અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી
લિખિતંગ એક ચોરના વાંચજો જાજા જુહાર
મોટાભાગની ચોરી મજબૂરીમાં કરવામાં આવતી હોય છે. ‘ચોરી મેરા કામ હૈ’ જેવા કિસ્સા તો જૂજ હોય છે. હાથફેરો કરવો એ સામાન્ય માનવી લક્ષણ નથી. તામિલનાડુમાં તાજેતરમાં થયેલી ચોરીનો કિસ્સો ચોર પ્રત્યે ઘૃણા નહીં દયાભાવ પ્રગટ કરે છે. નિવૃત્ત શિક્ષક દંપતી મિસ્ટર સેલ્વીન અને એમનાં પત્ની થોડા દિવસ પહેલા પોતાના ગામથી ચેન્નઈમાં રહેતા પુત્રના ખબરઅંતર જાણવા ગયા હતા. દસેક દિવસ પછી પાછા ફર્યા ત્યારે જોયું તો ‘મોર કળા કરી ગયો’ હતો. ઘરમાંથી રોકડા ૬૦૦૦૦ રૂપિયા, સોનાનાં ઘરેણાં અને ચાંદીની એક જોડી પાયલ ગાયબ હતા. કેસની તપાસ કરી રહેલી પોલીસને એક ચિઠ્ઠી હાથ લાગી. ચોરભાઈએ એમાં લખ્યું હતું કે ‘મને માફ કરજો. તમારી માલમતા હું એકાદ મહિનામાં પાછી આપી જઈશ. હું ચોર નથી, પણ મારા ઘરમાં કોઈ બીમાર છે અને એના ઈલાજ માટે મને તાત્કાલિક પૈસાની જરૂર હોવાથી ખાતર પાડ્યું છે.’ હેરત પમાડનારી વાત એ છે કે ગયા વર્ષે કેરળમાં પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો, જેમાં ત્રણ વર્ષના બાળકના ગળામાંથી સોનાનો નેકલેસ ચોરી જનારે એ નેકલેસ વેચવાથી ઉપજેલા પૈસા એક માફી પત્ર સાથે મૂળ માલિકને પરત કર્યા હતા. કેરળનો કેસ જાણી કલાપીની પંક્તિનું સ્મરણ થાય છે ‘હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.’
ટોક્યોમાં ચૂંટણી પ્રચારનો તમાશો
ચૂંટણીની મોસમ એક એવો સમય છે જ્યારે એક જુઓ અને એક ભૂલો એવા જાતજાતના ખેલ તમાશા જોવા મળે. ‘યે ક્યા હો રહા હૈ’ એવી બૂમ પાડવાનું મન થઈ જાય. જોકે, જાપાનના ટોક્યો શહેરમાં નવા ગવર્નરની ચૂંટણી પ્રચારનું અવલોકન કર્યા પછી અસ્સલ દયાભાભીની જેમ ‘હે મા! માતાજી!’ બોલી પડાય. ૧ કરોડ ૩૫ લાખની વસતિ ધરાવતા ટોક્યોના ગવર્નરના ઈલેક્શનમાટે ૫૬ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. એમાંના કેટલાક ઉમેદવારે પ્રચારમાં જે ખેલ કર્યા છે એ જોઈ શહેરનો સામાન્ય નાગરિક નારાજ છે અને આ તામશો વિદેશીની નજરે પડશે તો મોઢું સંતાડવાની જગ્યા શોધવી પડશે એવી લાગણી ફેલાઈ છે.
એક ઉમેદવારે પોસ્ટરમાં ‘એડલ્ટ એન્ટરટેઇન્મેન્ટ શોપ’ની વાત કરી છે તો બીજા એક પોસ્ટરમાં બહુ ઓછા વસ્ત્રો સાથે એક સ્ત્રી ઊભી છે અને ‘વાણી સ્વાતંત્ર્ય પર મુકેલો પ્રતિબંધ રદ કરો’ જેવી વાત કરી છે. વાણી સ્વાતંત્ર્યને નગ્નતા સાથે જોડવાની વાત કેવી બીભત્સ છે. કોઈ પોસ્ટરમાં પાળેલો શ્ર્વાન રજૂ કરવામાં આવ્યો છે તો કોઈએ વળી મહિલા બોક્સરનું ચિત્ર મૂક્યું છે. આવા બંડલ અખતરા સામે કોઈ પગલાં નથી લેવામાં આવ્યા, કારણ કે ૧૯૫૦ના જાહેર ચૂંટણીના કાયદા અનુસાર જાપાનમાં ચૂંટણી લડતા ઉમેદવારોને કંઈ પણ કહેવાની છૂટ હોય છે. શરત એટલી જ છે કે એમાં બીજા કોઈ ઉમેદવારનો ઉલ્લેખ ન હોવો જોઈએ અને કોઈ વાત સત્યથી વેગળી અને આબરૂને નુકસાન પહોંચાડનારી ન હોવી જોઈએ.
