કોરોના સંબંધમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશને આપ્યા મોટા સમાચાર, ડિસેમ્બરમાં આટલા મોત
જીનીવાઃ વૈશ્વિક સ્તરે રજાના મેળાવડા અને નવા પ્રકારના વેરિયન્ટને કારણે કોરોનાના સંક્રમણમાં ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં ભારે વધારો જોવા મળ્યો હતો તેમ જ ડિસેમ્બરમાં લગભગ ૧૦,૦૦૦ મૃત્યુ નોંધાયા હોવાનું યુએન હેલ્થ એજન્સીના વડાએ બુધવારે જણાવ્યું હતું.
ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસના જણાવ્યા અનુસાર ડિસેમ્બરમાં કોરોનાના લીધે લગભગ ૧૦,૦૦૦ મૃત્યુ નોંધાયા હતા, તેમજ આ મહિના દરમિયાન મોટા ભાગે યુરોપ અને અમેરિકાના લગભગ ૫૦ દેશોમાં હોસ્પિટલમાં દાખલ થવાની ટકાવારીમાં ૪૨ ટકાનો વધારો આવ્યો હતો.
ટેડ્રોસે કહ્યું હતું કે જેએન.૧ વેરિઅન્ટ હવે વિશ્વમાં સૌથી પ્રખ્યાત છે. તે ઓમિક્રોન વેરિઅન્ટ છે, તેથી વર્તમાન રસીઓએ હજુ પણ થોડું રક્ષણ પૂરું પાડવું જોઇએ.
કોવિડ-૧૯ માટે ડબ્લ્યુએચઓના ટેક્નિકલ લીડ મારિયા વાન કેરખોવે જણાવે છે કે, કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં શ્વસન સંબંધિત રોગોમાં વધારો થયો છે. જોકે, ફ્લૂ, રાયનોવાયરસ અને ન્યુમોનિયા પણ આની પાછળ કારણભૂત છે. ડબ્લ્યુએચઓ અધિકારીઓ લોકોને શક્ય હોય ત્યારે રસી લેવાની અને માસ્ક પહેરવાની ભલામણ કરે છે.
ડબ્લ્યુએચઓ ખાતે કટોકટીના વડા ડો. માઇકલ રેયાન જણાવ્યું હતું કે રસીઓ તમને ચેપ લાગતા અટકાવી શકશે નહીં, પરંતુ રસીઓ ચોક્કસપણે તમારા હોસ્પિટલમાં દાખલ થવાની અથવા મૃત્યુ પામવાની શક્યતાને નોંધપાત્ર રીતે ઘટાડી રહી છે.