અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી
શુગર ડેડી સાથે મેરેજ, મૌજા હી મૌજા!
મથાળું વાંચી મોં બગાડ્યા પહેલા આ સ્પષ્ટતા ધ્યાનથી વાંચી જાઓ. શુગર ડેડી એટલે ગળ્યું ખવરાવતા પિતા – બાપુજી નહીં. શુગર ડેડી એટલે ૫૦ – ૬૦ કે એથી વધુ ઉંમરના ધનાઢ્ય પુરુષ જે યુવાન સ્ત્રી સાથે દરેક પ્રકારનો સહવાસ માણવા એને મોંઘીદાટ ગિફ્ટ આપે અને એની પાછળ પાણી જેમ પૈસા વેરે. એટલે શુગર ડેડી સાથે કોઈ દીકરીના લગ્નની વાત નથી. વાત છે આર્થિક સંકડામણમાં ન્યૂયોર્કથી થોડે દૂર આવેલા બ્રુકલીન નગરમાં રહેતા જીવતા પરિવારની ઈઝાબેલ અનાયા નામની યુવતીની. સાત વર્ષની થઈ ત્યારે જ પોતે વૈભવી જિંદગી જ જીવશે એવી ગાંઠ તેણે મનમાં વાળી લીધી હતી. એ ઉંમરે ભણવા- રમવાનું તડકે મૂકી ઈઝાબેલ ન્યૂયોર્કના સમૃદ્ધ મેનહટન વિસ્તારમાં ફરવા આવતી. અહીં આવી માત્ર સ્ટાઈલિશ મહિલાઓને નીરખ્યા કરતી અને તેમના ચહેરા પર પોતાનો ચહેરો ગોઠવી લેતી. એ મહિલાઓ જેવી જ બીજાના પૈસે લીલાલહેર કરવાની લાઈફસ્ટાઈલના સપના રોજ જોવા લાગી અને કેટલાક વર્ષોના પ્રયાસો પછી ઈઝાબેલને સફળતા મળી. શુગર ડેડી સાથે ૧૦ વર્ષ પહેલાં ઓનલાઇન મુલાકાત થઈ. છએક મહિના હળ્યા – મળ્યા. ફાવી ગયું એટલે એંગેજમેન્ટ કર્યા અને છ મહિના પછી વિધિસર પરણી ગયાં. આજે એકદમ રોમાંચક લાઈફસ્ટાઈલ જીવે છે. સવારે બાળકોને સ્કૂલે મૂકવા જવાનું, ફ્રી ટાઈમમાં જિમ જઈ શુગર ડેડીને ગમે એવું ફિગર રાખવાનું, પછી ડિઝાઈનર ક્લોથ્સનું શોપિંગ કરવાનું, ત્યારબાદ આલીશાન જગ્યાએ હાઈફાઈ લંચ લેવાનું અને સોશિયલ મીડિયા પર અમીર વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે માર્ગદર્શન આપવાનું.. દિવસ ક્યાં પૂરો થઈ જાય અને પૈસા કેમ પાણીની જેમ વહી જાય ખબર જ ન પડે. શુગર ડેડી સાથેની લાઈફ એટલે મૌજા હી મૌજા.
ડઝન સંતાનોની માને ૧૦ બાળકના ડેડીની તલાશ
આજના ઝડપી યુગમાં યંગસ્ટર્સને પરણવાની – ઘર માંડવાની કોઈ ઉતાવળ નથી હોતી અને પરણી ગયા પછી પેરન્ટ્સ બનવાની કોઈ ઉતાવળ નથી હોતી. જોકે, ન્યૂયોર્કમાં રહેતી આ યુગની જ વેરોનિકા મેરિટ તો અજબ દુનિયાની ગજબ યુવતી છે. સોશિયલ મીડિયા પર બે લાખ ફોલોઅર્સ ધરાવતી ૩૭ વર્ષની અને ગયા વર્ષે નાની (એની સૌથી મોટી દીકરી વિક્ટોરિયાને ત્યાં પુત્રી જન્મ થયો) બની ગયેલી મહિલાને ૧૨ સંતાન છે. બીજા પતિ સાથે ગયા વર્ષે છૂટાછેડા લીધા હતા. પરિવાર બહોળો કરવાની અદમ્ય ઈચ્છા હોવાથી શ્રીમતી મેરિટ હવે ‘જોઈએ છે પતિ’નું પાટિયું લઈ ફરી રહી છે. હેરત પમાડનારી વાત એ છે કે ૧૦ બાળકો હોય એવા પુરુષને એ પતિ બનાવવા માંગે છે. વિચિત્ર લાગે એવી ઈચ્છા વેરોનિકાને થવાનું કારણ છે બ્રિટનનો રેડફર્ડ પરિવાર જેના પેરન્ટ્સને ૨૨ સંતાન છે અને ટીવી પર એ લોકો ચમકી ગયા છે. વેરોનિકા રેડફર્ડ પરિવારનો રેકોર્ડ તોડવા માગે છે. એટલે ૧૨ પોતાના અને ૧૦ બાળક ધરાવતો પિતા જો મળી જાય તો ૨૨ થઈ જાય અને લગ્ન પછી એકને જન્મ આપી આંકડો ૨૩ પર પહોંચાડી નવો રેકોર્ડ પોતાના નામે કરવાની ગણતરી વેરોનિકાની છે. આ સંખ્યામાં વધારો કરવા પણ એ રાજી છે. વેરોનિકાને માતૃત્વની અદમ્ય લાલસા છે અને બે પ્રેગ્નન્સી વચ્ચેનો સમયગાળો લાંબો રહે તો એ અસ્વસ્થ થઈ જાય છે. અને હા, બ્લડ ક્લોટિંગની સમસ્યા હોવાથી સંતતિ નિયમનની ગોળીઓ (બર્થ કંટ્રોલ પિલ્સ) એ નથી લઈ શકતી.
