વિદેશનો વર દેશમાં ઠગાઈ
સાયબર સાવધાની – પ્રફુલ શાહ
દિલ્હીના પ્રમાણમાં સમૃદ્ધ પરિવારમાં બ્રેકફાસ્ટ, ડિનર અને રવિવારે લંચ પર એક વાત નીકળે ને નીકળે. ‘આપણી મિનીને હવે સાસરે વળાવી દેવાનો સમય આવી ગયો છે. ન જાણે ક્યારે અંજળ આવશે.’
મિની એનું હુલામણું નામ. પ્રમાણમાં ઠીકઠીક દેખાવડી અને નમણી, પરંતુ એની જ્ઞાતિમાં દહેજ આપીને લગ્ન કરવાની સખત વિરોધી. પપ્પા અને ભાઈ સધિયારો આપે કે બધું થઈ રહેશે, એ બધી ફિકર તું અમારા પર છોડી દે. ત્યારે ડબલ ગ્રેજ્યુએટ થઈને કૉલેજમાં પ્રોફેસરની નોકરી કરતી મિની એકદમ વિફરે. ‘તમે લોકોએ લોન લઈને મને ભણાવી, કમાવાને લાયક બનાવી. હવે દહેજ માટે ફરી ઉધારી કરવા નહીં દઉં.’
મિની સ્વસ્થ હતી. કદાચ મસ્ત પણ હતી, પરંતુ પરિવારમાં અને ખાસ તો મમ્મી-પપ્પાને ટેન્શન વધતું જતું હતું. ડાયાબિટીસ અને બ્લડ-પ્રેશરના વધઘટ, એમના ડ્રિન્કના પેગ વધવા માંડયા. મમ્મીએ એક ફ્રેન્ડનો સુખદ અનુભવ જાણીને મિનીનું નામ એક જાણીતી મેટ્રોમોનિયલ વેબસાઈટ પર રજિસ્ટર કરાવી લીધું. મિનીને બહુ ગમ્યું નહીં. આ શી ઉતાવળ છે પરણવાની? પણ મમ્મીનું મન-માન રાખવા કંઈ ન બોલી.
ચોથે દિવસે જ આવેલી એક પ્રપોઝલથી કુટુંબમાં બધાને આશા બંધાઈ ગઈ.
મુરતિયો રોમી કેનેડાના વાનકુંવરનો રહેવાસી હતો. પોતાનો નાનકડો બંગલો હતો. લેંગલીમાં માતા-પિતા રહેતા હતાં. મુરતિયાનો પોતાનો જામેલો ધંધો હતો. વાનકુંવર ઉપરાંત ઓટાવામાં પણ ઑફિસ હતી. આ સંજોગોમાં પાસે કાર હોવા વિશે સવાલ જ ઊભો ન થાય. છતાં એની પાસે ત્રણ મોંઘી કાર હોવાનો બાયોડેટામાં ઉલ્લેખ હતો. ફરવાનો ખૂબ શોખીન હતો. ચારેક ફોરેન ટૂરના ફોટા બાયોડેટામાં હતા.
અધૂરામાં પૂરું એના મા-બાપ પંજાબથી જઈને કેનેડામાં સ્થાયી થયા હતા. અને છોકરાના બાયોડેટામાં સ્પષ્ટપણે લખ્યું હતું કે ક્ધયા ભારતીય, શિક્ષિત અને મોકળા વિચારોવાળી હોવી જોઈએ.
વાતચીત આગળ વધી. મિની અને રોમી વચ્ચે શરૂઆતમાં વોટસએપથી ચેટિંગ શરૂ થઈ. ધારણાથી વિપરીત એ ખૂબ ધૈર્યવાન અને સંસ્કારી લાગ્યો. વિદેશમાં જ ઉછર્યો હોવા છતાં જરાય ઉછાછળાપણું નહીં.
ચાર-પાંચ દિવસમાં રોમીએ ગુડ ન્યૂઝ આપ્યા કે મમ્મી-પપ્પાને પણ મિની ગમી ગઈ છે. બીજા ગુડ ન્યૂઝ એ આપ્યા કે હું દિલ્હી આવીને મળવા માગું છું. પછી વાતને આગળ વધારીએ. એ મિનીના પગની સાઈઝ, કમર વિશે પૂછવા લાગ્યો. પપ્પા-ભાઈની કમરનું માપ પણ મંગાવ્યું. મિનીએ જીદ કરતા પૂછયું, તો રોમીએ મલકાઈને કીધું કે મારા તરફથી બધું નક્કી જ હતું. પત્ની તરીકે જોઈએ. એટલે તારા માટે બ્રાન્ડેડ શૂઝ, ડ્રેસ, કાંડા ઘડિયાળ, ડાયમંડ જ્વેલરી અને આઈફોન લાવવાનો છું. સાળા સાહેબ માટે લેપટોપ, મમ્મી-પપ્પા માટે ડ્રેસ. સાથે થોડી સ્કોચની બોટલ. મિની ના ના કરતી રહી પણ રોમી ધરાર ન માન્યો. ત્રીજા દિવસે એક પાર્સલ આવ્યું મિની માટે. એમાં મોંઘી ચોકલેટ હતી અને સાથે સાથે રોમીની દિલ્હીની ફલાઈટની ટિકિટની ઝેરોક્સ કોપી.
આખું કુટુંબ ખુશીખુશીથી રોમીના આગમનની રાહ જોવા માંડ્યું. ત્રીજા દિવસે બધા એની રાહ જોતા હતા, ત્યાં દિલ્હી ઍરપોર્ટ પરથી ફોન આવ્યો કે મર્યાદા બહારની રકમની ચીજો લાવવા માટે રોમીની ધરપકડ કરાઈ છે. દોઢેક કરોડની ચીજો સાવ મફતમાં ન લવાય. એના માટે વીસ ટકા કસ્ટમ્સ ડયૂટી ભરવી પડશે, નહીંતર એને જેલમાં રહેવું પડશે. એમ કંઈ નવા જમાઈને જેલમાં જવા દેવાય? મિનીએ રોમીને ફોન કર્યો, તો નંબર જ ન લાગે. જેમ તેમ કરીને ૩૦ લાખ ટ્રાન્સફર કર્યા. એની રાહ જોવા માંડ્યા, ત્યાં ઈન્ટમટૅક્સ ઑફિસરનો ફોન આવ્યો. રોમીએ આ બધી ચીજો ગિફટ હોવાનો દાવો કર્યો છે એટલે દસ ટકા ગિફટ ટૅક્સ લાગશે. એ ચૂકવ્યા બાદ જ ચીજવસ્તુ મળશે. ભારે માથાકૂટ બાદ એ રકમ પણ ટ્રાન્સફર કરી.
પણ પછી ન વરરાજા આવ્યો કે ગિફટ મળી. રોમી, ઍરપોર્ટ ઑફિસર અને આઈટી ઑફિસરના ફોન બંધ થઈ ગયા. કુટુંબને સમજાયું નહીં કે ઠગાયાની ફરિયાદ કરવા જવું કે હૃદયભગ્ન મિનીને સાચવવી.
અ.ઝ.ઙ.(ઑલ ટાઇમ પાસવર્ડ)
ઓનલાઈન કંઈ પણ કરતા અગાઉ પગને તકલીફ આપો. રકમ ટ્રાન્સફર કરવાને બદલે હાથોહાથ આપવા જાઓ. વાંક કોઇકનો, ને સજા ભોગવવાની આપણે!