અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી
પ્રમોશનમાં પથ્થર પધરાવ્યો
કામધંધે લાગવું એટલે નોકરી ધંધે ચડી જવું. દરેક સ્વમાની પુરુષ, સોરી, દરેક સ્વમાની વ્યક્તિની અદમ્ય ઈચ્છા હોય છે નોકરી – બિઝનેસ કરીને પૈસા કમાઈ લેવાની. નસીબ સવળા હોય તો કામધંધે લાગી જવાથી અનેક ઈચ્છા – અરમાન પૂરા થતા હોય છે, પણ નસીબ અવળા હોય તો બોસ એવા ધંધે લગાડી દે કે, આખું વર્ષ પરસેવો પાડી કામ કરતા દરેક કર્મચારીને વર્ષાન્તે અપ્રેઝલ (કામનું મૂલ્યાંકન) પછી પગાર વધારો મળશે એવી હૈયે આશા હોય છે. જો કે, કર્મચારી ગમે એટલી મહેનત કરે બોસની અપેક્ષા પૂરી રીતે સંતોષી નથી શકતો. કર્મચારીઓને પ્રમોશન આપતા બોસને પરસેવો વળી જતો હોય છે. શાણા સાહેબો તો ‘ડ્રાય પ્રમોશન’ તરીકે ઓળખાતી ગાજરની ગુણ બંધાવી દે. આવા અપ્રેઝલમાં પદોન્નતિ થાય પણ પગારમાં પાઈનો વધારો ન થાય. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટમાં બોસના તરંગી સ્વભાવનો પરચો થાય છે. કર્મચારીએ શેર કરેલા ફોટોગ્રાફમાં કંપનીમાં ચાર વર્ષ પૂરા કરનારા કર્મચારીને એક પથ્થર આપવામાં આવ્યો છે જેના પર લખ્યું છે ‘યુ રોક’ મતલબ કે તમારી કામગીરી શ્રેષ્ઠ હતી, માની ગયા તમને.’ શબ્દોના સાથિયાથી બેંક બેલેન્સ નથી વધતું કે શોખ પૂરા નથી કરી શકાતા. પગાર વધારાને બદલે પાણો મળતા કર્મચારીને બોસને પાણો મારવાની ઈચ્છા ન થઈ હોય તો જ નવાઈ. (પોતાના માથામાં કે બોસના માથામાં એ જાતે નક્કી કરી લેવું..!) પ્રાચીન કાળમાં રામના નામે પથરા તર્યા પણ અર્વાચીન કાળમાં તો પૈસાના નામે જીવન તરે, હો.
ગાંઠના ખર્ચે ગિફ્ટ, બોલો!
અંગ્રેજી વ્યાકરણમાં Redundant Expressions નામનો એક પ્રકાર છે, જેમાં એક જ બાબત બે વાર કહેવામાં આવે છે. જેમ કે Free Gift. હવે તમે કહેશો કે ગિફ્ટ તો ફ્રી જ હોય ને! એના થોડા પૈસા ચૂકવવાના હોય? જો કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટમાં મેરેજ પછી પતિએ ગિફ્ટમાં આપેલી રિંગ (વીંટી) માટે ગાંઠના ખર્ચવા પડ્યા હોવાની જાણ થતા પત્ની ખિજાણી છે. ઘર ખરીદવું હોવાથી યુવક – યુવતીએ સાદગીથી લગ્ન કર્યા અને બંનેની બચત એક ખાતામાં ટ્રાન્સફર કરી. જો કે, અચાનક પત્નીને ખબર પડી કે કટકે કટકે પૈસા ચૂકવવા માટેના પેમેન્ટ પ્લાન હેઠળ પતિએ ખરીદેલી ૮૦૦૦ ડૉલર (આશરે ૬,૬૦,૦૦૦ રૂપિયા)ની વીંટીનો હપ્તો તેમના જોઈન્ટ એકાઉન્ટમાંથી કપાઈ રહ્યો છે. એનો અર્થ એ થયો કે ફ્રી ગિફ્ટ માટે પત્ની પૈસા ચૂકવી રહી છે. પતિની દલીલ છે કે વેડિંગ રિંગ લગ્ન ખર્ચમાં ગણાય અને એટલે એમાં પત્નીનો હિસ્સો હોય તો કશું ખોટું નથી. પત્નીની દલીલ છે કે ગિફ્ટ મેળવનારે ગાંઠના ખર્ચવા પડે એ એને સ્વીકાર્ય નથી અને જો પોતાને ચૂકવવાના આવશે એ ખબર હોત તો એ રિંગની ખરીદી જ ન કરી હોત. પત્નીએ એવી પણ દલીલ કરી છે કે જ્યારે યુગલ કોઈ મિલકતમાં રોકાણ કરવા ધારે ત્યારે બંનેની સંમતિ આવશ્યક હોય છે. આવી રીતે મેળવેલી વીંટી ધોળે ધરમેય ન ખપે એમ કહી પત્નીએ ‘વીંટી પાછી આપી દો’ એમ પતિને સાફ સાફ કહી દીધું છે.
