ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

મેં એક બિલાડી પાળી છે, જે નુકસાન બહુ કરાવે છે
ગુજરાતી માધ્યમમાં ભણ્યા હશો અને બાળમંદિર ગયા હશો તો બિલાડી પાળી હોય કે ન પાળી હોય, ‘મેં એક બિલાડી પાળી છે જે રંગે બહુ રૂપાળી છે, જે હળવે હળવે ચાલે છે ને અંધારામાં ભાળે છે’ એ કવિતા જરૂર સાંભળી હશે. આ મજેદાર બાળ કવિતાની અંતિમ પંક્તિ છે ‘એના દિલ પર ડાઘ છે, એ મારા ઘરનો વાઘ છે.’

ચીનમાં એક બિલાડીએ વાઘનો આતંક યાદ અપાવી દે એવો હાહાકાર મચાવ્યો છે. બન્યું એવું કે સિચુઆન પ્રાંતના રહેવાસી રોજની જેમ કામધંધે જવા નીકળ્યા ત્યારે નિત્ય ક્રમ અનુસાર પાળેલી બિલાડીને વહાલ કર્યું. ઓફિસ પહોંચ્યા ત્યાં થોડીવારમાં ફોન આવ્યો કે ‘જલદી આવો, તમારા ઘરમાં આગ લાગી છે.’ ભાઈ સાહેબ તો બધું કામ પડતું મૂકી મારંમાર નિવાસસ્થાને પહોંચ્યા. જોયું તો ઘરનો એક હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો અને આશરે ૧૨ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. તપાસ કરતા ખબર પડી કે ઘરમાં કૂદાકૂદ કરતી વખતે મીની માસીથી રસોડાનું ઇન્ડકશન કુકર ચાલુ થઈ ગયું અને ઘર જ્વાળામાં લપેટાઈ ગયું. આશ્ર્ચર્યની વાત એ છે કે બિલાડીનો વાળ પણ વાંકો નથી થયો. પહેલા તો માલિકને બિલાડી પર ગુસ્સો ચડ્યો, પણ પછી પોતે પાવર સ્વિચ ઓફ કરવાનું ભૂલી ગયો હોવાથી દુર્ઘટના બની એ કબૂલી બિલાડીની માફી માગી લીધી.

કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન
અમીર બનવાનું ખ્વાબ હર કોઈ વ્યક્તિ જોતી હોય છે. ખ્વાબનું હકીકતમાં રૂપાંતર કરવા અનેક લોકો આકાશ – પાતાળ એક કરતા હોય છે, પણ અનેક લોકો માટે અમીરી મૃગજળ સાબિત થાય છે. જો કે, કેટલાક લોકો નસીબના એવા બળિયા હોય છે કે રાતે જોયેલું સપનું સવારે વાસ્તવિક બની બારણે ટકોરા મારતું હોય.

યુએસના ન્યુ જર્સી શહેરમાં ગેરેજમાં કામ કરતા બિલીવિલી નામના મિકેનિકના જીવનમાં નસીબ આડેનું પાંદડું જ નહીં જાણે કે આખેઆખું ઝાડ હટી ગયું હોય એવી ઘટના બની. બે ટંક રોટલા ભેગું માંડ થાય એટલી આવક ધરાવતો મિકેનિક ‘મેરા ભી નંબર લગેગા’ એ આશા સાથે દોસ્તો સાથે ભાગીદારીમાં લોટરીની ટિકિટ ખરીદતો. એક દિવસ સૂરજ સોનાનો ઉગ્યો અને ૧૫ મિત્રોની ટોળીને જેકપોટ લાગ્યો. હિસાબ કરતા વિલીભાઈના ફાળે ૪ મિલિયન ડોલર (આશરે ૩૩ કરોડ રૂપિયા) આવ્યા. ઘરમાં ‘દુ:ખ ભરે દિન બીતે રે ભૈયા અબ સુખ આયો રે’ વાગવા લાગ્યું. વિલીએ જોબને રામ રામ કરી દીધા, પત્નીએ નર્સની નોકરીમાંથી રાજીનામું આપી દીધું. ઘરનું રિનોવેશન કરાવ્યું, બે લક્ઝરી કાર ખરીદી, માથે રહેલું દેવું ચૂકતે કર્યું અને બાળકો માટે પણ અલાયદું ઘર ખરીદી લીધું. સ્વર્ગના સુખનો અનુભવ પૃથ્વી પર થવા લાગ્યો.

