પાકિસ્તાનમાં વાનરો પર કરવામાં આવતી આ ક્રૂરતા કોઈ પ્રાણીપ્રેમી રોકશે?
ભારતમાં જો કોઈ પ્રાણી સાથે અક્સ્માતે પણ કંઈક ખોટી દુર્ઘટના થઈ જાય તો વિશ્વભરના પ્રાણીપ્રેમીઓ અને પર્યાવરણપ્રેમીઓ દોડી આવે છે. આ વાત સમજી પણ શકાય કારણ કે પ્રાણીઓની સુરક્ષા એક મનુષ્ય તરીકે આપણી પહેલી જવાબદારી છે, પરંતુ ભારતની બાજુમાં જ આવેલા પાકિસ્તાનમાં વાનરો પર આચરવામાં આવતી ક્રૂરતા મામલે ક્યારેય કોઈ હલ્લાબોલ થયું નથી ત્યારે હવે એક સંશોધનમાં આ હકીકતો બહાર આવી છે.
એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાનમાં લોકોનું મનોરંજન કરનારા ખાસ ‘રીસસ મંકી’ ગંભીર તણાવથી પીડાઈ રહ્યા છે. આવા વાંદરાઓને બાળપણમાં જ તેમની માતાથી ક્રૂરતાપૂર્વક અલગ કરી દેવામાં આવે છે અને તેમને ડરાવીને એક્રોબેટીક્સ, જમ્પિંગ, સલામી વગેરે જેવી બાબતોની તાલીમ આપવામાં આવે છે પછી લોકોને મનોરંજન આપી પૈસા કમાવવા માટે આ વાંદરાઓને ફૂટપાથ અને રસ્તા પર નચાવવામાં આવે છે.
સંશોધકોએ નાના રીસસ વાંદરાઓ પર આવી પ્રવૃત્તિઓની અસર મામલે આશ્ચર્ય અને દુઃખ વ્યક્ત કર્યું છે. ગ્લાસગો યુનિવર્સિટીના વેટરનરી નિષ્ણાતોની જોડી મિશાલ અકબર અને નીલ પ્રાઈસ ઈવાન્સે આ બાબતે વધુ તપાસ કરી હતી. એપ્લાઇડ એનિમલ બિહેવિયર સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા તેમના અભ્યાસમાં, અકબર અને ઇવાન્સએ નોંધ્યું હતું કે નૃત્ય કરતા વાંદરાઓમાં સ્ટ્રેસ હોર્મોન્સનું પ્રમાણ ખૂબ વધારે હોય છે.
આ નિષ્કર્ષ પર પહોંચવા માટે વૈજ્ઞાનિકોએ પાકિસ્તાનમાં નૃત્ય કરતા પાળેલા વાંદરાઓ પાસેથી રૂંવાટીના નમૂના લીધા અને તેનું પરીક્ષણ કર્યું. આ પછી, ફ્લોરિડામાં અભયારણ્યમાં રહેતા વાંદરાઓ સાથે તેમનામાં સ્ટ્રેસ હોર્મોન્સના સ્તરની સરખામણી કરી હતી. વાળના નમૂનાઓની સરખામણીમાં જાણવા મળ્યું કે જે વાંદરાઓ નૃત્ય કરતા હતા તેમનામાં અભયારણ્યમાં રહેતા વાંદરાઓ કરતાં સરેરાશ 55% વધારે કોર્ટિસોલનું સ્તર હતું. આના પરથી સ્પષ્ટ થાય છે કે નૃત્ય કરતા વાંદરાઓ લગભગ સતત તણાવમાં રહે છે. તેમણે એ પણ શોધી કાઢ્યું કે આવા વાંદરાઓના ટેસ્ટોસ્ટેરોનના સ્તર પર પણ અસર થાય છે, કારણ કે પરીક્ષણ કરાયેલા તમામ રીસસ વાંદરાઓ નર હતા.
પાકિસ્તાનના પ્રખ્યાત ડાન્સિંગ વાંદરાઓ, જેને રીસસ મંકી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ તેમના ટ્રેનર્સને શો બતાવીને પૈસા કમાવવામાં મદદ કરે છે. આ પ્રજાતિ તેની સુંદરતા અને બુદ્ધિમત્તા તેમજ પાળતુ પ્રાણી તરીકે તેનો ઉપયોગ, પ્રયોગશાળા પરીક્ષણ માટે સમગ્ર વિશ્વમાં જાણીતી છે.