અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી
ફિનલેન્ડમાં સોશિયલ મીડિયાના ઉપવાસ
મોબાઈલ મેડનેસ આધુનિક યુગનું ગાંડપણ છે. શારીરિક આરોગ્યની તંદુરસ્તી જળવાઈ રહે એ માટે સમયાંતરે ઉપવાસ (એકાદશી કે પછી શ્રાવણીયા સોમવાર વગેરે) કરવાની એક પરંપરા જન્મી હતી. એકવીસમી સદીમાં માનસિક આરોગ્યનું સંતુલન જળવાઈ રહે એ માટે ‘મોબાઈલ ઉપવાસ’ કરવાની સલાહ આપવામાં આવે છે. સાંસ્કૃતિક સમૃદ્ધિ ધરાવતા યુરોપિયન દેશ ફિનલેન્ડના એક નાનકડો ટાપુ ‘ઓકો ટેમિયો’ આ ભાવનાને અલગ સપાટીએ લઈ ગયો છે. ફિનલેન્ડ નેશનલ પાર્કના પૂર્વ વિસ્તારમાં આવેલા આ ટાપુ પર આ વર્ષે સહેલાણીઓ માટે ‘નો ફોન’ પોલિસીનું પાલન કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ટાપુ પર ફરવા આવતી પ્રજાએ મોબાઈલ ફોન ખિસ્સામાં રાખવાનો રહેશે. ફોટોગ્રાફ – વીડિયો નહીં લેવાનો અને સૌથી મહત્ત્વનું સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરવાનો.
‘ફોનને સ્વિચ ઓફ કરી સોશિયલ મીડિયાના ઉપવાસ કરી પ્રકૃતિને પ્રેમ કરો અને આનંદ માણો’ એમ કહી દેવામાં આવ્યું છે. મોબાઈલ ફોનના સ્ક્રીન પરથી નજર હટાવી કુદરતના સ્ક્રીન પર મીટ માંડી મોજ માણવાનો અવસર એન્જોય કરવાની આ વાત અનેક લોકોને પસંદ પડી છે.
દીકરીની ઊંચાઈથી મા ઊંચીનીચી
બાળવાર્તાની રાજકુમારી દિવસે ન વધે એટલી રાત્રે અને રાત્રે ન વધે એટલી દિવસે વધે એ વાંચી દરેક બાળકી હરખાય અને એવું અંગત જીવનમાં થાય ત્યારે દરેક માને હરખની સાથે ચિંતા પણ થાય.
જોકે, ચીનના હેલોન્ગજિયાંગ પ્રાંતની નિવાસી ૨૫ વર્ષની નખશીખ સૌંદર્યવતી યુવતી શિયો માઈની ઊંચાઈ એ હદે વધી ગઇ છે કે એની મા ઊંચીનીચી થઈ ગઈ છે. સાત ફૂટ પાંચ ઈંચની તાડ જેવી ઊંચાઈ ધરાવતી પુત્રી શિયોને બરોબરીનો (ઊંચાઈમાં) બોયફ્રેન્ડ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. માફક મુરતિયો નહીં મળે તો દીકરીના હાથ પીળા કેવી રીતે થશે એ ચિંતા માને થાય એ સ્વાભાવિક છે. ઓળખીતા પાળખીતામાં કોઈ મેળ પડ્યો નહીં એટલે માતાએ દીકરીનો એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. ‘આ મારી દીકરી માટે યોગ્ય જીવનસાથી હોય તો જણાવજો’ એવી અપીલ કરવામાં આવી છે. વીડિયો ફટાક કરતો વાઈરલ થયો અને ‘જિસકી બીવી લંબી ઉસકા ભી બડા નામ હૈ’ની ભાવના અનુસાર મોટું નામ કરવા શિયો માઈના ઘરે ઉત્સુક જુવાનિયાઓની અવરજવર વધી ગઈ છે.
ગાંઠિયામાંથી સેવ બનવાના અભરખા
આપણા લોકસાહિત્યની અદભુત રચનાઓમાંની એક ‘માડી હું તો બાર બાર વરસે આવિયો, માડી મેં’ તો નવ દીઠી પાતલડી પરમાર રે’ અત્યંત હૃદયસ્પર્શી કાવ્ય છે. કવિતાની પાતળી પરમારની તો સાસુએ હત્યા કરી હોય છે, પણ એકવીસમી સદીની સોટી જેવી પાતળી પરમારને હજી વધુ પાતળા થવાના અભરખા છે. સાડા પાંચ ફૂટની ઊંચાઈ ધરાવતી ચાઈનીઝ ક્ધયા નૂડલ્સ જેવી દેખાય છે અને એનું વજન છે માત્ર ૨૫ કિલોગ્રામ. ‘ઝીરો ફિગર’નું ભૂત એના પર એ હદે સવાર છે કે બહેનબા હજી વજન ઉતારવા માગે છે. ગાંઠિયામાંથી સેવ બનવા માગે છે. શરીર અતિશય પાતળું હોય તો નિરોગી રહેવાય એ માન્યતાનું ભૂત એના પર સવાર થયું છે. સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર તરીકે જાણીતી આ પાતળી પરમાર અવનવા પોશાકમાં પોતાની કાયાનું પ્રદર્શન સોશિયલ મીડિયા પર કરતી રહે છે. જો કોઈ ટીકા કરે તો એને દરિયામાં નાખી દે છે અને તરુણીઓને વજન ઘટાડવા સલાહ આપતી રહે છે.
સવાલ એવો છે કે અવિનાશ વ્યાસની રચના ‘તારી બાંકી રે પાઘલડીનું ફુમતું રે’માં ઉલ્લેખ કરવામાં આવેલા પાતળિયા જેવો
સોટા જેવો કોઈ આ સોટીને મળશે ખરો?
મતલબ નિકલ ગયા હૈ તો પેહચાનતે નહીં
એ વાત ખરી કે એકાઉન્ટન્ટનું કામ ગણિત અને ગણતરી સાથે હોય છે. ગણતરીબાજ તરીકે એ ઓળખાય છે. અલબત્ત, આ બધું વ્યવસાય પૂરતું સીમિત હોય છે. જોકે, ઉત્તર પ્રદેશના ઝાંસી શહેરમાં ઋચા નામની યુવતીએ એકાઉન્ટન્ટ અંગત જીવનમાં પણ ગણતરીબાજ હોવાનું સિદ્ધ કર્યું છે. વાત એમ છે કે ઝાંસી નિવાસી નીરજ વિશ્ર્વકર્મા સુથારી કામ કરતો હતો. બે વર્ષ પહેલા ઋચા સાથે એણે લવ મેરેજ કર્યા હતા. લગ્ન પછી પત્નીએ ભણવાની ઈચ્છા વ્યક્ત કરી એટલે વિશ્ર્વકર્માએ એડીચોટીનું જોર લગાવી ખૂબ મહેનત મજૂરી કરી પત્નીને ભણાવી. લવસ્ટોરીમાં એવો વળાંક આવ્યો કે એકાઉન્ટન્ટની સરકારી નોકરી મળ્યા પછી પતિને છોડી પત્ની જતી રહી. ‘કેવા લગ્ન અને કેવી વાત, હું તો તને ઓળખતી જ નથી’ એવાં ગીત ગાવા લાગી. પત્ની માટે પરસેવો પાડી દિવસ રાત એક કરી લાકડા વહેરવાનું કામ પતિએ કર્યું, પણ જાતે વેતરાઈ જવાનો વખત આવ્યો. સાહિર લુધિયાનવીના ગીતની પંક્તિ જેવું થયું ‘મતલબ નિકલ ગયા હૈ તો પેહચાનતે નહીં, યૂં જા રહે હૈં જૈસે હમેં જાનતે નહીં.’
હવે મંદિરમાં કરેલા લગ્નના ફોટોગ્રાફ અને વીડિયો લઈ નીરજ ન્યાય મેળવવા કોશિશ કરી રહ્યો છે.
૧૪ વર્ષમાં ૬ પીએમ જોઈ નાખ્યા!
પોતાનો અનુભવ વધારે છે કે દુનિયાદારીની સમજ વધુ છે એ દર્શાવવા ‘તારા કરતાં વધુ દિવાળી જોઈ છે, સમજ્યો ને!’ એમ વડીલો કહેતા. તાજેતરમાં લોકસભાની ચૂંટણી વખતે એવા કેટલાક વડીલ મતદાર હતા, જે ‘તમારા કરતાં વધુ ચૂંટણી- વધુ સરકાર જોઈ છે’ એવું કહી શકે એમ હતા.
રાજકીય બદલાવને કેવી રીતે મૂલવવો એ અંગત અભિપ્રાયની વાત છે, પણ યુકેના વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ‘ટેન ડાઉનિંગ સ્ટ્રીટ’માં રહેતી બિલાડીની આંખ સામેથી ૧૪ વર્ષમાં ૬ વડા પ્રધાન બદલાઈ ગયા છે. કોઈ પણ બિલાડીને એ કહી શકે એમ છે કે ‘તારા કરતાં વધુ પીએમ જોયા છે’. રૂઢિચુસ્ત પક્ષ (ક્ધઝર્વેટિવ પાર્ટી)ના વડા પ્રધાન ડેવિડ કેમરુન ઉંદરના ત્રાસમાંથી
મુક્ત થવા લેરી નામની બિલાડી પીએમ હાઉસમાં
લઈ આવ્યા હતા. યુકેમાં રૂઢિચુસ્ત પક્ષની સત્તા ગઈ છે અને મજૂર પક્ષ (લેબર પાર્ટી) પાસે શાસન આવ્યું છે. નવા વડા પ્રધાન, નવું પ્રધાનમંડળ અને બીજું ઘણું બધું નવું બની રહ્યું છે, પણ લેરી બિલાડીને બદલવાની કોઈ
વાત નથી.
‘૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ’માં અસલી શાસન તો લેરીનું છે એવું મજાકમાં કહેવાય છે. નવા વડા પ્રધાન પાસે પોતાની બિલાડી અને શ્ર્વાન હોવા છતાં લેરીના સ્થાનને ઊની આંચ નથી આવી એ બહુ ઊંચી વાત કહેવાય.
લ્યો કરો વાત!
મેલી વિદ્યા (બ્લેક મેજિક) એક એવું દૂષણ છે જેણે અનેક
સૈકાઓ સુધી માનવ સમાજમાં પરેશાની ઊભી કરી છે. જોકે આ દૂષણ હવે માઝા વટાવી રાજકારણમાં પ્રવેશ લઈ ચૂક્યું છે એમાં કોઈ
વિદ્યા નથી, પણ મેલી રમત જરૂર છે. અનેક વર્ષ ભારતીય સહેલાણીઓના માનીતા રહેલા માલદિવ્ઝના પ્રેસિડેન્ટ સામે મેલી વિદ્યા કરવાના આરોપસર ટોચના રાજકારણીની ધરપકડ કરવામાં આવી છે. પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જના પ્રધાનની આવી હરકત અચરજ પમાડનારી અને આંચકો આપનારી છે. જોકે, આજની તારીખમાં રાજકારણમાં પણ મેલી ( અને કાળી! ) રમત રમાય એની હવે નવાઈ નથી રહી.