બંધ પડેલા મોબાઇલ ફોનની મદદથી કલ્પનાતિત કૌભાંડ
સાયબર સાવધાની – પ્રફુલ શાહ
સાયબર ઠગોનું દિમાગ એવું ગજબનાક ચાલે છે કે કલ્પના સુધ્ધાં ન આવે. મોટા ભાગનાને થાય કે જૂના કે બંધ કરી દેવાયેલા મોબાઇલ ફોન વળી શું નુકસાન કરી શકે? સાવ એવું નથી.
લગભગ દોઢ-બે વર્ષ અગાઉ એક ગૅંગ પકડાઇ હતી જે રેલવેની ક્ધર્ફમ ટિકિટને નામે કરોડોની, ગેરકાયદે, કમાણી કરતી હતી. અને ટિકિટ પણ પાછી આઇ.આર.સી.ટી.સી. (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન)ની ઑફિશિયલ વેબસાઇટ પરથી મેળવાતી હતી. આ સાઇટ પર ઑનલાઇન બુકિંગ કરાવનારા જાણે છે કે એક જણને એક સમયે એક ટ્રેનની મર્યાદિત ટિકિટ જ મળી શકે. તો પછી કૌભાંડ આચરાયું કંઇ રીતે હશે?
રાજકોટની રેલવે પોલીસ ફોર્સે આ કૌભાંડને ઉઘાડું પાડયું. આ કૌભાંડ મુજબ આરોપીઓ જથ્થાબંધ ટિકિટ બુક કરાવવા માટે બંધ પડી ગયેલા મોબાઇલ ફોનનો ઉપયોગ અમુક સસ્તા સોફટવેરનો ઉપયોગ કરીને આઇ.આર.સી.ટી.સી.ના નિયમો-નિયંત્રણમાંથી છટકબારી મેળવી લેતા હતા.
બંધ કરી દેવાયેલા ફોનને ફરી સક્રિય કરીને અને અમુક સોફટવેરની મદદથી આ આવા મોબાઇલ સાધન અને એમાં નવું સિમ કાર્ડ નાખીને ઇ-મેલ એડ્રેસ બનાવે, યુઝર આઇડી પણ બનાવાય. પછી એક, હા. એક જ, કોમ્પ્યુટર પરથી અલગ-અલગ ઇ-મેલ આઇડી થકી ધડાધડ ટિકિટ બુક કરાવાય. આને લીધે અમુક સંખ્યામાં જ ટિકિટ બુક કરાવવાને નિયમને પણ ધોળીને પી જવાય.
એમની પાસેના ‘કોવિડ એક્સ,’ એનએમએસ બૅન્ક અને બ્લેક ટાઇગર જેવા સોફટવેર થકી આઇઆરસીટીસી સાઇટના ઓટીપી અને કેપ્ચાના રક્ષણને ય ભેદી જતા હતા.
પોલીસે છ જણાની ધરપકડ કરીને ૫૦ સિમકાર્ડ, પાંચ લેપટોપ, એક હાર્ડ ડિસ્ક, સાત મોબાઇલ ફોન અને લાખો રૂપિયા રોકડા જપ્ત કર્યાં હતા. એ કહેવાની જરૂર નથી કે આ ગૅંગ જથ્થાબંધ બુક કરાવેલી ટ્રેન ટિકિટ વધુ ભાવે અન્યને વેચી દેતા હતા. પોલીસે એ ગૅંગ સાથે સંકળાયેલા શખસોની મુંબઇ, વાપી, વલસાડ અને છેક સુલ્તાનપુર (ઉત્તર પ્રદેશ)થી ધરપકડ કરી હતી.
આમાંના એક આરોપીએ તો ખોટા દસ્તાવેજની મદદથી ઇન્સ્ટ્રાગ્રામ પર બનાવટી એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ ખાતા દ્વારા જ તે બધા જ સાથે મેસેજની આપ-લે કરતો હતો.
આઘાતજનક વાત એ બહાર આવી કે આવું ભયંકર રેકેટ મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત પશ્ર્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ચાલતું હોવાનું પર્દાફાશ થયું હતું.
A.T.P. (ઑલ ટાઇમ પાસવર્ડ)
ગમે તેટલી ઇમર્જન્સી હોય ક્યારેય કોઇ પાસેથી ટ્રેનની ટિકિટ ન ખરીદવી. ભલે તત્કાલ રિઝર્વેશનના થોડા વધુ રૂપિયા આપવા પડે.