ખરીદી કે સત્તાવાર ટ્રાન્સફર વગર બૅન્ક ખાતામાંથી ૯૦ લાખ ગાયબ
મોબાઈલ ફોન હેકિંગ એટલે શું? ટૅક્નિકલ માથાકૂટમાં પડવાને બદલે સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ. ગમે તે પદ્ધતિ કે ટેક્નિક થકી કોઈ તમારા મોબાઈલ ફોન પર અંકુશ મેળવી લે. આમાં અત્યાધુનિક સલામતી વ્યવસ્થામાં છિંડા શોધવા - પાડવાથી લઈને અસલામત ઈન્ટરનેટ કનેકશનોનો દુરુપયોગ પણ હોઈ શકે. ક્યારેક મોબાઈલ ફોન આંચકીને આ થઈ શકે ને કયારેક બ્રુટ ફોર્સ (એક જાતનો સાયબર એટેક) થકી ફોનની અંદર ઘૂસણખોરી થઈ શકે.
સાયબર સાવધાની -પ્રફુલ શાહ
સાયબર વિશ્ર્વમાં છેતરાવા માટે જરૂરી નથી કે તમે કોઈ સાચી કે ખોટી લિન્ક પર ક્લિક કરો, કોઈ અજાણ્યા સાથે ઓટીપી શૅઅર કરો, કોઈ પાર્ટ ટાઈમ જોબની ઓફર સ્વીકારો, કોઈ ડિસ્કાઉન્ટ – ગિફટ મેળવવાનો પ્રયાસ કરો અથવા કોઈ ઓન-લાઈન શોપિંગ, રોકાણ કે શોધખોળ કરો. આમાંનું કંઈ કરતા કંઈ ન કરો તો પણ છેતરાવાની તક કેટલી? કમ ભાગ્યે, પૂરેપૂરી.
લગભગ ૨૦૨૪ના જાન્યુઆરીનો કિસ્સો હશે આ. દક્ષિણ મુંબઈના એક રહેવાસી સાથે બનેલી ઘટના છે. સ્ટોક માર્કેટ અને રિયલ માર્કેટમાં સક્રિય સિનિયર સિટીઝનને કોઈ ભૂલ ન કરવા છતાં એકદમ, બહુ મોટો આંચકો લાગ્યો હતો.
એક દિવસ આ ૬૩-૬૪ વર્ષના વડીલને એસ.એમ.એસ. આવ્યા. તેમના ખાતામાંથી ધડાધડ પાંચ ટ્રાન્ઝેકશનમાં રૂા. નેવું લાખ ઓછા થઈ ગયા હતા! તેમણે નહોતું કોઈ ઓન-લાઈન શોપિંગ કર્યું, નહોતી કોઇને રકમ ટ્રાન્સફર કરી કે નહોતું કોઈ પૂર્વ – નિર્ધારિત ચુકવણી થઈ તો પછી ૯૦-૯૦ લાખ ગયા ક્યાં? શા માટે? કોના ખાતામાં?
સમય વેડફયા વગર બૅન્કનો ફોન પર સંપર્ક સાધવામાં આવ્યો. આ વડીલે બૅન્કને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે મેં કોઈ ખરીદી, સોદો કે ટ્રાન્સફર કર્યાં ન હોય તો આટલી મોટી રકમ ગઈ ક્યાં? ને કેવી રીતે? બૅન્કના ચોપડે સ્પષ્ટપણે બોલતું હતું કે આ નેવું લાખની રકમ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં રહેતા યુવાનના ખાતામાં
ગઈ છે.
આ પછી પોલીસ ફરિયાદ થઈ. તપાસમાં બહાર આવ્યું કે વડીલનો મોબાઈલ ફોન હેક કરાયો હતો. આ રીતે ઓટીપી મેળવીને મોટી રકમ
ટુકડે ટુકડે ટ્રાન્સફર થઈ પણ ખાતાધારકને ખબર સુધ્ધાં પડી નહોતી. સાયબર પોલીસ વિભાગે ફરિયાદ મળ્યા બાદ તપાસ કરી. એમાં બહાર આવ્યું કે ગ્વાલિયરવાસી
યુવાને વડીલનો મોબાઈલ ફોન હેક કર્યો હતો. આના થકી બૅન્કમાંથી રકમ ટ્રાન્સફર
કરાવી હતી.
મોબાઈલ ફોન હેકિંગ એટલે શું? ટૅક્નિકલ માથાકૂટમાં પડવાને બદલે સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ. ગમે તે પદ્ધતિ કે ટેક્નિક થકી કોઈ તમારા મોબાઈલ ફોન પર અંકુશ મેળવી લે. આમાં અત્યાધુનિક સલામતી વ્યવસ્થામાં છિંડા શોધવા – પાડવાથી લઈને અસલામત ઈન્ટરનેટ કનેકશનોનો દુરુપયોગ પણ હોઈ શકે.
ક્યારેક મોબાઈલ ફોન આંચકીને આ થઈ શકે ને કયારેક બ્રુટ ફોર્સ (એક જાતનો સાયબર એટેક) થકી ફોનની અંદર ઘૂસણખોરી થઈ શકે. મોબાઈલ ફોન હેકિંગ બાદ તમારા નંબર પરથી તમારી જાણ-ઈચ્છા બહાર વાર્તાલાપ – વ્યવહાર થઈ શકે. આ કલ્પના બહારની જોખમી બાબત છે.
ગમે તેવા એન્ટી-વાયરસ બધી સાયબર ઠગી સામે કાયમ સફળ નીવડતા નથી.
A.T.P. (ઑલ ટાઇમ પાસવર્ડ)
શ્રેષ્ઠ ઉપાય એ છે કે મોબાઈલ ફોન જ ન વાપરવો. પરંતુ આજના જમાનામાં એ શક્ય નથી. તો પછી શું કરવું? ઈશ્ર્વર પર વિશ્ર્વાસ અને બાકી સૌ પર અવિશ્ર્વાસ.