અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી
જ્યારે મશીન માણસને બનાવે છે..
નસીબ – તકદીર બળવાન હોય તો મનુષ્યના સંગાથમાં માણસ શુંમાંથી શું બની જાય અને નબળા હોય તો માણસ કેવો મૂરખ બની જાય – એની સાથે મજાક થાય કે કોઈ બનાવટ કરી જાય.
૧૮મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિના મંડાણ થયા ત્યારે પહેલાં માણસે મશીન બનાવ્યા અને હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (અઈં ) નામનું મશીન
(કમ્પ્યુટર ) માણસને બનાવતું થયું છે. ગુલાબી કેશભૂષા ધરાવતી આઈટાના લોપેઝ નામની ૨૫ વર્ષી ‘સ્પેનિશ મોડલ ઈન્સ્ટાગ્રામ’ પર દોઢ લાખ ફોલોઅર્સ ધરાવે છે. દર મહિને એ સરેરાશ ૩૦૦૦ યુરો (આશરે ૨,૭૦,૦૦૦ રૂપિયા) કમાઈ લે છે ને ક્યારેક એ આંક વધીને ૧૦૦૦૦ યુરો (આશરે નવ લાખ રૂપિયા) પર પણ પહોંચી જાય છે.
આપણા મુંબઈમાં આવી કે આનાથી વધુ કમાણી કરતા અનેક મોડલ મળી આવે એવી દલીલ જો કોઈ વાચક કરે એ સ્વાભાવિક ખરું . પણ એક મિનિટ, આ મોડલ મનુષ્ય નથી, પણ એઆઈ’નીમદદથી તૈયાર કરવામાં આવેલું મોડલ છે.
અહીં રસપ્રદ વાત એ છે કે એના જન્મદાતા રુબેન ક્રુઝ ડિઝાઈનિંગના વ્યવસાયમાં કપરા કાળનો સામનો કરી રહ્યા હતા ત્યારે બે પૈસા રળી શકાય એ હેતુથી મિસ્ટર રુબેને આ મિસ ‘લોપેઝ’ ને ‘ઘડી’ પછી તો લોપેઝે એવી કમાલ કરી દેખાડી છે કે બિઝનેસ ફૂલ્યોફાલ્યો છે અને એક નવી પેટા કંપની પણ શરૂ કરવી પડી છે.
આની સીધી કહો કે આડ- અસર કહો તો મજાની વાત એ છે કે આઈટાનાલોપેઝના રૂપ પર અનેક લોકો મોહી પડ્યા છે કે અનેક સેલિબ્રિટી પણ એને ડિનર કે પાર્ટીમાં જોડાવા આમંત્રણ આપે છે. આ લોકોને ખબર જ નથી કે આઈટાનાનું માનવીય અસ્તિત્વ જ નથી. માણસ મશીનને કાયમ બનાવે છે, ક્યારેક મશીન પણ માણસને બનાવે ને!
લ્યો કરો વાત!
‘બગાસું ખાતા પતાસું મોંમાં આવી પડ્યું’ એ કહેવત તમે જાણતા હશો. યુએસએના વર્જિનિયા રાજ્યની જેનેટ બેઇનનામની મહિલા આ કહેવત નહીં જ જાણતી હોય, પણ એને આ કહેવતનો પરચો જરૂર થયો છે.
થયું એવું કે કાર ડ્રાઈવ કરી રહેલાં જેનેટબહેનને ગળે સોસ પડ્યો એટલે કોલ્ડ ડ્રિન્ક ખરીદવા તેઓ એક સ્ટોરમાં ગયાં. સોડા બોટલની સાથે સાથે એમણે ‘સ્ક્રેચ એન્ડ વિન’ પ્રકારની ત્રણ લોટરી ટિકિટ સુધ્ધાં ખરીદી. સોડાથી તરસ છીપાઈ અને એક ટિકિટમાં એક લાખ ડોલરનું ઈનામ લાગતાં હવે આયુષ્યની અનેક ઈચ્છાઓ સંતોષાઈ જશે. ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરી પૈસાનું પ્લાનિંગ કરવાનો જેનેટનો
મનસૂબો છે. ગોડ ઈશુને પ્રાર્થના કે બધાની ‘પૈસાની પ્યાસ’ આ રીતે બુઝાવે..!
પૈસા આપી લાફો ખાઈ માનો આભાર!
માણસને ભૂખ જાતભાતની લાગે. એમાં સૌથી મોટી ભૂખ પેટની હોય છે, પણ એ ઉપરાંત ધનની- પ્રસિદ્ધિની- સન્માનની ભૂખ પણ મનુષ્યમાં ઉઘડતી હોય છે. આમાં મજેદાર વાત એ છે કે જાપાનના લોકો ભૂખ લાગે ત્યારે એક એવી આઈટમ ખાવાનો આગ્રહ રાખે છે, જે મેનુ કાર્ડમાં નથી હોતી.
ટોક્યો -ઓસાકા પછી લોકપ્રિયતામાં ત્રીજા નંબરે આવતા જાપાનના નાગોયા શહેરના એક ભોજનાલયમાં આગોતરા ૩૦૦ જાપાનીઝ યેન (આશરે ૧૭૦ રૂપિયા) ચૂકવી કિમોનો (જાપાનનો રાષ્ટ્રીય પોશાક) પહેરેલી વેઇટ્રેસના હાથે સામેથી બે -ચાર વાર લાફો ચોપડવાની વિનંતી કરે છે. લાફો ખાવામાં શું આનંદ મળતો હશે? કેટલાક તો વળી ૫૦૦ યેન (આશરે ૨૮૩ રૂપિયા) ચૂકવી કોઈ ચોક્ક્સ વેઈટ્રેસની જ થપ્પડ ખાવાનો આગ્રહ રાખે છે.
આવી મેવા ચૂકવી આ ‘સેવા’નોલાભ જાપનીઝ પુરુષ ઉપરાંત મહિલા અને વિદેશી સહેલાણીઓ પણ લેતા હોય છે. અનેક ગ્રાહક થપ્પડ બદલ ‘થેન્ક યુ’ કહી આભાર પણ માને. ત્યારબાદ મેનુ કાર્ડમાંથી વાનગીઓનો ઓર્ડર આપી પેટની ભૂખ સંતોષેછે. જોકે, આ અનોખી ‘સેવા’ના વિડિયો વાઈરલ થયા પછી રેસ્ટોરાં દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ‘હવે અમારી રેસ્ટોરાંએ થપ્પડ સર્વિસ’ બંધ કરી છે. અમારી સર્વિસને મળેલી વ્યાપક પ્રસિદ્ધિ બદલ સૌનો આભાર, પણ લાફો ખાવાના ઈરાદા સાથે લોકો અમારે ત્યાં આવે એ અમને હવે અજુગતું લાગે છે એટલે હવે આવશોતો લાફો ખાવા નહીં મળે, પણ અમારી શ્રેષ્ઠ વાનગી વત્તા સર્વિસ અચૂક મળશે!
મધ શોધી આપતા મધજીવા
‘ગળ્યું એ ગળ્યું, બાકી બધું બળ્યું’ એ આપણા ગુજરાતીભાઈઓની ફેવરિટ લાઈન છે. ગળપણ સાથે ગુજરાતીઓને કદાચ સાત નહીં, સત્તર જન્મનો નાતો રહ્યો છે. લગ્નના જમણવારમાં પ્લેટ હાથમાં લેતાની સાથે ’સ્વીટ ડીશ’ શું છે એ ચકાસી લેવામાં આવે અને એ માહિતી ફેરવવામાં આવે. ગળપણ સાથેનું સગપણ એવું મજબૂત હોય છે કે આઈટમ કરતાં સ્વાદ વહાલો હોય છે.
જોકે, આફ્રિકન દેશ મોઝામ્બિકના નિયાસા નામના રમણીય વિસ્તારમાં લોકોને મોઢું મીઠું કરવાનું મન થાય તો એમને પેંડા – બરફી, રસગુલ્લા કે પાયસમ નથી યાદ આવતા. એમને ‘હનીગાઈડ’નામનું પક્ષી યાદ આવી જાય પછી એને ચોક્કસ પ્રકારનો અવાજ કરી બોલાવી લે છે. પક્ષી પણ ‘ચલો બુલાવા આયા હૈ’ સમજી પહોંચી જાય છે. આપણી ચકલી જેવું દેખાતું આ પક્ષી ગાઈડ – માર્ગદર્શક બની લોકોને મધપૂડાના વિસ્તારમાં દોરી જાય છે. આ પંખી ગાઈડ તરીકે કોઈ ફી વસૂલ નથી કરતું, પણ કુદરતની કરામત એવી છે કે વિહંગને વળતર મળી રહે છે. માણસ મધપૂડામાંથી મધ કાઢી એનો સ્વાદ લે, જ્યારે પેલુ પક્ષી મધમાખીના લાર્વા અને મધપૂડા પર ચોંટેલો મીણ જેવો પદાર્થ આરોગી ‘વળતર’નો આનંદ મેળવી લે છે.
નવા વૈજ્ઞાનિક સંશોધન અનુસાર મનુષ્ય – પક્ષીનીઆ અનોખી પાર્ટનરશીપ આફ્રિકાના અનેક વિસ્તારમાં જોવા મળે છે. સૌથી હેરત પમાડનારી વાત એ છે કે દૂર કોઈવૃક્ષ પર દેખાય નહીં એ રીતેબેઠેલું પક્ષી મધ ઈચ્છુક માણસે અવાજથી આપેલું આમંત્રણ ઓળખી એની પાસે પહોંચી જાય છે.
રોમેન્સની ઉંમરે રામધૂન
મનુષ્ય જીવનને લોકો નદીના વહેણ સાથે સરખાવે છે, કારણ કે જેમ નદીના વહેણનીદિશા કયારે ફંટાઈ જાય એ કંઈ કહેવાય નહીં. એ જ રીતે મનુષ્ય જીવનમાં પણ ’જાના થા જાપાન, પહુંચ ગયે ચીન’ જેવું બન્યું હોય એવા અઢળક ઉદાહરણ છે. આપણા દેશમાં રાજકુમાર વર્ધમાન ભગવાન મહાવીર બની ગયા અને રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ બની ગયા જેવા જ્વલંત ઉદાહરણ છે. જો કે, હજુ ચાર વર્ષ પહેલા ઈટલીના સૌથી ‘હેન્ડસમ યુવાન’ નું બિરુદ મેળવનારા એદોઆર્દોસેન્ટિનીએ ભર યુવાનીમાં ભૌતિકવાદનેબાય… બાય કરી આધ્યાત્મિકતા અપનાવી હોવાથી અનેક લોકોને આશ્ચર્ય થયું છે.
૨૦૧૯માં ૧૭ વર્ષનો એદોઆર્દોનીફેશનની દુનિયામાં બોલબાલા હતી. ડાન્સ – ડ્રામામાં નિપુણતા મેળવી ગ્લેમરની દુનિયામાં છવાઈ જવાના એનાં સપનાં હતા. અચાનક એક દિવસ અંતરાત્માનો પોકાર ઉઠ્યો અને ૨૧ વર્ષની રોમેન્સ કરવાની ઉંમરે એદોઆર્દો રામધૂન તરફ વળી ગયો છે. મતલબ કે મોડલિંગ, એક્ટિંગ, ડાન્સનોત્યાગ કરી આધ્યાત્મિકતાની કેડી પર આગળ વધવાનું એણે નક્કી કર્યું છે. ટૂંક સમયમાં ચર્ચમાં પાદરીની સેવા આપતો થઈ જશે. રેમ્પ વોક કરનાર યુવાન હવે ચર્ચની કેડી પર ચાલશે. ઈશ્વર સૌની રક્ષા કરે.
અવકાશમાંય ચોર’ છે ટામેટાનો…!
પાણીના ઘનત્વનો અભ્યાસ કરી રહેલા ગ્રીક વૈજ્ઞાનિક આર્કિમીડીઝ ‘યુરેકા’ (મને મળી ગયું! ) ચીસ પાડી વસ્ત્રહીન અવસ્થામાં રસ્તા પર દોડવા લાગ્યો એ જોઈને લોકોને અચંબો થયો હતો.
અમેરિકન સ્પેસ એજન્સી ‘નાસા’ના સંશોધકોએ ‘મળી ગયું’ એમ કોરસમાં ગાયું ત્યારે ફ્રેન્ક રુબિયો નામના વૈજ્ઞાનિકનાહરખની સીમા નહોતી. અલબત્ત, અહીં કોઈ વૈજ્ઞાનિક શોધ હાથ નહોતી લાગી, પણ આઠ મહિનાથી ’ખોવાઈ ગયેલું’ ટમેટું મળી આવ્યું એના આનંદના એ ચિત્કાર સાથે ઉજવણી હતી.
ફ્રેન્કભાઈના આનંદની કોઈ સીમા નહોતી, કારણ કે એના સાથીદારોએ એ ટામેટું ફ્રેન્ક ઝાપટી ગયો હોવાનું આળ એના પર મૂક્યું હતું, અલબત્ત મજાકમાં. ટામેટું મળી આવતા ફ્રેન્ક ‘નિર્દોષ’ સાબિત થયો છે. ‘નાસા’એ અવકાશમાં કરેલા ‘ખેતીવાડી પ્રયોગ’માં ટોમેટો ઉપરાંત ચાઈનીઝ કોબી, લેટસ નામનીભાજી, રાઈનો છોડ તૈયાર કરવામાં પણ સફળતા મળી હતી. સ્પેસમાં ટોમેટો ઉગાડવામાં સફળતા મળ્યા પછી દરેક વૈજ્ઞાનિકનેએક એક ટામેટું ઝીપલોક બેગમાં બંધ કરી આપ્યું હતું. ‘ટામેટું ખાતા નહીં’ એવી સ્પષ્ટ ચેતવણી આરોગ્યના કારણસર અવકાશવીરોને આપવામાં આવી હતી. જોકે, અકસ્માતેફ્રેન્કનાહાથમાંથી ટામેટું સરકી ગયું અને હવામાં તરતુંતરતું ‘ખોવાઈ ગયું’. સાથીઓએ રમૂજમાં ‘ફ્રેન્કને’ સ્પેસ થીફ – અવકાશી ચોર’નું લેબલ મારી દીધું હતું, હવે આળમુક્ત ફ્રેન્કે એની ઉજવણીમાં ટોમેટો સૂપની પાર્ટી આપી છે કે નહીં એની જાણકારી નથી મળી….