₹૨૦૦ કરોડની ઠગાઈ થઈ હતીડિપફેકની નકલી ઝૂમ મીટિંગથી
સાયબર સાવધાની -પ્રફુલ શાહ
હૉંગકૉંગ સ્થિત મલ્ટિનેશનલ કંપનીના એકાઉન્ટ ઑફિસરે આરંભિક મેઈલની અવગણના કર્યા બાદ વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં લંડનમાં રહેતા કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઑફિસરે ઝુમ મીટિંગમાં આપેલા આદેશ મુજબ ગુપ્ત કામ માટે બૅંકના અલગ – અલગ બૅંકના ખાતામાં કુલ રૂા. ૨૦૦ કરોડ જેટલી રકમ ટ્રાન્સફર કરી દીધી. પોતાની ફરજ બજાવવાનો સંતોષ પણ…
થોડા સમયમાં ખબર પડી ગઈ કે આ તો લૂંટ હતી, ઠગાઈ હતી. કંપનીએ કોઈને આવી રીતે અને આટલી બધી રકમ ટ્રાન્સફર કરવાની જ નહોતી. અરે પણ, પોતાની સામે લંડનવાળા ચીફ ફાઇનાન્શિયલ ઑફિસરે અન્યોની હાજરીમાં આવું કરવાનો આદેશ આપ્યો હતો એ કેવી રીતે ખોટું હોઈ શકે?
મામલો પોલીસ સુધી પહોંચ્યો. સાયબર ક્રાઈમ પોલીસની ઝીણવટસભર કરેલ તપાસ બાદ મસમોટું કૌભાંડ બહાર આવ્યું. આનાથી કોર્પોરેટ વિશ્ર્વ એકદમ ખળભળી ગયું. સાયબર ઠગોએ ડીપ ફેક અને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સની મદદથી ઝુમ મીટિંગ ગોઠવી હતી. આમ હાડમાસનો જીવતો જાગતો માણસ એક જ હતો. હૉંગકૉંગ સ્થિત એકાઉન્ટ ઑફિસર! તો પછી બાકીના હાજર હતા, બોલતા હતા એ બધું શું હતું?
હકીકતમાં આ કંપની સાથે મોટીમસ છેતરપિંડી કરવાનું એક ભયંકર કાવતરું રચાયું હતું. હૉંગકૉંગવાળા એકાઉન્ટ ઑફિસર સિવાયના બધા ઑફિસર ઝૂમ મીટિંગમાં સદેહે હાજર નહોતા, બલ્કિ તેમને આવી મીટિંગ યોજવાની જાણ કરી સુધ્ધાં નહોતી. આ બધા ઑફિસરના વીડિયો અને ઑડિયો સોશ્યલ મીડિયા પર ભારે જહેમતથી ભેગા કરાયા હતા. ઝૂમ મીટિંગમાં એમના વર્ચ્યુઅલી (ડિજિટલ) અવતાર બિરાજમાન હતા. સ્વાભાવિકપણે એ એકદમ સાચુકલા લાગતા હતા. કારણ કે એમના જ જૂના વીડિયો વપરાયા હતા. તેમણે બોલેલા શબ્દો કે વાકયો પર શંકા થઈ શકે એમ નહોતી કારણ કે એ અવાજ પણ એમનો પોતીકો હતો.
એટલે જઆ ઝૂમ મીટિંગ લાંબી ચલાવાઈ નહોતી. સૌ મર્યાદિત અને ખપ પૂરતું જ બોલતા હતા. આમાં હૉંગકૉંગ સ્થિત એકાઉન્ટ ઑફિસરને સૂચના અપાઈ અને તેને સાચી માની લેવા સિવાય છૂટકો નહોતો. જાહેરમાં મૂકેલા વીડિયો – ઓડિયોનો આટલો ભયંકર છતાં સચોટ (દુર) ઉપયોગ થઈ શકે એવી કલ્પના એકાઉન્ટ ઑફિસર કે કોઈને પણ ક્યાંથી આવે?
અલબત્ત, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડિપ ફૅક વીડિયોથી છેતરપિંડીની
આ પહેલવહેલી છેતરપિંડી નહોતી પરંતુ રકમ અધધ હોવાથી ખૂબ હોબાળો મચી ગયો.
વધુ લોકો આવી છેતરપિંડીનો ભોગ ન બને એટલે હૉંગકૉંગ પોલીસે આ છેતરપિંડીના કેસની વ્યવસ્થિત જાહેરાત કરી હતી. હૉંગકૉંગના કાર્યવાહક સિનિયર પોલીસ સુપરિન્ટેન્ડન્ટ બેરોન ચાન શુને કંપનીનું કે એના અધિકારીના નામ જાહેર કર્યાં નહોતા. એમના માટે ય આ આશ્ર્ચર્યની બાબત હતી. અગાઉ વ્યક્તિગત રીતે વીડિયો કોલ કરીને થયેલી છેતરપિંડીની ઘટના નોંધાઈ હતી. પરંતુ આ રીતે વીડિયો કોન્ફરન્સથી મહાઠગી પહેલીવાર થયાનું તેમણે કબૂલ કર્યું હતું.
આવા સંજોગોમાં કરવું શું?
A.T.P. (ઑલ ટાઇમ પાસવર્ડ)
આવા કિસ્સામાં શું કહેવું? વ્યક્તિએ પોતે જ વધુને વધુ સલામતી અર્થાત્ ફિલ્ટર વાપરવા પડે. લિખિત લો, એના પર ઉપરીની મંજૂરી લો. અલબત્ત, સાયબર ઠગ આ બધું ય કરી જ શકે. છતાં પ્રયાસ તો કરવા જ પડેને બચવાના?