ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

પાણી તારે અને મારે પણ ખરું..!
બહુ ઓછા જાણીતા કવિ ત્રિભુવન વ્યાસે ‘મહાસાગર’ના શીર્ષક હેઠળ એક સુંદર કાવ્ય લખ્યું છે, જે ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં ભણાવવામાં આવતું હતું. આ રચનામાં કવિએ રૂપકોનો બખૂબી ઉપયોગ કરીને સમુદ્ર કે મહાસાગરના સ્વરૂપનો સુપેરે પરિચય કરાવ્યો છે. એની એક કડીનો ઉલ્લેખ કરીને દરિયાઈ જીવ ટર્ટલનાં અસ્તિત્વની વાત કરવી છે. એમના કાવ્યમાં મહાસાગરનું વર્ણન કરતા વ્યાસજી લખે છે કે ‘ઊંડો ઊંડો ગજબ ઊંડો ! માણસ ડૂબે, ઘોડા ડૂબે ! ઊંચા ઊંચા ઊંટ ડૂબે ! હાથી જેવાં તૂત ડૂબે ! કિલ્લાની કિનાર ડૂબે ! તાડ જેવાં ઝાડ ડૂબે ! મોટા મોટા પહાડ ડૂબે!’

બીજી તરફ, કાચબાને મળતો આવતો ટર્ટલ નામનો જીવ આ ઊંડા મહાસાગરમાં પણ કોઈપણ જાતની મુશ્કેલી વિના ચેનથી જીવી શકે છે. જો કે, ઊંડા મહાસાગરના અફાટ જળવિસ્તારમાં કોઈ પણ તકલીફ વિના જીવી શકતો આ જીવ ધોધમાર વરસાદમાં નથી ટકી શકતો અને મરણને શરણ થાય છે. મુંબઈથી માંડી ન્યુયોર્ક સુધીના વિસ્તારમાં આવું બનતું રહે છે. ‘પાણી તારે તો મારે પણ ખરું…’ એનું આ વિધિની વક્રતા જેવું વિશિષ્ટ ઉદાહરણ છે.

પછી ‘અશુકદેવજી’ બોલ્યા ને કાનમાં પડ્યા કીડા…
‘પછી શુકદેવજી બોલ્યા કે.’ એવું તમે ભાગવત કથામાં અનેક વાર સાંભળ્યું હશે. શુકદેવ પુરાણોના રચયિતા ઋષિ વ્યાસના પુત્ર હતા અને બાળ બ્રહ્મચારી તેમજ વિદ્વાન અને ગર્ભજ્ઞાની હતા. પૂર્વજન્મે પોપટ હોવાથી શુક તરીકે ઓળખાયા. ભગવદ્ગોમંડલમાં શુકનો એક અર્થ પોપટ છે. શુકદેવજીની વાણીમાં અમૃત હતું જ્યારે બ્રિટનના પ્રાણી સંગ્રહાલયના શુક (પોપટ)ની વાણી કાનમાં કીડા પડે એવી અભદ્ર હોવાની ફરિયાદો સહેલાણીઓ તરફથી આવી છે.

યુકેના લિંકન શાયર પાર્ક વિસ્તારના વાઈલ્ડલાઈફ પાર્કમાં પોપટવાણી સાંભળી કોઈ લોકો રોષે ભરાયા છે, કોઈને શરમ આવે છે તો કેટલાકનું મનોરંજન પણ થાય છે.

ફરિયાદનો થોકડો વધી ગયો હોવાથી આ અશુકદેવને સારી વાણી શીખવવા એક કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. પાર્કમાં આવતા સહેલાણીઓને પોપટની એલફેલ વાણી સામે ચેતવણી આપતા બોર્ડ મુકવામાં આવ્યા છે અને બાળકોને ‘અશુકવાણી’થી છેટા રાખવાની સલાહ આપવામાં આવી છે. કોવિડ – ૧૯ મહામારીના પ્રારંભ કાળમાં યુકેના પ્રાણીસંગ્રહાલયને દાનમાં મળેલા આઠ આફ્રિકન પોપટ તાલીમ મળ્યા પછી અમંગળ વાણી વિલાસ વિસરી શુકદેવજી જેવી વાણી ઉચ્ચારતા થઈ જશે એવો અધિકારીઓને વિશ્ર્વાસ છે.

