ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

જે કર ઝુલાવે પારણું…

બળબળતો તાપ હોય કે ધાબળો ઓઢી બેસવું પડે એવી ઠંડી હોય, એની પરવા કર્યા વિના 21 વર્ષની યુકા અકીમોટો નામની યુવતી જાપાનના પાટનગર ટોક્યોમાં બે પૈડાંની હાથ રિક્ષા ખેંચી વિદેશી સહેલાણીઓને શહેર દર્શન કરાવી તેમની ગમ્મતમાં જ્ઞાનનો ઉમેરો કરે છે. પોણો કલાકની સવારી પૂર્ણ થાય છે ત્યારે પેસેન્જરનો હાથ પકડી રિક્ષામાંથી ઊતરવા માટે મદદ કરે છે ત્યારે સહેલાણીઓના ચહેરા પર સ્મિત ઝળકતું જોઈ પોતાના ચહેરા પર ઊતરી રહેલા પરસેવામાંથી યુકા અકીમોટોને સુગંધ આવતી હશે. મહિલા આરક્ષણ ખરડો ભારતીય સંસદના બંને ગૃહમાં પસાર થયો પણ એના પડઘા ઊગતા સૂર્યના દેશમાં ઘેર ઘેર સંભળાઈ રહ્યા છે. પુષના આધિપત્યવાળા રિક્ષા ખેંચવાના વ્યવસાય પ્રત્યે કેટલીક જાપાનીઝ મહિલાઓને આકર્ષણ થયું છે અને એ અપનાવ્યા પછી તેમને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે આવકાર મળ્યો છે. કોવિડ – 19ની મહામારી વખતે અનેક યંગસ્ટર્સ નોકરી ગુમાવી બેઠા હતા અને એમાંથી મહિલા હાથ રિક્ષા ચલાવે એ ફણગો ફૂટ્યો હતો. આજની તારીખમાં સહેલાણીઓની આવનજાવન વધુ હોય એ ટોક્યોના વિસ્તારમાં 90 હાથ રિક્ષા ચાલે છે જેમાંથી ત્રીસેકનો દોર નારીશક્તિના હાથમાં છે. પ્રત્યેક મહિલા ચાલક ટાઢ – તડકાની પરવા કર્યા વિના રોજ 20 કિલોમીટર રિક્ષા ચલાવે છે અને મહિને દાડે સાં એવું રળી લે છે. 250 કિલો વજનની રિક્ષા ખેંચવાનો પરવાનો મેળવવા શરીરના મજબૂત બાંધા ઉપરાંત ટોક્યો શહેરના ખૂણેખૂણેથી વાકેફ હોવું જરૂરી ગણાય છે અને શહેર દર્શન કરવા આવતા સહેલાણીઓને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે એનું ધ્યાન રાખવાનું હોય છે.

લ્યો કરો વાત!

વિશ્વનું સૌથી ધીમી ગતિએ ચાલનારું પ્રાણી ગોકળગાય છે એમ જો તમે માનતા હો તો તમારી ભૂલ થાય છે. ધીમી ગતિમાં તેનો નંબર ત્રીજો છે. ધીમે ધીમે આગળ વધવામાં ગોકળગાયને પણ મહાત કરી દેનારું પ્રાણી છે દક્ષિણ અમેરિકામાં જોવા મળતું પગમાં ત્રણ આંગળીવાળું રીંછ જેવું પ્રાણી. અમેરિકામાં એ THREE-TOED SLOTH તરીકે ઓળખાય છે. ધીમી ગતિએ આગળ વધવામાં આ પ્રાણી નંબર વન છે. એક કિલોમીટરનું અંતર કાપતા તેને સવા છ કલાક લાગે છે. આ પ્રાણી અત્યંત એદી છે. રોજના 15 કલાક ઊંઘતું આ પ્રાણી 30 વર્ષ સુધી જીવી શકે છે.

