ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

ક્ધયાઘોડો ને ‘માંગ ભરો સજની’
વરઘોડો લગ્ન સ્થળે પહોંચે, વરરાજા મંડપમાં બિરાજે અને ‘ક્ધયા પધરાવો સાવધાન’નું ફરમાન છૂટે અને પછી હસ્તમેળાપ-ફેરા ફરવા વગેરે વિધિ સંપન્ન થાય. જો કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડિયો જોયા પછી જે કેટલાક સવાલ મનમાં ઉદ્ભવ્યા એમાંનો સૌથી પ્રમુખ સવાલ હતો કે માંડવે પહોંચ્યો એને વરઘોડો કહેવાય કે ક્ધયાઘોડો?!

વાચક મૂંઝાઈ જાય એ પહેલા સ્પષ્ટતા કરી દઈએ કે આ મંગળ પ્રસંગ આપણા જ દેશના ઉત્તર પ્રદેશના દેવરિયા નામના શહેરમાં બન્યો હતો. આપણે ત્યાં સેમ સેક્સ મેરેજ (યુવકના લગ્ન યુવક સાથે કે યુવતી પરણે યુવતીને)ને કાનૂની માન્યતા નથી, પણ ચોરી ચોરી ચુપકે ચુપકે આવાં લગ્ન થતા રહે છે. યુપીની બે ક્ધયા વચ્ચે ‘દિલ દિવાના બિન સજની કે માને’ના જેવો ઘાટ થયો ને ‘માંગ ભરો સજની’ જેવો ખેલ થયો. મજા તો એ વાતની હતી કે એક ક્ધયાએ સાડી પહેરી હતી જ્યારે બીજી વરરાજા પહેરે એવી શેરવાનીમાં સજ્જ હતી. શેરવાની પહેરેલી યુવતીએ સાડી પહેરેલી યુવતીની સેંથીમાં સિંદૂર પૂર્યું, મંગળસૂત્ર પહેરાવ્યું અને બંને કુમારિકા શ્રીમતી બની ગઈ. આ બંને ક્ધયા મૂળ બંગાળની છે, પણ ત્યાં કોઈ પણ મંદિરમાં સજાતીય વિવાહ માટે મંજૂરી ન મળતા યુપી આવી અને ‘હમ ઔર તુમ, તુમ ઔર હમ, ખુશ હૈ યૂં આજ મિલ કે’ની લાગણી સાકાર થઈ.

હસતાં હસતાં ગંભીર બને ભૈ માણસ છે…
ગુજરાતી કાવ્ય વિશ્ર્વના આદરણીય જયંત પાઠકની લોકપ્રિય કવિતા ‘રમતાં રમતાં લડી પડે ભૈ માણસ છે’નું સામ્ય શીર્ષક પૂરતું જ છે. હવે પછી જે કંઈ વાત કરવામાં આવશે એને કવિતા સાથે કોઈ સંબંધ નથી. આર્કડ્યુક ફર્ડિનાન્ડની હત્યા પહેલા વિશ્ર્વયુદ્ધ માટે તણખો સાબિત થઈ હતી. ફર્ડિનાન્ડ ઓસ્ટ્રિયાના હતા અને એ ઓસ્ટ્રિયાની રાજકીય ગતિવિધિઓ બિયરને કારણે ચર્ચાના ચોતરે ચડી છે.

વાત એમ છે કે સંસદમાં રાજકીય વાતાવરણ હળવુંફૂલ રહે એ આશય સાથે ૨૦૧૫માં ઓસ્ટ્રિયામાં ‘બિયર પાર્ટી’ નામના રાજકીય પક્ષની સ્થાપના કરવામાં આવી હતી. જો કે, હસાવવાના ઈરાદામાંથી પાર્ટી ગંભીર બની અને ભ્રષ્ટાચાર તેમજ અન્ય રાજકીય ગેરરીતિ વિરુદ્ધ રણશિંગું ફૂંકવામાં આવ્યું. જાહેર જગ્યાએ બિયર ફાઉન્ટન ઊભા કરવા જેવી ચીલાચાલુ માંગણી કરનાર આ પક્ષ હવે આરોગ્ય જેવા અતિ મહત્ત્વના મુદ્દે લડત ચલાવી રહ્યો છે. દેશની જનતાને માત્ર બિયરથી ઠંડક નહીં, પણ એના જીવનમાં રાહત મળે એવી કોશિશ કરી રહ્યો છે. પક્ષનો નેતા ડોમિનિક વિઝાની વ્યવસાયે ડોક્ટર છે અને રોક મ્યુઝિકની કોન્સર્ટમાં વાજિંત્ર પણ વગાડે છે. આવી બહુમુખી પ્રતિભા ધરાવતી વ્યક્તિને ૨૦૨૨ની પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ત્રીજા નંબરનું સ્થાન મળ્યું હતું. હવે જનતા આ હળવા પક્ષને કેટલી ગંભીરતાથી લે છે એ જોવાનું છે.