મેટ્રો મેં હોકે સવાર ચલી રે, મૈં તો અપને સાજન કે દ્વાર ચલી રે…

‘જરૂરિયાત આવિષ્કારની જનની’ (Necessity is the Mother of Invention) બહુ જાણીતી ઉક્તિ છે જેના અઢળક ઉદાહરણ માનવ જીવનમાં મળે છે. આઈટી ઈન્ડસ્ટ્રીની પ્રવૃત્તિમાં શિરમોર ગણાતા બેંગલુરુ શહેરમાં તાજેતરમાં એનો વધુ એક પરચો અને પરિચય થયો. દેશનાં મહાનગરોની જે કેટલીક વિકરાળ સમસ્યા છે એમાં ટ્રાફિક જામ તો ‘કેન્સરગ્રસ્ત સમસ્યા’ કહેવાય છે. એમાંય ‘પાલકી મેં હોકે સવાર ચલી રે, મૈં તો અપને સાજન કે દ્વાર ચલી રે’ના મનોરથ સેવતી ક્ધયાને માંડવે સમયસર પહોંચી હસ્તમેળાપનું મુહૂર્ત સાચવતા અને મેકઅપ – મહેંદી સંભાળતા નાકે દમ આવી જતો હોય છે. આ સમસ્યાનો તોડ કાઢવા બેંગલુરુની કોડીલી ક્ધયા કાર છે ‘બેકાર’ એવું સમજી – સ્વીકારી સખી વૃંદ સાથે દેશનાં મહાનગરોની શાન બની રહેલી મેટ્રોમાં મહાલી મંડપે જવા રવાના થઈ ત્યારે કામધંધે જવા નીકળેલા અનેક લોકોની આંખોને પહોળી થવા જગ્યા ઓછી પડી હતી. કોઈ સંબંધ ન હોવા છતાં સાથી મુસાફરો થોડી વાર માટે ક્ધયા પક્ષના જાણે કે સગા – સંબંધી બની ગયા અને સોળે શણગાર સજેલી સુક્ધયા પર અમી ભરેલી આંખોથી હેત વરસાવી રહ્યા હતા. માંડવે મળ્યા એના કરતાં અનેકગણા આશીર્વાદ ક્ધયાને સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં મળ્યા. પર્યાવરણ માટે પ્રેમ- સ્માર્ટ ક્ધયા- રૂઢિઓને બદલવાની પહેલ…. જેવાં વિશેષણથી ક્ધયાને નવાજવામાં આવી. ભવિષ્યમાં આધુનિક લગ્ન સ્થળ મેટ્રો સ્ટેશનની નજીકના વિસ્તારમાં શરૂ થાય તો નવાઈ ન લાગવી જોઈએ એવી પ્રતિક્રિયા પણ આવી. લગ્ન દરમિયાન ‘મેટ્રો મેં હોકે સવાર ચલી રે, મૈં તો અપને સાજન કે દ્વાર ચલી રે’ ગીત ગવાયું હોય તો નવાઈ ન લાગવી જોઈએ.

રસોડાનો રાજા જીવનદાતા

ક્યારે કંઈ ચીજ કેવી ઉપયોગી સાબિત થાય એ દર્શાવતી કહેવત છે કે ‘ધૂળનોય ખપ પડે’. થોમસ આલ્વા એડિસને વીજળીના બલ્બના આવિષ્કારની વાત જગત સામે મૂકી ત્યારે એને તરંગી લેખાવનારા લોકોમાં વૈજ્ઞાનિક સુધ્ધાં હતા. એકવીસમી સદીમાં રસોડાના રાજાનો ખિતાબ ધરાવતા એક અનોખા પ્રેશર કૂકરની શોધ જાપાનમાં થઈ ત્યારે અનેક દેશવાસીઓએ એની હાંસી ઉડાવી હતી. ઠઠ્ઠા – મશ્કરી કર્યા હતા. વાત એમ હતી કે સીટી વગાડી ઘરની રાણીને રાજીના રેડ કરી દેતો આધુનિક પ્રેશર કૂકર રાજા અખબારના કેટલાક પાનાનો ઊર્જાના સ્રોત તરીકે ઉપયોગ કરી ચોખા રાંધી ભાત તૈયાર કરી શકે છે એવો દાવો કરવામાં આવ્યો હતો. ‘આમ તે કંઈ ચોખા ચડતા હશે?’ અથવા ‘ફેંકાફેંક કરે છે’ જેવી પ્રતિક્રિયાઓ ઊમટી. જો કે, પહેલી જાન્યુઆરીએ ધરતીકંપ થવાથી ગેસ અને વીજળીના ધાંધિયાથી પરેશાન જનતા પેટની આગ કેમ ઠારવી એની ચિંતામાં પડી. અત્યાર સુધી લોકો જેની સામે હસતા હતા એ ‘આધુનિક પ્રેશર કૂકર’ હસતા મોઢે સેવામાં હાજર થયું અને લોકો ગરમ ગરમ ભોજન પામી શક્યા. રસોડાનો રાજા જનતાનો જીવનદાતા બની ગયો. ટૂંકમાં ‘ધૂળનોય ખપ પડે’ એ ભૂલવું નહીં.