જો કે, બહુ જલદી અચાનક મળેલી મૂડીએ મૂડ ખરાબ કરી નાખ્યો. થયું એવું કે ધનપતિ બની ગયેલા વિલીને વ્હાલા થવા લોકોની લાઈન ઘરની બહાર ગઈ. સગા- સંબધીઓ, મિત્રો, સંસ્થાઓ હાથ લાંબો કરી દરવાજે ઊભા રહી ગયા. કોઈ એમને અભિનંદન નહોતું આપી રહ્યું કે એમના સુખેસુખી નહોતા થઈ રહ્યા. ‘મને પણ થોડું આપો’ એ લાલચ એમને ખેંચી લાવી હતી. રિયાલિટી શોવાળા કેમેરા સાથે સતત એમનો પીછો કરતા.

આ બધું જોઈ વિલીભાઈ ત્રાસી ગયા અને ‘આના કરતાં તો અગાઉની બટકું રોટલો અને ડુંગળીની જિંદગી સારી હતી અને કાશ એ દિવસો પાછા આવે જયારે મિત્રો સાથે ગપાટા મારી આનંદ કરી શકું’ એવું વિચારવા લાગ્યા છે.

હૈયામાં જો હોય હામ…
પગમાં જૂનાં સ્લીપર, હાથમાં ટેકણ લાકડી, ઊબડખાબડ રસ્તા, ગમે ત્યાંથી ગોળીબાર – બોમ્બવર્ષાનો ભય… આ પરિસ્થિતિમાં દુશ્મનથી બચી હેમખેમ સલામત સ્થળે પહોંચવા માટે શારીરિક સ્વસ્થતાની સાથે મજબૂત મનોબળ, જોરદાર જીગર જોઈએ. પરિવારથી વિખૂટા પડી ગયેલાં ૯૮ વર્ષના લીડિયા સ્ટેપનીવના લોમિકોવસ્કા રશિયાએ પચાવી પાડેલા યુક્રેનના વિસ્તારમાં ૧૦ કિલોમીટર અંતર હેમખેમ કાપી પરિવાર સાથે પુનર્મિલન કર્યું ત્યારે લોકોની એક આંખમાં આંસુ હતા તો બીજી આંખ ગર્વથી છલકાતી હતી. દાદીમા પરિવાર સાથે યુક્રેનના જે વિસ્તારમાં રહેતાં હતાં ત્યાં રશિયનોએ આક્રમણ કરતા ઘરના સભ્યોએ પોબારા ગણી જવાનું વિચાર્યું પણ એ પ્રયાસમાં છૂટા પડી ગયા. અન્ય લોકો ગલીકૂંચીમાંથી જ્યારે દાદીમા શહેર ફરતી સડકે નીકળ્યા. હૈયામાં જો હોય હામ તો હર મુશ્કિલ આસાન ઉક્તિનું સમર્થન કરતા હોય એમ અન્ન અને જળ વિના લાકડીના ટેકે ટેકે આગળ વધ્યા. એક વાર પગ લપસ્યો અને પડ્યા પણ ગભરાયા નહીં. થાક લાગ્યો તો રસ્તામાં ઝોકું ખાઈ લીધું. રશિયન આક્રમણ કદાચ એમના શરીરને જમીનદોસ્ત કરી શક્યું હોત, પણ મનોબળને નબળું ન પાડી શક્યું. દિવસભર ચાલ્યા પછી યુક્રેનના સૈનિકોની નજરે ચડ્યા અને સલામત સ્થળે પહોંચી ગયા. એમને હેમખેમ જોઈ પહોળી થયેલી આંખોવાળા લોકોને તેમણે એટલું જ કહ્યું કે ‘બીજા વિશ્ર્વયુદ્ધમાં મારો વાળ વાંકો નહોતો થયો તો આ યુદ્ધમાં હું ટકી જ જાઉં ને.’ જે દેશમાં આવા નાગરિક હોય એ દેશ વામન હોવા છતાં વિરાટ દુશ્મનને ટક્કર આપી જ શકે ને.

