પ્રવીણ જોષીની નાટ્યસર્જન સૃષ્ટિમાં એક ડોકિયું…
આ દિગ્ગજ દિગ્દર્શક – અદાકારની કળા-કસબની ખૂબીઓ ચર્ચતી એક વિશેષ મુલાકાત
વિનીત શુકલ
આજે વિશ્ર્વ રંગભૂમિ દિન’ના અવસરે આધુનિક ગુજરાતી રંગભૂમિના એકમેવ ચક્રવર્તી પ્રવીજ જોષીનાં કળા-કૌશલ, સર્જકતા અને વ્યક્તિત્વની પ્રેરક-રસપ્રદ ખૂબીઓ યશસ્વી નાટ્ય-ટેલિવિઝન દિગ્દર્શક દિનકર જાની પાસેથી જાણવા જેવી છે.
શા માટે? એટલા માટે કે એમણે પ્રવીણભાઈના સહાયક દિગ્દર્શક તરીકે સાત વર્ષ રોજેરોજ કલાકો સાથે કામ કરતાં પ્રવીણભાઈનાં ક્રાફ્ટ, કુનેહ અને આંતરસૂઝને ખુબ નિકટતાથી આત્મસાત કર્યાં છે. પ્રવીણ જોષીના વિરલ પ્રદાનમાં આસ્વાદ, મૂલ્યાંકન, પુનર્મૂલ્યાંકનની કોઈપણ વાત દિનકર જાનીના મત, વિચાર કે મુલાકાત વગર અધૂરી ગણવી પડે.
દિનકરભાઈએ ખુદ એક નિવડેલા દિગ્દર્શક છે. રાફડા’, ક કતલકો ક’, વાત બંધ હોઠની’, ડિયર ફાધર’ જેવાં ગુજરાતી નાટકો સહિત હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં ભારત અને સિંગાપોરમાં યશસ્વી નાટકોનું દિગ્દર્શન કર્યું છે. એમના દિગ્દર્શનમાં બનેલી શક્તિમાન’ અને આર્યમાન’ સિરિયલોએ તો ઈતિહાસ રચેલો.
આવા દિનકરભાઈ સાથે ૧૯-૧-૧૯૭૯ના મળસકે અણધારી, દુ:ખદ એક્ઝિટ કરી ગયેલા પ્રવીણભાઈની ઝળહળ સ્મૃતિઓ વાગોળવાનો આનંદ જ જુદો છે.
પ્રશ્ર્ન: પ્રવીણભાઈની કક્ષાના નાટ્યસર્જક દુર્લભ છે, છતાં એમને મોટો કે નાનો કોઈ જ ઍવોર્ડ નથી મળ્યો. આવું શાથી – કેવી રીતે થયું હશે?
ઉત્તર: મને પણ આ સવાલ ખૂબ સતાવતો. પ્રવીણભાઈના મધ્યાહે તપતા સૂર્યના તેજમાં મેં આ સવાલ દિલ્હીની કેન્દ્રીય સંગીત – નાટક અકાદમીની એના ઍવોર્ડ માટેની નિર્ણાયક સમિતિમાં સભ્ય (અને મરાઠી રંગભૂમિનાં સમર્થ દિગ્દર્શિકા)ને પૂછેલો.
જવાબમાં એમણે કહેલું, એ (પ્રવીણભાઈ) નવા, પ્રતિભાશાળી છોકરાઓને બગાડે છે..એમને કમર્શિયલ થિયેટરના રવાડે ચડાવે છે.’
આ જવાબ પરથી મને એવું લાગેલું કે કમર્શિયલ (વ્યવસાયી) થિયેટર કરવું એને એ લોકો હિણપતભર્યુ લેખતાં હતાં. મને તરત સવાલ થયેલો: નાટક સારું – બહેતર – ઉત્તમ થાય એ મહત્ત્વનું કે એની ટિકિટબારી પરની સફળતા? નાટકની (અને એથી નાટ્યકારની) અપાર લોકપ્રિયતા એ કોઈ ગુનો છે? વ્યવસાયિક સફળતા એટલે નબળી ગુણવત્તા એવું છે? કદાચ એમના (અને આ કે તે ઍવોર્ડ આપનારા બીજાઓના) મનમાં પણ આવો ભ્રમ હશે જ. નહીં તો ટિકિટબારી પર ખૂબ જ સફળ તથા કળાદૃષ્ટિ પણ ઉત્તમ નાટકોની આટલી લાંબી હારમાળાના સમર્થ સર્જક એક પણ ઍવોર્ડથી ન નવાજાય એવું બને જ કેમ?
પ્રશ્ર્ન: પ્રવીણભાઈના સાચા ઉત્તરાધિકારી બનવાની શક્યતા તમને ક્યા ક્યા દિગ્દર્શકોમાં દેખાઈ છે?
ઉત્તર: કોઈનામાં નહીં. ઊંડાણમાં જેવું એ ક્યાંય દેખાતું નથી. વિષય, પાત્રો, વાતાવરણ, સંવાદો આત્મસાત્ રી પ્રેક્ષકના ચિત્ત પર ઊંડો પ્રભાવ પડે એ રીતે આ બધાંને રજૂ કરવાનું કદાચ હવેના દિગ્દર્શકોને ફાવતું નથી કે જરૂરી નથી લાગતું. પ્રવીણભાઈને મેં રિહર્સલ દરમિયાન ક્યારેય સ્ક્રિપ્ટ વાંચતા જોયા જ નથી. પોતાને શું – શા માટે જોઈએ છે તથા કેવી રીતે જોઈએ છે એ બધાં અંગે એ ક્યારેય લેશમાત્ર પણ ક્ધફ્યુઝડ ન હોય. કુમારની અગાશી’માં કુમારની છેલ્લી મૂવમેન્ટ તથા ખેલંદો’ના પહેલા અંકનો ડ્રોપ એ કાગળ પર દોરી લાવેલા. બસ, આ બે જ આવા પ્રસંગ હતા, એવું સ્પષ્ટ યાદ છે.
પ્રશ્ર્ન: પ્રવીણભાઈનાં નાટકોનું ક્યું તત્ત્વ આજે તમને ખાસ ખૂટતું લાગે છે?
ઉત્તર: દૃશ્યોનાં કમ્પેઝિશન્સ બહુ ખૂટતાં લાગે છે. મોટિવલેસ મૂવમેન્ટ (હેતુ-લક્ષ્ય વગરની પાત્રોની થતી ગતિ) એમનાં નાટકામાં હોય જ નહીં. આજે આ મૂવમેન્ટ વિથ મોટિવ’ નથી દેખાતી. ક્યારેક તો આંખ બંધ કરવાનું મન થઈ જાય છે.
પ્રશ્ર્ન: પ્રવીણભાઈના દરેક નાટકોનો ટ્રેડમાર્ક હતો દર્જેદાર નાવીન્ય. વિવિધ ખૂબીઓ વચ્ચેપ તમારી દૃષ્ટિએ, એમની મર્યાદા કઈ હતી?
ઉત્તર: હું તો એમના સહાયક તરીકે શીખતો હતો. ઘણું શીખ્યો, આજે પણ શીખું છું. એટલે કચાશ કે મર્યાદા શી લાગી એવું ન કહેતાં એમ કહીશ કે એ ટ્રેજિક ઈમોશન (કરુણ ભાવ)થી સતત દુર રહ્યા. એમના કોઈ નાટકમાં આ ભાવ તીવ્રતાથી વ્યક્ત નથી થયો. નાટકની પસંદગીમાં જ એ સજાગપણે આવા વિષયથી દૂર રહેતા. પોતાના અભિનયમાં પણ એ આ ભાવ આઘો રાખતા…. એમણે કિશોર-તરુણ વયે ખૂબ સંકડામણ – પીડા વેઠેલી. એટલે કદાચ એમણે કરુણરસ સામે જાણે એક બુરખો પહેરી લીધેલો. વાસ્તવજીવનમાં પણ કોઈએ એમની આંખમાં આંસુ જોયાં નથી. એ દિવસોમાં રોજેરોજ બપોરે એમના ઘેરે પહોંચી સાથે આઈ.એન.ટી.ની ઑફિસે જવાનું અને પછીય રિહર્સલ કે અન્ય કામે સાથે રહેવાનું બનતું. આવા નિત્યક્રમ છતાં મેં માત્ર બે જ વાર એમને એકદમ ઈમોશનલ બની ગયેલા જોયા છે.
પ્રશ્ન: દિનકરભાઈ, પ્રવીણ જોષી જેવા યુગપ્રવર્તક નાટ્ય દિગ્દર્શક- અભિનેતાને તમે સહાયક દિગ્દર્શક અને સ્વજન તરીકે લાંબો સમય નિકટથી જોયા છે તો એ કહો કે એમની નાટ્યભાષા કઈ-કેવી હતી? એમાંનું ક્યું તત્ત્વ તમને સૌથી વધુ સ્પર્શે છે?
ઉત્તર: પ્રવીણભાઈનું પ્રત્યેક કમ્પોઝિશન (પાત્રોનાં સ્થાન તથા ગતિ થકી સર્જાતી દૃશ્યરચના) એવું હતું કે એમના પ્રિય પ્રેક્ષક’ના સબકોન્શ્યિસમાં ઊતરી જતું, ત્યાં ઘર કરી લેતું. કોઈ એક પાત્ર નીચે ફર્શ પર બેઠું હોય, બીજું ક્યાંક ખુરશી પર બેઠું હોય, ત્રીજું ઉપર જવાનાં પગથિયાં પાસ ેકે એની પર અધવચ્ચે ઊભું હોય એનું તાર્કિક અને દૃશ્યની દૃષ્ટિએ પ્રભાવશાળી કારણ હોય. વળી કોઈ પાત્ર ફરે કે બીજા સ્થાન પર પહોંચે એની પાછળ તથા એ ક્યા રસ્તે ત્યાં પહોંચે એની પાછળ પણ કારણ કે યુક્તિ હોય. પાત્રોની મૂવમેન્ટનાં તથા સંગીત-પ્રકાશ સહિતનાં દિગ્દર્શનનાં તમામ ટેક્નિકલ પાસાંને એ ખૂબીથી છતાં એકદમ સહજતાથી વણી લેતા. એમનું કોઈ પણ નાટક કે એનું કોઈ પણ દૃશ્ય ચોખ્ખું લાગે-, ગૂંચવાળું કે ખરબચડું ન લાગે. શરત’ નાટકનો સજેસ્ટિવ સેટ હોય કે સંત રંગીલી’નો રિયાલિસ્ટિક – સરખો જ કાર્યસાધક અને પ્રભાવશાળી લાગે.
ભાષાશુદ્ધિ પર પ્રવીણભાઈ બહુ ભાર મૂક્તા. કુમારની અગાશી’માં કુમારનું પાત્ર ભજવનાર પ્રદીપ મર્ચંટની ભાષા આરંભમાં એટલી સારી નહીં. સરખી મહેનત લઈને એના ઉચ્ચારો શુદ્ધ કરાવેલા. પોઝ સાથે રમવું પ્રવીણભાઈને ખૂબ ગમતું. કુમારની અગાશી’માં જ નિશાભાભી (સરિતાબહેન)ને કેમ છો નિશાભાભી?’ એટલું પૂછતાં પહેલાં બિપીન ખત્રી (પ્રવીણભાઈ) શાંતિથી સ્ટેજના ડાબા છેડાથી જમણા છેડા સુધી જતા. સાચું કહું તો મારા દિગ્દર્શન પર ૯૦ ટકા પ્રવીણભાઈનો પ્રભાવ છે – કમ્પોઝિશન્સથી માંડીને પોઝિસ સુધી. ચાણક્ય’ અને રાફડા’ નાટકોમાં મેં પોઝનો નાટ્યાત્મક ઉપયોગ કરેલો. રાફડા’નો પોઝ તો અઢી મિનિટ જેટલો લાંબો હતો.
પ્રશ્ર્ન: પ્રવીણભાઈ પાસે અભિનયકારોની સંગીન ટીમ ગતી. અરવિંદ જોષી, સરિતાબહેન, શરદ સ્માર્ત, ડી. એસ. મહેતા વગેરે. દિગ્દર્શક તરીકે આ ટીમ પાસે શ્રેષ્ઠ અભિનય કઢાવવા માટેના એમના નિયમો- આગ્રહો કયા હતા? એ નિયમ- આગ્રહ અભિનેતા પ્રવીણ જોષીને લાગુ પડતા?
ઉત્તર: પ્રવીણભાઈ પોતે કોઈ પણ કળાકારને પાત્ર ભજવીને કે સંવાદ બોલીને ન બતાવતા. કળાકારની પોતાની શક્તિમાંથી જ એ ઈચ્છિત ફળ મેળવતા. આગ્રહ – નિયમ કંઈ નહીં. બીજા માટે નહીં, પોતાને માટે પણ નહીં. કળાકાર સાથે બેસીને એ વાત કરતા, સમજાવતા, પ્રેરતા. આ ઉચ્ચ કોટિના દિગ્દર્શકનો વિશ્ર્વાસ દર્શાવે છે. ઇંગ્લેન્ડમાની નાટ્યતાલીમ દરમિયાન કદાચ એમણે આ વાતની ખાસ નોંધ લીધી હશે કે વિશ્ર્વના ઉત્તમ દિગ્દર્શકો આ જ પદ્ધતિ અપનાવે છે. પોતાના અભિનયમાં એ સ્ટાઈલ ઉમેરતા, પણ પાત્રની અંદર રહીને. પ્રેક્ષકને આંજી નાખવા એ અભિનેતા તરીકે ઘણું બધું કરતાં. એમાંની એક યુક્તિ તે એમના મંચ પ્રવેશની. એક – બે નાટકોના અપવાદ સિવાય એ પોતાનો પહેલો સંવાદ બોલવા પહેલાં આખા મંચ પર એક આંટો મારી પોતાની હાજરી પ્રેક્ષકના મનમાં બરાબર ઠસાવતા.
પ્રશ્ર્ન: નાટકના એક એક પાસમાં નાટકને ઉપકારક એવા એક કે વધુ ઉમેરા-સુધારા પ્રવીણભાઈ કેવી રીતે કરતા?
ઉત્તર: એ વિરલ બહુમુખી પ્રતિભાના ધરાવતા હતા. સેટ, લાઈટ, મ્યુઝિક, ડ્રેસના કસબીઓને પોતાને ક્યાં – શું જોઈએ છે એ સમજાવી દેતા. એ જે તૈયાર કરી લાવે તેમાં કંઈક વિશેષ ઉમેરી દેતા. આ સૂઝ – શક્તિ ક્યાંથી આવતી એ તો કોણ કહીં શકે? નિરીક્ષણ ઊંડું અને વ્યાપક. જે કંઈ સારું- ઉપયોગી જુએ એને નાટકમાં કયાં – કેવી રીતે સાંકળી લેવું એ એમને તરત સૂઝી આવે. સ્લૂથ’ ફિલ્મના એક ફોટામાં પંજા આકારની વિશાળ ખુરશી હતી. એ પણ એમણે (નાટકના – પોતાના પાત્રના મુકને અનુરૂપ લાગતાં) તૈયાર કરાવેલી, જે આકર્ષણનું કેન્દ્ર બનેલી. જાહેરખબરની કેપ્શનમાં આક્રમક રીતે નવીતા અને લે-આઉટમાં ખાલી સ્પેસનો ઉપયોગ એમને ગમતાં-સૂઝતાં. એના મૂૂળમાં કદાચ એક તાલીમ હતી. સદાબહાર ફિલ્મ મુગલે આઝમ’ના પ્રચાર અધિકારી, ગુજરાતી કુલીનચન્દ્ર યાજ્ઞિકના સહાયક તરીકે એમણે થોડું કામ કરેલું. આઈ.એન.ટી.ના વર્ષો સુધી પ્રચાર અધિકારી રહેલા અનુપમ યાજ્ઞિક કુલીનચન્દ્રના પુત્ર હતા.
પ્રશ્ર્ન: પ્રવીણભાઈની નાટકની પસંદગીની પ્રક્રિયા શી રહેતી?
ઉત્તર: પ્રવીણભાઈ પાસે એવા મિત્રો હતા, જે કંઈક નવું, કરવા જેવું વાંચ્યું હોય એ એમને જણાવતા. આમાં જયંત પારેખ, વ્રજ શાહ, હું અને બીજા એક – બે કોઈ પણ વિષય સાંભળતા એમના મનમાં ઝબકારો થતો કે મિત્ર આ જામશે. સરિતાબહેન પ્રેગનન્ટ હતાં ત્યારે એ કોઈ જુદા વિષયની શોધમાં હતા. ત્યારે સ્લૂથ’ ફિલ્મ પરથી હું એક દોસ્ત સાથે એકાંકી લખી રહ્યો હતો. મેં એમને વિષય કહ્યો. એમનાં કહેવાથી મેં સ્લૂથ’ લાવી આપ્યું. માત્ર બે પુરુષપાત્રોનું નાટક. એમણે તરત જ કહ્યું કરવું જ છે.’ મધુ રાયને રૂપાંતર સોંપાયું. એમણે માત્ર ૧૨ દિવસમાં અમેરિકાથી લખી મોકલ્યું. વાંચીને પ્રવીણભાઈ ઉછળી પડેલા. મધુ રાયને બરાબર જાણ હતી કે કયું પાત્ર કોણ ભજવશે. એમણે એટલું પ્રભાવશાળી અને પરફેક્ટ રૂપાંતર કરી આપેલું કે પ્રવીણભાઈને એમાં ભાગ્યે જ કોઈ ફેરફાર કરવો પડ્યો…. સહેજ, સંકોચ સાથે જણાવી દઉં કે બર્નાડ શોના પિગ્મેલિયન’ (હોલિવુડ ફિલ્મ માય ફેર લેડી’) પરથી રસપ્રદ નાટક થઈ શકે એમ છે, એવું પણ મેં જ પ્રવીણભાઈને સૂચવેલું.
પ્રશ્ર્ન: આધુનિક ગુજરાતી રંગભૂમિના પ્રતિનિધિરૂપ માત્ર એક જ નાટકનું નામ આપવાનું હોય તો તમે સંતુ રંગીલી’ નામ આપો? શા માટે
ઉત્તર: હા, જરૂર આપું. એનું દરેકેદરેક પાસું પૂર્ણતાની નજીક છે. લેખન, દિગ્દર્શન, અભિનય, સંગીત, સંનિવેશ, પ્રકાશ, વસ્ત્રો – બધું જ સંતુ તરીકે સરિતાબહેને તો કદી ન ઓળંગી શકાય એવું સીમાચિહ્ન સ્થાપ્યું છે.. સાથે સૌ કળાકારો – કસબીઓના અજબ સંયોજનથી વિરલ ચમત્કાર થયો. આવું ક્યારે જ બને છે.
સાચું કહું તો દર્શન જરીવાલા અને સુજાતા મહેતાની મુખ્ય ભૂમિકા સાથે મેં વર્ષો પછી સંતુ રંગીલી’નું દિગ્દર્શન કર્યું તે વખતે મારે એ જ જોવું હતું કે પ્રવીણભાઈ પાસેથી કેટલું શીખ્યો છું.
પ્રશ્ર્ન: કયા નાટકના કોઈ પ્રયોગના અંતે તમે પ્રવીણભાઈને સંતોષનો ઓડકાર ખાતા જોયેલા?
ઉત્તર: સંતુ રંગીલી’નો આરંભ અમદાવાદમાં થયેલો. એમાં શરૂઆતના કોઈ એક પ્રયોગના અંતે તો નહીં, પણ અધવચ્ચે પ્રવીણભાઈએ કહેયું. જોયું જાની? નાટક ચાલી ગયું ને?’ આમ કહેવા પાછળનું કારણ એ હતું કે એ નાટકની કસબી ટુકડીમાંના એક જણે કહેલું કે નાટક નહીં ચાલે. વળી સંતુ રંગીલી’ પહેલા મુખ્યત્વે કાઠિયાવાડી બોલીમાં ઢાળવામાં આવ્યું. એ ન જામ્યું. એટલે સુરતી બોલીને અજમાયેશ થઈ. એ પણ ન જામી પછી મધુ રાયને સોંપીને નવો અવતાર આપવાનું કહેવાયું. પરિણામ જે આવ્યું એ સ્વયં એક ઈતિહિાસ છે.
પ્રશ્ર્ન: તમારી દૃષ્ટિએ પ્રવીણભાઈનું સર્વશ્રેષ્ઠ નાટક કયું? શા માટે?
ઉત્તર: ખૂબ જ અઘરો સવાલ. એમનાં બધાં જ નાટક ખૂબ ગમ્યાં છે, પરંતુ સપ્તપદી’, સંતુ રંગીલી’, કુમારની અગાશી’, ખેલંદો’ થોડા વધું ગમ્યા છે. સપ્તપદી’ ગમવા માટેના નાટકનાં પોતાનાં કારણો ઉપરાંત એક વિશેષ – અંગત કારણ પણ છે. એમાં ત્રીજા અંકમાં પ્રવીણભાઈ ઘણે અંશે મારા પિતાજી જેવા દેખાતા હતા.
પ્રશ્ર્ન: પ્રવીણભાઈને દિગ્દર્શક તરીકે કોની સાથે સરખાવવાનું તમને ગમે?
ઉત્તર: કદાચ શંભુ મિત્ર અને સત્યદેવ દુબે સાથે ( શંભુ મિત્ર: દિગ્ગજ બંગાળી દિગ્દર્શક અભિનેતા – નાટ્યલેખક તથા સત્યદેવ દુબે: હિન્દી રંગભૂમિને હિમાલયને ઊંચાઈ પર પહોંચાડનાર દિગ્દર્શક.)
પ્રશ્ર્ન: પ્રવીણભાઈનો સહિત્યપ્રેમ, ભાષાપ્રેમ ખૂબ જ ગાઢ હતા. જયંત પારેખ, મધુરાય અને સિતાંશું યશશ્ર્ચંદ્ર – આપણાં આ ત્રણ મહત્ત્વના સાહિત્યકાર, સર્જકોએ પ્રવીણભાઈ માટે નાટકો લખેલા – રૂપાંતર કરેલા. એમણે પ્રવીણભાઈની નાટ્યદૃષ્ટિમાં ફેરફાર કે એનો વિસ્તાર કરેલો?
ઉત્તર: પ્રવીણભાઈનો ભાષા પ્રેમ – સાહિત્યપ્રેમ ગજબનો હતો. સૌ સાથે કળા-સાહિત્ય – જીવન સંબંધી ગોષ્ઠીઓને ચર્ચા પણ રસપ્રદ થતી, પરંતુ એમનાં લખાણોની કે આ ચર્ચાથી એમના નાટ્યદૃષ્ટિમાં કોઈ ફેરફાર થયો – વિસ્તાર થયો એવું સ્પષ્ટ ન કહી શકાય. આ અને બીજા લેખકોના લખાણ – સંવાદોએ પણ પોતાની ભૂમિકા ભજવેલી જ.
પ્રશ્ર્ન: પાંચેક દાયકા પૂર્વે સાહિત્યિક સામયિક સંજ્ઞા’ માટે એના તંત્રી અને લેખક જ્યોતિષ જાનીને આપેલી મુલાકાતમાં પ્રવીણભાઈએ એક વિખ્યાત વિધાન કરેલું: મારે મારી રંગભૂમિને એક ડગલું આગળ લઈ જવી છે. બસ, ખરેખર તો એ આપણી રંગભૂમિને અનેક ડગલાં આગળ લઈ ગયેલાં, પરંતુ તમારી દૃષ્ટિએ એમનું આ એક ડગલું કયું?
ઉત્તર: પ્રવીણભાઈએ ગુજરાતી રંગભૂમિ પર શું પરિવર્તન આણ્યું એનું ઐતિહાસિક – કળાકીય પરિપ્રેક્ષ્ય હું સ્પષ્ટ નહીં કરી શકું. કેમ કે પૂર્વ આફ્રિકાથી મુંબઈ આવ્યા પછી સૌથી પહેલું નાટક મેં જોયેલું એ કાન્તિ મડિયા દિગ્દર્શિત આતમને ઓઝલમાં રાખ મા’ હતું. પછી મેં ક્રમશ: જોયું કે નાટકની પસંદગી, દિગ્દર્શન, કમ્પોઝિશન્સ સેટ, લાઈટ, મ્યુઝિક અને આ બધાની પ્રેક્ષકમાં ચિત્તમાં એકંદર અસર ઉપજાવવાની બાબતમાં પણ પ્રવીણભાઈ કેટલા જુદા પડતા હતા! અને ઈન્દ્રજીત’. સપનાના વાવેતર’ જેવાં નાટકો કરવાની હિંમત ત્યારે બીજું કોઈ કરી શકે એમ હતું? કાંઈક જુદી ચડિયાતું કરવાની ખેવના એમનામાં સતત હતી.
પ્રશ્ર્ન: ગુજરાતી રંગભૂમિ પરના પ્રવીણભાઈના પ્રદાનને તમે કઈ દૃષ્ટિએથી જુઓ છો?
ઉત્તર: પ્રવીણભાઈ જેટલું ઊંડાણ, જેટલી કુનેહ અને જેટલી સર્જનક્ષમતા આજના દિગ્દર્શકોમાં (મારામાં પણ) ઊતરે એવું હું દિલથી ઈચ્છું છું. હું હજી શીખું જ છું એટલે આ ઈચ્છું છું.
(ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’માં પ્રગટ થયેલી મુલાકાત પ્રસંગોચિત ફેરફાર સાથે)