ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

બહેનપણી – વેવાણ – દાદી: નાની
સીધી સડક પર આગળ વધતા જીવનમાં ક્યારે અને કેવો વળાંક આવે એ સમજવું મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈ. ૧૯૮૦ના દાયકામાં ‘નવપરિણીત માટેના સેમિનાર’માં ટોની વેલ્સ અને બેથ થોમસ નામની બે યુવતીની ઔપચારિક મુલાકાત દોસ્તીમાં પરિણમી અને ચાર દાયકા પછી હવે બંને બહેનપણીઓ દાદી – નાની બનવાની તૈયારીમાં છે. વાત એમ છે કે ટોની – બેથ અને તેમના પતિશ્રીઓને આપસમાં એવું ગોઠી ગયું કે ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’ તેમનું જીવન ગીત બની ગયું. એવા ગાઢ સંબંધ બંધાઈ ગયા કે ‘તૂ જહાં જહાં ચલેગા, મેરા સાયા સાથ હોગા’ જેવી પરિસ્થિતિ જોવા મળતી. બંને યુગલે ત્રણ – ત્રણ સંતાનને જન્મ આપ્યો જેમાં ટોનીની પુત્રી એશલે અને બેથના પુત્ર લ્યુકના જન્મ વચ્ચે માત્ર ચાર મહિનાનો તફાવત હતો. બંને પરિવાર વચ્ચે એટલો મનમેળ હતો કે લોહીની સગાઈ ન હોવા છતાં સાથે ઉછર્યા.
કોલેજના ભણતર દરમિયાન એશલે – લ્યુક પ્રેમમાં પડ્યા અને ૨૦૨૦માં બંને પરણી ગયા. પરિવાર વચ્ચે નિકટતા વધી અને બંને બહેનપણી વેવાણ બની ગઈ. સારા સમાચાર પછી ગુડ ન્યૂઝ આવ્યા છે કે આ વર્ષે ઓગસ્ટમાં એશલે બાળકને જન્મ આપવાની છે. પરિવારમાં આનંદની ભરતી આવી છે અને બહેનપણી વેવાણ બની અને હવે નાની – દાદી બનવા તૈયાર છે. એક સમયે આપણા દેશમાં જોવા મળતી હતી એવી કૌટુંબિક કથા હવે વિદેશમાં જોવા મળી રહી છે.

વ્હાલીની વાટ જોતો વાલમ
પ્રેમમાં પાગલપણ કોઈ નવી વાત નથી. ‘દિલ તો પાગલ હૈ, દિલ દીવાના હૈ’ એવું અનેક યુવાનોમાં જોવા મળે છે. પ્રેમ અને પાગલપણ વચ્ચે એક નિશ્ર્ચિત ભેદરેખા હોતી નથી. જાપાનના ૬૪ વર્ષના શખ્સ યાસુઓ તાકામાત્સુની વાત જાણ્યા પછી એને પ્રેમી કહેવાય કે પાગલ એનો નિર્ણય દરેકે પોતાની સમજણ પ્રમાણે કરી લેવો. ૨૦૧૧માં જાપાનમાં થયેલા વિનાશકારી દરિયાઈ તોફાનમાં – સુનામીમાં – જનજીવન ઉદ્ધ્વસ્ત થઈ ગયું હતું. યાસુઓ ભાઈના પત્ની આ સુનામીમાં ગાયબ થઈ ગયાં હતાં. જોકે, પત્નીને અનહદ પ્રેમ કરતા આ પતિ ૧૪ વર્ષથી પત્નીની ભાળ મેળવવા બનતા બધા જ પ્રયત્નો કરી રહ્યા છે. એમણે અંડરવોટર ડાઈવિંગનું લાયસન્સ સુધ્ધાં મેળવી લીધું છે. પાણીમાં ડૂબકી લગાવીને પત્નીની કોઈ વસ્તુ શોધી એને નજર સામે રાખવાથી સંતોષ મળે એ માટે કોશિશ કરી રહ્યા છે. જાપાનનું પ્રશાસન કેટલાક વર્ષોથી ખોવાઈ ગયેલા અઢી હજાર લોકોને શોધવાનું સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે. યાસુઓ અભિયાન સાથે જોડાયા છે અને શોધખોળમાં મદદરૂપ થાય છે. અત્યાર સુધીમાં તેમને પાણીની અંદરથી કપડાં. આલબમ અને બીજી ચિત્ર વિચિત્ર વસ્તુઓ હાથ લાગી છે, પણ એમાંની એક પણ એમની પત્નીની નથી. યાસુઓ આજે પણ માને છે કે એમની પત્ની ઘરે પાછી ફરવા ઉત્સુક છે અને એટલે જ એની શોધખોળ ભાઈસાહેબે ચાલુ રાખી છે. આજીવન ચાલુ રાખવા માગે છે. આને પત્ની પ્રેમ કહેવાય કે ગાંડપણ?