આયુષ્ય નાઈન્ટી, અરમાન નાઈન્ટીન
પગમાં આર્થરાઇટિસની તકલીફ હોવા છતાં ૯૦ વર્ષના દાદાજી રોજર એમિલહેસ્ટર ૧૯ વર્ષના તરવરિયા યુવાનની સ્ટાઈલમાં ટટ્ટાર ઊભા રહી હાથમાં ક્લિપર્સ (વાળંદનું સાધન) પકડી ગ્રાહકોના બાલ – દાઢી કરવા સજ્જ થઈ જાય છે. પાછા વટથી કહે છે કે ‘નેવુંનો થયો, પણ મારા હાથ નથી ધ્રુજતા.’ ફ્રાન્સના સેંગિરોન્સ શહેરમાં પિતાશ્રીએ ૧૯૩૨માં શરૂ કરેલી બાર્બરશોપમાં રોજરે ૧૩ વર્ષની ઉંમરે ૧૯૪૭માં વાળ કાપતા શીખી લીધું હતું. એ ઘડી ને આજનો દિ, મંગળવારથી શનિવાર સુધી થાક્યાવિના મિસ્ટર રોજર દરેક વિપરીત પરિસ્થિતિમાં અડીખમ રહી કેશકર્તનાલયની સેવા ઉત્સાહથી માનવંતા ગ્રાહકોને પૂરી પાડી રહ્યા છે. ૬૦ વર્ષની ઉંમરે નિવૃત્ત થવાનો આવેલો વિચાર માંડી વાળ્યો, કારણ કે બીમાર પત્નીને કેર હોમમાં રાખી હતી અને દર મહિને એક ચોક્ક્સ રકમ ચૂકવવા દુકાન ચાલુ રાખવી જરૂરી હતું. આ વર્ષે જાન્યુઆરીમાં પત્નીનાઅવસાન પછી શોપને તાળું મારવાની ક્ષણિક ઈચ્છા થઈ , પણ એ વિચાર તરત માંડી વાળ્યો, કારણ કે એકલવાયા જીવને ખરા – ખોટા વિચાર તંગ કરી રહ્યા હતા. રોજર દાદા પાસે કેટલાક ગ્રાહકો વર્ષોથી નિયમિતપણે આવે છે અને એવા પણ છે જેમનું માથું સફાચટ છે અને માથાના વાળ રીતસરના ગણી શકાય, પણ હમઉમ્ર દોસ્તને મળવા એ આવી જાય છે.