સરકારની લાલ આંખ, જુવાનિયાની આંખમાં આંજણ

એકવીસમી સદીમાં બાળપણ મેદાનની રમતોમાંથી ચાર દીવાલ વચ્ચે ગેમઝોનમાં રમતું થઈ ગયું છે. બાળપણમાં લાગેલો સ્માર્ટફોનની ગેમનો ચસ્કો ડેસ્કટોપ – લેપટોપ પર વીડિયો ગેમ્સ સુધી ફેલાયો છે. 50 વર્ષ પહેલા જન્મેલી વીડિયો ગેમ કોમ્પિટિશનનો ફેલાવો એ હદે વધ્યો છે કે હવે ઈ સ્પોર્ટ્સ – ઈલેક્ટ્રોનિક સ્પોર્ટ્સ તરીકે ગયા વર્ષે એશિયાઈ રમતોત્સવમાં એનું પદાર્પણ થયું હતું અને બહુ જલદી ઓલિમ્પિક્સમાં પણ એના પ્રવેશની સંભાવના છે. હાલ હેંગઝોઉ શહેરમાં ચાલી રહેલા એશિયન ગેમ્સમાં ચીનને ઈ સ્પોર્ટ્સમાં પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે. આ સિદ્ધિની ઉજવણી દેશભરમાં થઈ પણ આનંદનું પૂર બહુ જલદી ઓસરી ગયું, કારણ કે ચીનની સરકારે વીડિયો ગેમિંગ સામે લાલ આંખ કરી છે. 18 વર્ષથી ઓછી ઉંમરના માટે અઠવાડિયામાં માત્ર ત્રણ કલાક જ વીડિયો ગેમ રમવાની છૂટ છે. સરકારનું માનવું છે કે આ પ્રકારના ખેલનું વળગણ એક સામાજિક દૂષણ છે. એટલે આ વિજયને કારણે સરકારનું વલણ કૂણું પડે એવી કોઈ ઉમ્મીદ ચીનાઓને નથી. જોકે, શાસકીય પ્રતિબંધ છતાં સરકારી વલણની ઐસીતૈસી કરી આ રમતને દેશમાં વધુ લોકપ્રિયતા મળશે એવું ચીનની જનતા માને છે.

ઢળતી સાંજે શિક્ષણનો સૂર્યોદય

`તને જાતા જોઈ પનઘટની વાટે, માં મન મોહી ગયું’ અવિનાશ વ્યાસનું યાદગાર રોમેન્ટિક ગીત છે. જોકે, ઉત્તર પ્રદેશના બુલંદ શહેરના રહેવાસી 92 વર્ષનાં સલીમન નામના વૃદ્ધ દાદીમાનું મન પૌત્ર – પ્રપૌત્રોને રોજ નિશાળે જાતા જોઈને મોહી પડ્યું, અલબત્ત શિક્ષણ માટે, વિદ્યા મેળવવા માટે. જાગેલી ઈચ્છા અમલમાં મૂકવા બુઢીમા તો પહોંચી ગયાં સીધા ઈસ્કૂલે. તેમને કેબિનમાં દાખલ થતા જોઈને પ્રિન્સિપાલને થયું કે બાળકોના અભ્યાસ વિશે કોઈ જાણકારી મેળવવા આવ્યાં હશે. જોકે, દાદીમાએ એડમિશન ફોર્મ માગતા પ્રિન્સિપાલને બે ઘડી ચક્કર આવી ગયા. અલબત્ત એમના ઉત્સાહ – ઉમંગ જોઈ તેમને અનહદ આનંદ થયો. સરકારની સાક્ષર ભારત યોજના હેઠળ દાદીમાને એડમિશન મળી ગયું અને તેઓ ત્રીજી – ચોથી પેઢી સાથે ભણવા શાળાએ જવા લાગ્યાં. ઉંમરના હિસાબે આંખે ઝાંખપ આવી હોવા છતાં સલીમન દાદીનો વિદ્યાભ્યાસ માટેનો ઉત્સાહ અનેક લોકોને પ્રેરણા આપી રહ્યો છે. અક્ષર પાડતા શીખી લઈ બહુ જલ્દી પોતાનું નામ પણ લખતા શીખી ગયા દાદીમા. પુસ્તક વાંચવાનું શરૂ કરી, મૂળભૂત જાણકારી મેળવી એક પ્રાથમિક પરીક્ષા આપી જેમાં તેઓ પાસ પણ થઈ ગયાં જેનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો લોકો હોશે હોશે જોઈ – બતાવી રહ્યા છે. દાદીની બાળપણમાં ભણવાની બહુ ઈચ્છા હતી પણ ઘરની નજીક કોઈ નિશાળ ન હોવાથી ઈચ્છા પૂરી ન થઈ. બાળલગ્નના દોરમાં 14 વર્ષની સલીમનને સાસરે ધકેલી દેવામાં આવી હતી. પોતે ભણી ન શક્યાં પણ પોતાનાં બાળકોને ભણાવ્યા – ગણાવ્યા અને પૌત્રો અને પ્રપૌત્રોને ભણતા જોઈ રાજી રાજી થયાં. જોકે, જીવનની ઢળતી સાંજે જીવનની સમજણના સૂર્યોદય વખતે જોયેલું સપનું સાકાર જરૂર કર્યું.

ચાર ચાર બંગડીવાળી ગાડી…

કિજલ દવેનું મસ્ત મજાનું ગીત તને ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં' કેટલાક વર્ષોથી ગુજરાતના લગ્ન પ્રસંગોમાં ધૂમ મચાવી રહ્યું છે. રવિ શાસ્ત્રીએ ઈનામમાં જીતી ભારતમાં પ્રખ્યાત બનાવેલી જર્મન કંપનીની વિશ્વવિખ્યાત ઓડી કારનેચાર ચાર બંગડીવાળી ગાડી’ની ઉપમા આપવાનું ગુજરાતી સિવાય કોઈનું ગજું નહીં. અને હા, 45 લાખથી સવા બે કરોડ રૂપિયાની રેન્જની કિમતની આ બંગડીવાળી ગાડીમાં આવી રસ્તા પર શાકભાજી વેચવાનું ગજું ભારતીય સિવાય બીજા કોઈનું નહીં. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કેરળવાસી સુજીત એસપી નામનો ખેડૂત તાજા શાકભાજી વેચતો જોઈ લોકો હેરત પામી ગયા છે. ઈન્ટરનેટ પર વરાયટી ફાર્મર' તરીકે ઓળખ ધરાવતા શ્રીયુત સુજીત કારમાંથી ઊતરી લૂંગી ઉતારે છે અને અંદર પહેરેલા હાફ પેન્ટ સાથે સડક પર સાદડી પાથરી કારની ડિકીમાં રાખેલી પાલકની લાલ રંગની ભાજી વેચવાનું શરૂ કરે છે. એની ભાજીની ગુણવત્તા ટોપ ક્લાસ હોવાથી માલ ચપોચપ વેચાઈ જાય છે અને મિસ્ટર સુજીત બધું સમેટી હાફ પેન્ટ પર ફરી લૂંગી ચડાવીચાર ચાર બંગડીવાળી ગાડી’ ઓડી કાર હંકારી જાય છે. લોકોમાં રોલ મોડલ બની ગયેલા આ ખેડૂતભાઈ ખાસ્સા લોકપ્રિય છે. ખેતીમાં અવનવા પ્રયોગો તેમજ જુદા જુદા પાક લેવા માટે અને કૃષિ ક્ષેત્ર સાથે ટેક્નોલોજીનો મેળ બેસાડનાર સુજીત કુમારનું ઉદાહરણ પ્રેરણા આપનારું છે.

માની દેખભાળ સાટુ પોસ્ટ ઓફિસ ખરીદી, પણ …
`જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ કવિ બોટાદકર કહી ગયા છે. અનેક જણ વાંચી ગયા છે અને કેટલાક એવા પણ છે જેમણે એના ભાવાર્થને પચાવ્યો છે. યુએસએના ફ્લોરિડામાં પ્રાઇવેટ માલિકીના એરોપ્લેનની સફાઈનો બિઝનેસ શ્રી અને શ્રીમતી ફોર્ડ સંભાળી રહ્યાં હતાં. કમાણી પણ સારી થતી હતી, પણ તેમની ઈચ્છા યુકે જઈ કોઈ બિઝનેસ શરૂ કરવાની હતી. યુએસથી ઠેઠ યુકે શિફ્ટ થવાની ઈચ્છા પાછળનું કારણ જાણવા જેવું છે. વાત એમ હતી કે બેરી ફોર્ડ યુગલના માતુશ્રી (બંને વેવાણ)ની ઉંમર ખાસ્સી મોટી હતી અને તેમનું સ્વાસ્થ્ય પણ સાં નહોતું રહેતું. યુકેમાં તેમની દેખભાળ કરવાવાળું બીજું કોઈ હતું પણ નહીં. એટલે યુકેના સ્કોટલેન્ડમાં નવા વ્યવસાયની તક ઝડપી લીધી. જોકે, પહેલો સોદો રદ થઈ ગયો. નસીબજોગે બેરી અને મેરી ફોર્ડને બીજી તક મળી, પણ સોદો પાકો થાય એ પહેલા બંને વેવાણનું અવસાન થઈ ગયું. રસપ્રદ વાત તો એ છે કે ફોર્ડ યુગલે 311 વર્ષ પહેલા શરૂ થયેલી વિશ્વની સૌથી જૂની પોસ્ટ ઓફિસ ખરીદી છે. 1712માં શરૂ થયેલી આ પોસ્ટ ઓફિસનું નિયત કામ સંભાળવા ઉપરાંત બેરી અને મેરી ફોર્ડ એન્ટિક પોસ્ટ ઓફિસને ટૂરિસ્ટ સ્પોટ તરીકે પણ વિકસાવવા માગે છે. આમ કે આમ ગુટલિયો કે ભી દામ.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button