ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

એક્સિડેન્ટમાંથી અવતર્યો આઈડિયા

એક સમય હતો જ્યારે બિહાર શૈક્ષણિક દૃષ્ટિએ પછાત રાજ્ય ગણાતું હતું. જોકે, ગયા દાયકામાં રાજ્યના પટવા ટોલી ગામમાં શિક્ષણનો પવન ફૂંકાયો અને વણકારોના ગામની ઓળખ વિદ્યાર્થીના ગામની બની ગઈ. અહીંના વિદ્યાર્થીઓની પ્રતિભા ઝળકી દેશભરના લોકોની જનતાની આંખોમાં વસી જાય છે. માર્ગ અકસ્માતની સમસ્યા સામેની જાગકતામાં હેલ્મેટ પહેરવાને પ્રાધાન્ય અપાયું છે. હકીકત એ છે કે વાહનચાલકો સુરક્ષા માટે નહીં, પણ દંડ ન ભરવો પડે એ માટે હેલ્મેટ પહેરતા હોય છે. હેલ્મેટ પહેર્યા વિના બાઈક ચલાવી રહેલા મિત્રના મૃત્યુના ખબર મળતા બેપરવા – બેદરકાર આર કે કેસરી નામના એન્જિનિયરિગના વિદ્યાર્થીના દિલ – દિમાગમાં ખળભળાટ મચી ગયો. દિવસ – રાત શારીરિક અને માનસિક પરિશ્રમ કરી એવી હેલ્મેટ તૈયાર કરી જે ચાવીનું કામ કરે છે, કારણ કે એ પહેર્યા વિના બાઈક સ્ટાર્ટ જ થાય નહીં. હેલ્મેટ તૈયાર કરવામાં અનબ્રેકેબલ કાચ વપરાયો હોવાથી સવાર પડી જાય તો પણ એના માથામાં ગંભીર ઈજા થવાની સંભાવના લગભગ શૂન્ય જેવી થાય છે. આપણું વિદ્યાર્થી ધન કુબેર કક્ષાનું છે, ભય માત્ર એટલો જ છે કે આ ધન આકર્ષક વળતરની અપેક્ષાએ વિદેશી બેંકમાં જમા ન થઈ જાય.

કાશ્મીરથી ક્નયાકુમારી અડધો કલાકમાં ફેંકી દે

અવાજ કરતાં વધુ ગતિએ ઉડતા વિમાન એ કંઈ નવી વાત નથી. વાત નવી છે એની આંખો પહોળી કરી દેતી ઝડપની. 1947માં જ્યારે પહેલું સુપરસોનિક વિમાન ઊડ્યું ત્યારે એની ઝડપ કલાકના 1100 કિલોમીટર હતી. અલબત્ત આ પ્રકારના વિમાનનો ઉપયોગ મુખ્યત્વે સંશોધન અને લશ્કરી તાકાત દર્શાવવા માટે થતો હતો. 1970ના દાયકામાં યુરોપ અને અમેરિકા વચ્ચે ઊડાઊડ કરવાની શરૂઆત કરનાર કોન્કોર્ડ વિમાનથી માનવની હેરફેર માટે એનો ઉપયોગ શરૂ થયો હતો. વધુ ઝડપ, વધુ ને વધુ ઝડપ મેળવવાની માનવીની લાલસામાંથી હાઇપરસોનિક વિમાનની કલ્પના અસ્તિત્વમાં આવી છે. આજની તારીખમાં યુએસ પાસે ક્વાર્ટરહોર્સ નામનું હાઇપરસોનિક વિમાન છે જેની ઝડપ કલાકના 6200 કિલોમીટરની છે. આ વિમાનનો ઉપયોગ કેવળ લશ્કરી કામકાજ માટે થાય છે, પણ માની લ્યો કે પેસેન્જર પ્લેન તરીકે એ શરૂ કરવામાં આવે તો એમાં મુંબઈથી અમદાવાદ તો જઈ જ ન શકાય, કારણ કે ટેક ઓફ કરી ઊંચે આકાશમાં સ્થિર થાય ત્યાં તો અમદાવાદ પાછળ રહી ગયું હોય. હા, કાશ્મીરથી ક્નયાકુમારી પહોંચતા રેગ્યુલર ફ્લાઈટમાં ચાર – સવા ચાર કલાક થાય અને હાઈપરસોનિક તો અડધો કલાકમાં ફેંકી દે. ફેંકી દે મતલબ વિમાનમાંથી નહીં, ઝડપથી પહોંચાડતી વ્યવસ્થા માટે ગુજરાતીઓ `ફેંકી દે’ એમ કહેતા હોય છે.

35 વર્ષે `પાપી’ બન્યો પવિત્ર

કપડાં પરના ડાઘ કે શરીર ઉપરનો મેલ ઉતારતા – કાઢતા ઝાઝી વાર નથી લાગતી અને એ દૂર કરવા સાધનો પણ ઉપલબ્ધ છે. ચારિત્ર્ય પર પડેલો ડાઘ દૂર કરવા ક્યારેક આખો જન્મારો પણ ઓછો પડે છે. પ્રાકૃતિક સૌંદર્યથી છલકાતા યુએસના મિશિગન રાજ્યના રહેવાસી લુઈ રાઈટને આ વાતનો સુપેરે પરિચય થયો છે. 1988માં 30 વર્ષના મિસ્ટર રાઈટને રોન્ગ ઠેરવી 11 વર્ષની છોકરી પર જાતીય અત્યાચાર કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. જોકે, આજકાલ જેની બોલબાલા છે એ ડીએનએ ટેસ્ટના પરિણામ પરથી સિદ્ધ થયું છે કે 35 વર્ષ પહેલા 11 વર્ષની કિશોરી પર કરવામાં આવેલા અત્યાચારમાં મિસ્ટર રાઈટ જરાય રોન્ગ નથી, નિર્દોષ છે. તેમણે કોઈ પાપ નથી કર્યું, તેમનું ચારિત્ર્ય ચોખ્ખું ચણાક છે. નવા પુરાવાઓને આધારે નિર્દોષ સાબિત થયેલા લોકો પ્રતિ વર્ષ 50 હજાર ડોલરના વળતરને પાત્ર ઠર્યા છે. એ હિસાબે લુઈ રાઈટને 1.75 મિલિયન ડોલર ચૂકવી દેવામાં આવશે. ચુકાદા પછી મિસ્ટર રાઈટના વકીલે કહ્યું કે `જે ગુનો નહોતો કર્યો એ માટે જેલમાં વિતાવેલા 35 વર્ષના સમયનું વળતર તો કોઈ ન ચૂકવી શકે. હા, મળેલી રકમને કારણે કમાવાની ચિંતા નહીં કરવી પડે અને જીવન જીવવામાં મુશ્કેલી નહીં પડે.’ ભૌતિક સગવડો સચવાઈ જશે, પણ માનસિક આઘાત પર ટેપ મારી રૂઝ નથી લાવી શકાતી.

દેડકાનો ડાન્સ, ભક્ષણનું આમંત્રણ

નાચવું કળા છે, નચાવવું આવડત છે અને નાચીને કોઈને નચાવવું કલાત્મક આવડત કહી શકાય ખરી. અલબત્ત આ `ગુણ’કારી સંયોજન મનુષ્ય સમાજની વિશિષ્ટતા છે. જોકે, વરુ, સિંહ કે ગરુડમાં શિકાર કરતી વખતે હોશિયારી નજરે પડતી હોય છે ખરી. આ નાનકડી યાદીમાં ડ્રાંઉં ડ્રાંઉં કરતા દેડકાભાઈનો ઉમેરો થયો છે. વાત એમ છે કે અમેરિકન યુનિવર્સિટીના સંશોધકોના ધ્યાનમાં આવ્યું છે કે Poison Dart Frog તરીકે ઓળખાતી દેડકાની પ્રજાતિ હલનચલન કરતી વખતે Tap Dancing કરતા હોય એવું લાગે છે. ટેપ ડાન્સિંગ એક નૃત્યનો પ્રકાર છે જેમાં તળિયે કોઈ ધાતુનું આવરણ ધરાવતા પગરખાં પહેરી રિધમ સાથે તાલ મિલાવી નૃત્ય લાગે એ રીતે યોગ ચલાવવામાં આવે છે. દેડકાની તો કોઈ ડાન્સિંગ કોમ્પિટિશન નથી હોતી કે નૃત્યકળા દર્શાવી દેડકીને આકર્ષવાની પ્રથા તેમના સમાજમાં નથી હોતી. વિસ્તારપૂર્વક કરેલા નિરીક્ષણ અને સંશોધન પછી એવું તારણ નીકળ્યું છે કે ડ્રાંઉં ડ્રાંઉં ભાઈઓના ટેપ ડાન્સિંગથી તેમનો શિકાર નજીક આવવા લલચાય છે અને એ હાથવેંતમાં દેખાય એટલે તેને સિફતથી પકડી પેટપૂજા કરી લેવાય છે. આ પોઈઝન ફ્રોગ ઘેરા રંગના હોવાથી સામાન્યપણે દેડકાનું ભક્ષણ કરતા શિકારી પ્રાણીઓ આ કલરફુલ ફ્રોગથી છેટું રાખે છે.

આંતરડું કે અલમારી!

અન્નનો કોળિયો મુખદ્વારમાં પ્રવેશી અન્નનળીમાં સરકી આંતરડામાં પહોંચી સ્થિર થાય છે અને પોષણ પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. પ્રજીવક અને ખનિજ (વિટામિન અને મિનરલ્સ) શારીરિક વિકાસ અને મજબૂતી માટે મહત્ત્વના છે. એ મળી રહે એ માટે વિવિધ ખોરાક લેવાય એ સમજી શકાય, પણ સિક્કા અને લોહચુંબક પેટમાં પધરાવાય? અને એ પણ એવી ગેરસમજ સાથે કે એમાં રહેલું જસત (ઝિંક) શરીરને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે એ વિજ્ઞાન નથી, નર્યું અજ્ઞાન છે. ગાંડપણ છે. માનસિક સંતુલન ગુમાવી દેનારા 26 વર્ષના દિલ્હીના યુવાનને વારંવાર ઊલટી તેમજ પેટમાં દુખાવાની ફરિયાદ તેમજ કંઈ ખાઈ ન શકતો હોવાથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રાબેતા મુજબ એક્સ રે કાઢવામાં આવ્યા, સીટી સ્કેન થયું અને રાબેતા મુજબ ન જોવા મળે એવું દેખાયું: 39 સિક્કા અને 37 લોહચુંબક. દિમાગમાં વિજ્ઞાન નહીં, પણ સિક્કામાંથી જસત મળશે, શરીરને પોષણ મળશે એવો વહેમ સવાર હોવાથી ગળી જવામાં આવ્યા હતા. પણ લોહચુંબક કેમ? તો કે એના ચુંબકીય તત્ત્વને કારણે સિક્કા આંતરડામાં ટકી રહે. વહેમનું ઓસડ ન હોય.

લ્યો કરો વાત!

નર્મદાના નીર અને આરસના ખડકોનું નયનરમ્ય દ્રશ્ય એટલે ભેડાઘાટ જે મધ્ય પ્રદેશના જબલપુરની પ્રમુખ ઓળખ છે. કળા અને સંસ્કૃતિની વિશેષતા સાથે જબલપુર ઓશો' રજનીશ માટે પણ જાણીતું છે. શહેરની રાણી દુર્ગાવતી યુનિવર્સિટીમાં ચંદ્રમોહન જૈન નામથી રજનીશ ફિલોસોફી ભણાવતા હતા. તાજેતરમાં યુનિવર્સિટીએ એમ.એસસી, કમ્પ્યુટર સાયન્સની પરીક્ષાની તારીખ જાહેર કરી વિદ્યાર્થીઓને ઓળખપત્રો આપ્યા. જોકે, પરીક્ષાના દિવસે સ્ટુડન્ટ્સ એક્ઝામ હોલ પર પહોંચ્યા ત્યારેઆજે પરીક્ષા નહીં લેવાય’ એમ એમને કહી દેવામાં આવ્યું. કારણ પૂછતાં ખબર પડી કે એ દિવસે પરીક્ષા લેવાની છે એ યુનિવર્સિટીના સંચાલકો ભૂલી ગયા હતા. મજા તો એ વાતની છે કે એ દિવસે બી 11 પરીક્ષા બરાબર લેવાઈ,માત્ર નવ વિદ્યાર્થી જ પરીક્ષામાં બેસવાના હતા એટલે કદાચ આ પરીક્ષાના આયોજનમાં બેદરકારી જોવા મળી. અજબ દુનિયાનો ગજબ ખેલ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…