સાઠ સાલ પેહલે, મુજે તુમસે પ્યાર થા, આજ ભી હૈ ઔર કલ ભી રહેગા….
દેવ આનંદ – આશા પારેખ પર ફિલ્માવાયેલું ‘સૌ સાલ પેહલે મુજે તુમસે પ્યાર થા, આજ ભી હૈ ઔર કલ ભી રહેગા’ પ્રેમની શાશ્ર્વત ભાવનાનું ઉદાહરણ છે. પહેલો પ્રેમ મનુષ્ય ક્યારેય નથી ભૂલતો, આજીવન એના હૈયામાં અકબંધ રહે છે. અલબત્ત, પહેલો પ્રેમ હંમેશાં લગ્નમાં પરિણમે એ જરૂરી નથી. જો કે, ચીનનો પેહલાપેહલા પ્યારનો એવો કિસ્સો જાણવા મળ્યો છે કે આફરીન પોકારી જવાય. ચીનના હુનાન પ્રાંતના યિંયાંગ શહેરની પેકિંગ યુનિવર્સિટીમાં વિદ્યાભ્યાસ કરતા મિસ્ટર ઝોઉને એમના જ ક્લાસમાં શિક્ષણ લઇ રહેલી યાંગ નામની યુવતી સાથે લોનું ભણતા ભણતા લવ થઈ ગયો.એક જ વર્ગમાં એક જ વિષયનો અભ્યાસ કરતા એ બંને એક જ ગાર્ડનમાં એક જ બેન્ચ પર એકમેકના ખભા પર માથું ઢાળી ‘તુમ જો મિલ ગયે હો તો યે લગતા હૈ કે જહાં મિલ ગયા હૈ’ ગાતા નજરે પડવા લાગ્યા. એકબીજા સાથે ગોઠી ગયું, પણ સહજીવનનું સપનું સાકાર ન થઈ શક્યું અને બંનેના રસ્તા ફંટાઈ ગયા. મળવાનું ઓછું થઈ ગયું અને ધીરે ધીરે ફોન પર વાત કરવાનું પણ બંધ થઈ ગયું. બંનેએ લગ્ન કરી પોતાની અલગ દુનિયા વસાવી લીધી. આ વાતને ૬૦ વર્ષ વીતી ગયા પછી સંજોગોનું કરવું કે ઝોઉની પત્ની અને યાંગના પતિનું અવસાન થયું અને બેઉના જીવનમાં અચાનક ખાલીપો આવી ગયો. રહેવાયું નહીં એટલે એક દિવસ ઝોઉએ ફોન કર્યો અને યાંગ જાણે કે એમના ફોનની જ રાહ જોતી હતી એવા ઉમળકા સાથે વાત કરી. બે મિનિટની વાત વિખૂટા પડેલા બે હૈયાના પુનર્મિલન માટે નિમિત્ત બની.

ગયા મહિને એક ભવ્ય સમારોહમાં૮૬ વર્ષની ઉંમરે બંને પરણી ગયા. દુલ્હનની વેશભૂષામાં સજ્જ શ્રીમતી યાંગની ડાન્સ કરતી અને ડ્રમ વગાડતી તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી. ‘હમ બને તુમ બને એક દુજે કે લિયે’ ગીતનું સાક્ષાત ઉદાહરણ.

લ્યો કરો વાત!
બે ચાર પેગ લગાવવાથી હાથ ભલે ન ધ્રુજતા હોય, ‘ડ્રન્ક ડ્રાઈવિંગ’ સાડી સત્તર વાર ગુનો છે. ઓન ધ રોક્સ થઈ કાર ચલાવતા પકડાઈ ગયા તો ગુનો નોંધાય ને સજા થાય. જો કે, તાજેતરમાં યુરોપિયન દેશ બેલ્જિયમમાં શરાબ પી ડ્રાઈવિંગ કરતા પકડાઈ ગયેલા એક શખ્સને સ્થાનિક પોલીસે છોડી મૂક્યો હતો. ના, એ કોઈ મોટા બાપનો દીકરો હતો અને બહુ મોટી લાગવગ ધરાવતો હતો એવું કશું નહોતું, વાત એમ છે કે ભાઈ સાહેબ ઓટો – બ્રૂઅરીસિન્ડ્રોમથી પીડાય છે. આ તકલીફમાં માનવીના શરીરમાં જ આલ્કોહોલનું નિર્માણ થાય છે અને એટલે એણે ખાસ્સો ‘પીધો હોય’ એવી વાસ આવે, પણ એ શરાબના નશામાં ન હોય.
જોગાનુજોગ કેવો છે કે આ ભાઈ સાહેબ બ્રૂઅરીમાં- શરાબ બનાવતી કંપનીમાં નોકરી કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button