ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

પડછંદ છે, પણ પ્રેમાળ છે, આ બળદ ઘણો ખર્ચાળ છે
અક્કલ વગર મહેનત કરનાર વ્યક્તિ ‘સાવ બળદ જેવો છે’ એમ ભલે કહેવાતું હોય, પણ બળદ ખૂબ બળવાન પ્રાણી હોય છે. ક્રૂર માનવી અંગત સ્વાર્થ માટે બળદની કતલ કરવા માટે કુખ્યાત છે. અમેરિકન શહેર ઓરેગોનના અભ્યારણ્યમાં રાખવામાં આવેલા રોમિયો નામના ૬ ફૂટ, ૪.૫ ઈંચ લંબાઈના બળદને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી વિશ્ર્વના સૌથી ઊંચા બળદનો શિરપાવ આપવામાં આવ્યો છે. છ વર્ષના રોમિયોએ અગાઉના વિક્રમધારક ટોમીને ત્રણ ઈંચના તફાવતથી પાછળ ધકેલી દીધો છે. અમેરિકા સહિત કેટલાક દેશમાં ‘સ્ટિયર’ જાતિના બળદને ખવરાવી – પીવડાવી અલમસ્ત બનાવી પછી ક્રૂરતાથી વધેરી નાખવામાં આવે છે. રોમિયોને કતલ માટે લઈ જવાતો હતો ત્યારે એને ઉગારી લેવામાં આવ્યો અને ત્યારથી મિસ્ટર મૂર નામના શખ્સ એનો ઉછેર કરે છે. અલમસ્ત શરીર ધરાવતા રોમિયોને કેળા – સફરજન બહુ જ ભાવે છે અને દરરોજ ૪૫ કિલોગ્રામ ઘાસ ઓહિયાં કરી જાય છે. આ સિવાય બીજી કેટલીક વસ્તુ પણ આરોગે છે. વિદેશમાં શાકાહાર માટે વધી રહેલી પ્રીતિ પ્રાણી ઉગારી લેવામાં નિમિત્ત બની રહી છે. શેક્સપિયરના રોમિયોનું દિલ જુલિયટ પર આવી ગયું હતું. ઓરેગોનના રોમિયોની કોઈ જુલિયટ નથી. જેવા જેના નસીબ.

મિત્ર નામની મિલકત
દેવ આનંદ અને ગુરુદત્તની દોસ્તીના બીજ રોપાયા ત્યારે દેવ સાબે વચન આપેલું કે જો પોતે ફિલ્મનું નિર્માણ કરશે તો એનું ડિરેક્શન કરવાનો મોકો ગુરુ દત્તને આપશે અને ગુરુ દત્તે વચન આપેલું કે જો ડિરેક્શનનો ચાન્સ મળ્યો તો દેવ આનંદને હીરો તરીકે લેશે. દેવ આનંદને નિર્માતા બનવાની તક મળી અને નવકેતનની ‘બાઝી’નું દિગ્દર્શન ગુરુ દત્તે કર્યું. દોસ્તીનું આવું એક અનન્ય ઉદાહરણ યુએસએના નોર્થ કેરોલિના રાજ્યમાં જોવા મળ્યું છે. કર્ટિસ હડસન નામના શખ્સને એક લાખ ડૉલરની લોટરી લાગી હોવાની જાણ થતા પૈસા હાથમાં આવ્યા પહેલા મિત્ર વોલ્ટર બોન્ડ્સને કહ્યું કે તારું નસીબ ચમકી ગયું છે, ટૂંક સમયમાં તને પચાસ હજાર ડૉલર મળશે. વાત એમ છે કે કર્ટિસ અને વોલ્ટરે કેટલાક વર્ષ પહેલા લોટરી કરાર કર્યા હતા કે જે કોઈને મોટું ઈનામ લાગશે એમાંથી બીજાને અડધી રકમ આપી દેશે. દુનિયામાં બોલ બચ્ચન તો ઘણા હોય છે, વચન પાળનારા જૂજ હોય છે. કર્ટિસે વચન પાળ્યું. આવા મિત્રોની વાત જાણવા મળે ત્યારે ‘દિયે જલતે હૈં, ફૂલ ખિલતે હૈં, બડી મુશ્કિલ સે મગર દુનિયા મેં દોસ્ત મિલતે હૈં’ ગીત કાનમાં ગુંજવા લાગે છે.

ગુંજન કરતું ગીત ક્યારેક ગર્જના પણ કરે!
ગીતમાં મનુષ્યની ભાવનાનું પ્રતિબિંબ પડે છે. પ્રેમ થાય ત્યારે ‘તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો’નો ગુંજારવ થાય તો વળી ગુલામીથી મુક્ત થવા ‘હર પત્થર પર આગ લગી થી હર પત્થર એક શોલા થા’ જેવી ગર્જના પણ સાંભળવા મળે.
પૂર્વ એશિયામાં દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા એમ બે દેશ છે. દક્ષિણ કોરિયા સાંસ્કૃતિક જાહોજલાલી, ખેલકૂદ જેવાં કારણોસર પ્રખ્યાત છે, જ્યારે ઉત્તર કોરિયા શાસક કિમ જોંગ અનના અત્યાચાર માટે કુખ્યાત છે. તાજેતરમાં ઉત્તર કોરિયાના શાસકના ગુણગાન ગાતા એક ગીત પર દક્ષિણ કોરિયાએ પ્રતિબંધ ફરમાવ્યો છે. ‘પ્રેમાળ પિતા’ નામના મ્યુઝિક વીડિયોમાં ‘બાપુજી અમારું ધ્યાન રાખે છે, અમારી દરકાર કરે છે’ એવા મતલબની સ્તુતિ ઉતારવામાં આવી છે. જોકે, દક્ષિણ કોરિયાના શાસન તંત્રને આ પ્રચાર ગીતમાં ‘મનોવૈજ્ઞાનિક યુદ્ધ’ની ગર્જના સંભળાઈ છે. આ પ્રચારથી કિમ જોંગનું કોરિયા દક્ષિણ કોરિયાને હીણું ચીતરવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ટૂંકમાં ગુંજન કરતું ગીત ગર્જના બની ગયું છે.

કોલંબિયામાં કાટમાળમાંથી કંચન
મનુષ્યમાં એવી આવડત છે કે પથ્થર તોડી પાણી કાઢી શકે અને કથીરમાંથી કંચન બનાવી શકે. સાઉથ અમેરિકન દેશ કોલંબિયામાં બ્રિટિશ આક્રમણને બુઠ્ઠું બનાવી દેવાના આશયથી ૩૧૬ વર્ષ પહેલાં ઈરાદાપૂર્વક ડુબાડી દેવાયેલા ‘સેન જોસ’ નામના સ્પેનિશ જહાજના કાટમાળને ઉલેચી કાઢવા પાણીમાં ઊંડે ઊંડે મરજીવા ડૂબકી લગાવી રહ્યા છે. જહાજના કાટમાળ હેઠળ અંદાજે ૧૫ બિલિયન પાઉન્ડનો ખજાનો દટાઈને પડ્યો હોવાની ગણતરી મુકવામાં આવી છે. દરિયાના પેટાળમાં સોનું, ચાંદી, રત્નો તેમજ બીજી અનેક મોંઘીદાટ ચીજવસ્તુ પડી છે. મરજીવાઓ કાટમાળ હેઠળ દબાયેલું કંચન શોધી કાઢવા અદ્યતન ટેકનોલોજીનો ઈસ્તેમાલ કરશે. આ દરિયાઈ સાહસનો એકમાત્ર હેતુ સંપત્તિ મેળવી માલામાલ થઈ જવાનો નથી, બલકે ઈતિહાસ અને સંસ્કૃતિનો અભ્યાસ કરવાનો પણ છે. કાટમાળને ફેંદી વળવામાં સફળતા તો મળી જશે, પણ દરિયાના પેટાળમાં પડેલો આ ખજાનો હાથ લાગ્યા પછી એના પર હક કોનો? કોલંબિયાનો કે સ્પેનનો? એ વિવાદ વકરે એવી પૂર્ણ સંભાવના છે, કારણ કે વાત ૧૫ બિલિયન પાઉન્ડની હોય ત્યારે કોઈની પણ દાઢ સળકી ઊઠે.

‘પપ્પા, આઈ ફોન ખરીદવાના પૈસા કેમ નથી?’
દીકરીએ પાડી બૂમ, ડેડી થઈ ગયા સાવ સુન્ન!

કોઈપણ ભોગે ભૌતિક વસ્તુ મેળવવાની ગાંડી ઘેલછા કેવું બીભત્સ રૂપ ધારણ કરે છે એનું ઉદાહરણ ચીનમાં જોવા મળ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક વીડિયો ક્લિપ જોઈ કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિ હચમચી જાય, એની આંખ ભીની થઈ જાય. આ ક્લિપમાં એક કિશોરી બાપુજી સામે બરાડા પાડી સવાલ કરતી સંભળાય છે કે ‘અન્ય બાળકોના માતા પિતા તેમનાં સંતાનોને આઈફોન અપાવી દે છે. તમારી પાસે એ ખરીદવાના પૈસા કેમ નથી?’ બાપ પાસે બેટીની ફરિયાદનો કોઈ જવાબ નથી. એટલે પોતાની આર્થિક નબળાઈ માટે જાણે માફી માગતો હોય એમ બે હાથ જોડી ઘૂંટણિયે પડે છે. જોકે, દીકરી તરત ‘ડેડી આવું નહીં કરો’ એમ કહી ઊભા થઈ જવા કહે છે. આ આખી ઘટનાનો વીડિયો ત્યાંથી પસાર થઈ રહેલા એક શખ્સે ઉતારી લીધો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું કે ‘મને ડેડી માટે દયા આવી, દીકરી પર ગુસ્સો ચડ્યો અને એક સણસણતો લાફો મારવાની ઈચ્છા થઈ, પણ મેં કાબૂ રાખ્યો.’ ચીનમાં અનેક ઠેકાણે ફરી વળેલા આ
વીડિયોને પગલે બાળઉછેર અને કિશોરવયનાં સંતાનોની વર્તણૂક વિશે ચર્ચા થઈ રહી છે. એક ઉપકરણ સામાજિક મોભાનું પ્રતીક બને એ ઘટનાને સામાજિક દુર્દશા લેખાવી ઉપભોક્તાવાદની બાળકો પર પડતી અવળી અસર અંગે અભિપ્રાય વ્યક્ત થઈ રહ્યા છે. બાળકોને ભૌતિક સુખ જોઈએ છે પણ વાલીઓની પરેશાની અવગણી રહ્યા છે એવી પ્રતિક્રિયા પણ આવી છે.

લ્યો કરો વાત!
આકાશમાં તાકી તાકીને જોવામાં આનંદ લેતા વ્યોમ પ્રેમીઓમાટે ખુશ ખબર છે. સોમવારે, ત્રીજી જૂને ગગનમાં પ્લેનેટ પરેડ યોજાશે જ્યારે સૌર મંડળના સામટા છ ગ્રહ એક કતારમાં જોવા મળશે. કહેવાતા જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ક્યારેક વક્ર દૃષ્ટિ કરતા બુધ, મંગળ, ગુરુ, શનિ, અરુણ અને વરુણ (મરક્યુરી, માર્સ, જ્યુપિટર, સેટર્ન, યુરેનસ અને નેપ્ચ્યૂન) સીધી લાઈનમાં નજરે પડશે. અંતરિક્ષ વિજ્ઞાન અનુસાર આશરે વીસ વર્ષમાં એક વાર છ ગ્રહ સીધાદોર થવાની વિશિષ્ટ ઘટના બનતી હોય છે. આ નજારો જોવા થનગનતા અવકાશ પ્રેમીઓને બુધ, મંગળ, ગુરુ અને શનિ નરી આંખે દેખાશે પણ અરુણ – વરુણ સાથેની પૂરી સિક્સર જોવા ટેલિસ્કોપની મદદ લેવી પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button