આંગળીએ આંગળી કરી…
પ્રેમ એટલે શું? પ્રેમ એટલે પ્રેમ, બીજું શું? કોલેજની કેન્ટિનમાં- મેટ્રો ટ્રેનમાં- ગામડાનાં ખેતરમાં કે બર્ફીલા પહાડ પર અથવા બીજે ક્યાંય પણ એ પાંગરી શકે છે. પ્રેમિકા માટે (લગ્ન પહેલા) ‘આસમાં સે ચાંદ તારે લે આઉં’ લાગણી હવે એન્ટિક ગણાય છે. આજનો પ્રેમી પ્રેમિકા માટે સેક્સ ચેન્જ – જાતિ પરિવર્તન કરવા તૈયાર થઈ જાય છે, બોલો.

પંજાબી પુત્તર અંગ્રેજ સિંહની ગર્લફ્રેન્ડ કુડી પરમજીત કૌર આરોગ્ય સેવાની કર્મચારી બનવા થનગની રહી હતી, પણ એ માટે આપવી પડતી પરીક્ષામાં નાપાસ થતા નાસીપાસ થઈ ગઈ હતી. પ્રેમિકાની આંખમાંથી ટપકતા આંસુને મોતી સાથે તો પ્રેમીનું દિલ જ સરખાવી શકે. ‘તુસ્સી ફિકર ના કર. અબ કી બાર બેડા પાર’ એવી હૈયાધારણથી પરમજીત રાજી તો થઈ ગઈ, પણ ફતેહ કઈ રીતે મળશે એ સમજી ના શકી. અંગ્રેજ સિંહ ગર્લફ્રેન્ડની જ્ઞાન મર્યાદા જાણતો હતો. એટલે કોચિંગ ક્લાસ કે કોઈ ટયુટર રાખવાની પળોજણમાં પડ્યા વિના પ્રેમીએ પ્રેમિકાનું સ્વરૂપ ધારણ કરી લીધું. લાલચટક ગોળ ચાંદલો, એને મેચિંગ ખનકતી લાલ ચૂડિયાં, સામેની વ્યક્તિની પહેલી નજર હોઠ પર પડે એવી શાઈનિંગ લિપસ્ટિક, સલવાર- કમીઝ અને ઉનની ટોપી પહેરી અંગ્રેજ સિંહ નકલી વોટર અને આધાર કાર્ડ સાથે પરમજીત બની પરીક્ષા કેન્દ્રમાં બેસી ગયો. જો કે, પ્રેમિકાનો હાથ ઝાલનાર અંગ્રેજ સિંહ માટે આંગળી વિલન બની. બાયોમેટ્રિક્સમાં પ્રેમીની ફિંગરપ્રિન્ટનો પ્રેમિકા સાથે મેળ ન બેઠો અને એની ચોરી પકડાઈ ગઈ. અંગ્રેજ સિંહ અને પરમજીત હેલ્થની પરીક્ષામાં ભલે નાપાસ, પણ હૈયાની પરીક્ષામાં તો અવ્વ્લ સાબિત થયાં.

ફ્રૂટી ફેંકો.. ફોન મેળવો
એક મિનિટ…! આને કોઈ સ્કીમ સમજવાની ભૂલ નહીં કરી બેસતા. આ તો ‘વૃંદાવન કી બંદરિયા’ની કમાલ છે. ફરી એક ચેતવણી. કોઈ ચમત્કાર પણ માની નહીં લેતા. આ તો ‘વાનરવેડા’નો ક્લાસિક કિસ્સો છે.
ઉત્તર ભારતના કેટલાક માનવ મહેરામણને વાનર રમખાણની જાણે કે આદત પડી ગઈ છે. જયપુર, જોધપુર, દિલ્હી, મથુરા, વૃંદાવન ઈત્યાદિ શહેરોમાં વેળા – કવેળાએ વાનરસેના એવા કરતૂતો કરે છે કે વાત ના પૂછો. જોકે, કોઈનું જોણું, કોઈનું રોણું એ ન્યાયે વાનરની ધમાચકડી જોતા લોકોને મનોરંજન થાય પણ નુકસાન ભોગવ્યું હોય એનો ચહેરો રડમસ હોય.

તાજેતરમાં વૃંદાવનમાં બનેલા કિસ્સા પરથી બળથી ન થાય એ કામ કળથી ઉકેલાઈ જાય એ સિદ્ધ થયું છે. ભક્તિભાવે દર્શન કરવા આવેલા એક ભક્તનો મોંઘોદાટ આઈ ફોન આંચકી હૂપ ..હૂપ કરતો વાનર ઉપર છાપરા પર જઈ બેઠો. જો કે, કેટલાક શખ્સોએ ફોનના ધણીને ધીરજ ધરવા કહ્યું. મસલત કરી બધાએ વાનરની દિશામાં ફ્રૂટીનું પેકેટ ફેંકવાની શરૂઆત કરી. ફોન જેના હાથમાં હતો એ વાનરની દિશામાં ફ્રૂટી આવી એટલે એ તો એને પકડવા કૂદ્યો અને ફ્રૂટી પકડવાના પ્રયાસમાં પેલો ફોન હાથમાંથી સરી ગયો. આવું કંઈક બનશે એવી આશા સાથે અમુક જણને સાવધ રાખવામાં આવ્યા હતા. એક ચપળ અને સજાગ વ્યક્તિએ ફોનનો કેચ કરી એના માલિકને સોંપી દીધો. એ ભાઈ બિઝનેસમેનને છે કે નહીં ખબર નથી, પણ ફ્રૂટીના બદલામાં ફોન જેવો અદ્ભુત સોદો એમણે ક્યારેય નહીં કર્યો હોય.

આ ગંધ કેમ બંધ નથી થઈ!
જાહેર માર્ગો પર પાળેલા પ્રાણીની વિષ્ટાની સમસ્યા પર આપણા દેશનો ઈજારો છે એવું માની બેસવાની ભૂલ નહીં કરતા. વિશ્ર્વ સમસ્તના સહેલાણીઓ માટે આર્કિટેક્ચર, લિટરેચર, ફેશન વગેરે માટે અનોખું આકર્ષણ ધરાવતા ઈટલી જેવા દેશને સુધ્ધાં ચોખ્ખાઈની સમસ્યા સતાવી રહી છે. ઈટલીના બોલઝાનો શહેરમાં પાળેલા શ્ર્વાન રિલેક્સ થાય એ માટે નવરાશના સમયમાં એક હાથમાં પટ્ટો અને બીજા હાથમાં મોબાઈલ લઈને નીકળી પડતા ડોગ લવર્સ પ્રાણીની વિષ્ટા પ્રત્યે બેદરકાર હોવાનું જાણવા મળ્યું છે, કારણ કે નગરવાસીઓએ વિષ્ટાની ફેલાઈ જતી દુર્ગંધ સામે ફરિયાદ કરી છે.

અલબત્ત, ઈટલી-ભારત સહિત અનેક વિદેશોમાં વિષ્ટા ઉપાડી લેવી એ નાગરિકની ફરજ માનવામાં આવે છે, પણ ફરજ પ્રત્યે બેદરકારી ઈટલીમાં જોવા મળી છે. ગંધને બંધ કરવાના ઉપાય તરીકે શહેરના અંદાજે ૪૫ હજાર શ્ર્વાનના જેનેટિક પ્રોફાઈલ મ્યુનિસિપાલિટીમાં જમા કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઈ શ્ર્વાન પ્રેમી વિષ્ટા જાહેર સ્થળે છોડીને જતો રહેશે તો પાલિકા એ વિષ્ટા ઉપાડી કાર્યાલયમાં એનું ડીએનએ ટેસ્ટિંગ કરી એ વિષ્ટા ક્યા શ્ર્વાનની છે એ કમ્પ્યુટરમાં રહેલી માહિતીના આધારે પકડી પાડશે. પછી ‘ગુનેગાર માલિક’ને શ્ર્વાનની વિષ્ટા માટે દંડ ફટકારવામાં આવશે. આ દંડની રકમ પ્રત્યેક વખતે ૨૯૨ યુરોથી ૧૦૪૮ યુરો (આશરે ૨૬૦૦૦ રૂપિયાથી ૯૪૦૦૦ રૂપિયા) જેટલી હશે. ડીએનએ ટેસ્ટ સાથે કરવામાં આવેલા પાળેલા પ્રાણીના રજીસ્ટ્રેશનને પગલે ચોતરફ ગંધ બંધ થઈ જશે એવો આશાવાદ અસ્થાને નથી.

લ્યો કરો વાત!
પૃથ્વી પર આવેલા અનેક દેશ – શહેર વિશિષ્ટ ઓળખ ધરાવે છે. જાપાન ‘ઉગતા સૂર્ય’નો દેશ કહેવાય છે તો ચીન ‘રેડ ડ્રેગન’ તરીકે ઓળખાય છે, જ્યારે લેબેનોન ‘મધ્ય પૂર્વના સ્વિટ્ઝર્લેન્ડ’ની માન્યતા ધરાવે છે. આપણે ત્યાં જયપુર ‘ગુલાબી શહેર’, ઉદયપુર ‘સિટી ઓફ લેક્સ’ અને લખનઉ ‘નવાબોના શહેર’ તરીકે પ્રખ્યાત છે. જો કે, ૨૦૨૧ની જાણકારી અનુસાર લેટવિયા નામનો દેશ ‘યુરોપિયન મર્ડર કેપિટલ’ તરીકે બદનામ છે. દર એક લાખ નાગરિકોએ ૫.૧૮ માનવ હત્યા થાય છે, જે વિશ્ર્વનો સૌથી ઊંચો દર છે. લેટવિયાની રાજધાની રીગા દેશના સૌથી ભયજનક સ્થળ તરીકે નામચીન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button