ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

માઉન્ટ ફ્યૂજી લાજ કાઢશે
લાજ કાઢવી એટલે મોં ન દેખાય એમ વસ્ત્ર રાખવું તે- ઘૂમટો તાણવો. વડીલો – વર વગેરેની અદબ રાખવા માટે વહુઓ અને જુવાન સ્ત્રીઓ માથા ઉપરનો છેડો મોં પર ખેંચી રાખતી. જો કે, આ પ્રથામાં લગીર વિશ્ર્વાસ નહીં ધરાવતા જાપાનમાં આખેઆખો પર્વત લાજ કાઢે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. વાત છે ૧૨૦૦૦ ફૂટ ઊંચા પવિત્ર મનાતા માઉન્ટ ફ્યૂજીની. પર્વત સમાજમાં માનવ રિવાજનો પગપેસારો નથી થયો, પણ મનુષ્ય સ્વભાવની આડોડાઈ પર્વત આડે આડશ ઊભી કરવામાં નિમિત્ત બની રહી છે. થયું છે એવું કે જાપાનના આ સૌથી ઊંચા પર્વતનું મનોહર દૃશ્ય ફ્યુજી ગાવા ગુચીકો નામના શહેરના વિવિધ સ્થળેથી થાય છે. એક સ્થળ એવું છે, જ્યાંથીપર્વત મનોહર દીસે છે અને ત્યાં સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટે છે. અહીં ઊભા રહી ફોટો પડાવવાની પણ ગજબની ઘેલછા જોવા મળે છે. જો કે, હરખના અતિરેકમાં સહેલાણીઓ ત્યાં ગંદવાડો કરે છે અને ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરતા જોવા મળે છે. સ્થાનિક સત્તાધીશો સહેલાણીઓની બેદરકારીથી રોષે ભરાયા છે અને આઠ ફૂટ ઊંચી અને ૬૪ ફૂટ લાંબી આડશ ઊભીકરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ બંધાઈ ગયા પછી ફ્યૂજીના દર્શન પહેલા જેવા નહીં થઈ શકે અને સહેલાણીઓની ભીડ આપોઆપ ઓછી થઈ જશે.

પેહચાન કૌન? બંદરિયા? ના, પંખી? ના ભાઈ ના, આ તો છે…
૫૦ વર્ષ પહેલા આવેલાં મધુ રાયના ‘કોઈ એક ફૂલનું નામ બોલો તો’ નાટકમાં માનવીય સંબંધોની આભાસી અને અસલી સ્વરૂપ પર બિલોરી કાચ મુકવામાં આવ્યો હતો. કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર બેવર્લીગ્લોવર પ્રકૃતિમાં મઘમઘાટ કરતાં ફૂલોની દુનિયાના ઊંડા અભ્યાસુ છે. પ્રકૃતિમાં સાડા ત્રણ લાખ પુષ્પ પમરાટ કરતા હોવાની જાણકારી જગતને ભેટ ધરનારા શ્રીમતી ગ્લોવરને ‘કોઈ એક સૌથી રસપ્રદ ફૂલનું નામ બોલો તો’ એવો સવાલ કરવામાં આવતા એમણે ત્રણ નામ આપ્યા. પહેલું હતું ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર ઉગતું વિશ્વનું સૌથી મહાકાય ફૂલ ‘ટાઈટન એરમ’. આ ફૂલનો મઘમઘાટ એટલો તીવ્ર છે કે પરાગનયન માટે કેરિયન ફ્લાય તરીકે ઓળખાતું જંતુ એની પાસે ખેંચાઈ આવે છે. બીજું નામ હતું ‘પેરટ ફ્લાવર’. પહેલી નજરે તો તમને એ પોપટ જેવું પંખી જ લાગે. નજીક જાવ, આંખો ચોળોઅને સુગંધ માણો ત્યારે ખબર પડે એ આ તો ફૂલ છે. તમને ‘ફૂલ’ (મૂર્ખ) બની ગયાની લાગણી થાય. આ ફૂલ મ્યાનમાર અને થાઈલેન્ડમાં તેમજ આપણે ત્યાં મણિપુરમાં જોવા મળે છે. ત્રીજું છે ઓર્કિડ ફ્લાવર જે તેના દીદારને કારણે બંદરિયાજેવું ભાસે છે. પાસે જાવ ત્યારે જાણ થાય કે આ તો ફલાવર છે. દક્ષિણ અમેરિકાના જંગલમાં જોવા મળતું આ ફૂલ પાકી ગયેલા સંતરાની ખુશ્બૂ ફેલાવે છે. સાચેજ, અજબ દુનિયામાં કેવી ગજબ વાત જોવા મળે છે.

