અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી
સ્વર્ગસ્થના સૂરથી સાંત્વના મળે ઉરને…
મશીન પાસેથી બની શકે એટલા કામ કરાવી લેવાની માનવ ઘેલછા કઈ હદે પહોંચશે અને કેવાં પરિમાણ ધારણ કરશે એની કલ્પના ન કરી શકતા હો તો ચીનનો આ કિસ્સો તમારા મગજને એ દિશામાં દોડતું કરી દેશે. સ્થળ છે ચીનનું એક કબ્રસ્તાન. સંતાનના અવસાનથી હજુ કળ નથી વળી એવા પિતાશ્રી એક કબર પાસે પહોંચી ખિસ્સામાં હાથ નાખી કોઈ સ્મૃતિ ચિહ્ન નથી કાઢતા, બલકે સ્માર્ટફોન કાઢે છે. પછી એ ફોન કબર ઉપર મૂકી પુત્રનું રેકોર્ડિંગ વગાડે છે. જે શબ્દો રેલાય છે એ એવા શબ્દો છે જે પુત્ર કદી બોલ્યો નથી ,પણ આર્ટિફિશિયલ એજન્સી લીધે પિતા સાંભળી શકે છે. સહેજ યાંત્રિક લાગે એવી ભાષામાં વાણી સંભળાય છે: ’મારે કારણે તમે રોજેરોજ પીડા અનુભવો છો એ હું જાણું છું. હું તમારો દોષી છું, ખૂબ સંતાપ અનુભવી રહ્યો છું અને કંઈ નથી કરી શકતો એનો અફસોસ પણ છે. હવે ક્યારેય હું તમારી પડખે નહીં ઊભો રહી શકું, પણ મારો આત્મા સદૈવ તમને સાથ આપશે.’ ફાની દુનિયા છોડી ગયેલા આપ્તજનો સાથે અનેક ચીની લોકો એઆઈનો આશરો લઈ એમની સાથે આ રીતે નિકટતા
અનુભવી રહ્યા છે. ચીનની કેટલીક કંપનીઓએ સ્વર્ગવાસીના ઓડિયો – વિઝ્યુઅલ મટિરિયલનો ઉપયોગ
કરી હજારો ’ડિજિટલ અવતાર’ તૈયાર કર્યા છે. આ અવતાર આપ્તજનોની
વિદાયથી વ્યથિત થયેલા લોકોને સાંત્વના આપે છે.
લ્યો કરો વાત!
માર્ક ઝકરબર્ગનો ફેસ ભલે વામન હોય, પણ એનું ‘ફેસબુક’ સામ્રાજ્ય વિરાટ છે. ૨૦ વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલી આ સોશિયલ મીડિયા એન્ડ સોશિયલ નેટવર્કિંગ સર્વિસ આજની તારીખમાં ૧૧૨ ભાષામાં કાર્યરત છે. એના નેટવર્થનો અંદાજ બાંધતા આંકડાશાસ્ત્રીઓ હાંફી જાય એમ છે. આવી અધધ સંપત્તિ ધરાવતી વ્યક્તિ પૈસા વાપરે તો કેવા વાપરે? અહેવાલ અનુસાર શ્રીમાન ઝકરબર્ગ પાંચ હજાર ચોરસ ફૂટમાં પથરાયેલું ૧૦૦ મિલિયન ડોલરનું અંડરગ્રાઉન્ડ બંકર સાથેનું ખુફિયા મેન્શન બંધાવી રહ્યા છે. ૩૦ બેડરૂમ ધરાવતા આ મેન્શન ઉપરાંત ત્યાં ૧૧ ટ્રી- હાઉસનો સમાવેશ પણ હશે. દરેક પ્રકારની ભૌતિક સુખ સગવડ ઉપલબ્ધ હશે એ કહેવાની જરૂર ખરી?
મેહંદી મિટા કે રખના, બાયોમેટ્રિક્સ કે લિયે આના…
‘મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે’થી લઈને ‘મેહંદી લગા કે રખના ડોલી સજા કે રખના’ સુધીની અભિવ્યક્તિ હૈયું રંગાઈ ગયું હોય ત્યારે હાથ રંગવાની પ્રથાના મંગળગાન આપણી આહલાદક પરંપરાનો મજેદાર વારસો છે. હાથ પીળા કરતી વખતે હાથ લાલચટક કરવાના અરમાન રાખતી નાયિકા ‘હાથ રંગીને વીરા શું રે કરું’ એવી વ્યથા પણ વ્યક્ત કરે છે કારણ કે એનો જોનારો પરદેશ છે. જોકે, બંગાળમાં તો રંગાયેલા હાથ જોઈ રંગમાં આવી જતો જીવનસાથી જ કહેણ મોકલે છે કે ‘મેહંદી મિટા કે રખના’ થયું છે એવું કે રોસોગુલ્લાના રાજ્યમાં મેરેજ રજિસ્ટ્રેશન વખતે બાયોમેટ્રિક્સ (આંખ – આંગળાની છાપ) ફરજિયાત કરવામાં આવ્યું છે. પરણીને પતિ – પત્ની બનવા થનગનતા યુગલ માટે બે વખત અંગૂઠાની છાપ (થમ્બ ઇમ્પ્રેશન)ની નોંધણી કરાવવી ફરજિયાત છે… એક રજિસ્ટ્રારના કાર્યાલયમાં લગ્નની અરજી કરતી વખતે અને બીજી વાર લગ્નના રજીસ્ટ્રેશન વખતે જે મોટેભાગે લગ્નના દિવસે જ કરવામાં આવે છે. જોકે, અનેક યુગલના લગ્ન રજીસ્ટર નથી થઈ શક્યા, જેનું કારણ મહેંદી છે. મહેંદીવાળા અંગુઠાની છાપ ઉપસતી ન હોવાથી એ રેકોર્ડમાં નથી લઈ શકાતી. પરિણામે હવે પરણવા માંગતા યુગલોને અંગુઠાને મહેંદી મુક્ત રાખવા ફરમાન કરવામાં આવ્યું છે. જો અંગૂઠા પર મહેંદી હશે તો રજિસ્ટ્રાર અંગૂઠો દેખાડી દેશે માટે વર-ક્ન્યા સાવધાન ..!
અકેલે હૈં ચલે આઓ, જહાં હો…
એકલતા અનુભવો છો રોમેન્ટિક મૂડ છે, પણ ગર્લફ્રેન્ડ નથી? સિસ્ટરની બીએફએફ’
( બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર) ભાવ નથી આપતી? ફ્રેન્ડ સર્કલમાં ’તમે લઈ ગયા, અમે રહી ગયા’ જેવી હાલત છે? નોટ ટુ વરી- ચિંતા કરવાની જરૂર નથી. ‘તુમ સબ કો છોડ કર આ જાઓ…
એ અર્થને સાર્થક કરતી તમારી એક્સક્લુઝિવ એઆઈ (AI ) ગર્લફ્રેન્ડ તમે કહેશો ત્યારે તમારા દિલને ગાર્ડન ગાર્ડન કરવા હાજર થઈ જશે. દૈનિક જીવનમાં ઘૂસી રહેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજી (યાને કિ એઆઈ) હવે તમારા દિલના દરબારમાં પણ બિરાજમાન થવાં સજ્જ છે. એપની વિસ્તરતી દુનિયામાં હવે એવી સગવડ ઉપલબ્ધ છે, જેની મદદથી તમે તમારી ગર્લફ્રેન્ડનો ડિજિટલ અવતાર તૈયાર કરી શકો છો. વાત આટલેથી નથી અટકતી. એ સેક્સી દેખાવી જોઈએ કે શરમાળ, એનો અવાજ મધમીઠો સાંભળવો ગમશે કે બીજો કોઈ અને એને કેવા શોખ હોવા જોઈએ એ પણ તમે નક્કી કરી શકશો…. ટૂંકમાં, જૈસા સોચા વૈસા પાયા ’ જેવી વાત થઈ. મજેદાર વાત એ છે કે ’ડીજી એઆઈ રોમેન્સ’ તરીકે ઓળખાતી આ એપની મદદથી અવતરનારી ગર્લફ્રેન્ડ થોડું ફ્લર્ટ કરશે, કોઈ વાત પર લાંબી ચર્ચા પણ કરશે અને તમને સાંત્વના પણ આપશે. એની હાજરીથી એકલતા દૂર થાય પણ
બેકલતાનો અનુભવ થાય તો એનો ઉકેલ જાતે લાવવો પડે.
મારો હંસલો હોશિયાર ને કેદી ચેતી ગયો…
બ્રાઝિલની જેલમાં ભાગતા કેદીને જોઈ હવે ‘ભાઉ… ભાઉ’ કે ‘હાઉહાઉ’ જેવો ભસવાનો અવાજ નથી આવતો. એની બદલે હવાને ચીરતો ‘હોન્ક.. હોન્ક’ એવો તીણો અવાજ આવે છે. વાત એમ છે કે જેલના કેદીઓ પર ચાંપતી નજર રાખતા શ્ર્વાનને ‘આવજો’ કહી દેવામાં આવ્યું છે અને એમની જગ્યાએ ‘કલહંસ’ તરીકે ઓળખાતી હંસની એક જાતિના નવા ચોકીદારની નિમણુંક કરવામાં આવી છે.
‘ગિઝ એજન્ટ્સ’ (અંગ્રેજીમાં કલહંસ ‘ગુઝ’ કહેવાય છે, જેનું બહુવચન ‘ગિઝ’ થાય છે) તરીકે ઓળખાતા આ નવા જમાદાર જેલની અંદરની વાડ અને બહારની મુખ્ય દીવાલની વચ્ચેના લીલાછમ વિસ્તારમાં ચોકીદારી કરે છે. એમની ‘કામગીરી’ જોઈ ખુશ થયેલા જેલના અધિકારીઓ મલકાતાં મોંએ જણાવે છે કે અમારા આ હંસલા બહુ સારી રીતે રખેવાળી કરે છે. શ્વાન કરતાં પણ તેમની ચોકીદારી વધુ ચૌકની છે. બીજી એક મહત્વની વાત એ છે કે શ્વાનના ઉછેરની સરખામણીએ કલહંસનો ઉછેર સસ્તામાં પતી જાય છે. બહુ પળોજણ નથી કરવી પડતી.’ વળી બ્રાઝિલનો એ વિસ્તાર અત્યંત શાંત હોવાથી આ નવા ચોકીદારનો હવાને ચીરતો અવાજ તરત સલામતી રક્ષકોને ચેતવી દે છે. આ વાત કેદીઓ સુધી પહોંચી ગઈ હોવાથી ભાગતા પહેલા એ બધા બે વાર વિચાર કરતા થઈ ગયા છે.
કારાવાસમાંથી ઈમરાનનો યોર્કર ..
આંખો વિસ્ફારિત કરી દેતી ટેકનોલોજીનું એક અલાયદું ઉદાહરણ પાકિસ્તાનમાં જોવા મળ્યું છે. ’પ્રજાનો અવાજ દબાવી નથી શકાતો’ એ આદર્શ ભાવના છે, પણ જીવન આદર્શ પર નથી ચાલતું. એકવીસમી સદીમાં નહીં અને પાકિસ્તાનમાં તો નહીં, નહીં અને નહીં જ. કારાવાસ ભોગવી રહેલા અને અનેક ક્રિકેટરોના ડાંડિયા ડૂલ કરી દેનારા ઈમરાન ખાન રાજકારણના ખેલમાં ક્લિન બોલ્ડ થઈ ગયા છે. માણસના હાથ- પગ બેડીમાં બંધ કરી શકાય ,પણ એની ઈચ્છા – અરમાન જકડી નથી રાખી શકાતા. ‘તેહરિક – એ – ઈન્સાફ’ ઈમરાનનો રાજકીય પક્ષ છે. ઈમરાનનો અવાજ આવામ સુધી પહોંચાડવા ભેજાબાજ લોકોએ એઆઈ’ તરીકે ઓળખાતી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજિની મદદ લીધી. ક્રિકેટરે વકીલ મારફત પોતાનું ’ભાષણ’ પક્ષના સોશિયલ મીડિયાની ટીમ સુધી પહોંચાડી દીધું. ટીમના સ્માર્ટ સભ્યોએ ઈમરાનના જૂના પ્રવચનની ઓડિયો ક્લિપ અને એઆઈ’ ટેક્નોલોજીના સંગમથી લેખિત ભાષણને ‘વોઈસ ક્લોન’થી બોલતું ભાષણ બનાવી દીધું. સાંભળનારને તો હુબહુ એમ જ લાગે કે ખુદ ઈમરાન ખાન બોલી રહ્યો છે..! અનેક નાપાક પ્રવૃત્તિ માટે બદનામ પાકિસ્તાને ‘વોઈસ ક્લોન’ કરી વિશ્ર્વ સમસ્તને અચંબામાં મૂકી દીધું છે. ઉ