ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

પર્સ જોઈ પ્રેમ થાય, કાર્ડ લઈ શોપિંગ…

પ્રેમ વિશે કેવી અદભુત કવિતા – શાયરી લખાતી હતી…. રાહત ઈંદૌરી સાહેબ લખી ગયા છે કે ‘ઉસ કી યાદ આઈ હૈ સાંસો જરા આહિસ્તા ચલો, ધડકનોંસે ઈબાદત મેં ખલલ પડતા હૈ’. દિલ જોઈને થતો પ્રેમ હવે પર્સ (કેટલા પૈસા છે) જોઈને થાય છે. આજકાલની પ્રેમ શાયરીનુંઉદાહરણ છે ‘પૈસા હૈ તો પ્યાર હૈ ક્યોંકિ લડકિયોં કે સપને મેં રાજકુમાર આતે હૈં, મઝદૂર નહીં’. દીવા જેવી ચોખ્ખી વાત છે કે ‘હની, વ્હેર ઈઝ ધ મની?’ યુએસના લાસ વેગાસની ૩૨ વર્ષની ક્લોઈ એમર નામની યુવતી એવા લોકો સાથે જ અફેર કરે છે જેમની ઈન્કમ વર્ષેદહાડે ૧,૬૦,૦૦૦ પાઉન્ડ (આશરે ૧૬ કરોડ ૮૦ લાખ રૂપિયા) કરતાં વધારે હોય જેથી મેડમને અસલી હીરા તેમજ ડિઝાઈનર કપડાં ખરીદવામાં આસાની રહે. યુવતીની મુલાકાત ૭૦ વર્ષના ‘કુબેર’ મહાશય સાથે લાસ વેગાસની રેસ્ટોરાંમાં થઈ. ધનપતિનું તગડું પાકીટ જોઈ યુવતીને પ્રેમ થઈ ગયો અને મહાશય મિત્ર – બોયફ્રેન્ડ બની ગયા. ‘હેલ્થ ઈઝ વેલ્થ’ (આરોગ્ય એ જ સંપત્તિ છે) તો સમજ્યા, પણ ‘વેલ્થ ઈઝ લવ’ (સંપત્તિ જ સાચો પ્રેમ છે)માં શ્રદ્ધા અને વિશ્ર્વાસ ધરાવતી ક્લોઈ દોસ્તીના ત્રણ દિવસ પછી ડિઝાઈનર સ્ટોરોમાં ડાયમંડ રિંગ, અલાયદી જ્વેલરી, ડિઝાઇનર હેન્ડબેગ્સ, શૂઝ વગેરે વગેરેની ખરીદી કરી બોયફ્રેન્ડનું પાકીટ થોડું હળવું કરી આવી. ભારતીય મહિલા ગણ આશ્ર્ચર્યમાં પડી જાય એવી વાત એ છે કે ક્લોઈને સોનામાં કે સોનાનાં આભૂષણોમાં કોઈ દિલચસ્પી નથી.
જો કે હવે પેલા ‘કુબેર’કુમાર સાથે ક્લોઈનું બ્રેકઅપ થઈ ગયું છે. કારણમાં ૪૩ વર્ષની ઉંમરનો તફાવત નથી, પણ એક જ પ્રકારની ખરીદીથી અને સેમ ટુ સેમ ગિફ્ટ મેળવીને એ કંટાળી ગઈ છે. સોશિયલ મીડિયા પર ક્લોઈ મહિલાઓને ‘વડીલ ધનપતિ’ સાથે દોસ્તી કરવા સલાહ આપે છે અને આવી મૈત્રીને કારણે આર્થિક સધ્ધરતા અને ડહાપણના મળતા લાભ વિશે સમજાવે છે. દરમિયાન ક્લોઈ અત્યારે તો ‘દિલ ઢૂંઢતા હૈ ફિર વહી તગડા પર્સ’ ગણગણી રહી છે.

તબડક તબડક, એ પકડા ગયા!

