ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

માણસ માત્ર ભૂલને પાત્ર, ટાવર થયો રેકોર્ડને પાત્ર

‘ભૂલ કરવી અને ભૂલી જવું’ વચ્ચેનો ભેદ તમે વિસરી ગયા હો તો ભૂલમાં મિસ્ટેક થઈ જાય એમ મજાકમાં કહેવાતું હોય છે. ‘ભૂલ તો બ્રહ્માની યે થાય – માણસ છે, ભૂલે પણ ખરો’ કહેવત ભૂલના ભોંયરામાં સાંત્વન આપે છે. ભૂલ થયા પછી જો એ ભૂલ સુધારી લેવામાં આવે તો એ ભૂલ ભુલાઈ જતી હોય છે.
ફ્રેન્ચ કલાકાર રિચર્ડ પ્લોડ અને ‘ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’ના કેસમાં આ વાત ઊડીને આંખે વળગી છે. સાત લાખ દીવાસળીની મદદ અને કેટલાક વર્ષની જહેમત પછી રિચર્ડે તૈયાર કરેલી ૨૩.૫ ફૂટ ઊંચી આઈફેલટાવરની પ્રતિકૃતિ નવો વિશ્ર્વવિક્રમ હોવા છતાં ‘ગિનેસ’ તરફથી નિયમભંગનું કારણ આપી રેકોર્ડ માન્ય ન રાખવામાં આવ્યો ત્યારે એના દિલમાં દરદ થયું હતું.
અગાઉના ૨૧.૪ ફૂટ ઊંચા ટાવરને પાછળ રાખી રિચર્ડે જાહેર જનતા માટે એને ખુલ્લો મૂકી એનું વીડિયો શૂટિંગ પણ કર્યું હતું. જો કે, બે અલગ અલગ પ્રકારની દીવાસળી વાપરી છે, દીવાસળીનું ટોચકું જ્વલનશીલ નહોતું જેવા કારણ હેઠળ રિચર્ડનો દાવો નકારવામાં આવ્યો હતો. ભસ્મ થઈ ગયેલા સપનાની રાખ પ્લોડભાઈ સાફ કરી રહ્યા હતા ત્યાં ‘ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’ દ્વારા પોતાના જ નિર્ણયને સુલટાવી એનો વર્લ્ડ રેકોર્ડ માન્ય રાખવામાં આવ્યો હોવાની ઘોષણા કરવામાં આવી. નિયમોમાં રહેલી વિસંગતિઓ દૂર કરી ભૂલ સુધારી લેવામાં આવી હોવાની કબૂલાતની સાથે સાથે રિચર્ડને થયેલા માનસિક સંતાપ બદલ દિલગીરી વ્યક્ત કરવામાં આવી હતી.

સાઉદીએ પશ્ર્ચિમની બારી સહેજ વધારે ખોલી

ખળખળ વહેતી સાબરમતી સરિતાના કાંઠે વિકસી રહેલું ‘ગિફ્ટ સિટી’ ગુજરાતનું પહેલું સ્થળ છે, જ્યાં ‘કંડિશન્સ અપ્લાઇડ-શરતોને આધીન’ સરકારે ગયા વર્ષના અંતમાં શરાબ પીવાની છૂટ આપી છે. ગાંધીજીના ગુજરાતમાં પહેલીવાર શરાબ માટે ગવર્નમેન્ટ તરફથી મંજૂરી મળતા આનંદ – આક્રોશનો માહોલ જોવા મળ્યો છે. આ સમાચારનો નશો ઉતરે એ પહેલા મધ્ય પૂર્વના એક સમયના અત્યંત રૂઢિચુસ્ત પણ છેલ્લા પાંચેક વર્ષથી ધીરે ધીરે પશ્ર્ચિમની બારી ખોલી રહેલા સાઉદી અરેબિયામાં સાત દાયકા પછી પહેલી વાર પાટનગર રિયાધમાં દારૂની દુકાન ખોલવાની સરકારી પરવાનગી મળી છે. ૧૯૫૨માં રાજવી પરિવારના નબીરાઓએ દારૂના નશામાં રાજદ્વારીની હત્યા કરતા શરાબનું ‘શટર બંધ’નો આદેશ આપવામાં આવ્યો હતો. ગુજરાતમાં દારૂબંધી છે, પણ ગેરકાયદે સેવનની અને હેરફેરની રેલમછેલ છે. સાઉદીમાં પણ ગેરકાયદે લિકરની લે -વેચ થાય છે અને સરકારી પરવાનાથી આ હેરાફેરી પર લગામ આવશે એવું સાઉદી સરકાર માને છે. અલબત્ત, શરાબના વેચાણ માટે શટર ઉઘાડવા કેટલીક શરતોનુંપાલન જરૂરી છે.
સૌથી મુખ્ય શરત છે કે મુસ્લિમ ન હોય એવા વિદેશીઓને જ છૂટ આપવામાં આવી છે. આ અગાઉ મહિલાઓને ફૂટબોલ મેચ જોવાની અનુમતિ.. કાર ચલાવવાની પરવાનગી…આમ સાઉદી અરેબિયા પશ્ર્ચિમની બારી ધીરે ધીરે ખોલી રહ્યું છે. આજે બારી તો આવતી કાલે પ્રવેશ દ્વાર…!

