ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

યે મેરા પ્રેમ પોસ્ટર પઢકર…
ફિલ્મ ‘સંગમ’માં જ્યારે રાજેન્દ્ર કુમાર વૈજ્યંતીમાલા સાથે બે આંખ ચાર કરી ‘યે મેરા પ્રેમપત્ર પઢકર કે તુમ નારાઝ ના હોના’ ગાય છે ત્યારે હીરોના ચહેરા પર કવિતા વાંચી સંભળાવતો હોય એવા ભાવ છે, જ્યારે હિરોઈનનો ચહેરો જાણે એના પર પ્રેમ ઢોળાયો હોય એવો મોહક લાગે છે. ‘મારે પણ એક ગર્લફ્રેન્ડ હોય’ એવી માળા જપતા બધા યંગસ્ટરના અરમાન પૂરા નથી થતા. ગ્રુપમાં હોય ત્યારે ‘હર એક ફ્રેન્ડ જરૂરી હોતા હૈ’ના ગીત ગાનાર એકલો હોય ત્યારે એની આંખો ગર્લફ્રેન્ડ શોધતી હોય છે. જોકે, કેટલાક એમાં નિષ્ફળ રહેતા હોય છે, પણ કોલકાતામાં એકલવાયા મિત્ર માટે ગર્લફ્રેન્ડ શોધી આપવાનું બીડું તેના દોસ્તે ઝડપી લીધું છે. રસ્તા પર એક હોર્ડિંગમાં રિયો નામના યુવકની આંચલ નામની બેસ્ટ ફ્રેન્ડ (એક ચોખવટ: બેસ્ટ ફ્રેન્ડ ક્ધયા હોય તો એ ગર્લફ્રેન્ડ હોય એ જરૂરી નથી)એ રિયો માટે તારીફના પુલ બાંધી લખ્યું છે કે રિયો શહેરની બધી ગોલગપ્પે (પાણીપુરી)ની દુકાનથી વાકેફ છે. રિયો અચ્છો ફોટોગ્રાફર પણ છે અને ગર્લફ્રેન્ડની સુંદર કેન્ડીડ તસવીર ખેંચવામાં કુશળ છે. આ ઉપરાંત પાર્ક સ્ટ્રીટ (કોલકાતાનો પ્રખ્યાત વિસ્તાર)માં જેવા ટેસ્ટી કાઠી રોલ (ફાસ્ટફૂડની વાનગી) મળે છે, અસ્સલ એવા જ રોલ એ જાતે બનાવી ગર્લફ્રેન્ડને હોશે હોશે ખવડાવશે. હોર્ડિંગમાં દોસ્તારી દર્શાવવાના આ પ્રયાસનો વીડિયો સોશિયલ મીડિયામાં ખાસ્સો ચર્ચિત બન્યો છે. આમ પણ આજકાલ પાકકળા નિષ્ણાત બોય્ઝ વધુ ડિમાન્ડમાં છે,

ગાદલાની વજનદાર વાત
આકાશ મારું છાપરું અને ધરતી મારી પથારી જેવું જીવન જીવતા માણસને જો ગાદલાનો અર્થ પૂછો તો કદાચ કવિતા કરી નાખે. અસલના વખતમાં ગાદી પેઢી પર જોવા મળતી અને ગાદલું ઘરે જોવા મળતું. મજેદાર વાત એ છે કે ગાદલું ગાદીની સરખામણીમાં ખાસ્સું વજનદાર હોય છે અને જેમ જેમ એની ઉંમર વધતી જાય એમ એમ એનું વજન વધતું જાય છે. માણસ ગોથા ખાય અને મેથીના ગોટા સુધ્ધાં ખાતો હોય, પાટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે જેવું જીવન જીવતો હોય તો જાડિયો બને પણ ગાદલું બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર લેતું ન હોવા છતાં કેમ વજનદાર બનતું જતું હશે? ગાદલા પર બેસી લોકો ખાય, પણ ગાદલાને પ્રત્યક્ષ રીતે ખાવાની આદત નથી હોતી. તો પછી એનું વજન વધવાનું કારણ શું? એવું કહેવાય છે કે લાવેલા ગાદલાનું વજન ૧૦ વર્ષ પછી બમણું થઈ જાય છે. એનું પ્રમુખ કારણ છે ધૂળ. ગમ્મે એટલી સાફ કરો તોય થોડી ધૂળ તો ગાદલામાં કાયમ માટે રહી જતી હોય છે. આ ઉપરાંત ત્વચાના ખરતા નિર્જીવ કોષ, માણસ અને પ્રાણીના વાળ, માથામાં થતો ખોડો તેમજ માનવ શરીરમાંથી નીકળતો પરસેવો ગાદલાના વજનમાં વધારો કરવામાં ’મદદરૂપ’ થાય છે. થોડાં વર્ષો પછી ગાદલું ખસેડવું આકરું કેમ લાગે છે એ હવે સમજાયું ને!

બદમાશ બચ્ચાઓની બેંક લૂંટ!
બાપ કરતા બેટો સવાયો એ કહેવત હવે જુનવાણી લાગે એવા બેટાલોકોની ફોજ જોવા મળે છે. આ બેટાઓ બાપ કરતા અઢિયા (સવાયાથી બમણા) સાબિત થાય એવા હોય છે. ૧૫ – ૧૭ વર્ષના દીકરાના અનેક ડેડી ‘મારો બેટો મને વેચી આવે એવો છે’ એવું કહેતા જોવા – સાંભળવામાં આવે છે. વિશાળ ભૂમિ ધરાવતા યુએસના ટેક્સસ શહેરના ત્રણ બચ્ચાઓએ ‘બાપ રે બાપ’ ઉદગાર મોઢામાંથી સરી પડે એવા ખેલ કર્યા છે. ૧૧, ૧૨ અને ૧૬ વર્ષની બચ્ચા પાર્ટીની ટેક્સસ બેન્ક લૂંટવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. ગુનેગારોને ઝડપી લેનાર એબીઆઈ (ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન)ના અધિકારીઓ તેમના કરતૂતો જોઈ હેબતાઈ ગયા છે અને તેમને ‘બદમાશ બચ્ચાપાર્ટી’નું બિરુદ આપી દીધું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એફબીઆઈ કાર્યાલય દ્વારા બાળકોએ ધાક ધમકીથી બેંકમાં લૂંટ ચલાવી હોવાની રજૂઆત કરવામાં આવી છે. બેંક લૂંટની મોડસ ઓપરેન્ડી ખતરનાક નથી. સત્તાવાર ખુલાસા અનુસાર આ ‘બદમાશોએ’ કેશિયરને એક ચિઠ્ઠી પકડાવી જે વાંચી ધ્રુજી ગયેલા બેંક કર્મચારીએ રોકડ રકમ આપી દીધી જે ઉપાડી બચ્ચાઓ પગપાળા નાસી ગયા, બોલો. અલબત્ત ઉતાવળમાં કે અન્ય કોઈ કારણસર બે બચ્ચાઓ માસ્ક પહેરવાનું ભૂલી ગયા અને સીસીટીવી કેમેરાની મદદથી પોલીસને ત્રણેયને પકડી પાડવામાં સફળતા મળી. અલબત્ત આ ઘટના હેરત પામવા કરતા ચિંતાજનક ગણવી જોઈએ.

પીએમના ‘મોંઘેરા મહેમાન’
દેશના વડાપ્રધાનનો હોદ્દો કેટલો મૂલ્યવાન હોય છે એ સમજાવવાની જરૂર ખરી? વડા પ્રધાનને મળવા આવતા મુલાકાતીઓ પણ મૂલ્યવાન જ હોય ને. અહીં મૂલ્યને મૂડી સાથે નહીં પણ પ્રતિષ્ઠા સાથે સંબંધ હોય છે. જોકે, તાજેતરમાં થાઈલેન્ડના પીએમ – પ્રાઈમ મિનિસ્ટર એસ. થવીસીનની મુલાકાતે આવેલા આગંતુક મોંઘેરા મહેમાન હતા એના રૂઢ અર્થમાં. ચાર વર્ષની ઉંમર, છ ફૂટની ઊંચાઈ અને ૧૪૦૦ કિલો વજન ધરાવનાર આ અનોખા મહેમાન એક ભેંસ હતી. ના, એની આગળ પીએમ ભાગવત નહોતા વાંચવાના, પણ ખેતીવાડી કરતા વર્ગમાં લોકપ્રિયતા મેળવનારી અને ટીવી સ્ટાર બની ગયેલી આ ભેંસને મળી આ પ્રાણીનું મહત્ત્વ વધારવાની કોશિશ વડા પ્રધાન કાર્યાલય દ્વારા થાય એવી રજૂઆત ભેંસ ઉછેર સંસ્થાએ કરી હતી. ભેંસ નિહાળી વડાપ્રધાન રાજીના રેડ થઈ ગયા અને આવી બીજી ભેંસ આપણા દેશમાં છે કે કેમ તેની પૂછપરછ સુધ્ધાં કરી. પાંચ લાખ ડૉલરમાં વેચાયેલી આવી ભેંસ જનતાના આર્થિક જીવનમાં મોટો બદલાવ લાવી શકવાની ક્ષમતા ધરાવે છે એવી ધારણા છે. પાણીમાં પડી રહેવામાં આનંદ અનુભવતી આ અલમસ્ત ભેંસોનો પાણીમાં થતો મુકાબલો જોવા પણ લોકો મોટી સંખ્યામાં ઊમટે છે. કાર્યાલયની બહાર ખુદ વડા પ્રધાને મુલાકાત લીધી હોવાથી ભેંસનું સ્ટેટસ વધી ગયું છે.

ખેલ ખેલ મેં માલામાલ
નસીબ આડેનું પાંદડું ક્યારે અને કેમ ખસી જાય એની કોઈ વ્યાખ્યા નથી કે નથી એની પાછળ કોઈ તર્ક. લાગલગાટ ૧૦ વર્ષ સુધી લોટરીની ટિકિટ લીધા કરી હોય, પણ ટિકિટ માટે ખર્ચેલા નાણાં કરતા અડધી રકમ પણ માંડ ઈનામ પેટે મળી હોય એવા અનેક ઉદાહરણો જોવા મળે. બીજી તરફ દિવસમાં બે વાર લોટરીમાં ઈનામ લાગવાનો બનાવ પણ બન્યો છે. ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ રાજ્યમાં પાર્કમાં ફરવા નીકળેલા સાત વર્ષના બાળકને ચાલતા ચાલતા ઠેસ વાગી અને એકડા ઉપર અનેક મીંડા લાગી જાય એવું બની ગયું. રિલે બેટ્રીજ઼ નામના બાળકને અડફેટે આવેલો પદાર્થ ચમક ધરાવતો હતો એટલે એને લાગ્યું કે આ કોઈ મોતી હોવું જોઈએ. એટલે રીલે તો એ ઘરે લઈ આવ્યો. આ ‘પથ્થર’ની ચમક અનેરી હતી એટલે એના પિતાશ્રી એ લઈ ઝવેરી પાસે ગયા અને નસીબ આડેનું પાંદડું ખસી ગયું. એ કિંમતી પથ્થરનું મૂલ્યાંકન કરી ઝવેરીએ એ ૧૪.૫ કેરેટનો નીલમ હોવાનું જણાવ્યું. એનું બજારમૂલ્ય દસ હજાર ડૉલર (આશરે ૮.૩૩ લાખ રૂપિયા) છે. રસપ્રદ વાત એ છે કે ખેલ ખેલ મેં માલામાલ થવાનો રીલે માટે આ બીજો પ્રસંગ છે. અગાઉ આવી રીતે ફરતા ફરતા તેને રત્ન મળ્યું હતું જેની કિંમત બે હજાર ડૉલર હતી. બાળકને પાર્કમાં રમવા મોકલવાથી એનું સ્વાસ્થ્ય તો સારું રહે જ, ઘરનું આર્થિક સ્વાસ્થ્ય પણ સુધરી જાય એ વળી નવું.

લ્યો કરો વાત!
સપાટી પર નજર ફેરવવાથી ઊંડાઇનો ખ્યાલ નથી આવતો. ૩૭૦મી કલમ રદ કરવામાં આવી, રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ, ટ્રિપલ તલાક નાબૂદ થઈ ગયો, સીએએ લાગુ કરવાનું નોટિફિકેશન પણ જારી થઈ ગયું, પ્રવાસ સુગમ બનાવતી નવી વંદે ભારત ટ્રેન દર મહિને શરૂ કરવામાં આવી રહી છે, વિનામૂલ્યે રેશન, સપનાનું ઘર સહિત અનેક લાભ આપવામાં આવી રહ્યા હોવા છતાં યુનાઇટેડ નેશન્સના મજજાની લાઈફ જીવતા દેશોની યાદીમાં આપણો નંબર ૧૨૬મો (૧૪૦માંથી) છે. મતલબ ભારતવાસીઓ પ્રસન્ન ચિત્તે નથી જીવી રહ્યા. આપણે ‘અનહેપ્પી ક્ધટ્રી’ યાને કે નાખુશ દેશમાં જીવીએ છીએ. યે બાત કુછ હજમ નહીં હુઈ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress