્ટિનમાં ચા – નાસ્તો કરી નવ વાગ્યે ડ્યુટી પર હાજર થઈ જાય છે. છૂટવાનો સમય થાય એટલે બેકપેક ઉપાડી વળતી મુસાફરી પૂરી ૧૬૦ કિલોમીટર દિયર આવેલા ઘરે પહોંચી જાય છે. આવી જફા શું કામ કરતો હશે?
‘દિલ દિયા હૈ, જાં ભી દેંગે, અય સનમ તેરે લિયે’ માટે. સોશિયલ મીડિયા પર લિનની મુસાફરીનો આલેખ જોઈ લોકો ચોંકી ગયા, પણ ‘દિલ કી દૌલત’ આગળ બીજું બધું પાણી ભરે એવી દલીલ કરવામાં આવી છે. નોકરી છે એ વિસ્તારમાં ઘર લેવું આજની તારીખમાં પોસાય એવું નથી. અલબત્ત, પ્રેમિકા -પત્ની લિન નોકરી કરે છે એ વિસ્તારમાં જ જોબ ગોતી રહી છે અને એ મળશે એટલે ત્યાં ઘર લઈ લેશે અને પતિની હડિયાપાટી ઓછી થઈ જશે. આ યુગલ Made in China તો છે જ, Mad in China પણ છે.

૭૨ વર્ષે ૨૭ની ઉંમરની નોકરી

‘હૈયામાં હોય જો હામ તો હર કામ આસાન’ એવું બોલવું બહુ આસાન છે, પણ અમલમાં મૂકવાનું એટલું આસાન હંમેશાં હોય એ જરૂરી નથી. ઉંમરનો મેળ ઉત્સાહ – ઉમંગ – ઉદ્યમ સાથે કાયમ બેસે એ પણ જરૂરી નથી. યુકેના સૌથી વિશાળ એલ્ટન ટાવર્સમાં ૭૨ વર્ષના સન્નારી એવી નોકરી કરી રહ્યાં છે, જે સ્વીકારવા ૨૭ વર્ષનો તરવરાટ અને જીગર જોઈએ. તમે થીમ પાર્કનો
અનુભવ લીધો હશે તો રોલર કોસ્ટર રાઇડના રોમાંચથી પરિચિત હશો. આ રાઈડ એટલી થ્રિલિંગ હોય છે કે એમાં બેસવા વડીલો મોટેભાગે તૈયાર નથી હોતા. ૭૨ વર્ષનાં દાદીને રોલર કોસ્ટર રાઈડનું પરીક્ષણ કરવાનો ‘ખતરનાક’ જોબ મળ્યો છે. દાદીની લાઈફ સાહસિક રહી છે અને વિશ્ર્વમાં વિવિધ સ્થળે ૫૦૦૦થી વધુ પેરાશૂટ જમ્પ કરી ચુક્યાં છે. સહેલાણીઓને રોમાંચ
અનુભવ કરાવતા પહેલા એનું પરીક્ષણ જાતે કરવાની દાદીમાની તૈયારી જોઈ થીમ પાર્કના સંચાલકોને આશ્ર્ચર્ય થયું, પણ દાદામા આર્મી પેરાશૂટ રેજિમેન્ટમાં કામ કરવાનો અનુભવ ધરાવે છે એની જાણ થયા પછી સંચાલકો ‘શી કેન ડુ ઈટ’ માનવા લાગ્યા. ભૂતકાળમાં પોતે પાર પાડેલી જવાબદારીઓની સરખામણીમાં આ કામ તો દાદીજીને બહુ સહેલું લાગે છે. આને કહેવાય દાદીમાની દાદાગીરી.

ધુમ્મસ સપડાવો. પાણી મેળવો

પાણી વિશ્ર્વની સૌથી સળગતી સમસ્યા બનવાનો સંભવ છે. અગાઉના સમયમાં જ્યારે ટેક્નોલોજીનો વધુ વિકાસ નહોતો થયો એ સમયકાળમાં ધુમ્મસમાંથી પાણી મેળવવામાં આવતું હતું. લોકો વૃક્ષ કે છોડની નીચે મોટા માટલા કે બાલદી મૂકી દેતા હતા , જેમાં સરી ગયેલું પાણી જમા થઇ જતું હતું.

