650માં વિશ્વાસ જીતીને 9.37 લાખ ખંખેરી લીધા
સાયબર ક્રિમિનલ શા માટે ફાવી જાય છે? બહુ ઝાઝું બધ્ધું વિચારીને એમાંથી માખણ તારવીએ તો બે બાબત સામે આવે અજ્ઞાન અને લાલચ.
સાયબર સાવધાની -પ્રફુલ શાહ
પાછું આ સાયબર વર્લ્ડ એવું છે કે એમાં ભલભલા શિક્ષિતોય ગોથા ખાઈ જાય. સાયબર ઠગો પાસે એટલી બધી તરકીબ હોય કે કોઈ એના શિકાર બને અને એ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવે તો એ તિકડમ પર્દાફાશ થાય. કમનસીબે છેતરાનારા-લૂંટાનારા બધા ફરિયાદ કરતા નથી.
સાયબર ઠંગે એક અજમાવેલી એક તરકીબ જુઓ. મુંબઈની એક અતિશિક્ષિત મહિલા પણ એનો શિકાર બની ગઈ અને મોટી રકમ ગુમાવવાનો વારો આવ્યો.
એક અઠ્ઠાવીસ વર્ષીય મહિલા સાઇકૉલૉજિસ્ટને કોઈ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર મેસેજ આવ્યો. આ મેસેજમાં યુટયૂબના વીડિયોને લાઈક કરીને વધારાની કમાણી કરવાની ઓફર હતી. કબૂલકે આ કામ સાવ સરળ છે અને એ કરવા માટે મોટાભાગના તૈયાર થઈ જાય. પણ સબૂર તમે એવું કરતા જ નહીં.
સાયબર ચીટર ખૂબ સ્માર્ટ અને ધૈર્યવલ હોય છે એમાં બે મત નથી. એ હજારો-લાખો શિકારને મેસેજરૂપી દાણા નાખે છે. જે વ્યક્તિ થોડા ઘણા તૈયાર થાય એનો પહેલા ધીરે-ધીરે વિશ્વાસ જીતે લે. યુવાન મહિલા સાઇકૉલૉજિસ્ટને જાણે કેમ આ પાર્ટ-ટાઈમ જોબમાં રસ પડયો કે તેણે એમાં રસ લીધો. યુટયૂબને દરેક વીડિયોને લાઈક કરવા માટે રૂા. 50 આપવાની ઓફર લલચામણી જ લાગે. પણ કોઈ આવું શું કામ કરે! આમાં કમાણી શું? અર્થતંત્ર કેવી રીતે ચાલતું હશે? આવા સવાલો થવા જોઈએ.
મહિલા સાઇકૉલૉજિસ્ટને અજાણ્યા નંબર પરથી ત્રણ લિન્ક મળી હતી. આ સાથે તેણે મહિલાના એકાઉન્ટમાં એડવાન્સ રૂપે રૂા. દોઢસો મોકલી પણ આપ્યા. બીજા દિવસે આ મેડમે વધુ વીડિયોને લાઈક કર્યાં તો વધુ રૂા. 600 મળી ગયા. આ સાડા સાતસો રૂપિયામાં વિશ્વાસ જીતી લીધા બાદ તે નીતનવી સ્કીમ મોકલવા માંડ્યો. સાથોસાથ ક્રિપ્ટો-કરન્સીમાં રોકાણ કરવાની સલાહ પણ આપી.
જે વ્યક્તિને જોઈ નથી, મળ્યા નથી કે એના વિશે કંઈ જાણતા નથી, એની વાત તો ઠીક, પણ સલાહ મનાય ખરી?
સાઇકૉલૉજિસ્ટ મહિલાને રસ પડ્યો. તેણે રોકાણ શરૂ કરી દીધું. તેણે ચુકવેલી અને ભવિષ્યમાં મળવાની રકમ એક એપ પર દેખાવા માંડી. મળવાપાત્ર રકમ ખૂબ વધુ હતી. જે જોવાનું આંખને-મનને ગમે જ.
ધીરે-ધીરે આ મહિલાએ રૂપિયા નવ લાખથી વધુ રકમનું ટુકડે-ટુકડે રોકાણ કર્યું. દર વખતે એપમાં મૂળ અને મળનારી રકમ દર્શાવાતી જાય. બધું બરાબર ચાલતું હતું પણ સદ્ભાગ્યે આ રોકાણકારે રકમ કઢાવવાનો પ્રયાસ કર્યો અને ફુગ્ગો ફૂટી ગયો.
અજાણ્યો સલાહકાર સાવ ઉડાઉ જવાબ આપવા માંડ્યો. મહિલા તબીબે ખૂબ પ્રયાસ કર્યા છતાં રકમ ઉપાડવાનું શક્ય ન બન્યું. ના છૂટકે તેણે રૂા. 9.37 લાખની છેતરપિંડીની પોલીસમાં ફરિયાદ કરી. અજાણ્યા સાયબર ક્રિમિનલ વિરુદ્ધ ફરિયાદ નોંધીને પોલીસે તપાસ શરૂ કરી હતી.
A.T.P.(ઑલ ટાઇમ પાસવર્ડ)
સાયબર વર્લ્ડમાં અજાણી વ્યક્તિ ઝેરીલા સાપ કે વીજળીના ઉઘાડા વાયરથી જોખમી ગણાય. એ ન સમજવાથી મુંબઈમાં જ 2021ની સરખામણીમાં 2022માં નોંધાયેલા સાયબર ક્રાઈમની સંખ્યામાં 63.7 ટકાનો વધારો થયો હતો.