ઈન્ટરવલ

જિંદગીનો માણવા જેવો જલસો… તમારા લગ્ન!


ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

ભારતીય પરંપરામાં અગ્નિનું ઘણું મહત્ત્વ છે. પૌરાણિક સાહિત્ય મુજબ સુરક્ષા અને શત્રુઓના નાશ માટે અગ્નિ જરૂરી હતો. અગ્નિને સાચવતા નહિ આવડ્યું હોય એ સમયે અનેક લોકોએ પ્રાણ ખોયા હશે. અગ્નિને બારે મહિના સંભાળીને રાખતાં શીખ્યો હશે એ પછી જ માણસ કદાચ ગુફાઓમાંથી મેદાનમાં ઝૂંપડી બનાવીને રહ્યો હશે. સરવાળે મનુષ્યજીવનને ઉત્કૃષ્ઠ બનાવવામાં અગ્નિનો ખાસ ફાળો રહ્યો છે.

આપણે ત્યાં લગ્નની સપ્તપદીમાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે. મનુષ્યનું અસ્તિસ્વ ટકાવવામાં હજારો વર્ષથી સાથી અગ્નિ લગ્નપ્રથામાં સાક્ષીનો રોલ નિભાવે છે. આપણા હાસ્યકારો અને કેટલાક સાહિત્યકારોએ મસ્ત મજાની લગ્નપ્રથામાં નિમ્નકક્ષાનું હાસ્ય શોધીને લગ્નપ્રથાને એન્જોયને બદલે તણાવયુક્ત હોય એવો માહોલ પેદા કરી દીધો છે. જીવનની સૌથી સુંદર માણવા જેવી કોઈ ભેટ હોય તો લગ્નપ્રથા છે માટે યુવા મિત્રો, લગ્ન કરો અને ધરતી પરનું અમૂલ્ય સુખ ભોગવો.

કેટલાક મીડિયામાં જણાવ્યા પ્રમાણે આ વર્ષે દેશભરમાં લગભગ પાંત્રીસ લાખ લગ્નમાં પાંચેક લાખ કરોડનો ખર્ચ થશે. ભૂતકાળમાં લગ્ન મહદંશે એકાદ બે દિવસના રહેતાં, આજકાલ ત્રણ -ચાર દિવસ સામાન્ય થતાં જાય છે. ભારતીય ઉપખંડમાં લગ્ન ફક્ત પરિવારોના આનંદ માટે જ નથી થતાં નવદંપતી -મહેમાનો પણ એ અવસરની મઝા માણે છે. આપણે ત્યાં મોટાભાગનાં લગ્નો સુખી થવા માટે થતાં હોય છે, સિવાય કે સમજદારીનો અભાવ કે છેતરપિંડી જ દંપતીને દુ:ખી કરી શકે.


Also read: લીડરે હંમેશાં પોતાની ટીમને ‘વી કેન’નો ભરોસો અપાવવો જોઈએ લીડરશિપ કરનારે ગણપતિ બાપાના ગુણ અપનાવવા જેવા છે


ભારતમાં લગ્ન કરવા માટે પરિવારોનું દબાણ સૌથી વધુ કારણભૂત છે. ધીમે ધીમે યુવાવર્ગ બદલાવા લાગ્યો છે. પોતાના પગ પર આર્થિક રીતે સ્થિર થયા પછી અથવા પૂરેપૂરો અભ્યાસ કર્યા પછી જ લગ્ન કરવાની પોતાની જીદને મનાવતો થયો છે. ખાસ કરીને છોકરીઓ અભ્યાસ અને કરિયર પર વધુ ધ્યાન આપવા લાગી છે.

આપણી ફિલ્મ સહિત મોટાભાગની કથામાં હીરો અને હીરોઈન મળે અને અંતે લગ્ન થાય એટલે સ્ટોરીનો એન્ડ થઇ જાય. સામાન્ય ઇન્ટરવ્યૂમાં બંને એટલું તો વિચારતા થયા છે કે એકબીજાને પસંદ પડે એવું બન્ને વચ્ચે સામાન્ય શું છે અને એકબીજાને નાપસંદ પડે એવું શું છે….. લગ્ન જીવનમાં થતાં નાના-મોટા વિવાદનું સમાધાન દંપતી લાવી શકે છે કેમ એનો મૂક અભ્યાસ જ ઇન્ટરવ્યૂમાં કરતાં હોય છે.

આજકાલ રાજનૈતિક વિચારધારા પણ લગ્નજીવનની સ્થિરતા માટે જરૂરી છે. ભારત તો છોડો, અમેરિકા જેવા દેશમાં રિપબ્લિકનો અને ડેમોક્રેટો પોતાની વિચારધારાના સાથીને પસંદ કરતાં હોય છે. એનો અર્થ એવો થયો કે ભારત જેવા દેશમાં ધાર્મિક માન્યતાથી માંડીને રાજકીય વિચારધારા સુધી મેળ પડે છે કે કેમ એનો પણ અભ્યાસ કરાવવો જોઈએ. એકબીજાની સોશ્યિલ મીડિયામાં સમય આપવાની આદત વિષે ખ્યાલ રાખવો જરૂરી છે. કલાકો સુધી મોબાઈલમાં રહેતા હોય કે રીલ્સ જોતા હોય એવા સાથીની આદત પહેલેથી જાણવાથી એકબીજા માટે ક્વોલિટી ટાઈમની સમસ્યા ઊભી થશે નહિ.