મૈં અપને હી બચ્ચે કી માં બનને વાલી હૂં…

‘મૈં તુમ્હારે બચ્ચે કી મા બનનેવાલી હૂં’ એવો ડાયલોગ જ્યારે હિન્દી ફિલ્મની અભિનેત્રી બોલે ત્યારે યા તો મોઢું મીઠું કરવામાં આવે યા તો ‘હવે આપણે કોઈને મોઢું દેખાડવા લાયક નથી રહ્યા’ જેવી ધાણીફૂટે. જો કે, માનવ રહિત પ્રાણી સમાજ કોઈ નીતિ નિયમના આવરણ હેઠળ નથી જીવતો. એ તો મુક્ત સમાજમાં ટહેલે છે. છેલ્લાં આઠ વર્ષથી કોઈ પણ નર સ્ટિંગ રેના સહવાસ વિના રહેતી શાર્લોટ નામની સ્ટિંગ રે (માછલીની એક જાત) પ્રેગ્નન્ટ છે એવા ગુડ ન્યૂઝ મળતા એકવેરિયમમાં મીઠું મોઢું કરવામાં આવ્યું. હેરત પમાડનારી વાત એ છે કે જે એકવેરિયમમાં એનો નિવાસ છે એ સ્ટિંગ રેની વસાહતથી ૩૭૦૦ કિલોમીટર દૂર છે તો આ માતૃત્વ ધારણની અજબ દુનિયાની ગજબ ઘટના બની કઈ રીતે એ લાખ રૂપિયાનો સવાલ છે, જેનો કરોડ રૂપિયાનો જવાબ છે કે કુદરતનો કરિશ્મા!
આ માછલી ચાર બચ્ચાને આ મહિનાના અંત સુધીમાં જન્મ આપશે. અલબત્ત, આપણી આ સ્ટિંગ રે જે એકવેરિયમમાં ટહેલીને તહલકો મચાવ્યો છે એ ફિશ ટેન્કમાં ચાર નાનકડી શાર્ક પણ એને કંપની આપી રહી છે. જો કે, પ્રાણી જગતના નિષ્ણાતો હાલ શાર્ક અને સ્ટિંગ રે વચ્ચે સંવનનની સંભાવના નકારી રહ્યા છે. બચ્ચાઓના જન્મ પછી ડીએનએ ટેસ્ટિંગ કરવામાં આવશે અને ત્યારે જ બચ્ચાઓના બાપાનાં રહસ્ય પરથી પડદો ઊઠશે. અત્યારે જો લલિતા પવાર સ્ટાઈલમાં ‘ઓ કલમુંહી, તૂ કિસ કે બચ્ચે કી માં બનનેવાલી હો’ એવો સવાલ કરવામાં આવે તો સ્ટિંગ રે ગર્વથી માથું ઊંચું રાખી
જરૂર કહે કે ‘મૈં અપને હી બચ્ચે કી માં બનનેવાલી હૂં.! ’

રાજાની કમાણી ટેક્સમાં કપાણી

રાજાનું રાજપાટ હોય ને પ્રજાનો રઝળપાટ હોય એવી વાતો હવે કેવળ પુસ્તકોમાં જ વાંચવા મળે છે. એકવીસમી સદીમાં રાજા – રાજપાટ જઈ રહ્યા છે અને લિસોટા રહી ગયા છે જેવી અવસ્થા છે. ચક્ર એ હદે ફરી ગયું છે કે ‘આ કર, પેલો કર ને ઓલો કર’ ના ઓઠા હેઠળ પ્રજાના પાકીટ ખંખેરી નાખતા રાજવીને ‘કર ભરો, નહીંતર’ એવું સાફ સાફ શબ્દોમાં જાણે કે કહી દેવામાં આવ્યું છે.
અહેવાલ અનુસાર નેધરલેન્ડ્સના કિંગ વિલમ એલેક્ઝાન્ડરને દર વર્ષે મળતી તોતિંગ રકમ પર હવે કાતર ફરી વળવાની છે. નેધરલેન્ડ્સની સંસદમાં રજૂ કરવામાં આવેલી દરખાસ્ત અનુસાર બંધારણમાં બદલાવ લાવી રાજવીની કમાણી કરમુક્ત નહીં કરયુક્ત (ટેક્સ ફ્રી નહીં, ટેક્સેબલ) ઠેરવવાની યોજના છે. હાલના તબક્કે રાજવી ફરજ નિભાવવા બદલ દર વર્ષે ૧.૧ મિલિયન યુરો (આશરે ૯.૭૫ કરોડ રૂપિયા)નું મહેનતાણું (કે સાલિયાણું?) ચુકવવામાં આવે છે. પ્રસ્તાવિત સુધારા અનુસાર જો કાયદો બદલાઈ જશે તો રાજાએ એને મળતા મોટાભાગના ભથ્થા માટે ૪૯.૫ ટકા ટેક્સ ભરવો પડશે. નેધરલેન્ડ્સમાં આવો તોતિંગ ટેક્સ કોઈ નથી ભરતું. અલબત્ત, ૫૬ વર્ષના રાજાને મળતા ભથ્થા પર જ આ કર ચૂકવવો પડશે. બાકીના બધા ખર્ચ રાષ્ટ્ર ભોગવશે, જેમાં મહેલની વાર્ષિક જાળવણીનો૭૫.૧ મિલિયન યુરો સહિત કેટલાક ખર્ચનો સમાવેશ થાય છે. આમ રાજાની કમાણી, ટેક્સમાં કપાણી અને પ્રજાના ખિસ્સામાં સમાણી જેવું થાય તો એથી રૂડું શું?