અશ્ર્વ, ઘોડો, તોખાર, હય… નહીં વાગોળનાર ચોપગા પશુનું ઉદાહરણ છે. કસાયેલો બાંધો ધરાવતો અશ્ર્વ સૌંદર્ય અને ઉત્સાહની મૂર્તિ ગણાય છે. આ અફલાતૂન એનિમલનો ઉપયોગ એક સમયે રણ મેદાનમાં થતો હતો. સદીઓ સુધી લગ્નપ્રસંગે થયો (હવે નજીવું પ્રમાણ છે), એને દોડાવી લોકોએ પૈસાની કમાણી સુધ્ધાં કરી અને ઓલિમ્પિક્સમાં તેમજ પોલો જેવા ખેલમાં પણ એની કમાલ જોવા મળે છે. ‘તોખાર’ નામનું નાટક પણ ભજવાય છે અને… આવા અનેક કરતબ ઘોડા સાથે જોડાયેલા છે. જો કે, યુએસએના ન્યૂ મેક્સિકો નામના રાજ્યમાં આ તબડક તબડક પ્રાણીએ એકવીસમી સદીમાં જે કમાલની કામગીરી કરી છે એ જાણ્યા પછી તમારી આંખો ફાટી જશે. ન્યૂ મેક્સિકો પર્વત વિસ્તારમાં આવેલું હોવાથી અહીંના પોલીસ સ્ટેશનમાં સુધ્ધાં ઈંધણથી ચાલતા વાહનને બદલે ખડ ખાઈ દોડતા અશ્ર્વને પ્રાધાન્ય છે.
થયું એવું કે કોઈ એક દુકાનમાંથી ઉઠાઉગીર સામાન લઈને ભાગ્યો અને ‘ચોર ચોર, પકડો પકડો’ની બૂમ પડતા જ નજીકમાં ઘોડા પર પહેરો ભરતા પોલીસ ઓફિસરે ‘ચલ મેરે ચેતક’ કહેતા અશ્ર્વ હણહણતો દોડવા લાગ્યો. થોડી વારમાં અન્ય ઘોડેસવાર પોલીસ કર્મીઓના અશ્ર્વો પણ સાબદા થઈ ગુનેગારને ઝબ્બે કરવા તબડકતબડક કરી દોડવા લાગ્યા. ઘોડદોડ સામે માનવીની દોડ શું ચીજ છે અને ગણતરીની સેકંડોમાં ત્રણ અશ્ર્વો વચ્ચે ચોરભાઈ ઘેરાઈ ગયા. અભિમન્યુ જેવી આવડત ન હોવાથી કોઠા પાર ન કરી શક્યો અને ‘એ પકડા ગયા’ જેવી હાલત થઈ. સમગ્ર ઘટના પોલીસ ઓફિસરના બોડીકેમમાં (કમરે વીંટાળેલો કેમેરા) કેદ થઈ છે અને અશ્ર્વ તેમજ ઓફિસરને શાબાશી આપવામાં આવી છે.

પંખીઓની મિમિક્રી આર્ટિસ્ટ

ખેતરમાં ફરતું અને ઘાસની ગંજીઓમાં નિવાસ કરતું લાવરી પંખી હોય છે તો માત્ર અડધો ફૂટ લાંબું, પણ કહે છે ને કે દિખાવે પે મત જાના. અંગ્રેજીમાં ‘ટોનીલાર્ક’ તરીકે ઓળખાતું આ પક્ષી આપણા પંજામાં સમાઈ શકે એવું હોય છે, પણ આ આવડુંઅમથું પંખી અન્ય પાંચ-પંદર નહીં, પણ ૩૪ પક્ષીઓના અવાજની નકલ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત પશ્ર્ચિમ અને મધ્ય ભારતમાં જોવા મળતું લાવરી ભરવાડ વગાડતો હોય એ સિસોટીનાં અવાજની પણ સુંદર નકલ કરી શકે છે. એટલે મજાકમાં લાવરી પંખીઓ ‘મિમિક્રી આર્ટિસ્ટ’ તરીકે ઓળખાય છે. માદાને આકર્ષવા માટે તેમ જ ભયસૂચક ચેતવણી આપવા માટે લાવરી પોતાની આ વિશિષ્ટ કળાનો ઉપયોગ કરે છે. ઝીણવટપૂર્વક કરવામાં આવેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે લાવરી ૩૪ પંખીઓના સ્વરની એના અવાજની નકલ કરી શકે છે. ઓસ્ટ્રેલિયાનું સુપર્બ લાયરબર્ડ તરીકે ઓળખાતું પક્ષી તો મશીનથી ચાલતી કરવત (ચેઇન સો) અને કારના અલાર્મની નકલ કરવામાં પાવરધું હોય છે, બોલો…!

માણસ એક.. બકરી છ

એકવીસમી સદીની ‘શોલે’ની વાર્તામાં નઠારો માણસ ગબ્બર સિંહને બદલે જો ઈટલી માફિયા હોત તો એમાં ‘આદમી એક ઔર બકરી છહ’ (માણસ એક બકરી છ) જેવો સંવાદ જરૂર સાંભળવા મળે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ગાંધીજીના બકરી પ્રેમથી પ્રેરાઈને કે અન્ય કોઈ કારણસર ઈટલીના અલીકુદી નામના ખોબા જેવડા ટાપુ પર વીસેક વર્ષ પહેલા ખેડૂતભાઈ પહેલી વાર બકરી લઈ આવ્યા. પ્રારંભમાં તો એની ઉપયોગિતાથી રહેવાસીઓ રાજીના રેડ થઈ ગયા પણ આજે એમની આંખો પરેશાનીમાં લાલચોળ જોવા મળે છે. થયું છે એવું કે બકરી બહેનને આ ગામ એવું ગોઠી ગયું કે અહીં જ વસવાટ કરવાની તમન્ના જાગી. જોતજોતામાં વસ્તાર એ હદે વધી ગયો કે ૧૦૦ રહેવાસીઓના ટાપુ પર બકરીની સંખ્યા ૬૦૦ જેટલી થઈ ગઈ. રસ્તામાં માણસ ભટકાય એની બદલે બકરી ભટકાય એવી હાલત થઈ ગઈ. ઊભી થયેલી સમસ્યાનું નિવારણ કરવા મેયરે અનોખો આઈડિયા ટાપુજનોને આપ્યો છે: ‘બકરી પકડો, બકરી તમારી. ઘરે લઈ જવાની છૂટ.’ આ ઓફર રહેવાસીઓને પસંદ પડી છે, કારણ કે બેંબેં પ્રાણી રાખવાથી દૂધ અને ચીઝ વિનામૂલ્યે મેળવી શકાય અને થોડું વેચાણ કરી બે પૈસા પણ જોડી શકાય. અલબત્ત, અમુક બકરીઓ ટુરિઝમ આકર્ષણ તરીકે સત્તાધીશો પાસે જ રહેશે.

દીકરી તો આપણી થાપણ કહેવાય

‘ચાલો, દીકરીના જન્મનો ઉત્સવ મનાવીએ. આપણને આપણી દીકરીઓ માટે દીકરા જેટલો જ ગર્વ હોવો જોઈએ. હું તમને વિનંતી કરું છું કે તમારે ત્યાં દીકરીનો જન્મ થાય ત્યારે એ પ્રસંગની ઉજવણી માટે પાંચ છોડ રોપજો.’ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ શબ્દો સમાજ પરિવર્તનની શાખ પૂરનારા છે. અલબત્ત, મહિલા સશક્તિકરણની વાતો- ચર્ચા કરવી અને એના અમલની પહેલ કરવી એ બે બાબતમાં ઘણીવાર અંતર હોય છે. રાજસ્થાનમાં મહિલા સાક્ષરતા દર વર્ષોથી ઓછો રહ્યો છે, પણ તાજેતરનાં વર્ષોમાં ‘બેટી પઢાઓ, બેટી બચાવો’ જેવી ઝુંબેશને કારણે મા-બાપ ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ની જૂની ભાવનાને ‘દીકરી તો આપણી થાપણ કહેવાય’ સ્વરૂપે સમજી રહ્યા છે. અજમેરમાં કાજલ યાદવ નામની નગરપાલિકાની મહિલા સભ્યએ પોતાની દીકરીના શાળાના પહેલા દિવસે ઘરથી સ્કૂલ સુધી શોભાયાત્રા કાઢી, જેમાં અન્ય પાલકની પુત્રીઓ પણ સામેલ થઈ. કાજલ જ્યાં કાઉન્સિલર છે તે વિસ્તાર આર્થિક તેમજ શૈક્ષણિક દ્રષ્ટિએ ઘણો પછાત છે. ક્ધયા કેળવણી વિશે બહુ જાગૃતિ નથી. આ પરિસ્થિતિમાં કાજલે લોકોમાં જાગરૂકતા લાવવા ‘બેન્ડ બાજા અને શિક્ષણ’નો કીમિયો અજમાવ્યો છે. આશા રાખીએ કે આ બેન્ડની ગૂંજ દૂર દૂર સુધી સંભળાય અને અનેક માતા પિતા પુત્રી શિક્ષણને પ્રાધાન્ય આપતા થાય.

લ્યો કરો વાત!

દક્ષિણ ગોળાર્ધમાં ન્યૂ ઝીલેન્ડ નજીક આવેલો ન્યુએ નામનો દેશ તો છે સાવ ટપકા જેવો અને એની વસતિ છે માંડ ૧૨૦૦ની.સૌથી વધુ અચંબામાં પાડી દેતી વાત છે અહીંની કરન્સી એટલે કે ચલણ. અલબત્ત, આ દેશમાં ન્યૂ ઝીલેન્ડ ડૉલરનું ચલણ છે, પણ દર વર્ષે અહીં યાદગીરીની જાળવણી તરીકે ખાસ સિક્કા બહાર પાડવામાં આવે છે. જાણીતી વીડિયો ગેમ પોકેમોનના સિક્કા અહીંનું ખાસ આકર્ષણ છે.૨૦૧૪માં ડિઝનીના મિકી માઉસ, ડોનલ્ડ ડક અને ગૂફી વગેરે પાત્રોના સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા. એક અને બે ડૉલરના આ સિક્કા કાયદેસર ચલણ ગણાય છે અને લોકો એનો સંગ્રહ કરવાના શોખીન હોય છે. આખા દેશમાં વિનામૂલ્યે વાઇફાઇ સેવા આપનારો આ વિશ્ર્વનો પ્રથમ દેશ છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker