ઈન્ટરવલ

ગેમ કરી નાખનારી ગેમથી… સાવધાન!

ફોકસ -પ્રથમેશ મહેતા

પુણેના પિંપરી-ચિંચવડ પરિસરમાં બનેલી એક દુ:ખદાયક ઘટના તમને યાદ હશે. થોડા વર્ષો પૂર્વે ‘ બ્લુ વહેલ’ નામની રમત રમતાં રમતાં તેમાં એક છોકરો તેને મળેલું ટાસ્ક પૂરું કરતા કરતા આત્મહત્યા કરી બેઠો હતો. આ ઘટનાની જાણ થતાં જ લોકો હેબતાઇ ગયા હતાં. દસમાં ધોરણમાં ભણતા આ તરુણે ટાસ્ક પૂરું કરવા આ ૧૪માં માળેથી કૂદકો માર્યો હતો અને જીવ ગુમાવી બેઠો હતો.

ઇન્ટરનેટ કે મોબાઇલ ગેમિંગમાં ફાયદા કરતા નુકસાન જ વધું થાય છે એવું ધ્યાનમાં આવ્યું છે. એક વાર આ રમત રમે એ વારંવાર રમવા આવે એવા આ ગેમિંગની ડિઝાઇનમાં વિવિધ ટ્રિગર્સ હોય છે. તે વિશે જરા સમજીએ
આ ટ્રિગર્સ વિવિધ પ્રકારના હોય છે. ઉદાહરણ તરીકે, સ્પર્ધા, લેવલ પાર કરવું, પોઇન્ટ્સ, ગિફ્ટ્સ, મેડલ મેળવવા, શક્તિશાળી બનવું તેમ જ પિઅર પ્રેશર જેવા અનેક ટ્રિગર્સ મૌજૂદ હોય છે. જેમના માટે રમત ફરી ફરીને રમવી પડશે તેવું રમનારને લાગ્યા કરે છે અને એમ કરવાની પૂરી સગવડ પણ હોય છે.

ગેમિંગ એક વ્યવસાય જ છે, અને તેનો ગ્રાહક ફરી ફરીને રમવા આવે તે માટે જાણીજોઇને આવા લલચામણા ટ્રિગર્સ મૂકવામાં આવે છે. એ બધામાં આપણે કેટલા અંદર ઘૂસતા જઇએ છીએ, એને માટે કેટલો સમય આપીએ છીએ આ બધાનું આપણી પર ભાવનાત્મક કે માનસિક પરિણામ છે કે? આ બધાનો વિચાર કરવા માટે આપણને સમય મળતો નથી.

સતત આ રમતો રમતા લોકોમાં એકલવાયાપણું હોય છે. અનેક તરુણો તેમની રૂમમાં આ રમતો રમતા હોય છે. તેમને ત્યાંથી બહાર નીકળવાનું મન જ નથી થતું. ગેમિંગ ઓછું કર, એમ કહીએ તો ગમતું નથી. કારણ કે ગેમિંગ તેમના જીવનનું અવિભાજ્ય અંગ બની ગઇ હોય છે.

લાલ બત્તીને ઓળખી વેળાસર ચેતી જાવ
જો તમારા છોકરાઓમાં નીચે પ્રમાણે લક્ષણો દેખાય તો તેને લાલબત્તી માનીને યોગ્ય પગલાં લેવાનું શરૂ કરજો. જેમ કે-
એક વાર મગજને આ રમતોની આદત પડી જાય પછી એ વ્યસન બની જાય છે. તેનાથી એ લોકો અજબની ભાવનાઓમાં તણાતા જાય છે. તેમને માનસિક સ્તરે ઘણું નુકસાન થાય છે. શાળા-કૉલેજના અભ્યાસ પર ખરાબ અસર થાય છે. ઘરવાળાઓ જોડે સંબંધ રહેતો નથી, તેમની બધા સંબંધીઓ પ્રત્યેની વર્તણૂંક બદલાતી જાય છે, એક સમયે હળીમળીને રહેતા છોકરાઓ એકલપંડા બની જાય છે, સ્નભાવ ચીડિયો બની જાય છે.

ગેમિંગ કે મોબાઇલ બદલ વડીલો કંઇ બોલવા જાય તો ગુસ્સો કરી બેસે છે. તેમણે આ ગેમ્સ સાથે પોતાનો એક ‘કમ્ફર્ટ ઝોન’ ઊભો કર્યો હોય છે, આ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની તેમની જરા પણ તૈયારી નથી હોતી.

મા-બાપ ફોન છીનવી લેશે એ ડરથી તેઓ વધુ આક્રમક બની જાય છે. આ બધા જ લક્ષણો સૂચવે છે કે તેઓ વ્યસનને આધીન થઇ ગયા છે. અનેક તરુણોના મનમાં એ જ ચિત્રો ઉપસી આવે છે જે તેમણે રમતો દરમ્યાન જોયા હોય છે. સપનામાં પણ તેમને આ જ દેખાય છે. શાળા, કૉલેજ કે ક્યાંય પણ જાય તેમના દિમાગમાં આ ગેમિંગના વિચારો જ ઘૂમરાયા કરતા હોય છે. કોઇ હાથમાં આવેલું કામ ક્યારે જલદી પૂરું થાય અને ક્યારે આ ગેમ રમવા મળે તેની જ તાલાવેલી હોય છે.

યાદ રાખો આ બધી જ લાલ બત્તી ધરતી નિશાનીઓ છે. જો તમને ઉપરોક્ત લક્ષણોમાંથી કોઇક લક્ષણો તમારા છોકરાઓમાં દેખાય તો મોડું નહીં કરતાં. તુરંત કાઉન્સેલર અને સાઇકોલોજિસ્ટની યોગ્ય સલાહ લેજો. આ મામલામાં બેદરકારી તમારા સંતાનનો ભોગ
લઇ શકે છે. વેળાસર લીધેલી નિષ્ણાતોની
સલાહ અને મદદ વડે તમે તમારા છોકરાઓને ગેમિંગના આ ચક્રવ્યૂહમાંથી વેળાસર બચાવી શકશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button