મૃત્યુનું એક પ્રમુખ કારણ છે શારીરિક નિષ્ક્રિયતા
આયુર્વેદ યોગનું ભૌતિક પાસું છે,તો યોગ આયુર્વેદનું અધ્યાત્મિક પાસું છે
મગજ મંથન – વિઠ્ઠલ વઘાસિયા
યોગ એક પ્રાચીન અભ્યાસ છે.જેની શરૂઆત હજારો વર્ષો પહેલાં ભારતમાં થઈ હતી.આ એક સંપૂર્ણ અનુશાસન છે.જે શારીરિક મુદ્રાઓ,શ્ર્વાસ અભ્યાસ, પ્રાણાયામ, ધ્યાન અને નૈતિક સિદ્ધાંતોને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક કલ્યાણને વેગ આપવા માટે જોડે છે. શરીરનું લચીલાપન, શક્તિ, સંતુલન, તનાવ પ્રબંધન અને સમગ્ર સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવવામાં યોગના પ્રભાવને લીધે યોગને દુનિયાભરમાં અપાર લોકપ્રિયતા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત વ્યક્તિ અને પૂરા સમાજ પર યોગના સકારાત્મક પ્રભાવ અને ફેલાવા માટે એક મંચના રૂપમાં કાર્ય થઈ રહ્યું છે.
આ દિવસે યોગના મહત્ત્વને ઉજાગર કરવા માટે વિશ્ર્વભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમ,કાર્ય શાળાઓ, સેમિનાર અને પ્રદર્શનના આયોજન કરવામાં આવે છે.
૨૧ જૂનના યોજાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ દર વર્ષે અલગ અલગ હોય છે, જે યોગના વિભિન્ન પાસાંઓ અને સમકાલીન પડકાર માટેની પ્રાસંગિકતા પર કેન્દ્રિત હોય છે.આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૪ની થીમ ‘માનવતા’ છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો હેતુ યોગ અભ્યાસના લાભની બાબતમાં વૈશ્ર્વિક જાગૃતિ પેદા કરવાનો છે.વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને સભ્ય દેશોને પોતાના નાગરિકોની શારીરિક નિષ્ક્રિયતા ઓછી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો આગ્રહ કર્યો છે. શારીરિક નિષ્ક્રિયતા દુનિયાભરમાં મૃત્યુનું એક પ્રમુખ કારણ છે.હૃદય સંબંધી બીમારી,કેન્સર અને મધુપ્રમેહ જેવી ગંભીર બીમારીઓ માટે શારીરિક નિષ્ક્રિયતાને એક પ્રમુખ જોખમ ગણવામાં આવે છે.જો કે યોગમાં ફક્ત શારીરિક ગતિવિધિ જ સામેલ નથી હોતી.ઉદાહરણ તરીકે, પ્રસિદ્ધ યોગાભ્યાસ કર્તા સ્વર્ગીય બી.કે.એસ.આયંગરજીએ કહ્યું હતું કે યોગ રોજબરોજની જિંદગીમાં સંતુલન અને માનસિકતા વિકસિત કરે છે તેમજ કામ કરવાની કુશળતામાં વધારો કરે છે.
યોગ મન અને શરીરનો એક અભ્યાસ છે,જેમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે.તનાવને ઓછો કરવામાં અને લચીલાપનમાં સુધારો કરવામાં અને તાકાત વધારવામાં યોગ મદદરૂપ થાય છે. યોગ એક સાર્વભૌમિક અભ્યાસ છે. જેનો આનંદ બધી જ ઉંમરના અને વિવિધ ક્ષમતાઓ ધરાવનાર લોકો લઈ શકે છે.યોગ આપણા શરીર અને મનને જોડવા તેમજ સમગ્ર સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવવા માટેનો એક શાનદાર પ્રયોગ છે.યોગ એક એવો અભ્યાસ છે જેમાં આપણે વર્તમાન ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને તનાવ અને નકારાત્મકતાને દૂર કરી શકીએ છીએ.
યોગથી બાળકોને પણ ખૂબ જ લાભ થતો હોય છે.વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા શારીરિક ગતિવિધિ અને સ્વાસ્થ્ય પર વૈશ્ર્વિક કાર્ય યોજનામાં યોગને વેગ વધારવા માટે ખૂબ ભાર દેવામાં આવ્યો છે.યોગ બાળકોની શક્તિ વધારવા માટે અને લચીલાપન વધારવા માટે એક ઉત્કૃષ્ટ વિધિ છે.યોગ અને આસન કરવાથી વિદ્યાર્થીઓમાં સ્ફૂર્તિનું નિર્માણ થાય છે.ચંચળતા ઘટે છે.બાળકોના દરેક કાર્યમાં ગતિ અને કૌશલ્યનો વિકાસ કરવામાં યોગ મહત્ત્વનો ભાગ ભજવે છે.યોગ દ્વારા બાળકોમાં શ્ર્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી એકાગ્રતામાં વધારો થાય છે.
અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા,નવી દિલ્હીએ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૪ ના ઉપલક્ષ્યમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું.આ કાર્યક્રમનો વિષય ‘મહિલા સશક્તિકરણ માટે યોગ’એવો રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમના મુખ્ય અતિથિ પ્રસિદ્ધ પ્રેરક વક્તા શિવાની દીદીએ ઉપસ્થિત રહીને લોકોને સંબોધિત કર્યા હતા.એમણે પોતે જણાવ્યું હતું કે આજના યુવાનોમાં માનવતાની ભલાઈનું આરોપણ થાય એ માટે થઈને યુવાનોમાં દ્રઢતા અને યોગનું મહત્ત્વ વધે એવા આયોજન થવા જોઈએ.એમણે ભારપૂર્વક કહ્યું હતું કે યોગનો અભ્યાસ શાંત મનનાં વ્યક્તિને સમાજ કલ્યાણ માટે એક શ્રેષ્ઠ નિર્ણય લેવામાં મદદ મળે છે.તેમણે આ વાત પર વિશેષ ભાર દેતા કહ્યું હતું કે સર્વાંગીણ વિકાસ માટે મહિલા સશક્તિકરણ ખૂબ જ જરૂરી છે. મહિલા સશક્તિકરણ અને માર્ગદર્શનમાં મન,ભાવના અને આત્માને મજબૂત કરવા માટે યોગ દિવસ મનાવવો જોઈએ.વિશેષમાં શિવાની દીદી એ જણાવ્યું કે,જીવનમાં આયુર્વેદના અનુપાલનથી જે ફાયદા થાય છે એવી જ રીતે બહારની દુનિયા સાથે એકજૂટ થવા માટે યોગ મદદરૂપ થાય છે.આયુર્વેદ અને યોગ એક સિક્કાની બે બાજુ સમાન છે.
આ પરિપ્રેક્ષ્યમાં શિવાની દીદીએ જણાવ્યું કે આયુર્વેદ યોગનું ભૌતિક પાસું છે તો યોગ આયુર્વેદનું અધ્યાત્મિક પાસું છે.એમણે એ પણ ઉમેર્યું કે કે માત્ર ભણાવવું જરૂરી નથી, પરંતુ યોગ અને આયુર્વેદ બંનેનો અભ્યાસ કરાવવો જરૂરી છે.