અંગદાનની કદર મૃત્યુ પછી પણ…
સવાસો વર્ષ પહેલા યોગ પર પ્રકાશિત પુસ્તક યોગકૌસ્તુભમાં લખ્યું છે કે, ‘ન્યાયપૂર્વક એકત્ર કરેલા ધનમાંથી પોતાની શક્તિ પ્રમાણે યોગ્ય ધનને વિધિપૂર્વક શ્રદ્ધા વડે સત્પાત્રને આપવું તે દાન કહેવાય છે.’ અર્થ દાન તો અનેક લોકો કરે છે, પણ સમાજમાં એવા લોકો સુધ્ધાં છે જે વિદ્યા દાન કે અંગદાન જેવા સત્કર્મ પણ કરે છે. અંગદાનનો મહિમા અનેરો છે, કારણ કે આ દાન એક અર્થમાં નવજીવન બક્ષે છે. મૃત્યુ પામેલી વ્યક્તિના અંગદાનના અનેક પ્રસંગ છે, પણ એવા ય ઉદાહરણ છે જેમાં જીવતેજીવત અંગદાન કરવામાં આવ્યું હોય. આવી વ્યક્તિ જીવનકાળમાં તો આદરપાત્ર ઠરે જ છે, સ્વર્ગલોક સિધાવ્યા પછી પણ હૃદયમાં સ્થાન જમાવે છે. તામિલનાડુની સરકારે અંગદાન કરનારી વ્યક્તિના અવસાન બાદ રાજકીય સન્માન સાથે તેમનો અંતિમ વિધિ કરવાનો સ્તુત્ય નિર્ણય લીધો છે. એટલું જ નહીં, અંગદાન કરનારી બ્રેઈન ડેડ વ્યક્તિનું હોસ્પિટલમાં અવસાન થાય તો એ મૃતદેહ શબગૃહ સુધી લઈ જવાય ત્યારે ડોક્ટર અને નર્સે મૃતદેહ સાથે ચાલી એને સન્માનપૂર્વક વિદાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંગદાનમાં તામિલનાડુ અગ્રેસર છે. સરકારી મેડિકલ કોલેજોમાં અંગ પ્રત્યારોપણના ૧૨ કેન્દ્ર કાર્યરત છે અને આ ઉમદા પ્રવૃત્તિ માટે તામિલનાડુ લગભગ દરેક વર્ષે એવોર્ડ મેળવે છે.
વિમાનમાર્ગે પહેલી ટપાલ ભારતમાં
ટેક્નોલોજીની હરણફાળને પગલે ’લિખે જો ખત તૂજે’ હવે કાળબાહ્ય થઈ ગયું છે. ‘મેરા મેઈલ – વોટ્સએપ મિલા ક્યા’ એ આજની વાસ્તવિકતા છે. વિમાનમાર્ગે ટપાલ મોકલવાનો પહેલવહેલો પ્રસંગ ભારતમાં બન્યો હતો. હવાઈ માર્ગે કાગળપત્ર મોકલવાની શરૂઆત ૧૯મી સદીમાં થઇ ગઈ હતી, પણ એ સમયે બલૂન અને ગ્લાઈડરનો ઉપયોગ કરવામાં આવતો હતો. ૧૭ ઑગસ્ટ, ૧૮૫૯ના દિવસે અમેરિકાએ પ્રથમ એરમેઇલ (હવાઈમાર્ગે ટપાલ) મોકલી હતી. ૧૨૩ પત્રોવાળી બેગ ગેસથી ચાલતા બલૂનમાં મોકલવામાં આવી હતી. વિમાનનો ઉપયોગ નહોતો થયો. ૧૭ ડિસેમ્બર ૧૯૦૩માં રાઈટ બ્રધર્સ દ્વારા વિમાન ઉડાડવામાં આવ્યું હતું, પણ એમાં કાગળપત્ર નહોતા. વિમાનમાર્ગે પ્રથમ વખત કાગળ મોકલવાની ઐતહાસિક ઘટના ૧૮ ફેબ્રુઆરી, ૧૯૧૧ના દિવસે આપણા દેશમાં બની હતી. હેન્રી પેક્વેટ નામના ફ્રેન્ચ પાઇલટે પહેલો સત્તાવાર પત્ર વિમાનમાર્ગે લઇ જવાની કામગીરી પાર પાડી હતી. એ વિમાનમાં લઇ જવાયેલા કોથળામાં આશરે ૬૦૦૦ કાર્ડ અને પત્રો હતા. આ વિમાને અલાહાબાદના પોલો મેદાનથી ઉડ્ડયન શરુ કરીને યમુના નદી પરથી ઊડીને પાંચ માઈલ દૂર આવેલા અલાહાબાદના ટ્વીન સિટી તરીકે ઓળખાતા નૈની જંક્શન પર ઉતરાણ કર્યું હતું.
