ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

મામા રાખે તો ભાણિયાને કોણ ચાખે !
કાયદો પુરાવાનું જતન કરે અને ગુનેગાર એનો નાશ કરવાની કોશિશ કરે એ સદીયોથી ચાલતું આવતું ચક્કર છે. જો કે, અમેરિકામાં પુરાવો પતી ગયાનો કિસ્સો વાંચ્યા પછી ‘મામા રાખે તો ભાણિયાને કોણ ચાખે’ એવી કહેવત તમે કહેતા થઈ જશો તો નવાઈ નહીં લાગે. બન્યું છે એવું કે યુએસના લુઈઝાનીયા રાજ્યની ૧૯૬૮માં બંધાયેલી ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં પોલીસ ડિપાર્ટમેન્ટની ઈમારતની હાલત એ હદે બદતર થઈ ગઈ છે કે તૂટેલા એર કંડિશનર, ખોટકાયેલી લિફ્ટ ધરાવતી જગ્યામાં પોલીસ કરતાં વધુ દોડાદોડ તો જીવાત, વાંદા, ઉંદર મામાની જોવા મળે છે. ટેબલ પર ફાઇલની સાથે સાથે ઉંદરની લીંડી પણ દેખાય એવી ભયાનક અવસ્થા છે. છેલ્લા થોડાકદિવસથી ઉંદર મામાની દોડાદોડ – ઊછળકૂદ અચાનક વધી ગઈ હોવાનું ધ્યાનમાં આવતા પોલીસ તંત્રચોંકી ગયું. તપાસ કરતા ખબર પડી કે પોલીસને મામા બનાવી ઉંદરમામાની ટોળકી ગુનેગારો પાસેથી જપ્ત કરેલો ગાંજો ઓહિયા કરી ગયા હતા. ગાંજાના સેવનનો નશો ચડ્યો એટલે દોડાદોડી વધી ગઈ એવો તર્ક થયો. પેલા ગુનેગાર જાણે કે ભાણિયા હોય એમ તેમને બચાવવા તેમની વિરુદ્ધનો પુરાવો જ નષ્ટ કરી નાખ્યો ઉંદર મામાએ. ડિપાર્ટમેન્ટ આરોગ્યની દૃષ્ટિએ તો હાનિકારક છે જ પણ નૈતિક હિંમત તોડી નાખનારું પણ છે એવી રજૂઆત કરી નવી ઈમારતમાં જગ્યા ફાળવવા આગ્રહ રાખવામાં આવ્યો છે.

હોઠોં પે સચ્ચાઈ રેહતી હૈ…
રાજ કપૂરની ‘જિસ દેસ મેં ગંગા બહતી હૈ’ માટે ગીતકાર શૈલેન્દ્રએ લખેલું અવિસ્મરણીય ગીત ‘હોઠોં પે સચ્ચાઈ રેહતી હૈ’ આજની તારીખમાં હૈયે હોય એ હોઠે આવે એવી ભાવનાને ઉજાગર કરવાને બદલે હોઠ પર લગાડવામાં આવતી લિપસ્ટિકના ઈતિહાસને ફંફોસી એક એવું સત્ય આપણી સામે મૂકે છે કે અચંબામાં પડી જવાય. અમેરિકામાં વસતા વૈજ્ઞાનિક ખણખોદના સ્પેશિયાલિસ્ટ લોકોને સ્ત્રીના શણગાર સાધનોમાં મોભાનું સ્થાન ધરાવતી પ્રાચીન ૪૨૦૦ વર્ષ જૂની કાંસ્ય યુગની લિપસ્ટિક મળી આવી છે. આ લિપસ્ટિકની સૌથી રસપ્રદ વાત એ છે કે એની રચના પરથી એ સમયમાં હોઠ પેઇન્ટ બ્રશથી રંગવામાં આવતા હોવાનું જાણવા મળે છે. મતલબ કે હોઠ પર લગાડવાનો રંગ પ્રવાહી સ્વરૂપમાં હતો. જો કે, ૪૨૦૦ વર્ષ જૂનું લીપ – પેઈન્ટનું સાધન આજની મોડર્ન લિપ્સ્ટીકને ઘણું મળતું આવે છે. સૌથી મજેદાર વાત તો એ છે કે આ પ્રાચીન લીપ – પેઈન્ટનું ઉપકરણ ઈરાનની ભૂમિમાંથી મળી આવ્યું છે. ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિને પગલે ઈરાનમાં સૌંદર્ય પ્રસાધનો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. આજની તારીખમાં પ્રતિબંધ થોડો હળવો થયો છે, પણ સરકારી ઑફિસમાં કામ કરતી તેમ જ મેડિકલનો અભ્યાસ કરતી મહિલાઓ પર લિપસ્ટિક વાપરવા પર પ્રતિબંધ છે. ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં આ રાજ્યમાં મોટા પાયે શરાબનું સેવન થાય જ છે ને…!

લુચ્ચા શિયાળ સાથે ‘લુચ્ચાઈ’
મોઢામાં રોટલા સાથે ઝાડની ડાળીએ બેઠેલા કાગડાને ગીત ગાવાનું કહી એનો રોટલો પડાવી લેનાર શિયાળ લુચ્ચા પ્રાણી તરીકે જગજાહેર છે. જો કે, આ શિયાળ સાથે મનુષ્યએ જ ‘લુચ્ચાઈ’ કરી છે, પણ અહીં કશુંક છીનવી લેવા નહીં, પણ હિત જાળવી રાખવા આવું પગલું ભરવામાં આવ્યું છે. યુએસના વર્જિનિયા રાજ્યના રિચમંડ વાઇલ્ડ લાઇફ સેન્ટરના કર્મચારીઓ વિખૂટા પડી ગયેલા શિયાળના બચ્ચા સાથે ‘લુચ્ચાઈ’ કરી હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ
થયો છે.
નવજાત બચ્ચાનું આરોગ્ય જોખમમાં ન મુકાય એ માટે કર્મચારી દ્વારા રબરનું સફેદ ગ્લવ અને સિરીંજ બેરલની મદદથી એને દૂધ પીવડા-વવામાં આવી રહ્યું છે. એનાથીય વિશેષ ધ્યાન ખેંચે એવી વાત એ છે કે દૂધ પીવડાવનાર કર્મચારીએ શિયાળનો મુખવટો ધારણ કર્યો છે. બચ્ચાને અજાણી (માનવ) વસતિમાં આવી ગયો હોવાની લાગણી ન થાય અને પોતે પરિવાર સાથે જ છે એવી હૈયાધારણ મળે એ સાટુ આવો અખતરો કરવામાં આવ્યો હોવાની સ્પષ્ટતા કરવામાં
આવી છે.
આ સિવાય માનવીય અવાજ બને એટલો ઓછો થાય એની કાળજી રાખવામાં આવી છે. પોતાની જમાત વચ્ચે રહેવું પ્રાણીઓને પણ પ્રિય હોય.

વો ઝિંદગીમેં કલ ક્યા બનેગા…
દરેક ધનવાન પિતાને ઓરતા હોય કે પોતે એકઠી કરેલી મૂડીમાં દીકરો વધુ મીંડાં જોડે, પોતે મેળવેલી કીર્તિમાં ઉમેરાઓ કરે અને બાપ કરતાં એ સવાયો સાબિત થાય. અનેક દીકરાઓ પિતાશ્રીએ ચીંધેલી આંગળીની દિશામાં આગળ વધ્યા. કોઈ શિખરે પહોંચ્યું, કોઈ અડધે થાકી ગયું તો કોઈ તળેટીમાં આંટા મારવાથી આગળ ન વધી શક્યું. જો કે, ૨૧મી સદીમાં બેટો બાપના માર્ગે આગળ વધવા ઉત્સુક નથી. તૈયાર ભાણે બેસવા તૈયાર નથી. એને તો પોતાને પ્રિય એવા ક્ષેત્રમાં પોતે જોયેલું સપનું સાકાર કરવું છે. એટલે જ ધનાઢ્ય ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાની પુત્રી અનન્યા બિરલાને બાપીકા સિમેન્ટ કે ટેલિકોમ વ્યવસાયમાં જોતરાઈ નથી જવું. સંગીતની લગન લાગી છે બિરલા બેટીને અને ગીત લખવામાં અને ગીત ગાવામાં એને દિલચસ્પી છે. દેશની સરખામણીમાં વિદેશમાં વધુ વાહ વાહ મેળવનારી ક્ધયાનેપેરન્ટ્સનું પીઠબળ મળ્યું છે. બહેનમાંથી પ્રેરણા લઈ ભાઈ આર્યમાન બિરલા ક્રિકેટમાં કરિયર બનાવવા થનગની રહ્યો છે. વિધુ વિનોદ ચોપડાના દીકરાને ફિલ્મ સ્ટુડિયો કરતા ક્રિકેટનું મેદાન વધુ માફક આવી રહ્યું છે. બિલ ગેટ્સની દીકરી ઘોડેસ્વારીમાં નામના મેળવવા તલપાપડ છે. પિતાના પગલે આગળ વધવાની બદલે નવી દિશામાં કદમ માંડવાને પ્રોત્સાહન – ઉત્તેજન આપવાનો સમય છે.

દોડતી ટ્રેન લાખની, બંધ પડેલી સવા લાખની..
વંદે ભારત અને બીજી અનેક ટ્રેનની સુવિધા મળી રહી હોવાથી નાગરિકો હરખાઈ ગયા છે. દેશના કેટલાક ભાગમાં દોડતી સૌરાષ્ટ્ર શૈલીની બાપુ ગાડી દોડી તે હવે ઈતિહાસ બની ગઈ છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયર અને શ્યોનપુર વચ્ચે કલાકના ૩૫ કિલોમીટરની ઝડપે નેરોગેજ (બે પાટા વચ્ચેનું અંતર સવા બેથી અઢી ફૂટ) પર દોડતી ટ્રેન હવે ભૂતકાળના ગર્તામાં સરકી ગઈ છે. ગ્વાલિયરમાં સિંધિયાનું રાજ હતું ત્યારે ૧૮૮૫થી ૧૯૦૯ વચ્ચે આ રેલવે લાઈન નાખવામાં આવી હતી. ૧૯૮ કિલોમીટર (આશરે મુંબઈ સેન્ટ્રલથી બિલિમોરા જેટલું )નું અંતર કાપતા આ ટ્રેનને ૧૧ કલાક લાગતા હતા. પાટા પર દોડતું ગાડું તરીકે ઓળખાતી આ ટ્રેનને સાત ડબ્બા હતા અને પ્રત્યેક ડબ્બામાં ૩૫ પ્રવાસીઓ બેસી શકતા. જો કે, ટ્રેન રવાના થાય ત્યારે એક ઇંચ જગ્યા નહોતી બચતી. છાપરા પર પણ લોકો ગોઠવાઈ જતા. હવે અહીં બ્રોડગેજ લાઈન બેસાડવાનું કામ ચાલી રહ્યું છે અને નેરોગેજ ટ્રેનના વૈભવી ઈતિહાસ (એંજિન અને ડબ્બા)નું લિલામ કરવાની યોજના તૈયાર થઈ હતી, પણ હવે એનું રૂપાંતર હેરિટેજ ટ્રેનમાં કરી પર્યટન વિકસાવવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જીવતો હાથી લાખનો અને મરેલો સવા લાખનો અમસ્તું નથી કહેવાતું.

લ્યો કરો વાત !
જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ – ઓ – શામ…! નવી પેઢી, નવા વિચારો, નવી સમજણ, ઘણું બધું નવું બની રહ્યું છે આ જગમાં જે જાણીને નવાઈ પામવાની જરૂર નથી. આજના આધુનિક જગતના પુખ્ત વયના લોકોમાં હવે સ્વાસ્થ્ય પ્રત્યે અચાનક ખૂબ જ જાગૃતિ આવી રહી છે. એક સર્વેક્ષણ મુજબ આજની યંગ જનરેશન લાઇફથી હાથ ધોઈ નાખવી પડતી લાઈફસ્ટાઈલને નવ ગજના નમસ્કાર કરીને સ્વાસ્થ્યની જાળવણીને મહત્ત્વ આપી રહી છે. આ લોકો જીવનશૈલી બદલીને સામાન્ય બીમારીમાં પેઈન કિલર્સનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે. સ્વાસ્થ્યવર્ધક ખોરાક અને ચાલવા જેવી દૈનિક એક્સરસાઈઝને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. બે પેગને તિલાંજલી આપીને બે પગ ચલાવવાથી અનેક બીમારીઓના આમંત્રણ રદ કરી શકાય છે એ વાત આજની પેઢીને સુપેરે સમજાઈ ગઈ છે. ‘જાગ્યા ત્યાંથી સવારની જેમ ચાલ્યા ત્યાંથી ઉજાસ’ એ નવો મંત્ર આજની પેઢી સ્વીકારી રહી છે એ આનંદ આપનારી બાબત ચોક્કસ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત