ઈન્ટરવલ

કેરોલિના રીપર પ્રકરણ-૬૧

પ્રફુલ શાહ

શું કિરણ મારા વિશે વિચારતી હશે એવો મીઠો સવાલ વિકાસને થયો

રાજાબાબુએ નિસાસો નાખ્યો, “મોટો દીકરો આકાશ એકદમ સ્વચ્છંદી નીકળ્યો, તો નાનો દીપક પૂરેપૂરો સ્વાર્થી.

કિરણ મહાજન, વિકાસ અને ગૌરવ ભાટિયા સમય મળતાં જ અલીબાગ ભણી જવા માટે સાથે રવાના થઈ ગયા. એટીએસના પરમવીર બત્રા તરફથી એસ.એમ.એસ. આવ્યાને ત્રણેક દિવસ થઈ ગયા પણ કિરણની ‘મસાલા મહાજન’ની માથાકૂટને લીધે જલદી નીકળવાનું શકય ન બન્યું.
કિરણ વિચારતી હતી કે કેવો વિચિત્ર યોગાનુયોગ? મારા પતિ આકાશ સાથે મોનાએ જે રસ્તે પ્રવાસ કર્યો એ જ માર્ગ પર હું મોનાના પતિ ગૌરવ સાથે જઈ રહી છું. સાથે પાછો મોનાનો ભાઈ વિકાસ પણ ખરો. ગૌરવ ભાટિયા મનને મનાવતા – મનાવતા થાકી ગયો કે એના પ્રેમ લગ્નનો આવો ભયંકર અને કરુણ અંજામ? કાશ, મોત અગાઉ મોનાએ મને છોડી દીધો હોત.. ભલે હું દુ:ખી થયો હોત પણ એ તો જીવતી હોત. તેણે છુપાઈ છુપાઈને આકાશ સાથે સમય વીતાવવા છેક મુરુડ સુધી લાંબા થવું ન પડ્યું હોત.
કિરણ અને ગૌરવના પ્રમાણમાં વિકાસ થોડો પ્રેક્ટિકલ હતો. એના મનમાં કિરણની હિમ્મત અને ક્ષમતા પર રોજબરોજ માન વધતું જતું હતું. એક અનાથમાંથી મોટા ઘરની પુત્રવધૂ બનેલી આ સામાન્ય સ્ત્રી કેટકેટલે મોરચે હિમ્મતપૂર્વક લડી રહી છે. પાછું ક્યાંય વિક્ટીમ કાર્ડ પ્લે કરતી નથી. પોતે સંજોગોનો શિકાર બન્યાનો કે પતિએ છેહ દીધાના રોદણા ય રડતી નથી. અચાનક વિકાસને થયું કે કાશ કિરણ જેવી સ્ત્રી મારા જીવનમાં આવી જાય.
તેણે તીરછી નજરે કિરણ તરફ જોયું, જે આંખ બંધ કરીને ચૂપ બેઠી હતી. એ ઊંઘતી નહોતી, એ વિકાસને ખબર હતી. શું એ મારા વિશે વિચારતી હશે એવો મીઠો સવાલ વિકાસને થયો.


બાદશાહ પોતાનો સત્તાવાર મોબાઈલ ફોન અને બીજા નંબરવાળો ફોન પણ હૉટલમાં મૂકીને બહાર નીકળી ગયો હતો. ચાલતા – ચાલતા મુરુડથી દૂર નીકળી ગયો. રસ્તામાં એકદમ નિર્જન દેખાતો વિસ્તાર આવતા તે એક ઝાડ પાછળ જતો રહ્યો. દશેક મિનિટ રસ્તાની બન્ને દિશામાં નજર રાખ્યા બાદ તેણે ગજવામાંથી એક નવો નક્કોર મોબાઈલ કાઢયો. માથા પર પહેરેલી ટોપી કાઢી. એને ઊંધી કરીને ટોપીની સિલાઈ પહોળી કરીને એમાંથી એક સિમકાર્ડ કાઢ્યું. થોડીવારમાં સિમકાર્ડ એક્ટિવ થયું અને આને નેટવર્ક પણ બરાબર પકડવા માંડ્યું.
તે ધડાધડ ઈન્ટરનેશનલ કોલ કરવા માંડ્યો. મોરેટાનિયા, ટયુનિશિયા, યમન, સોમાલિયા… બધે એક જ વિનવણી કે મને અઠવાડિયાનો સમય આપો. જ્યાં માલ નહોતો પહોંચ્યો ત્યાં ડિલીવરીનું પ્રોમિસ આપ્યું અને જ્યાં પેમેન્ટ કરવાનું હતું ત્યાં ચુકવણીનો વાયદો કર્યો. સાથોસાથ તે સૌ સામે કરગર્યો કે જો આસિક પટેલ તમારા કબજામાં હોય તો એને છોડી મૂકો, નહિતર અહીં કામ વધુ મુશ્કેલ બની જશે. પરંતુ કોઈને આસિફ પટેલ વિશે કોઈ જાણકારી નહોતી. ઉલટાનું મોટાભાગની પાર્ટીને લાગ્યું કે આ તો વચન પાળવામાં વિલંબ માટે બાદશાહે ઊપજાવી કાઢેલું બહાનું માત્ર છે.
વાતચીત પતાવ્યા બાદ બાદશાહે ફરી મોબાઈલ ફોનમાંથી સિમકાર્ડ કાઢીને જ્યાં હતું, ત્યાં જ સંતાડી દીધું. પોતાને કીધા કે લીધા વગર શેઠ ક્યાંય જતા રહે એ વાત બાદશાહને માનવામાં આવતી નહોતી. આ સાથે તે ચિંતામાં પડી ગયો કે જો આ પાર્ટીઓ સાચું બોલતી હોય તો આસિફ શેઠને શું થયું? એ કોના કબજામાં છે?


નાનવેલ દીવાદાંડી ભણી આગળ વધતા પાંચેય પર્યટકો ક્યાંક એક સાથે બેસી જતા હતા. ક્યારેક એક-બે પર્વતીય રસ્તા પરથી નીચે ઊતરી જતા હતા. એકાદ વળી કોઈ ઝાડ પર ચડીને આસપાસ નિરિક્ષણ કરતો હતો.
આ લોકોનું જમવા માટેનું મેનું પણ વિચિત્ર હતું. ચીઝ, પનીર અને લીંબુ પાણી. સમજી શકાય કે આનાથી શ્રમ કરવા માટેની જરૂરી શક્તિ મળી રહે. શરીર હળવું રહે એટલે ચાલવા કે પહાડ ચડવામાં સ્ફૂર્તિ રહે. સૌથી મોટી બાબત એ કે પેટ ભરાયેલું ન હોય એટલે ઊંઘ ન આવે એવું તેઓ માનતા હતા.
લગભગ બપોરના ત્રણેક વાગ્યે ત્રણ બાઈક સવાર યુવાનોએ આ પાંચેયને ચેતવ્યા કે ઉતાવળ કરો નહિતર દીવાદાંડીમાં પ્રવેશ નહિ મળે. એની મુલાકાત માટે એક જ કલાકનો સમય છે. સાંજે ચારથી પાંચ. કોઈએ કંઈ રિસ્પોન્સ ન આવ્પો એટલે ત્રણેક બાઈક સવારે મોઢું બગાડીને બાઈકને કીક મારી. “મરવા દો ભલે હેરાન થાય. આપણા બાપના કેટલાં ટકા?
એ ત્રણેય ગયા એટલે પાંચમાંથી બે જણાં દૂર જઈને વાત કરવા માંડ્યા. બન્નેએ મોબાઈલ ફોન સ્વીચ ઑન કર્યા. તરત બેઉએ એક-એક એસ.એમ.એસ. એકબીજાને બતાવ્યો. પરંતુ પછી મોબાઈલ સ્વીચ ઑફ કરીને બાકીના ત્રણ સાથીઓ પાસે પહોંચીને સૂચના આપવા માંડ્યા.


રાજાબાબુ મહાજન પોતાના રૂમમાં ખૂબ વ્યથિત હતા. મન વિચારોને ચકડોળે ચડી ગયું. માલતીબહેન પાંચ મિનિટથી પાછળ આવીને ઊભા રહ્યા પણ રાજાબાબુને ખબર જ ન પડી.
માલતીબહેને હળવેકથી એમના ખભા પર હાથ મૂક્યો. “શું વિચારો છો? ચિંતા કરવાથી તો તબિયત વધુ બગડશે. રાજાબાબુએ નિસાસો નાખ્યો “મારા ચિંતા કરવાથી શું વળવાનું છે? માલતી આપણી સાથે જ આવું કેમ? મોટો દિકરો એકદમ સ્વચ્છંદી નીકળ્યો ને નાનો પૂરેપૂરો સ્વાર્થી.
“જુઓ, આપણે મા-બાપ છીએ. દિકરાઓની આજના જમાનાની શૈલી કે રીતરસમ કદાચ આપણને ન સમજાય.
“ના, એવું નથી માલતી. મેં કીધું હતું કે સંતાનોના બાપને બદલે દોસ્ત બનીને મેં ભૂલ કરી. અમુક સંતાનોના મનમાં ડર હોય. કેટલાંકના મનમાં લાગણી હોય. આ બે ભાવ ન હોય એવા કેટલાંક સંતાનોના મનમાં મા-બાપ ન હોય તો જીવનની સંધ્યાએ આપણે કરવાનું શું? લાચારીપૂર્વક જીવનના અંતની રાહ જોવાની?
માલતીબહેન શું બોલે? રાજાબાબુ જેવી વેદના તેઓ ય અનુભવી રહ્યા હતા.


બપોરનું લંચ પતાવ્યા બાદ કિરણ, વિકાસ અને ગૌરવ અલીબાગની એટીએસ ઑફિસ પહોંચ્યા. ત્યાં જઈને ખબર પડી કે પરમવીર બત્રા ઑફિસમાં નથી. ક્યારે આવશે એ કોઈ જાણતું નહોતું.
કિરણને યાદ આવ્યું કે પોતે આવી રહી છે એવો એસ.એમ.એસ. કર્યો હતો. એનો જવાબ પણ આવ્યો નહતો. એવું જ વિકાસ અને ગૌરવ સાથે થયું હતું. વિકાસે એમને મોબાઈલ ફોન કર્યો તો નંબર આઉટ ઑફ રીચ હોવાનું જાણવા મળ્યું.
અચાનક તેને યાદ આવ્યું કે મુરુડ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રશાંત ગોડબોલેને ફોન કરી જોઉં. કદાચ કંઈક જાણકારી મળે. પરંતુ એમનો મોબાઈલ ફોન સ્વીચ ઑફ મળ્યો. વિકાસે એ જણાવ્યું તો કિરણે મુરુડ પોલીસ સ્ટેશનની સબ-ઈન્સ્પેકટર વૃંદા સ્વામીને ફોન લગાવ્યો પણ એનોય ફોન ન લાગ્યો.
ત્રણેય આશ્ર્ચર્ય થયું. આટલે દૂર આવ્યા બાદ તુરંત પાછા ફરવાનો અર્થ નહોતો. બત્રા ગમે તે ઘડીએ બોલાવી શકે. સર્વસંમતિથી નિર્ણય લેવાયો કે હૉટલમાં રોકાઈ જઈએ. આ ત્રિપુટી જાણતી નહોતી કે રોકાણ ઘણાં અણધાર્યાં પરિણામ લાવવાનું છે.


પાંચેય પર્યટક નાનવેલ દીવાદાંડી ભણી ધીમે-ધીમે ચાલતા હતા. એમની ચકળવકળ થતી આંખો આસપાસ ન જાણે શું શોધતી હતી. આ પાંચમાંથી બે જણાની હાલત બધાથી અલગ હતી. આધુનિક યુવતીને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે અને શા માટે કદાચ રહ્યું છે?
એનાથી થોડેક દૂર ક્રોન્ક્રીટની તૂટેલી પાળ પર બેઠેલો ફાંદાળો માણસ હાંફી રહ્યો હતો. ગજવામાંથી ડબ્બી કાઢીને હાથમાં થોડું તમાકુ લઈને ચુના સાથે મસળીને ગલોફામાં ભરાવ્યા બાદ એને થોડી રાહત થઈ. અહીં પોતાને આવવું પડ્યું એનો આનંદ હતો પણ હવે આ કપરા ચઢાણ માટે શરીર ફીટ નથી એવી અનુભૂતિ થવા માંડી. હવે લાઈફ સ્ટાઈલ સુધારવી પડશે એવો મનોમન નિર્ણય કર્યાં બાદ તેણે પેન્ટના ખિસ્સામાંથી બીડી કાઢીને પેટાવી.
આ પાંચ પર્યટકમાંથી બે લીડર જેવા લાગતા માણસો દીવાદાંડીથી થોડે દૂર ઊભા રહ્યા. પોણા પાંચ વાગવાના હતા. બન્ને ખૂણામાં એક ઝાડ પાછળ ઊભા રહી ગયા. દીવાદાંડી જોઈને પાછા ફરનારાઓને તેઓ ધ્યાનપૂર્વક જોતા રહ્યાં. ધીમે-ધીમે ઘડિયાળનો કાંટો આગળ વધતો રહ્યો. પાંચ વાગ્યે બધા પર્યટકોને દીવાદાંડીમાંથી બહાર કઢાયા. એક-એક જણા દેખાતા બંધ થયા એટલે લીડર જેવા લાગતા બન્ને પર્યટક આગળ વધ્યા. તેમણે બાકીના ત્રણ સાથીઓને ઈશારે સાવધ કરી દીધા. બન્ને દીવાદાંડી ભણી ઝડપી અને મક્કમ પગલે આગળ વધવા માંડ્યા.
એ જ સમયે પહાડ પર આવેલી દીવાદાંડીના પાછળના ભાગેથી એક યુવાન દરિયા ભણી દોડવા માંડ્યો. જેવો દરિયો નજીક આવ્યો એવો જ એ પાણીમાં કૂદી પડ્યો. થોડીવારમાં એ દરિયામાં તરતો તરતો દૂર જવા માંડ્યો.
એક ઝાડ પર બેઠેલા વાનરે બોચીના વાળ ખંજવાળ્યા. એનેય ઢળતી સાંજે પેલાનું દરિયામાં કૂદવાનું કારણ ન સમજાયું.
(ક્રમશ:)ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત