ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

લાખ છુપાઓ છૂપ ના સકેગા…

લાખ છુપાવવાની કોશિશ કર્યા પછી પણ અસત્ય દફનાવી નથી શકાતું. એક દિવસ તો એ છાપરે ચડીને પોકારે જ છે. અલબત્ત એનું સ્વરૂપ અત્યંત હેરત પમાડનારું હોય છે. યુએસએના ન્યૂયોર્ક શહેરમાં એક વર્ષ પહેલા થયેલી ચોરીનો ભેદ તાજેતરમાં ઉકેલાયો એમાં રંગીન અંડરવેર ચોરને રંગે હાથ પકડવામાં નિમિત્ત બન્યું, બોલો. બન્યું એવું કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એક ટોબેકો શૉપમાં માસ્ક પહેરેલા ઉઠાઉગીર આવ્યા અને બંદૂકની અણીએ રોકડ રકમ અને કર્મચારીઓના સેલફોન ઉઠાવી નૌ દો ગ્યારા થઈ ગયા. અલબત્ત આ લૂંટ સીસીટીવીમાં ઝડપાઈ ગઈ અને એ વીડિયોનું ઝીણવટથી નિરીક્ષણ કરતા પોલીસને જાણ થઈ કે એક ઉઠાઉગીરે રંગીન અંડરવેર પહેર્યું હતું જેની પર મોટો અંગ્રેજી અક્ષર આર દેખાતો હતો અને પીળા રંગમાં ૧૯૯૦ લખેલું પણ નજરે પડતું હતું. કોઈ અજાણી વ્યક્તિએ પોલીસને રંગીન અંડરવેર પહેરનારની સોશિયલ મીડિયાની વિગતો પહોંચાડી અને કયા સ્થળે ચોરીનો માલ વેચ્યો હતો એની વિગત પણ આપી. ડિટેક્ટિવ કામે લાગ્યા અને ચોરીના માલના વેચાણની જગ્યાનું વીડિયો ફૂટેજ તપાસતા રંગીન અંડરવેર પહેરેલી વ્યક્તિ દેખાઈ. ત્યારે માસ્ક ન પહેર્યો હોવાથી ચહેરો પણ બરાબર દેખાયો. ચક્રો ગતિમાન થયા અને ચોર પકડાઈ ગયો.

લ્યો કરો વાત!

મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનના બર્થ ડેની ઉજવણી વખતે અનેક ફોટોગ્રાફર આવ્યા હતા. ઉજવણી પૂરી થયા પછી આલ્બર્ટ ભાઈ જેવા કારમાં બેઠા કે ફોટોગ્રાફરોનું એક ઝુંડ તેમને ઘેરી વળી વારંવાર સ્માઈલ કરીને પોઝ આપવા કહેવા લાગ્યું, પણ પાર્ટીમાં સ્મિત કરી કરીને કંટાળી ગયેલા આઈન્સ્ટાઈન સ્થિતપ્રજ્ઞ રહ્યા. અચાનક શું થયું ખબર ન પડી, પણ તેમણે જીભડો કાઢ્યો. ફોટોગ્રાફરો ક્લિક કરવા લાગ્યા અને એમાં અમેરિકન એજન્સીના તસવીરકારનું નસીબ જોર કરી ગયું. આઇન્સ્ટાઇને જીભડો કાઢેલી તસવીર યાદગાર બની ગઈ. આઈન્સ્ટાઈનને એ તસવીર ખૂબ જ ગમી ગઈ અને એમના અવસાનના અનેક વર્ષો પછી એ તસવીરનું લિલામ થયું ત્યારે એના સવા લાખ ડોલર ઊપજ્યા.

કચરો વીણવા ગઈ’તી મોરી સૈયર…

અસલના વખતમાં કોઈ કહે કે ઘરમાંથી કચરાને કાઢ્યો ત્યારે સ્પષ્ટતા માગવી પડતી, કારણ કે એક સમયે ગુજરાતી પરિવારમાં દીકરાનું નામ કચરો રાખવાની પ્રથા હતી. કચરો તો કામવાળી કે ઘરની સ્ત્રી કાઢે એવી સમજણ હજી આપણે ત્યાં ટકી રહી છે. ધીરે ધીરે વેક્યુમ ક્લિનરનો વપરાશ વધી રહ્યો છે અને એના વપરાશમાં લિંગભેદ નથી જોવા મળતો. ઊલટાનું પુરૂષ વધારે વાપરતો દેખાય છે. તાજેતરમાં જાપાનના ટોક્યો શહેરમાં કચરો વિણતી સન્નારીઓ સાથે સદ્ગૃહસ્થો પણ નજરે પડ્યા હતા. આ કોઈ સફાઈ ઝુંબેશનું દૃશ્ય નહોતું, બલકે કચરો એકઠો કરવાની પહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ હતી. ૨૧ દેશના કચરા કલેકટરો એકસાથે આ સ્પર્ધામાં ઊતર્યા હતા. નક્કી કરેલા સમયમાં કઈ ટીમ પાંચ કિલોમીટરના વિસ્તારમાં રખડી સૌથી વધુ કચરો વીણી લાવે છે એ સફળતાનો માપદંડ હતો. ત્રણ સભ્યોની ટીમને ગ્લવ્ઝ, ધાતુના મોટા ચીપિયા અને સાથે કચરો ઠાલવવા પ્લાસ્ટિક બેગ આપવામાં આવી હતી. સ્પર્ધામાં ઊતરેલી ટીમ નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે કે નહીં એની દેખરેખ રાખવા રેફરી પણ તૈનાત હતા. કચરો વિણતી વખતે દોડાદોડ કરવા પર તેમ જ અન્ય ટીમની પાછળ જવા પર પ્રતિબંધ હતો. નિશ્ર્ચિત કરેલા સમયમાં ૮૩ કિલોગ્રામ કચરો એકઠો કરનાર બ્રિટનની ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી.

અબ મુશ્કિલ નહીં કુછ ભી, નહીં કુછ ભી

વિજ્ઞાન કહે છે કે પુરુષના હૃદયનું વજન આશરે ૩૦૦ ગ્રામ હોય છે, પણ આ નાના અમથા કાળજામાં હિમાલયથી પણ ઊંચી અને વધુ વજનદાર મહત્ત્વાકાંક્ષાઓ વાસ કરે છે. હૃદય એ ભાર આસાનીથી ઝીલી લે છે અને દિલ – દિમાગનો સમન્વય આકાંક્ષા સિદ્ધ કરવામાં પાછી પાની નથી કરતું. જબલપુરના રહેવાસી રાજકારણ બરૂઆ ખૂબ જ પ્રેરણાદાયક ‘લહરોં કે ડર સે નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલોં કી હાર નહીં હોતી’ પંક્તિઓ જાણે છે કે નહીં આપણે નથી જાણતા, પણ એમના જીવનમાં આ પંક્તિની ભાવના બરાબર ઊતરી છે એ વાત નક્કી. એમએ કર્યા પછી ગણિતનો એવો નાદ લાગ્યો કે ૧૯૯૬માં આર્કિયોલોજીમાં એમએની ડિગ્રી મેળવ્યા પછી શાળાના બાળકોને ગણિત શીખવતી વખતે એ વિષયમાં માસ્ટર્સ ડિગ્રી મેળવવાનું ઝનૂન ચડ્યું. મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા આડે વિઘ્ન ન આવે એ માટે લગ્ન ન કર્યા (મેં તો મારા સ્વપ્ન સાથે જ વિવાહ કરી લીધા હતા), નિયમિત નોકરી કરવાને બદલે સિક્યોરિટી ગાર્ડ જેવી નોકરી કરી જેથી અભ્યાસ માટે વધુ વખત મળે. અલબત્ત સફળતા તેમને હાથતાળી આપતી રહી, પણ કરતા જાળ કરોળિયાની માફક હિંમત હાર્યા વિના ૨૩ વાર નાપાસ થયા પછી ૫૬ વર્ષની ઉંમરે ’મેરે પાસ મેથ્સ કી ડિગ્રી હૈ’ એમ ૫૬ વર્ષની ઉંમરે વટથી કહી શકે છે અને અનેક લોકો માટે પ્રેરણા બન્યા છે.

ઝેરનું મારણ ઝેર

‘નરો વા કુંજરો વા’ મહાભારતનું રાજનૈતિક કપટ કહેવું કે હોશિયારી કહેવી એ વ્યક્તિગત બાબત છે. કૌરવ દળના અશ્વત્થામા નામના હાથીને શ્રીકૃષ્ણના કહેવાથી ભીમે હણી નાખ્યો અને ધર્મરાજા પાસે દ્રોણાચાર્યને સંદેશો મોકલ્યો કે ‘નરો વા કુંજરો વા’ મતલબ માણસ હણાયો કે હાથી એ ખબર નથી. દ્રોણાચાર્યના પુત્રનું નામ પણ અશ્વત્થામા હતું. હાથીને માણસ તરીકે ખપાવવાની એ રમત હતી. જોકે, નાગપુરમાં હાથીના આતંક પર અંકુશ લાવવા દસ્તુર ખુદ હાથીને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. સમૂહમાં રહેતું આ પ્રાણી એકંદરે શાંતિપ્રિય ગણાય છે પણ એ તોફાને ચડે ત્યારે ખેતરોના ખેતર ઉધ્વસ્ત કરી નાખે એવા બનાવોની સંખ્યા છેલ્લા કેટલાંક વર્ષથી વધી રહી છે. આ મહાકાય પ્રાણીના આતંકને અંકુશમાં લેવા ખાસ કર્ણાટકથી બે ગજરાજને નાગપુર લાવવામાં આવ્યા છે. આ બંને ગજરાજ બંધન અવસ્થામાંથી આવ્યા હોવાથી તેમનામાં તોફાન કરવાની વૃત્તિ નથી હોતી. આ બંને ‘હવાલદાર હાથી’ રાતના અંધારામાં ખેતર પર આક્રમણ કરી પાકનો સફાયો બોલાવતા તોફાની હાથીઓને અટકાવશે અને તેમને હાંકી કાઢશે એવી રજૂઆત નાગપુરના વન અધિકારીઓએ કરી છે. આને કહેવાય ઝેરનું મારણ ઝેર.

મેઘરાજાની અસીમ કૃપાથી જણાવવાનું કે…
ઈશાન ભારતના સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતા રાજ્યોમાંના એક મેઘાલયના મોસિનરામ નામના ગામડાએ મેઘરાજાની અસીમ કૃપા ધરાવતા વિશ્ર્વના નંબર વનનું સ્થાન વધુ એક વખત જાળવી રાખવામાં સફળતા મેળવી છે. સૌથી વધુ વરસાદ વરસવાનો વિક્રમ અહીંથી માત્ર ૧૫ કિલોમીટર દૂર આવેલા ચેરાપુંજીના નામે વર્ષો સુધી રહ્યો હતો. મોસિનરામમાં વર્ષમાં ૧૧,૮૭૨ મિલીમીટર અથવા ૪૬૭.૪ ઇંચ વરસાદ પડે છે. હિમાલયની વિશાળ પર્વતમાળા વરસાદી વાદળાઓને રોકી રાખતી હોવાને કારણે આવો અધધ કહી શકાય એવો વરસાદ પડે છે. અલબત્ત અહીંના લોકો મેઘરાજાની હેલીથી એટલી હદે ટેવાઈ ગયા છે કે ઘરેથી છત્રી લીધા વિના જ નીકળે છે. ખેતરમાં કામ કરતા લોકો બાસ્કેટ જેવા કવર ઓઢીને આસાનીથી પોતાનું કામ કરતા જોવા મળે છે. અહીંની એક ખાસિયત એ છે કે ગામવાસીઓ વીજળીના કડાકાભડાકાથી બચવા માટે ઝૂંપડીઓ પર ઘાસ પાથરી દે છે જેથી રાતે શાંતિથી ઊંઘી શકાય. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં અહીં સાવ નજીવો વરસાદ (૬૦ મિલીમીટર) વરસાદ પડતો હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?