બચાવવા ગઈ ને ફસાઈ ગઈ
ગુજરાતીમાં એક બહુ જ જાણીતી કહેવત છે કે ‘નમાજ પઢતા મસીદ કોટે વળગી’. આ કહેવતના શબ્દાર્થમાં ન જઈએ પણ સારું કામ કરવા જતા આફત – મુસીબત આવવી એ એનો ભાવાર્થ છે. બિલાડી કાઢવા જતા ઊંટ પેસી જવું કહેવતમાં પણ આ જ ભાવાર્થ છે. દુનિયાના અનેક દેશો સાથે ફસામણી કરતા ચીનની એક મહિલા કોઈને બચાવવા જતા ફસાઈ જવાનો અનુભવ થયો છે. કિસ્સો એવો છે કે બેઈ નામની ચીની મહિલાએ કોઈ સ્કેમનો ભોગ બની હતી. એમાંથી ઉગરવા તેણે ક્વિંગ નામની મહિલાને પોતાની વીતક કથા સંભળાવી. સંજોગવશાત ક્વિંગને કેટલાક હેકર્સ (ટેક્નોલોજીમાં ઘૂસણખોરી કરતા લોકો) સાથે ઓળખાણ હતી અને બેઈના ૧,૭૦,૦૦૦ યુઆન (આશરે ૨૦ લાખ રૂપિયા)ના કેસની તપાસ એમને સોંપી. એક હેકરને સાધવામાં આવ્યો અને તપાસ માટે ફી પેટે ખાસ્સી રકમ ખર્ચ્યા પછી મૂળ રકમનો અડધો ટકો માંડ પાછો મળ્યો. મૂડી પાછી નહીં મળે એવું લાગતા બંને સન્નારીઓએ હેકર્સને બે હાથ જોડી કહી દીધું કે ‘હવે તમારી મદદની જરૂર નથી.’ જોકે, પોલું ભાળી ગયેલા હેકસ ર્લોકોએ રીતસર ધમકી આપી કે ‘૪,૩૦,૦૦૦ યુઆન ફલાણા ખાતામાં જમા કરાવો, નહીં તો તમારી હત્યા કરવામાં આવશે.’ ગભરાઈ ગયેલી મહિલાઓએ પોલીસ ફરિયાદ કરી અને બે જણની ધરપકડ કરવામાં આવી. ગજબ વાત એ છે કે પકડાયેલા બંને હેકર ભૂતકાળમાં ક્વિંગ સાથે કામ કરતા હતા.

મોસમ કેરીની, જોર જમરૂખનું
જંગલનો રાજા કોણ? સિંહ. ફળોનો રાજા કોણ? કેરી. મોસમ મેન્ગોની પૂરબહારમાં ખીલી છે, હાફૂસ – પાયરીના ટેસડા લેવાઈ રહ્યા છે અને કેસરની વાટ જોવાઈ રહી છે. ફળોના રાજાના રાજપાટમાં પ્રજાને સ્વાદમાં લીલાલહેર છે. જોકે, કેરીની મોસમ સાથે ચૂંટણીની મોસમ પણ દેશમાં બરાબર ઉઘડી હોવાથી ’રેવડી’ પણ ડિમાન્ડમાં છે. અને એથીય વધુ આશ્ર્ચર્યની વાત એ છે કે દિલ્હીમાં જમરૂખ વધુ ચર્ચામાં છે. અંગ્રેજી કહેવત shoe is on the other foot (પરિસ્થિતિ સદંતર બદલાઈ જવી) જેવું જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશભરમાં સપાટો બોલાવનાર તપાસકર્તા એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓનો ડોળો કેરીને બદલે એના ગરીબડા પિતરાઈ જમરૂખ પર મંડરાઈ રહ્યો છે. ઈડીના અધિકારીઓ પંજાબના એક આઈએએસ ઓફિસર અને બે એક્સાઇઝ ઓફિસરને સંડોવતા કથિત ૧૨૦ કરોડના જમરૂખના સોદાની ઊલટ તપાસ કરી રહ્યા છે. નકલી કાગળિયાની મદદથી આ સોદો કરવામાં આવ્યો હોવાની જાણકારી મળતા રાજ્યના સમગ્ર એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ ઈડીની જાળમાં ભરાઈ ગયો છે. કેરીની મોસમમાં જમરૂખનો ‘મહિમા’ વધી ગયો છે.

બે ચોટલાની કમાણી, ગજબની કહાણી
નાનપણની એક કવિતા છે કે ‘મારી માએ ચોટલા ગૂંથ્યા, ચોટલા સાથે લટો ગૂંથી, લટો વાળતા શિખામણ ગૂંથી, શિખામણ સાથે સમજણ ગૂંથી’. દીકરીના વાળની સેંથી પાડી એના ચોટલા બાંધતી માના હાથ વાળની સજાવટ કરતા હોય અને સાથે એની વાણી વ્યક્તિત્વનું ઘડતર કરતી હોય. બે ચોટલા દીકરીના ચહેરાને સુંદરતા તો બક્ષે પણ વિદેશમાં બારટેન્ડરની નોકરી કરતી એક તરુણીને તો બે ચોટલાએ એવી ગજબની કમાણી કરાવી આપી છે કે એની કહાણી સાંભળ્યા પછી ‘મારે પણ બે ચોટલા હોય’ એવાં સપનાં અનેક યંગ ગર્લ્સને આવવા લાગે તો નવાઈ ન લાગવી જોઈએ. થયું એવું કે બારમાં આવેલા ગ્રાહકને એના ઓર્ડર અનુસાર ખાણીપીણી સર્વ કર્યા પછી ૩૦.૨૬ ડોલર (આશરે ૨૫૦૦ રૂપિયા)નું બિલ આપી બીજા ટેબલ પર જતી સ્કારલેટ ગ્રીન નામની તરુણીને આપણા ગ્રાહક ભાઈએ અટકાવી. એ ગ્રાહકને ખાણીપીણીમાં કેટલી મજા આવી એ તો એનું પેટ જાણે, પણ સ્કારલેટે ગૂંથેલા ચોટલા એની નજરમાં વસી ગયા. તેણે સ્કારલેટની સ્તુતિ કરતા કહ્યું કે ‘બે ચોટલામાં તું બહુ રૂપાળી લાગે છે, મને એક ફોટો પાડવા દે.’ તરુણીએ ગ્રાહક રાજાનું માન રાખ્યું અને ભાઈ સાહેબના આનંદમાં એવી મોટી ભરતી આવી કે ૯૦૦ ડોલર (આશરે ૭૫૦૦૦ રૂપિયા)ની ટિપ આપી રવાના થયો. સામાન્યપણે બિલની રકમના ૧૦ કે ૧૫ ટકા ટિપ ગ્રાહકો આપતા હોય છે, પણ સ્કારલેટને તો અધધ ૩૦૦ ટકા મળ્યા. બે ચોટલાએ કેવી કમાણી કરી આપી, સમજણ સાથે સમૃદ્ધિ ગૂંથી.

લ્યો કરો વાત!
પ્રાણીઓના શરીરમાં રહેતો માંસમાંનો તૈલી ચીકટ પદાર્થ એવી ચરબીની સમજણ શબ્દકોશમાં આપી છે. ચરબી શરીરને માંસલ બનાવે છે, પણ જો એનું પ્રમાણ ન જળવાય તો શરીર મેદસ્વી અને બેડોળ બની જાય છે. શારીરિક હલનચલનમાં ઘટાડો એટલે ચરબીમાં વધારો એવું સાદું ગણિત છે. જગત આખામાં ૧૯૯૦થી ૨૦૨૨ દરમિયાન મેદસ્વિતાના પ્રમાણમાં ચાર ગણો વધારો થયો છે. આપણા દેશમાં ૧૯૯૦માં મેદસ્વિતાનો દર ૦.૧% હતો જે ૨૦૨૨માં છોકરાઓમાં વધીને ૩.૯ ટકા થયો છે અને છોકરીઓમાં ૩.૧ ટકા છે. કમ્પાઉન્ડમાં કે મેદાનમાં રમતો રમતા કે ભાગદોડ કરતા બાળકો સોફામાં બેસી મોબાઈલ ગેમ્સમાં લપટાયા હોવાથી ચરબીના થર શરીર પર વધી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door