સપ્તરંગી કંસારાનું યુગલ વન્યસૃષ્ટિનું ઉત્તમોત્તમ પક્ષી

તસવીરની આરપાર -ભાટી એન.
તસવીરકળા સાર્વત્રિકને સમષ્ટિગત બની ગયું છે…! નાનાથી મોટા તસવીરકાર છે…!! કારણ કે દરેક મોબાઈલમાં કેમેરા અચૂક હોય છે…!? ‘જી. હા.’ પણ મોબાઈલ કેમેરા અમુક લિમિટ સુધી ફોટોગ્રાફી પરફેકટ કરી આપે છે. પણ જો તમારે વાઈલ્ડ લાઈફ તસવીરો લેવી છે તો તેના માટે સારી કંપનીના કેમેરાને ટેલિલેન્સ ફરજિયાત જોઈએ…! ‘હા’ તેમાંય તમારે બર્ડઝ (પક્ષી)ની તસવીરો લેવી હોય તો ઓછામાં ઓછો ૬૦૦નો ટેલીલેન્સ તો જોએ. મેં આ કંસારા ટુક ટુક કપલની તસવીર ૬૦૦ના ટેલીલેન્સથી લીધી છે…! કારણ કે કંસારો પક્ષી ત્રણેક ઇંચનું હોય ને તમે પચ્ચાસ ફૂટ દૂર હોય તો જ આસાનીથી આ તસવીર લઈ શકો જો નજીકતી તસવીર લેવાનો પ્રયાસ કરો તો તે ચબરાક હોય એટલે ઊડી જાય. આ વાત થઈ તસવીરકળાની આજે આપણે ‘કંસારો’ જેને ટુક ટુક પણ કહે છે.
નાના કદનું પક્ષી છે પણ રૂપ જોબન ઐશ્ર્વર્ય અપાર છે. કલરફુલ પક્ષી આપણને જોતાવેંત ગમી જાય…! કંસારો પક્ષી બહુ ઓછી માત્રામાં નિહાળવા મળે અને ખાસ કરીને જંગલમાં વધુ રહે તે ઘટાટોપ પાંદડાવાળા વૃક્ષમાં લપાઈ છુપાઈને રહે છે. તેના પર ચળકતા રંગો ખૂબ જાજરમાન બનાવે છે. માથા પર શોભતા ચળકતા રંગોના કારણે ખૂબ જ પ્રખ્યાત છે. તેના ગળામાંથી નીકળતો ટુક-ટુક અવાજ તેની આગવી ઓળખ છે… આ આવા જ એ તાંબા- પિત્તળના વાસણ બનાવતા કારીગર (કંસારા) દ્વારા સતત હથોડી ટીપવાથી થતાં અવાજ જેવો જ હોય છે.!? જેથી તેને આ નામ મળ્યું હશે…!? આ કંસારો મોટેભાગે ભારતીય ઉપમહદ્વીપ અને અગ્નિ એશિયામાં જોવા મળે છે. તે બગીચાઓ કે ઓછી વસ્તીવાળા જંગલો અને ગાઢ જંગલોમાં જોવા મળે છે. આ પક્ષી મોટે ભાગે વડના ટેટા, પીપળાના ફળો, અંજીર અને અન્ય જંગલી ફળો પર આધાર રાખે છે. ગુજરાતમાં વાંદો નામથી ઓળખાતી પરોપજીવી વનસ્પતિના ફળ ખાસ આરોગે છે. ક્યારેક જીવજંતુઓ ખાતા પણ જોવા મળે છે. આ પક્ષીના સંવનનકાળમાં ઘણી વિવિધતા જોવા મળે છે. સંવનન સમયમાં નર મધુર સંગીત રેલાવે છે…! પોતાનું ગળું ફુલાવે છે! માથું નીચે કરીને માદાને સંકેત આપે છે…! અને આકર્ષિત કરવા પ્રયાસ કરે છે. નર અને માદો બંને મળીને માળો બનાવે છે. તે ઝાડની બખોલમાં માળા બાંધે છે. ત્રણ કે ચાર ઈંડા મૂકે છે. ઈંડાનો સેવનકાળ લગભગ બેથી અઢી અઠવાડિયાનો માનવામાં આવે છે…! નર, માદા બંને મળીને ઈંડા સેવે છે.
કંસારાને (COPPERSMITH)) દાર્વાઘાટનું બારેમાસ જોવા
મળતું પંખી ને શાસ્ત્રીય નામ MEGALAIMA HAEMACEPHALA અને હિંદીમાં ‘છોટા બસંતા’ અથવા ‘ફાઉક બસ્સુંતા’ છે. સૌરાષ્ટ્રમાં ‘ટુકટુક’ પણ કહે છે. કંસારો ચકલી કરતા મોટું ને ભરાવદાર કલરફુલ હોય છે અને થોડું ઠિંગુજી પણ લાગે છે! વળી તે પાંદડા જેવા લીલા રંગનું હોય છે અને તેનું પેટાળ લીલાશ પડતું પીળું હોય છે અને તેનાં દાઢી, ગળું અને આંખ ફરતો ભાગ પીળો હોય છે. તેના કપાળે કંકુની પિયળ વાણી હોય એવી સુંદર લાલ હોય છે. તેના પેટને પડખામાં કાળી રેખા ધરાવે છે. તેની ચાંચ જાડી, ટૂંકી મજબૂત હોય છે. તેની આંખ મોતી જેવી કાળી હોય છે, પગ ગુલાબી. આવું કંસારાનું કપલ નિહાળી પુલક્તિ થાવ.