જાપાન, લવ ઈન ડોગિયો
એક નૂર આદમી, હજાર નૂર ચસકા. મનુષ્યને ક્યારે શેનો શોખ જાગે, નાદ લાગે કે ઘેલું લાગે એના કોઈ ગણિત નથી હોતા. કેટલાક ચસકા તો એવા હોય છે કે જે જોયા – જાણ્યા પછી બે મિનિટ માટે તો ચક્કર જ આવી જાય. જાપાનમાં રહેતા એક મહાશયના મનમાં શ્ર્વાન બની જીવવાની ધૂન સવાર થઈ. કોને ખબર કેમ, પણ નાનપણથી જ એને ચોપગા શ્ર્વાન બનવાની તમન્ના જાગી હતી. એની આ ઘેલછાને કારણે એને ખાસ્સી લોકપ્રિયતા મળી છે. જાણવા જેવી રસપ્રદ વાત એ છે કે પોતાનું શરીર શ્ર્વાન સ્વરૂપે જ લટાર મારે એ માટે એ વ્યક્તિએ સારો એવો ખર્ચ કર્યો છે. જાણકારી અનુસાર ડોગના કોસ્ચ્યુમ માટે પૂરા ૧૨ લાખ રૂપિયા ગણી દીધા છે. કોસ્ચ્યુમ પહેરી એ શ્ર્વાનની જેમ બહાર ટહેલવા પણ નીકળે છે અને રસ્તામાં કોઈ લાગણી દેખાડે તો પંજાથી શેકહેન્ડ પણ કરે છે. કોસ્ચ્યુમ બનવનારાઓને દાદ દેવી રહી કે સડક પર ટહેલતી દરેક વ્યક્તિને આ અસલી શ્ર્વાન – રિયલ ડોગી જ લાગે છે. અન્ય શ્ર્વાન પણ પોતાની બિરાદરીનો એને માની બેઠા છે અને શ્ર્વાન કરતા હોય એવા ગેલ ગમ્મ્ત એની સાથે કરે છે. હવે આ ડોગમેનના દિલમાં ઘંટડીઓ વાગી છે અને ’બસ એક સનમ ચાહિએ આશિકી કે લિયે’ ગીત ગણગણ્યા કરે છે. હવે જોવાનું એ છે કે એને પાર્ટનર તરીકે કોણ સ્વીકારે છે. માદા શ્ર્વાન કે કોઈ યુવતી કે પછી ડોગવુમન?
લ્યો કરો વાત!
‘બહોળો પરિવાર બહેતર પરિવાર’ની વ્યાખ્યામાં વિશ્વાસ ધરાવતી ન્યુયોર્કની રહેવાસી વેરોનિકા મેરિટે ગયા વર્ષે ૧૨ એપ્રિલે ૧૨મા સંતાન (પુત્ર)ને જન્મ આપ્યો હતો. હેરત પમાડનારી વાત એ છે કે એના બરાબર બે મહિના અને સાત દિવસ પછી ૧૯ જૂને એની સૌથી મોટી દીકરી વિક્ટોરિયાને ત્યાં ક્ધયા રત્નનો જન્મ થયો. આમ મામા ભાણી કરતા માત્ર બે મહિના અને સાત દિવસ મોટા. આપણા દેશમાં આવા અનેક ઉદાહરણો જોવા મળે, પણ વિદેશમાં સુધ્ધાં આવી વરાયટીની નવાઈ નથી. જોકે, મા – દીકરી સાથે પ્રેગ્નન્ટ થયાં હોય એવા કિસ્સા તો વિરલ જ કહેવાય.