આજે તો વિજ્ઞાને હરણફાળ ભરી છે, એન્જિનિયરો ધુમ્મસમાંથી પાણી મેળવવા માટે આધુનિક ઉપાય અજમાવી રહ્યા છે. આ પ્રયાસોમાં સૌથી વિશેષ ભાત પાડતો પ્રયત્ન છે ફોગ કેચરનો. મતલબ કે ધુમ્મસને સપડાવવાની એને બંદી બનાવવાની વાત છે. યુકેમાં હાલ અનેક સ્થળે નજરે પડતું આ ફોગ કેચર બીજું કંઈ નહીં, પણ મસમોટા સ્ક્રીન (આડશ) હોય છે જે પાણીની તંગીવાળા સૂકા પ્રદેશમાં ઊભા કરાય છે. હવાની ગતિ સાથે ધુમ્મસ આગળ વધે ત્યારે આ સ્ક્રીનના સંપર્કમાં આવતા સ્ક્રીનની સપાટી પર જળબિંદુઓ રચાય છે, જે ટપકીને નીચે રાખવામાં આવેલા વાસણમાં એકઠા થાય છે. એક સ્ક્રીનની મદદથી એક દિવસમાં ૧૦૦ ગેલન (૧ ગેલન એટલે આશરે પોણા ચાર લિટર) પાણી જમા થઇ શકે છે.

કૅશ કર્તનકાર માટે કૅશ કીર્તનકાર

વાળ કાપનાર માટે વાળંદ, નાઈ જેવા શબ્દ વાપરવા ઉચિત ગણાય છે. વાળંદની દુકાન માટે કેશ કર્તનાલય પ્રયોગ એક સમયે જાણીતો હતો. વાળ કાપનારને કૅશ કર્તનકાર એવું માનવાચક સંબોધન કરવામાં આવતું. અસલના વખતમાં નાઇની દુકાન ‘ગોસિપ સેન્ટર’ તરીકે નામચીન હતી.
દિલ્હીના કિસ્સામાં તો ગ્રાહક – વાળંદ વચ્ચેના સંબંધમાં લાગણીનો ચમકારો જોવા મળ્યો છે. દિલ્હીમાં ક્યુઆર કોડ ધરાવતું ટી શર્ટ પહેરી એક ભાઈ ફરી રહ્યા હતા અને એના પર લખ્યું હતું કે ‘આ કોડને સ્કેન કરશો તો તમને ખબર પડશે કે પુરુષોમાં પણ લાગણી હોય છે.’ પૂજા નામની એક યંગ છોકરીએ આ જોયું અને ટી શર્ટ સ્કેન કરતા બધી જાણકારી ફોન પર આવી ગઈ. એ વાંચી પૂજા ખૂબ લાગણીવશ થઈ ગઈ અને આખી વાત તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી. વાત એમ હતી કે ટી શર્ટ પહેરનાર શખ્સ જેમની પાસે કેશ કર્તન કરાવતા હતા એ વાળંદનો ફોન ચોરાઈ ગયો હતો. ગ્રાહકે લખ્યું કે વાળંદ બહુ મિલનસાર છે અને પોતાનું કામ બહુ સારી રીતે કરે છે. જોકે, હસમુખ રહેતા આ નાઈનો ચહેરો પડી ગયો છે, કારણ કે એનો ફોન ચોરાઈ ગયો હોવાથી ક્રાઉડ ફંડિંગ શરૂ કરી ૧૫ હજાર રૂપિયા ભેગા કરી વાળંદને નવો ફોન અપાવવા ધારે છે, કૅશ કીર્તનકાર માટે શખ્સ કેશ કીર્તનકાર (રોકડ રકમ માટે વિનંતી) બની ગયો. જોકે, પૂજાની પોસ્ટ વાઈરલ થયા પછી કોઈ સખાવતી સંસ્થાએ વાળંદને નવો ફોન ભેટ આપ્યો અને ભંડોળ ભેગું કરવાની નોબત જ ન આવી. જોકે, આવા ઉમદા પ્રયાસથી એ શખ્સની શાન વધી ગઈ.

લ્યો કરો વાત!

માનવ ભૌતિક સુખની સાથે સાથે આધ્યાત્મિક સુખની પણ ઝંખના કરતો હોય છે. શરીર સુંદર અને સુડોળ બનાવવા પર ધ્યાન આપનારા માણસને માનસિક અને ચૈતિક વિકાસની પણ પ્રબળ ઈચ્છા હોય છે.
૧૯૧૨માં ઑસ્ટ્રિયન સાયન્ટિસ્ટ, ફિલોસોફર અને આર્ટિસ્ટ ડોક્ટર રૂડોલ્ફ સ્ટેનરે માનવીય હિલચાલ કે ગતિને કળાત્મક ઓપ આપી એક નવી ભેટ જગતને આપી. આ આખીય કલ્પના એન્થ્રોપોસોફીના પાયા પર વિકસાવવામાં આવી હતી. એન્થ્રોપોસોફી જ્ઞાનનો માર્ગ છે જેના પર ચાલવાથી માણસનો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. માનવીય ચેતનાની એક નવી દુનિયાના દરવાજા ખુલી જાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button