સીઈઓની સૂચનાથી ૬૬ લાખ ટ્રાન્સફર કર્યા પણ…
સાયબર સાવધાની -પ્રફુલ શાહ
ડિજિટલ વર્લ્ડ ખરેખર તો સાયબર શૈતાનોનું રાજ છે એમ કહેવામાં અતિશયોક્તિ ન ગણાય. આ નરી આંખે ન દેખાતા બદમાશો અત્ર, તત્ર ને સર્વસ્વ છે. કંઈ ઘડીએ કોના પર ત્રાટકીને કેવડો ફટકો મારી જાય એની કલ્પના ન કરી શકાય. માત્ર મહારાષ્ટ્ર, ગુજરાત કે ભારત નહિ, આખી દુનિયા આ અદૃશ્ય ખલનાયકોનો શિકાર બની રહી છે.
ગયા વર્ષનો એટલે કે ૨૦૨૩નો કિસ્સો જોઈએ. પુણેની એક બહુ જાણીતી કંપનીના એક એકાઉન્ટ ઑફિસરને ફોનમાં મેસેજ આવ્યો કે હું તમારી કંપનીનો સી.ઈ.ઓ. છું. હાલ કંપનીની અત્યંત મહત્ત્વની મીટિંગમાં ગળાડૂબ વ્યસ્ત છું. એટલે કોઈનો ફોન ઉપાડી નહિ શકું.
બહુ મોટી કંપનીઓ નાના અને નીચલા લેવલના ઑફિસર પાસે સી.ઈ.ઓ.નો નંબર ન હોય કે સીધો સંપર્ક ન હોય એ સ્વાભાવિક છે. છતાં એમના મેસેજની અવગણના ન જ કરાય નહિતર ગડગડિયું પધરાવી દેતા જરાય વાર ન લાગે.
એમાંય, આ ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસરે અન્ય થોડી મેસેજથી પોતે કંપનીનો સી.ઈ.ઓ. જ હોવાની એકાઉન્ટ ઑફિસરને ગળે શિરાની જેમ ઉતારી દીધી. સામે ઉપરી કે ટોચના અધિકારીઓ સાથે સંપર્ક સધાય કે સંબંધ બંધાય તો ક્યારેક મુસીબતના સમયે કામ આવે એવું વિચારનારા ઓછા ન જ હોય.
થોડીવારના સીઈઓશ્રીએ એકાઉન્ટ ઑફિસરને ત્રણ પાર્ટીને તાત્કાલિક પેમેન્ટ મોકલી દેવાની સૂચના આપી. સાથોસાથ કંપનીઓની બૅન્કની વિગત મોકલાવી અને ચૂકવવાની રકમ જણાવી દીધી. એક તો સી.ઈ.ઓ.નો આદેશ હોય કે બૅન્કમાં રકમ ટ્રાન્સફર કરવાની હોય તો કોઈ ચિંતા કરે?
એકાઉન્ટ ઑફિસર ત્રણ બૅન્કના ખાતામાં મળીને કુલ રૂપિયા ૬૬ લાખ ટ્રાન્સફર કરી પણ દીધા. આના માટે પોતાને શાબાશી મળવાની મનોમન આશાય હોઈ શકે, પરંતુ બહુ ઝડપથી સી.ઈ.ઓ.ની રમત પર્દાફાશ થઈ ગઈ. ફોન કરાવ્યો, સૂચના આપનારો અને ૬૬-૬૬ લાખ ટ્રાન્સફર કરાવવાવાળો સી.ઈ.ઓ. નહોતો. કોઈ ઠગ, હતો ઠગ.
ઑનલાઈન ટ્રાન્સફર થયું હતું એ સ્પષ્ટ થઈ ગયું. આખો વરઘોડો પુણેની સાયબર ક્રાઈમ પોલીસ પાસે ગયો. મળેલા મેસેજસ આપનારો મોબાઈલ ફોન નંબર મળ્યો પણ એ તો બંધ થઈ ગયો હોય. છતાં એનું લાસ્ટ લોકેશન મેળવી શકાય. આ ઉપરાંત ત્રણ પેમેન્ટ ટ્રાન્સફર થયા એ બૅન્કની વિગતો હતી, આ એકાઉન્ટ કોના હતા એની વિગતો મેળવતા વાર ન લાગે. સાયબર પોલીસ ડિજિટલ પગેરું દબાવતા-દબાવતા છેક બિહાર પહોંચી ગઈ. એમના હાથ બિહારના સિવાનમાં રહેતા વિશાલકુમાર માંઝીના ગળા સુધી પહોંચી ગયા. આરોપીભાઈ ઉર્ફે બનાવટી સીઈઓની ઉંમર હતી માત્ર ૨૧ વર્ષ.
પછી પોલીસ અને અદાલતમાં શું થયું એ એક અલગ વિષય છે પણ એકાઉન્ટ ઑફિસરની જેમ નાની સરખી ય ગફલત કેટલી ભારે પડી શકે એ વિચાર કમકમાટી ઉપજાવી જાય છે.
A .T .P . (ઑલ ટાઇમ પાસવર્ડ)
સાયબર વર્લ્ડમાં સૌથી પહેલા શંકા, ચાર વાર ચકાસણી કર્યા બાદ પાંચમી વાર જરૂર લાગે તો અચકાવું કે શરમાવું નહિ. શંકા કરો અને સલામત રહો.