અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી
કવિની ભાવનાને વંદન, પણ દુનિયામાં એવા લોકો બૂડાણા છે જે મન ફાવે ત્યાં શુકન – અપશુકનનો અડ્ડો જમાવી દે છે. કેટલાક દેશની સંસ્કૃતિમાં લિપ યરવાળી ૨૯ ફેબ્રુઆરીના દિવસને લગ્ન માટે અનલકી – કમનસીબ માનવામાં આવે છે. ઓલિમ્પિક્સના જન્મદાતા ગ્રીસમાં તો લિપ યરમાં જો ફેરા ફરી ઘરવાળી લાવ્યા તો તમારો દિ ફરી જશે એવું માનવામાં આવે છે. વાત એ હદે વિચિત્ર છે કે આખા વર્ષમાં લવ અફેર જ નથી થતા. જો કે, યુકેના પાડોશી દેશ આયર્લેન્ડમાં લિપ યરમાં અને ખાસ તો ૨૯ ફેબ્રુઆરીએ ઊલટી ગંગા વહે છે. આ દિવસે ક્ધયા એના મનગમતા કુંવરનો હાથ માંગે છે, જીવનભર માટે. કેટલેક ઠેકાણે લિપ ડે (૨૯ ફેબ્રુઆરી)ના દિવસે પ્રેમિકાના ‘વિલ યુ મેરી મી’? ના જવાબમાં જો પ્રેમી જવાબ ન આપે કે ના પાડે તો એણે દંડ ભરવો પડે છે. જ્યોતિષીઓના અભિપ્રાય અનુસાર ૨૯ ફેબ્રુઆરીએ જન્મેલા લોકોના ગ્રહ બળવાન હોય છે અને એમનામાં અસાધારણ પ્રતિભા – આવડત હોય છે.
લિપ યરવાળી ને ઘરવાળી
પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ. એને વળી શુકન – અપશુકન થોડા હોતા હશે? કવિ હૃદય (૯૯ ટકા શ્રી બરકત વિરાણી)ની પંક્તિઓ છે કે ‘પ્રેમ તો છે અંધ, એને શું શુકન કે અપશુકન? અંધનું એક નયન ફરકે ન ફરકે તોય શું?’
ચાર વર્ષે આવે, સૌની ‘ખબર’ રાખે
દર ચાર વર્ષે આવતું લિપ યર અનેક બાબત પર પ્રભાવ પાડે છે. હેરત પમાડનારી વાત એ છે કે La Bougle du Sapeur નામનું ફ્રેન્ચ ભાષાનું અખબાર માત્ર ૨૯ ફેબ્રુઆરીએ મતલબ કે દર ચાર વર્ષે જ પ્રકાશિત થાય છે એટલે જે લોકો આ ૨૯ ફેબ્રુઆરીનું વર્તમાનપત્ર મેળવીને વાંચવાનું ચૂકી ગયા હશે એમણે બીજા ચાર વર્ષ રાહ જોવી પડશે.
લિપ યરમાંજ બહાર પાડવામાં આવતા આ છાપામાં રમૂજી ખબર- વાતો સિવાય છેલ્લાં ચાર વર્ષ દરમિયાનની મહત્ત્વની ઘટનાઓ વિશે ટિપ્પણી કરવામાં આવે છે. આ વર્ષના અખબારમાં કટાક્ષયુક્ત લેખમાં જણાવ્યું છે કે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ- એઆઈ’ના આગમનને કારણે ફ્રાન્સમાં હવે શાળાઓ ચલાવવાની જરૂર નથી.’ રમૂજયુક્ત ટિપ્પણી આ અખબારની ખાસિયત છે. આ વર્ષે પેરિસમાં આયોજિત ઓલિમ્પિક્સ દરમિયાન સલામતીની સમસ્યા હળવી કરવા એફિલ ટાવરને તોડી પાડી કઈ રીતે પુન: બાંધકામ કરવું એની છણાવટ અન્ય એક લેખમાં કરવામાં આવી છે. રમૂજવૃત્તિથી ૧૯૮૦માં શરૂ કરવામાં આવેલા આ અખબારની ૨૦૨૦ની આવૃત્તિ બહાર પડ્યા પછી વિશ્ર્વભરમાં લોકડાઉન આવી ગયું હતું. ચાર વર્ષ પહેલા સવા લાખ નકલો વેચાઈ ગઈ હતી. આ અખબારની સમગ્ર આવક અક્ષમ-દિવ્યાંગ લોકોના લાભાર્થે વાપરવામાં આવે છે. આમ આખબાર ચાર વર્ષે આવે છે, પણ સૌની ‘ખબર’ રાખે છે.
કેલેન્ડરની કોમેડી, પેટ્રોલની પરેશાની
ચોવીસ વર્ષ પહેલા ‘વાયટૂકે’ સમસ્યાને કારણે દુનિયામાં અનેક કમ્પ્યુટર કામ કરતાં બંધ થઈ ગયાં હતાં એ યાદ છેને? એ સમયે વર્ષના છેલ્લા બે અંકને ધ્યાનમાં રાખી (૧૯૯૬ને બદલે માત્ર ૯૬) સિસ્ટમ કામ કરતી હતી. એટલે ૩૧ ડિસેમ્બરની મધરાતે ૧૨ના ટકોરા પડતા જ ૧ જાન્યુઆરી ૨૦૦૦ તારીખ અમલમાં આવી. ‘ભલાભોળા’ કમ્પ્યુટર માટે તો ૧૯૦૦ની સાલના અને ૨૦૦૦ની સાલના છેલ્લા બે શૂન્ય ‘આવ ભાઈ હરખા, આપણે બે સરખા’ જેવા હતા અને સમગ્ર તંત્ર અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. એ ‘ગમખ્વાર’ ઘટનાની યાદ તાજી અપાવતો પ્રસંગ ૨૯ ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડમાં બની ગયો. દેશના અનેક પેટ્રોલ પમ્પની કમ્પ્યુટર સિસ્ટમમાં૨૯ ફેબ્રુઆરી સ્વીકૃત તારીખ ન હોવાથી ડેબિટ – ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પ્રોસેસ ન થઈ શક્યા અને પેટ્રોલ છલોછલ હોવા છતાં, અનેક કારમાં પેટ્રોલ પુરાવ્યા વિના વિલા મોઢે પાછા ફરવાનો વખત આવ્યો. કમ્પ્યુટર માટે સોફ્ટવેર સપ્લાય કરતી કંપનીના અધિકારીઓએ આ ગરબડ કોવિડ – ૧૯ મહામારી વખતે સમસ્યા હલ કરવાના કારણે થઈ હોવાની ચોખવટ કરી હતી. સાંજે સાત વાગ્યે બધું ઠીકઠાક થઈ ગયું, પણ ત્યાં સુધીમાં લિપ યર સામે રોષ ઉછાળતા અનેક લોકો ઘરે પાછા જતા રહ્યા હતા.
ઉંમર ૨૫ની, ઉજવણી ૧૦૦ની!
સદગત વડા પ્રધાન મોરારજી દેસાઈનું વ્યક્તિત્વ અત્યંત ગંભીર હતું, પણ એમના જન્મદિનનો ઉલ્લેખ અનેક લોકોને રમૂજ પમાડતો, હાસ્યની છોળો ઉડાવતો. ૨૯ ફેબ્રુઆરી ૧૮૯૬ના દિવસે જન્મેલા સ્વર્ગીય વડા પ્રધાનનો હેપ્પી બર્થ- ડે દર ચાર વર્ષે આવતો હતો અને એટલે એમણે ૯૬ વર્ષ પૂરા કર્યા ત્યારે તમે ૨૪ પૂરા કર્યા એવું અનેક લોકોએ એમને મજાકમાં કહ્યું હતું.
આવું જ કંઈક યુએસના ઓક્લાહોમા શહેરમાં બન્યું હતું. ત્યાનાં મેરી ફોરસાયફના બર્થ -ડેની ઉજવણી ૨૯ ફેબ્રુઆરીએ (જન્મ તારીખ ૨૯ ફેબ્રુઆરી, ૧૯૨૪) કરવામાં આવી ત્યારે મોટાભાગના લોકોએ એમને સેન્ચુરી પૂરી કરવા બદલ હાર્દિક અભિનંદન આપ્યા તો કેટલાક એવા પણ હતા જેમણે ‘તમે તો ૨૫ના થયા, હજી યંગ છો’ એવા શબ્દોમાં શુભેચ્છાઓ આપી. આ લોકો લિપ યરને ગંભીરતાથી લેતા હતા કે દાદીમાના લુકની તારીફ કરી રહ્યા હતા એ તો એ લોકો જ જાણે. જો કે, શ્રીમતી ફોરસાયફને કોઈ ફરક નહોતો પડતો, કારણ કે એતો દર વર્ષે ઉજવણી કરતા આવ્યા છે, અને ક્યારેક તો એકથી વધુ વાર. આ વખતે દાદીમાએ બર્થ- ડે અગાઉ સ્ટાઈલમાં કહ્યું કે ‘બે બાળકોની મા, પાંચ બાળકોની દાદીમા કે નાનીમા અને ૧૧ બાળકોની પરદાદી કે પરનાની મિસિસ ફોરસાયફ પોતાની ૨૫મી વરસગાંઠ એક મોટી પાર્ટી રાખી ઉજવી રહી છે. જરૂર આવજો, પણ કોઈ ગિફ્ટ નહીં લાવતા, કારણ કે ‘મારે હવે કોઈ વસ્તુ સંઘરવી નથી.’
પ્રકૃતિની ટ્રીક ફોટોગ્રાફી: વોટરફોલ બન્યો ફાયરફોલ
અનિલ કપૂર – માધુરી દીક્ષિતની ‘તેજાબ’ના પ્રમોશન વખતે ‘દેખો તો પાની ઔર છુઓ તો આગ’ જેવી ટેગલાઈન વાપરી ‘દિખતા ક્યા હૈ ઔર હોતા ક્યા હૈ’ના તફાવત પર બિલોરી કાચ મુકવામાં આવ્યો હતો.
લિપ યરની પૂર્વસંધ્યાએ કેલિફોર્નિયાના યોસેમેટિ નેશનલ પાર્કમાં આવેલા સહેલાણીઓને પ્રકૃતિની ટ્રીક ફોટોગ્રાફીનો નજારો જોવા મળ્યો. આમ પણ કેલિફોર્નિયા હોલિવૂડ સિટી લોસ એંજલ્સથી ૧૦૦ માઈલ જ છેટું છે… સોબતની અસર તો થાય ને ! ખળખળ વહેતું પાણી જ્યારે ખૂબ ઊંચાઈ પરથી ધૂબકો મારે ત્યારે એનું પરિવર્તન એવા ધોધમાં થાય છે જે જોઈને આંખો પલકારા મારવાનું જ ભૂલી જાય. જો કે એ દિવસે નિસર્ગને નીરખવાનો આનંદ લેવા આવેલા પ્રકૃતિ પ્રેમીઓને સફેદ દૂધ જેવા ધોધના પાણીને બદલે અગ્નિથી વીંટળાયેલી પાણીની જ્વાળાના દર્શન થયા… ના, એ કોઈ ભૂત -પ્રેત કે બીજું – ત્રીજું કશુંક હતું એવાં તારણ પર આવવાની ઉતાવળ નહીં કરતા. આ તો કુદરતનો કરિશ્મા હતો. દર વર્ષે ફેબ્રુઆરીમાં સૂર્ય આથમતો હોય ત્યારે એના કિરણના પરાવર્તનને કારણે ધોધરૂપે વહેતું પાણી અગ્નિની જ્વાળા વહી રહી હોય એવો દ્રષ્ટિ ભ્રમ ઉત્પન્ન થાય છે.
યુવાન દેખાવાની ઈચ્છા દરેક સ્ત્રીને હોય એ સમજી શકાય, પણ સ્ત્રીના મોઢે અપરિગ્રહની વાત?! ઓ દાદી રે…!
લ્યો કરો વાત!
દિલ્હીની સગર્ભા મહિલાઓ લિપ- ડે (૨૯ ફેબ્રુઆરી)ના દિવસે બાળકનો જન્મ થાય એને લઈને રાજી ન હોવાનું જાણવા મળ્યું હતું. મજા તો એ વાતની છે કે આ દિવસ સાથે એમણે શુકન – અપશુકન કનેક્શન નહોતું બેસાડ્યું. એમને તકલીફ એ વાતની હતી કે બાળક જો ૨૯ ફેબ્રુઆરીએ જન્મે તો એનો હેપ્પી બર્થ- ડે દર ચાર વર્ષે આવે અને ઉજવણી માટે એટલી રાહ કેમ કરી જોવી? લિપ યર ન હોય ત્યારે ૨૮ ફેબ્રુઆરી કે ૧ માર્ચે ‘બાર બાર દિન યે આએ’ ગાઈને કેક કટિંગમાં એમનું મન નથી માનતું. આ કારણસર હૉસ્પિટલમાં ડૉક્ટરોપાસે સિઝેરિયન ટેકનિકથી સંતાન જન્મ એક દિવસ વહેલો એટલે કે ૨૮ ફેબ્રુઆરીએ કરાવ્યો હોવાનાં કેટલાંક ઉદાહરણ જોવા મળ્યા. ૧૬ વર્ષના યંગસ્ટરને ‘તું તો હજી ચાર વર્ષનો કીકલો છે’ એમ કહેવામાં આવે તો એને હાડોહાડ લાગી આવે, હેંને !