તેનું દર્શન કરતા કુળ અનેક ડૂબાડ્યા રે…

નરસિંહ મહેતાના યુગમાં પ્રજા વણલોભી ને કપટરહિત હતી અને એનું દર્શન કરતાં કુળ એકોત્તર (ઈકોતેર – ૭૧ નહીં, પણ એકોત્તર – ૧૦૧) તરી જાય એવી ભાવના – માન્યતા હતી. આ તો હળાહળ કળિયુગ છે અને પોતાને ઈશ્ર્વરનો ખેપિયો લેખાવતા એવા લોકો આપણી વચ્ચે વસે છે, જેમનું દર્શન કરતા કુળ ડૂબી જાય એવો ભય રહેલો છે. યુએસના કોલોરાડો રાજ્યના ડેનવર શહેરના એક ધર્મ ઉપદેશક ‘આમાં મેં કંઈ નથી કર્યું. આ તો ગોડનો આદેશ આવ્યો કે ક્રિપ્ટો કરન્સી વેચ અને મેં એ આદેશનું પાલન કર્યું’ એવું કહી અનેક લોકોની બચતમાં ઉચાપત માટે નિમિત્ત બન્યો છે. ધર્મ વાંચન કરી ઉપદેશ દેવો અને ક્રિપ્ટોમાં ઈન્વેસ્ટમેન્ટની સલાહ આપવી એ બે અલગ વાત છે. ઉપદેશક અને એની પત્નીને ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જનો ‘ક’ સુધ્ધાં નહોતો આવડતો અને પ્રભુના આદેશના નામે ભોળી જનતા પાસેથી એક વર્ષમાં ૩૨ લાખ ડૉલર સેરવી લીધા. રોકાણકારોને પછી ભાન થયું કે એમના પર સેવાના પૈસાના બદલામાં જે ક્રિપ્ટો કરન્સી આપવામાં આવી છે એ રોકડી નથી કરી શકાતી. આમ છતે પૈસે નાહી નાખવાનો વારો આવ્યો અને ધર્મોપદેશક અને એની પત્ની લોકોના પૈસા લીલા લહેર કરવા લાગ્યા. ‘રામાયણ’માં રામના નામે પથરા તરવાની વાત આવે છે અહીં ગોડના નામે ઉપદેશક ભક્તોને ડૂબાડી રહ્યો હતો. જો કે એની ચોરી પકડાઈ ગઈ છે એટલે ઈશ્ર્વરના દરબારમાં શું થશે ખબર નથી, પણ મનુષ્યના દરબારમાં એની સામે ખટલો ચાલશે.

લ્યો કરો વાત!

નામ હોય ધનજીભાઈ પણ બે ટંક રોટલાના સાંસા હોય. નામ હોય ચંદ્રમુખી, પણ પોતાને અરીસો જોવામાં નાનપ લાગતી હોય અને નામ દેવદાસ હોય પણ શરાબની બોટલ સુધ્ધાં ક્યારેય ન જોઈ હોય એવું બધું આ વિશ્ર્વની વરાયટી છે.
આ આઈસલેન્ડની જ વાત કરોને. નામ કેવું ઠંડુંગાર છે, બરફ આચ્છાદિત ભૂમિ – આઈસલેન્ડ, પણ અહીં ઘણા જ્વાળામુખી આવેલા છે, જેમાંના કેટલાક તો એક્ટિવ હોય છે. થોડા સમય પહેલા આ ‘ગરમ મુખીઓ’ એ હાહાકાર મચાવ્યો હતો. સિવાય આ દેશમાં ગરમ પાણીના ઝરા પણ છે જે અચરજમાં ઉમેરો કરે છે. અને એક મિનિટ., અહીં યુરોપની સૌથી મોટી હિમનદી વહે છે. વિચાર કરો કે ક્યાંક હિમ નદી વહેતી હોય તો ક્યાંક ધગધગતો લાવા. આને કહેવાય અજબ દુનિયાનો ગજબ ખેલ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?