એક આઈડિયા કેવો, નોકરી અપાવે એવો
કૂદકે ને ભૂસકે આગળ વધતી ટેક્નોલોજી મનુષ્યની બુદ્ધિને વધુ તીક્ષ્ણ બનાવી રહી છે. ‘એક નૂર આદમી હજાર નૂર આઈડિયા’ કહેવત બનાવવી પડે એવા એક ભૂલો અને એક જુઓ અભિનવ આઈડિયા જોવા મળી રહ્યા છે. ‘એપ આધારિત ટેકનોલોજી’ તો એવો કરિશ્મા દેખાડી રહી છે કે ચકરાવે ચડી જવાય. બાળકોના રમકડાં, ચાદર, એરપોર્ટ જવા માટે ટેક્સી, નાસ્તો – ભોજન… જે માંગોએ હાજર છે. ઘેર બેઠા ગંગાનું આ મોડર્ન સ્વરૂપ કઈ દિશામાં કેટલી હદે આગળ વધશે એની કલ્પના કરવી પણ અઘરી છે. ‘માંગો એ મળે ’ સિસ્ટમ હવે ચપટી વગાડતામાં હાજર સુધી પહોંચી ગઈ છે. દેશની ટેકનોલોજી રાજધાની તરીકે ઓળખાતા બેંગલુરુમાં તો નોકરી શોધી રહેલા એક યુવાને એવો આઈડિયા અપનાવ્યો છે કે વાત ના પૂછો. પોતાનો સીવી એટલે કે બાયોડેટા અને કવરિંગ લેટર ઇ- મેલ દ્વારા મોકલવાને બદલે ફાસ્ટ ડિલિવરી કરતી એક એપ આધારિત કંપની મારફત મોકલાવ્યો. આ વાત સોશિયલ મીડિયામાં વાયુવેગે ફેલાઈ ગઈ અને યુવાનના ‘આઉટ ઓફ બોક્સ થિંકિંગ’ (હટ કે વિચારવું)ને કારણે લાયક ઉમેદવારોના લિસ્ટમાં એનુંનામ ટોપ ફાઈવમાંઆવી ગયું છે. આ આઈડિયા એને બહુ જલદી નોકરી અપાવી દેશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. કંપનીઓના કર્મચારીઓને ‘માંગો એ ભોજન’ની ડિલિવરી કરતી આ એપ આધારિત કંપનીઓ ‘માંગો એટલા બાયોડેટા’ હાજર જેવી સુવિધા શરૂ કરે તો નવાઈ નહીં લાગે.

આઈસક્રીમથી થતું આઈસ્ક્રીમ અટકાવવાનો આશય
ભાષા શુદ્ધિ અને ઉચ્ચાર શુદ્ધિનો આગ્રહ ન રાખતા અને એનું મહત્ત્વ નહીં સ્વીકારતા અનેક લોકો આઈસક્રીમને આઈસ્ક્રીમ કહેવાની ધૃષ્ટતા
કરી બેસતા હોય છે. દૂધ અને ક્રીમ જેવા ઘટકથી તૈયાર થતા પદાર્થમાં આઈસ એટલે કે બરફ
ભાગ ભજવતો હોવાથી એ આઈસક્રીમ કહેવાય છે. જો કે, એને આઈસ્ક્રીમ તરીકે સાંભળ્યા
પછી આઈ સ્ક્રીમ (હું રાડ પાડું છું) એમ કહેવાનું મન થઈ જાય છે. આ આઈસક્રીમ ઈટલીના રહેવાસીઓને અત્યંત પ્રિય છે. મોડી રાત્રે
ટહેલતી વખતે જિલેટો નામના આઈસક્રીમનોઆનંદ લેવો એ ઈટલીની સંસ્કૃતિમાં વણાઈ ગયું છે.
જો કે, દેશના ૧૨ ડિસ્ટ્રિક્ટમાં મોડી રાતે આઈસ્ક્રીમના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત વહીવટી તંત્રમાં રજૂ કરવામાં આવી છે. એવીફરિયાદ થઈ છે કેઆઈસક્રીમની લિજ્જત
માણવા શોખીનો મોડી રાત્રે રસ્તા પર ઉમટી પડે છે અને એમની ચહલ પહલથી આરામ ફરમાવી રહેલા લોકોનીનીંદરમાં ખલેલ પડે છે. હળવું -મળવું અને ફેવરિટ આઈસ્ક્રીમનો આનંદ લેવો એક વાત છે અને રહેવાસીઓની શાંતિ છીનવાઈ ન જાય એ બંને વચ્ચે તાલમેલ જાળવી રાખવા આ પ્રતિબંધ આવી રહ્યો છે. મોડી રાત્રે આઈસ્ક્રીમ ઉપરાંત પિઝા અને અન્ય આઇટમોની મજા માણવા પર પણ પ્રતિબંધ આવી રહ્યો છે. આઈસક્રીમ સામેના આક્રોશ સામે ઈટલીના મિલાન
જેવા શહેરના લોકો ’આઈ સ્ક્રીમ’ કહેતા હોય તો નવાઈ નહીં.

જેસીબી પધરાવો, સાવધાન !
લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી છે અને આંખો પહોળી કરી દેનારા, મગજને ચકરાવે ચડાવી દેનારા ગજબનાક કિસ્સા જાણવા – સાંભળવા મળી રહ્યા છે. બિહાર બાજુ લગ્ન વખતે મટકોર પૂજા નામની વિધિનું અનેરું મહત્ત્વ હોય છે. રાત્રે વર – વધૂના ઘરની આગળના ભાગમાં ફોઈ અને બહેન દ્વારા માટીવાળા ભાગમાં એક નાનકડો ખાડો ખોદવામાં આવે છે. આ ખાડામાં પાણી ભરી સિંદૂર, ચોખા અને ફૂલથી વિધિવત્ પૂજા કરવામાં આવે છે. જો કે, બિહારના પશ્ર્ચિમ ચંપારણમાં આયોજિત એક પરિવારના લગ્ન પ્રસંગે મટકોર પૂજામાં એવું દ્રશ્ય જોવા મળ્યું, જેનાથી હસવું કે વિસ્મય પામવું એ જ લોકો નક્કી ન કરી શક્યા. મહાવીર પ્રસાદ કુશવાહા નામના શખ્સ પુત્રના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માગતા હતા. ધૂમ ખર્ચ કરવો તો પોસાય એમ નહોતો. એટલે ખાડો ખોદવાની વિધિ પરિવારની મહિલાઓ પાસે કરાવવાને બદલે જેસીબી મશીનની મદદ લીધી. ‘ચિઠ્ઠીના આ ચાકરે’ ગણતરીની મિનિટોમાં જોઈતો હતો એવો ખાડો ખોદી આપ્યો અને પ્રસંગ યાદગાર બનાવી દેવાની શ્રીમાન કુશવાહાની તમન્ના પૂરી થઈ. અનોખી વિધિનો વાયરલ થયેલો વિડિયો જોઈને કેટલાક લોકોએટીકા કરી કે ‘પરંપરા સાથે રમત ન કરાય’. કેટલાક એવા પણ હતા જેમનેમજા પડી. ‘તમાશાને તેડું ન હોય’ એ કહેવત તમે જાણતા હશો.

લ્યો કરો વાત!
બેંગ્લુરુ બે ‘ટી’ માટે પ્રખ્યાત છે. એક છે ટેક્નોલોજીનો ’ટી’ અને બીજો છે ટ્રાફિકનો ’ટી’. છેલ્લા થોડા સમયથી ટ્રાફિકનો ‘ટી’ ટેકનોલોજીના ‘ટી’ પર હાવી થઈ ગયો છે એ અને એની આડ -અસર વધુ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો ‘ટેરિફિક ટ્રાફિક’નું સમર્થન કરનારો છે. ટ્રાફિકમાં અટવાઈ જવાને કારણે ઓફિસમાં આયોજિત મિટિંગમાં નિયત સમયે પહોંચી શકાય એમ ન હોવાથી સ્કૂટર હંકારતા હંકારતા જ મેડમ મોબાઈલની મદદથી મિટિંગમાં સહભાગી થઈ ગયા. કાયદાનો ભંગ અને જીવ માટે જોખમ ઊભું કરનારા આ નિર્ણયથી હાલ પૂરતી સમસ્યાનો હલ નીકળી ગયો. કોઈ ભેજાબાજે ‘વર્ક ફ્રોમ હોમ’થી એક ડગલું આગળ ‘વર્ક ફ્રોમ ટ્રાફિક’ કહી નવા વિકલ્પના વધામણાં પણ ખાઈ લીધા. આ ટ્રાફિક હવે શું કરાવશે એનો અંદાજ બાંધવો અસંભવ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