પેટમાં માથું દુખે છે…!
નિશાળના માસ્તરે આપેલું ઘરકામ ન કર્યું હોવાથી અને મૌખિક પરીક્ષા માટેની તૈયારી ન કરી હોવાથી માંદગીનું બહાનું કાઢી શાળામાં ગુટલી મારી હોય અને બીજે દિવસે માસ્તરે કરેલા સવાલ ‘કેમ કાલે પેટમાં માથું દુખતું હતું’ના જવાબમાં હકારમાં માથું ધુણાવતા ખોટું બોલવાની ચોરી પકડાઈ જાય ત્યારે જે લાગણી થાય એવી જ લાગણી ૨૩ વર્ષની ગ્રેસ નામની યુવતીને થઈ હોવી જોઈએ.
નોકરીને કારણે મેડમને ઈન્ડોનેશિયાના બાલી અને યુરોપ વચ્ચે આવ – જા કરવી પડે છે. કોઈ સંજોગોને કારણે અચાનક બાલી જવું પડે એમ હતું ત્યારે યુવતીએ મેનેજરને ફોન કરી કહ્યું કે ‘તબિયત સારી નથી એટલે ડોક્ટરને દેખાડવા જવું પડે એમ હોવાથી સિક લિવ (માંદગીની રજા) લઈ રહી છું.’ ત્યારબાદ નચિંત થઈ મેડમ બાલી જવા વિમાનમાં બેઠા. નસીબ કેવા વાંકા કે એ જ દિવસે એ જ વિમાનમાં એનો મેનેજર પણ મુસાફરી કરી રહ્યો હતો. ‘માંદગીની રજા’ લેનારી યુવતી પર મેનેજરનું ધ્યાન પડ્યું અને પોતે અને પેલી યુવતી દેખાય એ રીતે ફોટો પાડી યુવતીને જ મોકલી આપ્યો અને કટાક્ષમાં સવાલ કર્યો કે ‘અચ્છા, અહીં ડોક્ટરને તબિયત દેખાડવા આવી છો?’
આમ ચોરી પકડાઈ ગઈ પછી યુવતીએ આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર શેર કરી અનુકંપા મેળવવાની કોશિશ કરી.
પ્રાણીના વસતિ વધારાએ નવી નોકરી ઊભી કરી
અજબ દુનિયામાં કેવી ગજબ વાત બનતી હોય છે કે એ વાંચ્યા – જાણ્યા પછી આંખો પહોળી થઈ જાય, મોંમાં આંગળાં નાખી દેવાય. વિશ્ર્વ માટે ક્યારેક કોયડો તો ક્યારેક અચરજ તો ક્યારેક બીજું કશુંક બની ઊભાર હેતા ચીનનું આ ઉદાહરણ જાણ્યા પછી ‘હોય નહીં’ એવા ઉદગાર જરૂર સરી પડશે.
નોકરીની દુનિયામાં ક્રાંતિ જોવા મળી છે. ચીનના અખબાર ‘ધ સાઉથ મોર્નિંગ પોસ્ટ’માં જણાવ્યા અનુસાર તેમના દેશમાં ‘પેટ ડિટેક્ટિવ’ તરીકે નોકરી માટેની તક ઊભી થઈ છે. ચીનમાં પ્રાણીઓની વધી રહેલી વસ્તી અને પાળેલા પ્રાણી ઘરમાં રાખવાની વધી રહેલી ઘેલછાનું આ પરિણામ છે. કહે છે કે ચીનાઓ પાળેલાં પ્રાણી માટે અનહદનું મમત્વ ધરાવે છે. જો બિલાડી કે શ્ર્વાન અથવા બીજું કોઈ પ્રાણી ખોવાઈ જાય તો માલિકો બેબાકળા બની જતા હોય છે. આ લોકો ‘પેટ ડિટેક્ટિવ’ને ફી ચૂકવી ભાગી ગયેલું કે ખોવાઈ ગયેલું પાલતું પ્રાણી પાછું મેળવવાની કોશિશ કરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની સર્વિસની જાણકારી આપતા આ ડિટેક્ટિવ મહિને દાડે આશરે સાડા ત્રણ લાખ રૂપિયા જેટલી રકમ કમાઈ શકે છે. માનવી – માનવી વચ્ચેનો બોન્ડિંગ કરતાં માણસને પ્રાણીઓ માટે હેત વધી રહ્યું છે એનો વધુ એક પુરાવો.
મૌત તૂ એક નૌકરી હૈ!
હૃષીકેશ મુખરજીની સંવેદનશીલ ફિલ્મ ‘આનંદ’માં કવિ ગુલઝારસાબની એક હૃદયસ્પર્શી રચના છે: ‘મૌત તૂ એક કવિતા હૈ’. મોતને માતમ નહિ, પણ મહોત્સવ ગણતા કાકાસાહેબ કાલેલકરે ‘પરમ સખા મૃત્યુ’ એમ કહ્યું છે તો બ્રિટિશ પોએટ લોર્ડ ટેનિસન And may there be no sadness of farewell, When I embark કહી દુ:ખી થવાની ના પાડેછે.
અલબત્ત, આવા ભાવ વિશ્ર્વ અને વાસ્તવિકતાનો મેળ કાયમ બેસે એ જરૂરી નથી. પેટનો ખાડો પુરવા માટે કોળિયો ઝુંટવી લેતા જીવ નથી અચકાતો. સોશિયલ મીડિયા પર તાજેતરમાં વાયરલ થયેલી એક પોસ્ટમાં એક પત્ર રજૂ કરવામાં આવ્યો છે જે વાંચી દુ:ખ પણ થઈ શકે છે અને હસવું પણ આવી શકે છે.
કોઈ કંપનીમાં એકાઉન્ટન્ટની નોકરી કરતી વ્યક્તિનું અવસાન થયું હોવાની નોકરી શોધી રહેલા એક ઉમેદવારને જાણ થઈ એટલે એણે તરત પોતાનો બાયોડેટા મોકલી નોકરી માટે અરજી કરી નાખી. અરજીમાં ઉમેદવારે લખ્યું છે કે ‘એકાઉન્ટન્ટના મૃત્યુને કારણે ખાલી પડેલી જગ્યા માટે મેં અરજી કરી છે. મને જ્યારે કર્મચારીના અવસાનની જાણ થઈ ત્યારે હું રાજી થઈ ગયો. એના મૃત્યુની ખાતરી કરવા હું સ્મશાનયાત્રામાં પણ સામેલ થયો. આ સાથે ખાલી પડેલી જગ્યા માટે મારી અરજી સ્વીકારવા વિનંતી.’
જીવનમાં વાસ્તવિકતા કેવી ક્રૂર બની જતી હોય છે. મૃત્યુનું દુ:ખ નોકરીનું સુખ બની જાય છે.
લ્યો કરો વાત!
‘હવા મેં ઉડતા જાયે મોરા લાલ દુપટ્ટા મલમલ કા’ની બદલે હવે જંગલમાં ‘હવા મેં ઉડતા જાયે હિપોપોટેમસ મેરા’ ગીત વાગવા લાગે તો નવાઈ નહીં. સસ્તન પ્રાણીઓ વિશે કરવામાં આવેલા નવા સંશોધન અનુસાર ઝડપથી હડી કાઢતી વખતે હિપોપોટેમસ ૦.૩ સેક્ધડ માટે હવામાં અધ્ધર હોય છે. આ ખાસિયત હિપોને અન્ય વજનદાર પ્રાણીઓ હાથી, ગેંડો અને ઘોડાથી વેગળું પાડે છે. યુકેની યોર્કશાયર કાઉન્ટીમાં વેગવાન દોડ લગાવી રહેલા બે હિપોના વિડિયો ફૂટેજનું નિરીક્ષણ કરતી વખતે આ અસાધારણ બાબત જોવા મળી હતી. આવા પ્રયાસો પ્રાણીઓની વિસ્તૃત જાણકારી પૂરી પાડે છે.