Also read: સાવરકુંડલાનું મનોરોગી બહેનોની અનોખી સેવા કરતું ‘માનવ મંદિર’


આવા અનેક સવાલનો ભારતમાં વિશેષ અભ્યાસ થવો જોઈએ. નજરે ન દેખાતી ઘણી સમસ્યાઓનું નિરાકરણ શક્ય થાય તો જ લગ્નજીવનમાં રોમાન્સ નામનું તત્ત્વ આજીવન વહી શકે. સારા શબ્દો કે ભૂલોને હસી નાખવી તો પ્રારંભિક શરત છે. ભારત જેવા દેશમાં ડિવોર્સનો દર ડરામણો નથી કે લગ્ન કરવાનો ડર લાગે પણ પાત્ર પસંદગીમાં સાવચેતી રાખવી જોઈએ.

આજકાલ લગ્નની સિઝન ખીલી છે. નવદંપતીઓએ એક વસ્તુનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે ઘરબહાર મળેલી નિષ્ફળતામાં જીવનસાથીનો સાથ-સહકાર જરૂરી હોય છે. એક બીજાની ભૂલ માટે માફી આપતાં પહેલા એકબીજાને ધ્યાનપૂર્વક સાંભળતા શીખવું જોઈએ. વિદેશમાં તેમજ મહાનગરોમાં સ્થાયી થતાં દંપતીઓમાં કરિયર બનાવવાની તથા વ્યવસાયિક ચિંતા વચ્ચે વાતો કરવાનો ય સમય મળતો નથી. કેરિંગ અને હૂંફ નામના સ્વપ્ન સાથે મળેલાં જીવ તો નિરાશા જ અનુભવે છે અને એકવાર કોઈ પણ કારણસર લગ્નજીવન ભાંગી ગયું છે એમાં અડધોઅડધ મહિલાને પુન: લગ્નમાં રસ પડતો નથી. વૈશ્ર્વિક અભ્યાસ કહે છે કે દુનિયામાં સુખસગવડ અને એજ્યુકેશનના પ્રતાપે ડિવોર્સનો દર ઘટી રહ્યો છે. એકબીજાથી સુખી હોય એવા દંપતીઓની સંખ્યા વધી રહી છે.

આધુનિક દંપતીઓને ઘરની જવાબદારીઓ કરતાં કારકિર્દી વધારે મહત્ત્વની છે. લખલૂટ પૈસા કમાવા અને મઝાથી પૈસા વાપરવા સાથે જરૂરી બચતના લેસન યુવાપેઢીને ખબર છે. ‘ડિવોર્સ રેટ વધી ગયો છે ને ડોમેસ્ટિક વાયોલન્સ વધ્યો છે ’ જેવા એકલ દોકલ સમાચારોથી કોઈ લગ્નજીવન હલી જતા નથી. વૈશ્ર્વિક અભ્યાસ તો માને છે કે યુવા દંપતીઓ વધુ સુખી થતા જાય છે.

સામાન્ય સંજોગમાં બધા એવું માને છે કે જીવનસાથીને વૈચારિક તેમજ વ્યક્તિગત સ્વતંત્રતા હોવી જોઈએ. કોર્પોરેટ યુગમાં એકબીજાને સમસ્યામાં કેટલો સહયોગ આપી શકે છે એનું મહત્ત્વ વધવા લાગ્યું છે. એક અભ્યાસ તો કહે છે કે દંપતી વચ્ચે ગંભીર ઝઘડો થયા પછી સમાધાન થાય ત્યારે પ્રેમ અને સમજણનું પ્રમાણ વધે છે. એકબીજાને સમજવાની ભાવના વધારે આકર્ષણ જન્માવે છે.

આધુનિક લગ્નજીવનમાં પૈસા અને સમયનું દિન પ્રતિદિન મહત્ત્વ વધતું જાય છે. એકલા પૈસાનું જ મહત્ત્વ કંટાળાજનક બની ના જાય એટલે બેલેન્સ રાખવા માટે સમયનો સદુપયોગ કરતાં શીખવો જોઈએ. અમેરિકા જેવા દેશમાં કામના દિવસોમાં સહજ વાત કરવા માટે ફક્ત ચાર મિનિટ જેટલો જ સમય મળે છે. ભારતમાં પણ દિવસ દરમિયાન વાતચીતનો સમય ઘટતો જાય છે. આ સમયને સાચવવા મોબાઈલ પર ‘મેસેજ મેસેજ રમી શકાય’ છે. હવે બંને પાત્ર એકબીજાની સમસ્યા સમજતા થયા છે. સંઘર્ષના સમયે ઉજ્જવળ ભાવિ તરફ જોવું એ વધુ આવકારદાયક છે.

ધ એન્ડ:
ક્યોંકી સબ ભાગ રહે હૈ, ઇસ લિયે મેં
ભી ભાગ રહા હું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button