સવા બે અબજ રૂપિયાની લ્હાણી કરવા મદદ માગી
‘લોભને ન હોય થોભ’ એ મોટા ભાગના ધનવાનોને લાગુ પડે એ વાત સાચી, પણ દરેક વાતમાં અપવાદ હોય છે એ વાત પણ ખોટી નથી. ઓસ્ટ્રિયાના પાટનગર વિયેનાની રહેવાસી ૩૧ વર્ષની મર્લિન એન્ગલહોમ દાન કરે એ વીર’ સિદ્ધાંતમાં શ્રદ્ધા ધરાવે છે. દાદીમા પાસેથી વારસા હક તરીકે તિજોરી ફાટી જાય એવા ધનના ઢગલા મેળવનારી મર્લિન ઈન્દ્રને કવચ અને કુંડળ દાનમાં આપી દેનારા દાનવીર કર્ણની બહેન હોય એવું લાગે છે.

વારસામાં મળેલા અઢળક નાણાંને ‘બર્થ લોટરી’ ગણાવનાર મહિલાએ રકમ પોતાના નામ પર ચડી એ પહેલા જ ૯૦ ટકા દાન કરી દેશે એવી જાહેરાત કરી હતી. વારસાની સંપત્તિ પર ઓસ્ટ્રિયાએ કરમાફી જાહેર કરી છે. એટલે મર્લિને જાહેર કર્યું છે કે ‘એક ટીપું પરસેવો પાડ્યા વિના મને વારસામાં જંગી રકમ મળી છે. સરકારને એમાંથી રાતી પાઈ કરપેટે નથી જોઈતી. એટલે આ ૨૫ મિલિયન યુરો (આશરે સવા બે અબજ રૂપિયા)ની વહેંચણી કરવામાં મદદરૂપ થવા મેં જનતાની સહાય માગી છે. ૧૦૦૦૦ લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે, જેમાંથી ૫૦ની પસંદગી કરવામાં આવશે અને એમને યોગ્ય આર્થિક વળતર

આપી એમના સહયોગથી સખાવત કરવામાં આવશે.

લ્યો કરો વાત!
હિન્દીમાં ‘ઘર કા ભેદી લંકા ઢાયે’ અને ગુજરાતીમાં ‘ઘર ફૂટે ઘર જાય’ સમાનાર્થી કહેવત છે, જેનો અર્થ જ્યારે ઘરનું જ માણસ ઘરની વાત કે માહિતી સામા પક્ષવાળાને આપે ત્યારે જ ઘર નાશ પામે એવો થાય છે.
લગભગ બે વર્ષથી મહાકાય રશિયન યુદ્ધ આક્રમણને ખાળી રહેલા યુક્રેનની શસ્ત્ર ઉત્પાદક કંપનીના પાંચ કર્મચારીએ લશ્કરી અધિકારીઓની સંગનમતથી માતૃભૂમિને હાનિ કરવાનું અધમ કામ કર્યું છે. લડત જારી રાખવા દારૂગોળો ખરીદવા માટેના ૪ કરોડ ડૉલરની માતબર રકમની ઉચાપત યુક્રેનના કર્મચારીઓએ કરી છે. દારૂગોળો સૈનિકો સુધી પહોંચ્યો નહીં અને પૈસા દેશદ્રોહીઓની તિજોરીમાં પહોંચી ગયા. અલબત્ત, આ ચોરી પકડાઈ ગઈ છે અને કાર્યવાહી થઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button