અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી
મુઠ્ઠી મેં હૈ તકદીર હમારી
‘મુઠ્ઠી એટલે આંગળાં હથેળી સાથે વાળવાથી થતો ઘાટ’ એમ શબ્દકોશ કહે છે. મુઠ્ઠી વાળવી એટલે મક્કમતાથી ના પાડવી, મુઠ્ઠી બંધ રાખવી એટલે રહસ્ય ન પ્રગટ થવા દેવું અને મુઠ્ઠીમાં રાખવું એટલે હાથમાં રાખવું, કબજામાં રાખવું જેવા વિવિધ અર્થ છે. ‘જાગતે રહો’ ફિલ્મના ગીતની પંક્તિ છે ‘મુઠ્ઠી મેં હૈ તકદીર હમારી, હમને કિસ્મત કો બસ મેં કિયા હૈ’. એકવીસમી સદીના બાળકની મુઠ્ઠીમાં મોબાઈલ જોવા મળે છે અને મોબાઈલ ફરતે એનું ભવિષ્ય વીંટળાયેલું છે. મોબાઈલની ઘેલછા – વળગણ દર્શાવતો એક વીડિયો ચૂંટણી પંચના ભૂતપૂર્વ કમિશનર ડૉ. એસ. વાય. કુરેશીએ શેર કર્યો છે. એક બાળકની સામે રાખેલી પ્લેટમાં બટેટાનું ભજિયું રાખવામાં આવ્યું છે. બાળક એ ભજિયું હાથમાં લે છે પણ મોઢામાં મૂકવાને બદલે એને એ મોબાઈલ ફોન હોય એમ કાન પાસે ધરે છે. માજી કમિશનરએ લખ્યું છે કે ‘અમારા બાળપણમાં પ્લેટમાં મૂકવામાં આવેલી કોઈ પણ વસ્તુ સીધી મોઢામાં જતી. આ વીડિયો ધ્યાનથી જુઓ. આને કહેવાય જનરેશન ગેપ. માંડ બેસતા શીખ્યું હોય એવા બાળકને ચાલતા નહીં આવડતું હોય, પણ ફોન કાન પર મુકાય એની સમજણ તેને છે.’ વડીલોને આ જોઈ ચિંતા થાય છે, પણ બાળકના માતા પિતા ‘મારું બાળક સ્માર્ટ છે’ કહી ગર્વ – આનંદ અનુભવે છે. મોબાઈલ – ટૅકનોલૉજી એનું ભવિષ્ય છે, એની કિસ્મત છે એ હકીકત છે. ઝમાના બદલ ગયા હૈ.