મોંઘીદાટ કારનું કલેક્શન હોવા છતાં આ 70 વર્ષીય ઉદ્યોગપતિ કરે છે સાઈકલની સવારી | મુંબઈ સમાચાર

મોંઘીદાટ કારનું કલેક્શન હોવા છતાં આ 70 વર્ષીય ઉદ્યોગપતિ કરે છે સાઈકલની સવારી

સુરતઃ આજે વિશ્વ સાઇકલ દિવસની ઉજવણી થઈ રહી છે. નિયમિત સાઇકલ ચલાવવાથી શરીર તંદુરસ્ત રહે છે અને સાથે સાથે આર્થિક તેમજ પર્યાવરણની દ્રષ્ટિએ પણ લાભદાયી છે. સુરતના 70 વર્ષીય સુરેશ જરીવાલા ટેક્સટાઈલ ટાયકૂન છે. તેઓ ફિટનેસ માટે સાઇકલ ચલાવે છે. આજે પણ તેઓ દરરોજ સવારે 5.45 કલાકે ઉઠીને 30-40 કિમી સાઇકલ ચલાવે છે. આ સાઇકલ પણ આજની મોર્ડન સાઇકલ નહીં પરંતુ 30 વર્ષ જૂની એટલસ સાઇકલ છે. તેઓ 1972થી આમ કરી રહ્યા છે. જરીવાલા પાસે અનેક કારનું શાનદાર કલેક્શન છે તેમ છતાં સાઇકલ ચલાવવાનું પસંદ કરે છે.

સુરેશ જરીવાલા 1972થી સાઇકલ ચલાવે છે, તે સમયે તેમની ફેકટરી સુરતમાં હતી અને ત્યારથી દરરોજ સાઇકલ ચલાવે છે. 1982માં ફેક્ટરી શિફ્ટ થયા બાદ પણ તેમણે સાઇકલ ચલાવવાનું ન છોડ્યું. તેમનું ઘર સુરતના સલાબતપુરામાં હતું. તેઓ 3 કિલોમીટર સાઇકલ ચલાવીને સુરત સ્ટેશન આવતા અને ત્યાંથી ટ્રેનમાં અંકલેશ્વર જતા હતા. અંકલેશ્વર સ્ટેશન પર તેઓ અન્ય સાઇકલ રાખતા હતા, જેનાથી તેઓ 4 કિલોમીટર દૂર ફેક્ટરી પર જતા. તેમનો આ નિત્યક્રમ હતો.

આપણ વાંચો:  શરીરને બીમારીનું ઘર બનાવે છે પામ ઓઈલ, જાણો તેના સેવનથી થાય છે કેવું નુકસાન

1990ના દાયકામાં તેમણે 2000 રૂપિયામાં એટલસ સાઇકલ ખરીદી હતી. તે એક સાધારણ, ભારે અને ટકાઉ મોડલ હતું. તેઓ આજે પણ આ સાઇકલ ચલાવે છે. 30 વર્ષ બાદ પણ સાઇકલ સારી સ્થિતિમાં છે.

જરીવાલા ચાર ભાઈઓમાં સૌથી નાના છે અને તેમના ઘરમાં 22 લોકોનો સંયુક્ત પરિવાર છે. તેમના સૌથી મોટાભાઈની ઉંમર 80 વર્ષ છે, જ્યારે સૌથી નાના પૌત્ર-પૌત્રીની ઉંમર 3 વર્ષ છે. જરીવાલ 10,000 સ્ટેપ ચાલે પણ છે, ઉપરાંત દોડ અને મેરાથોનમાં પણ ભાગ લે છે. વર્ષમાં એક વખત 300 કિમી સાઇકલ ચલાવીને શિરડી પણ જાય છે.

સંબંધિત લેખો

Back to top button