જાપાનમાં ‘વૈવાહિક ક્રાંતિ’: ફ્રેન્ડશીપ મેરેજ
નવી પેઢી નવી સ્ટાઈલ નવી જીવનશૈલી અને બીજું ઘણું બધું નવું નવું. અંગત જીવનમાં જવાબદારીથી બને એટલા દૂર રહી મસ્તીથી અને મોજથી રહેવામાં માનતા યંગસ્ટર્સની લાઈફસ્ટાઈલ અચરજ પમાડે છે. લગ્ન અંગે આજની યુવા પેઢીના વિચારો કઈ હદે બદલાઈ રહ્યા છે એ જાણવા જાપાનની નવી વ્યવસ્થા જાણવી જોઈએ. ઉગતા સૂર્યનો દેશ ઉગતાં બાળકો (નવજાત બાળકો)ની અછતની સમસ્યાથી પરેશાન છે અને એ સમસ્યા દૂર કેમ કરવી કે હળવી કેમ બનાવવી એ વાત તો દૂર રહી, સમસ્યાનો સરવાળો થાય એવી વૃત્તિ જોવા મળી રહી છે. ‘ફ્રેન્ડશીપ મેરેજ’ નામની વ્યવસ્થામાં તરુણ – તરૂણી લગ્ન કરે છે પણ ‘નો પ્રેમ, નો સેક્સ’ની શરતે. એટલે પરણ્યા પછી કવિતા નહીં કરવાની અને શારીરિક સંબંધ નહીં રાખવાનો. ૩૨ વર્ષથી વધુ ઉંમરના અને લગ્ન પછી મનમૌજી જીવન જીવવા માગતા લોકો ફ્રેન્ડશીપ મેરેજ કરે છે. પતિ – પત્નીને ઈચ્છા થાય તો આઇવીએફ કે બીજી કોઈ પદ્ધતિથી પેરન્ટ્સ બની શકે છે. હેરત પમાડનારી વાત એ છે કે બેમાંથી કોઈને ઈચ્છા થાય તો ત્રીજી વ્યક્તિ સાથે રહેવાની છૂટ પણ હોય છે. હોસ્ટેલ જીવન દરમિયાન સારો રૂમમેટ મળી જાય તો કેવો આનંદ થાય એ આનંદ જાપાનના યંગસ્ટર્સ લગ્નજીવનમાં માણી રહ્યા છે.
પૌંઆએ દુ:ખ ભાંગ્યા, ડૉલરે સાઈકલ અપાવી
ગરીબીમાં રિબાતા સુદામા પત્નીના કહેવાથી સખા કૃષ્ણને મળવા ગયા અને પૌંઆની પોટલીએ જીવનના બધાં દુ:ખ ભાંગી નાખ્યાં હતાં. એકવીસમી સદીમાં રસ્તા પર ઊભેલા શ્રીમાનને રસ્તે રઝળતા અને ઘર વિહોણા ધારી પરીક્ષામાં સારા માર્ક લાવવા બદલ મળેલી એક ડૉલરની બક્ષીસ બાળકે આપી અને એ ડૉલરની નોટ મોડર્ન પૌંઆની પોટલી બની ગઈ. બન્યું એવું કે ઘરમાં ફાયર એલાર્મ વાગતા સાવચેતી માટે મિસ્ટર મેટ નામના શખ્સ નાઈટ ડ્રેસમાં જ ઘર બહાર દોડી આવ્યા. બહાર નીકળી આંખ બંધ કરી પ્રાર્થના કરતા હતા ત્યાં અચાનક એક નવ વર્ષના બાળકે એક ડૉલરની નોટ મદદરૂપ થવા મેટ ભાઈના હાથમાં પકડાવી દીધી. અત્યંત સાધારણ સ્થિતિના એ બાળકે મદદરૂપ થવા પોતાની બધી મૂડીનું દાન કર્યું એ જોઈ મિસ્ટર મેટનું હૈયું ભરાઈ આવ્યું. બાળકને હૈયાસરસો ચાંપી પહેલા તો એને મનગમતો નાસ્તો કરાવ્યો. ત્યારબાદ બાળકના પિતાને મળ્યા અને પોતે રંક નથી પણ રાય (લાખો ડૉલરની સ્પોર્ટ્સ શોપના માલિક) છે એ જણાવ્યું. બાળકને દુકાનમાં લઈ ગયા અને ૪૦ સેક્ધડમાં દુકાનમાંથી જે લઈ જવું હોય એ લઈ જવાની છૂટ આપી. એક સરસ મજાની સાઈકલ અને બીજી કેટલીક વસ્તુ સોગાદરૂપે મેળવી બાળક હરખાઈ ગયો. સાઈકલ મેળવવાનું એનું સપનું સાકાર થયું. આનંદની વાત તો એ છે કે ‘આપશું તો પામશું’ એ ભાવના મિસ્ટર મેટમાં પ્રબળ બની છે.
