ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

મારું નામ પાન છે તો, શા માટે તારું નામ ઝાડ છે?

અહીં શીર્ષકમાં લખેલી રમેશ પારેખની કાવ્ય પંક્તિઓ ‘ઝાડ એના પાંદડાંને પૂછે છે – કેમ?’ કાવ્યની છે. આ કાવ્યમાં કવિશ્રીએ વૃક્ષ અને પર્ણના રૂપક દ્વારા સંબંધોની મીઠાશની મહેફિલ જમાવી છે. કેનેડાના વેનકુવર ટાપુ પરની એક રમણી પોતાને ECO SEXUAL (પ્રકૃતિને રોમેન્ટિક- આકર્ષક અને વિલાસી માનનારા લોકો) ગણાવે છે. સેલ્ફ ઇન્ટિમસી (આત્મા કે માંહ્યલા સાથે ઓળખ) ધરાવતાં એક પ્રોફેસર સોન્જા સેમયોનોવા એક ઓક -ટ્રી (ઈમારતી કાષ્ઠ આપતું વૃક્ષ)ના ગળાડૂબ પ્રેમમાં છે અને એનું અંગેઅંગ એના માટે તલસાટ અનુભવે છે. પૃથ્વીને પ્રેમી માનતા લોકોની સંખ્યા વધી રહી છે. અલબત્ત, પોતાને વૃક્ષ માટે કોઈ જાતીય આકર્ષણ નથી એ વાત સ્પષ્ટ કરી પ્રોફેસર સાહિબા કહે છે કે પ્રકૃતિ પ્રેમીઓની સંખ્યા વધવાથી વિશ્ર્વને સતાવતી ‘ક્લાઈમેટ ચેન્જ’ જેવી સમસ્યાનો ઉકેલ આવી શકે છે. સ્ત્રી હંમેશાં કદાવર બાંધો ધરાવતો પુરુષ ઝંખે છે અને સોન્જા સેમયોનાવાને વૃક્ષની વિશાળતા આકર્ષે છે. ‘વિશાળ વૃક્ષની સરખામણીએ તો હું નાનકડો જીવ છું અને જ્યારે એને બાથ ભીડું છું ત્યારે વિશાળતામાં સમાઈ જવાની લાગણી ચિત્તને પ્રસન્ન કરી દે છે,’ પ્રોફેસર સાહિબના શબ્દે શબ્દે રોમેન્સ નીતરે છે. રજનીશ ભલે કહી ગયા કે ‘સંભોગ સે સમાધિ કી ઓર’, પણ એ વિચારમાં મિસ સોન્જા પરિવર્તન લાવવા માગે છે એવું વર્તાય છે.

છાણાં વીણવા ગઈ છે ઓલી ગેશા
વિશ્ર્વ આખાની મીટ ભારત શું-કેમ- કેવી રીતે કરી રહ્યું છે એની પર મંડાઈ છે. કોઈ વક્ર દ્રષ્ટિ છે તો કોઈ સીધી અને સમજવા માગતી પણ નજર છે. છાણનું લીંપણ અને છાણાંનું ઈંધણ ભારતીય ગ્રામીણ જીવન પરંપરાની વિશિષ્ટતા છે. અલબત્ત, છાણનો ઇંધણ તરીકે વપરાશ એ વૈજ્ઞાનિક સિદ્ધાંત છે અને એના પર કોઈ દેશનો ઈજારો ન હોઈ શકે. વાત માત્ર એટલી છે કે આપણે ત્યાં બહોળા પ્રમાણમાં એનો ઉપયોગ થાય છે.

ઊગતા સૂર્યના દેશની ઓળખ ધરાવતા જાપાનમાં અવકાશી સાહસ માટે ગાયના છાણાંનો ઉપયોગ કરવાનો વિચાર વહેતો થયો ને એક પ્રયોગ કરવામાં આવ્યો. એક રોકેટ એંજિનના પરીક્ષણ દરમિયાન છાણાંનો ઈંધણ તરીકે ઉપયોગ કરવામાં આવતા ૧૦ સેક્ધડ માટે બ્લુ અને ઓરેન્જ રંગની જ્વાળાથી એંજિનમાં બ્લાસ્ટ થયો. આ પરીક્ષણમાં વપરાયેલું ‘લિકવીડ બાયોમિથેન’ સ્થાનિક વિસ્તારની ગાયોના છાણમાંથી તૈયાર કરવામાં આવ્યું હતું. આ સફળતાથી ખુશ થઈને હવે છાણાંનું રોકેટ માટે ઉપયોગમાં લઈ શકાય એવા ઈંધણમાં રૂપાંતર કરી આપતા લોકો સાથે સહયોગ કરી રહ્યા છે. આ પ્રયાસને સફળતા મળશે તો પર્યાવરણની સાથે પૈસાની પણ બચત થશે એક પર એક ફ્રી જેવી સ્કીમ!

જાગીને જોઉં તો જળ જમીન દીસે
નરસિંહ મહેતાનું અમર પ્રભાતિયું ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’નું સ્મરણ થઈ આવે એવી અજબ દુનિયાની ગજબ ઘટના બિહારમાં બની છે. એક સમયે પછાત અને અભણ રાજ્ય તરીકે નંબર વનનું સ્થાન ધરાવતા બિહારમાં આંખો ફાટીને પહોળી થઈ જાય, મગજમાં વિસ્મયના દરિયામાં ઘોડાપૂર આવે એવી ઘટનાઓ બની રહી છે.

૫૦૦ ટન વજનના બ્રિજની ચોરીની ઘટનાનું વિસ્મય હજી ઓસરે ત્યાં મસમોટું રેલવે એંજિન ચોરાઈ ગયું હોવાની ઘટના સામે આવી છે. એમાં મોબાઈલ ટાવર અને બે કિલોમીટર લાંબા રેલવે ટ્રેનના પાટાની ચોરીની ઘટનાઓનો સરવાળો જાણે ઓછો હોય એમ તાજેતરમાં રાતોરાત તળાવની ચોરી થઈ એની જગ્યાએ કોરીધાક જમીન નજરે પડે છે…!

નરસિંહ મહેતાની પંક્તિ ‘જાગીને જોઉં તો જળ જમીન દીસે’ બની જાય એવું થયું છે. ઓટીટી પ્લેટફોર્મ પર ‘મની હેઇસ્ટ’ને માણતા દર્શકો માટે વાસ્તવિક ‘બિહાર હેઇસ્ટ’ (બિહારમાં લૂંટ) હાજર છે. ગજબનાક આશ્ર્ચર્ય તો એ વાતનું છે કે બિહારની સાંસ્કૃતિક રાજધાની તરીકે જાણીતા દરભંગામાં તળાવની ‘ચોરી’ થઈ અને ચોરલોકો રિટર્ન ગિફ્ટમાં એક ઝૂંપડું ધરાવતી પથરાળ જમીન મૂકી ગયા છે. બિહાર લેન્ડ માફિયા માટે બદનામ છે અને જમીન પર કબજો મેળવવા પાણીને પાષાણ બનાવી દેવાની ‘આવડત’ આ ભૂમિ- માફિયા ધરાવે છે.

કુછ યાદ ઉન્હેં ભી કર લો…
શહીદોની સ્મૃતિ મનુષ્યજીવનમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આદરથી આપણે શીશ નમાવીએ છીએ. એમની સ્મૃતિ પ્રેરણા પણ આપે છે. બીજા વિશ્ર્વયુદ્ધ વખતે ભૂતિયા શહેરની ઓળખ મેળવનાર ફ્રાંસનું ઓહાડ્યુ – સ્યૂ – ગ્લાન (Oradour-sur-Glane) ગામ આજે શહીદોની સ્મૃતિમાં ‘યાત્રાસ્થળ’ જેવું સ્થાન ધરાવે છે. આજની તારીખમાં ’શહીદોના ગામ’ તરીકે જાણીતા આ ગામ પર એડોલ્ફ હિટલરના નાઝી લશ્કરે બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન મશીનગનથી હિચકારો હુમલો કર્યો હતો. ગામની વસતિ હતી માત્ર ૬૪૨, જેમાં ૨૦૦ બાળક હતાં, પણ હિટલરના સૈનિકોએ ગામના પુરુષો પર યાતના ગુજારી ક્રૂરતાથી મારી નાખ્યા. સ્ત્રીઓ અને બાળકોને ચર્ચમાં એકઠા કરી એમાં ટીયર ગેસનો મારો ચલાવ્યો અને એમાંથી ભાગવા મથતા લોકોને મશીનગનથી મોતને ઘાટ ઉતારી દીધા. બર્બરતાની ચરમસીમા હજી બાકી હોય એમ આખા ગામને આગ ચાંપી એમાં અનેક મૃતદેહો રાખ થઈ ગયા. આજે ૮૦ વર્ષ પછી પણ એ ગામને યથાવત રાખવામાં આવ્યું છે. ફ્રાંસની શાળામાં ભણતાં બાળકોમાં આ ગામ અલાયદું સ્થાન ને આગવું મહત્ત્વ ધરાવે છે. આ બાળકો ગામની કમસે કમ એક વાર ‘યાત્રા’ જરૂર કરે છે. યાત્રાળુઓ આ ગામમાં પ્રવેશે ત્યાં પાદર પર એક બોર્ડ મારવામાં આવ્યું છે, જેની ઉપર અંગ્રેજીમાં માત્ર એક શબ્દ લખ્યો છે: REMEMBER- (એમની શહીદી યાદ રાખજો).

ગામમાં એક મ્યુઝિયમ છે, જેમાં હિચકારા હુમલા પહેલાના જીવનનું અને ગામના સર્વનાશનું વિગતવાર વર્ણન જોવા મળે છે. ગામની મુખ્ય સડક પર ભસ્મીભૂત થયેલી ઈમારતો, કાટમાળ અવસ્થામાં કાર, ગોળીબારથી વીંધાયેલી ચર્ચની વેદી વગેરે જોઈ પર્યટકો વ્યથા અનુભવે છે. આવા સ્થળની મુલાકાત બાળકો લે અને યુદ્ધ કઈ હદે અર્થહીન છે એ દિશામાં વિચારતા થાય તોય ઘણું છે.

એવી ઠંડી, એવી ઠં….
મથાળું અધૂરું લખાયું છે કે શબ્દો સૂઝ્યા નથી એવી કોઈ વાત નથી. મુંબઈ શહેરનું હવામાન હવે એ હદે બદલાઈ રહ્યું છે કે ‘એક હતો શિયાળો’ એમ ભવિષ્યમાં મુંબઈમાં જન્મી, મુંબઈમાં ઉછરતાં બાળકોને સમજાવવું પડશે એવી અવસ્થા છે.

જો કે, પાટનગર દિલ્હીમાં રાજકીય વાતાવરણ ગમ્મે એટલું ગરમ હોય, દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં લોક ઠંડીમાં ઠુઠવાઈ રહ્યા છે એવી જાણકારી વહેતી થઈ છે. ઉત્તર ભારતીયોને જત જણાવવાનું કે માત્ર સ્કેન્ડિનેવિયા વિસ્તારમાં (નોર્વે- સ્વિડન-ડેનમાર્ક- ફિનલેન્ડ -આઈસલેન્ડ, વગેરે) પડતી ઠંડી વિશે વાંચશો તો હે ઉત્તર ભારતવાસીઓ, તમને ‘ઠંડી મેં ગરમી કા એહસાસ’ જેવી લાગણી થશે. જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં સ્વિડનમાં – ૪૩.૬ ડિગ્રી સેન્ટિગ્રેડ (શૂન્યથી ૪૩.૬ ડિગ્રી નીચું) તાપમાન નોંધાયું હતું, જે છેલ્લાં ૨૫ વર્ષની સૌથી ઠંડી રાત હતી. આવે સમયે લખતી વખતે શાહી તો શું શબ્દો સુધ્ધાં થીજી જાય ને એટલે ‘એવી ઠં’ લખ્યું છે. આઈ બાત સમજ મેં? પાડોશી દેશ ફિનલેન્ડ પણ હરીફાઈમાં ઊતરવા માગતો હોય એમ ત્યાં – ૩૯.૭ ડિગ્રીનું ટાઢુંબોળ વાતાવરણ જોવા મળ્યું. આવા ઠંડાઆઆઆગાર વાતાવરણને કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા એવી થીજી ગઈ છે કે કેટલાક વિસ્તારમાં પીવાના પાણીના ફાંફાં છે. દિલ્હીવાસીઓને ફાવે તો અને આવડે તો રાજકીય ગરમીના તાપણામાં રાહત મેળવી શકાય છે.

લ્યો કરો વાત!
વાનર જેવું જ દેખાતું લિમર નામનું પ્રાણી મૂળ તો પૂર્વ આફ્રિકાના મડાગાસ્કરનું રહેવાસી છે. બ્લેક એન્ડ વ્હાઇટ દેખાતું આ પ્રાણી અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરી રહ્યું છે. આ પ્રાણી વિવિધ સમસ્યાથી પરેશાન છે ,જેમાં એક સમસ્યા છે પેરેસાઇટ્સ એટલે કે પરોપજીવી દ્વારા થતી હેરાનગતિની. હેરત પમાડે એવી વાત એ છે કે આ સમસ્યાનો ઉકેલ તેમણે જાતે શોધી કાઢ્યો છે. અળસિયા જેવા દેખાતા ‘મિલિપિડ’ નામના નાનકડા જીવને આ લિમર ચાવી જાય છે. એમ કરવાથી નારંગી રંગનો એક પદાર્થ તૈયાર થાય છે, જે જનન વિસ્તાર પર ફેલાઈ જાય છે. આ પદાર્થનો છંટકાવ થવાથી પેલા પરોપજીવીઓના ત્રાસમાંથી લિમરને રાહત અને મુક્તિ મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button