રેશમના તાંતણામાં સમાયેલું આમંત્રણ
વિજ્ઞાન તો સાવ સરળ ભાષામાં જણાવી દે છે કે વિજાતીય તત્ત્વો વચ્ચે કાયમ આકર્ષણ જોવા મળે છે. આ ગુણ વિવિધ પ્રાણીઓમાં વિવિધ સ્વરૂપે જોવા મળતો હોય છે. વિશાળ કદનાં પ્રાણીથી માંડીને આગિયા જેવા નાનકડા જંતુઓ વચ્ચે આકર્ષણ કઈ રીતે થાય છે, નર અને માદા કઈ રીતે એકમેકની નિકટ આવે છે એ દર્શાવતી ડોક્યુમેન્ટરી જોવા મળે છે. જર્મનીના મ્યુનિક શહેરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં નર કરોળિયો જે માદા કરોળિયાને વરમાળા પહેરાવવા ઉત્સુક હોય એને આકર્ષવા રેશમમાં અન્ન વીંટી ગિફ્ટ તરીકે કઈ રીતે આપે છે એના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. યુનિવર્સિટીના સંશોધકોએ આશરે ૧૦૦ કરોળિયા પર પ્રયોગો કર્યા હતા. નર અને માદા દ્વારા નિર્મિત કરવામાં આવતું રેશમ એમના મિલનમાં કે સંવનનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે કેમ એ ચકાસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. માહિતી અનુસાર લટકી રહેવા માટે માદા જે રેશમના તાંતણાનો ઉપયોગ કરે છે એના પ્રત્યે નર આકર્ષિત થાય છે. આને માદાનો એક પ્રકારનો ઈશારો માનવામાં આવે છે કે એને ખોરાકની જરૂર છે. નર કરોળિયો એનાથી માદા તરફ ખેંચાઈ આવે છે અને રેશમના તાંતણામાં અન્ન વીંટીને નજરાણા તરીકે પેશ કરે છે એ આશા સાથે કે એ માદા એના ગળામાં વરમાળા નાખે.
લ્યો કરો વાત!
બે બહેનપણીને એક દિવસ એવી ચાનક ચડી કે ઓફિસમાં એક દિવસની રજા લઈ સવારના છ વાગ્યાની ફ્લાઇટ પકડી યુકેના લિવરપૂલ શહેરથી ઈટલીના પિઝા શહેર પહોંચી ગયા. દિવસ આખો હર્યા ફર્યા, થોડું શોપિંગ કર્યું અને પિઝા સાથે ફેવરિટ સોફ્ટ ડ્રિન્કની લિજ્જત પણ માણી. મોડી સાંજે વિમાન પકડી ઘરભેગા. એક દિવસ માટે પરદેશ જવાતું હશે? એક મિનિટ, પૂરી વાત જાણો. વિમાન ભાડું, ખાણીપીણી અને શોપિંગ સાથે કુલ ખર્ચ થયો ૧૭૦ પાઉન્ડ (આશરે ૧૭૭૦૦ રૂપિયા). હવે જો બંને ફ્રેન્ડ દેશમાં જ લિવરપૂલથી લંડન ફરવા ગઈ હોત તો માત્ર ટ્રેનનું ભાડું જ ૧૦૦ પાઉન્ડ (આશરે ૧૦૫૦૦ રૂપિયા) થયું હોત અને લંડનમાં ખાણીપીણી માટે એટલા પૈસા ખર્ચવા પડે કે શિયાળામાં પરસેવો વળી જાય. શોપિંગ તો ભૂલી જ જવાનું. વિદેશની યાત્રા ‘સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા’ જેવી થઈ ગઈ.