દુનિયા હજુ પણ બેવડાં ધોરણોથી ભરેલી છેઃ આમ કેમ કહ્યું વિદેશ પ્રધાને
ભારતના વિદેશી બાબતોના પ્રધાન એસ જયશંકર સ્પષ્ટ વક્તા છે. હાલમાં કેનેડાએ કરેલા આક્ષેપો, અન્ય દેશોની પ્રતિક્રિયા અને બીજી બાજુ ચીન તરફથી કરવામાં આવતી આડોડાઈ વચ્ચે એસ. જયશંકરે વિદેશી ધરતી પર ઘણી મહત્વની વાતો કહી છે. એક આંતરરાષ્ટ્રીય મંચ પર સંબોધન કરતા તેમણે કહ્યું કે આ વિશ્વ હજુ પણ બેવડા ધોરણોથી ભરેલું છે. જયશંકરે વધુમાં જણાવ્યું હતું કે જે દેશો મજબૂત સ્થિતિમાં છે તેઓ પરિવર્તન માટેના દબાણનો પ્રતિકાર કરી રહ્યા છે અને જે દેશો ઐતિહાસિક રીતે પ્રભુત્વ ધરાવે છે તેઓએ તેમની ઘણી ક્ષમતાઓનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે.
એસ જયશંકરે ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF) દ્વારા યુએન, યુએન ઇન્ડિયા અને રિલાયન્સ ફાઉન્ડેશનમાં ભારતના સ્થાનિક મિશનના સહયોગથી આયોજિત ‘રાઇઝ ઓફ ધ સાઉથઃ પાર્ટનરશિપ્સ, ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ આઇડિયાઝ’ શીર્ષક હેઠળના મંત્રી સત્રમાં ભાગ લીધો હતો. તેમણે અહીં કહ્યું કે મને લાગે છે કે પરિવર્તન માટે રાજકીય ઈચ્છાશક્તિને બદલે રાજકીય દબાણ છે. તેમણે કહ્યું કે આ પ્રકારની ભાવના વિશ્વમાં વધી રહી છે અને ‘ગ્લોબલ સાઉથ’ એક રીતે તેને પ્રતિબિંબિત કરે છે, પરંતુ તેની સામે રાજકીય પ્રતિકાર પણ છે. ‘ગ્લોબલ સાઉથ’ શબ્દનો ઉપયોગ વિકાસશીલ અને ઓછા વિકસિત દેશો માટે થાય છે, જે મુખ્યત્વે આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકામાં સ્થિત છે.
જયશંકરે કહ્યું હતું કે જે દેશો પ્રભાવશાળી પદ પર છે તેઓ પરિવર્તનનો વિરોધ કરી રહ્યા છે. અમે આ સૌથી વધુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જોઈએ છીએ. જેઓ આજે આર્થિક વર્ચસ્વ ધરાવે છે, તેઓ તેમની ઉત્પાદન ક્ષમતાઓનો લાભ લઈ રહ્યા છે, અને જેઓ સંસ્થાકીય અથવા ઐતિહાસિક પ્રભાવ ધરાવે છે તેઓ પણ ખરેખર તેમની ઘણી ક્ષમતાઓને હથિયાર બનાવી રહ્યા છે,
જયશંકરે કહ્યું, તેઓ વાતો તો સારી કરશે, પરંતુ આજે પણ વાસ્તવિકતા એ છે કે ઘણી હદ સુધી આ બેવડા ધોરણોવાળી દુનિયા છે. તેમણે કોવિડને આનું ઉદાહરણ લેખાવ્યું હતું. જયશંકરે કહ્યું, ‘એક રીતે, આ સંપૂર્ણ પરિવર્તનની સ્થિતિ એ છે જ્યારે ગ્લોબલ સાઉથ આંતરરાષ્ટ્રીય સિસ્ટમ અને ‘ગ્લોબલ નોર્થ’ પર વધુને વધુ દબાણ લાવી રહ્યું છે… માત્ર ‘ઉત્તર’ જ નહીં, પરંતુ આવા ઘણા દેશો છે. જેઓ પોતાને ‘ઉત્તર’ નો ભાગ નથી માનતા તેઓ તેમને રોકી રહ્યા છે.
‘ગ્લોબલ નોર્થ’ શબ્દ વિકસિત દેશો માટે વપરાય છે. તેમાં મુખ્યત્વે ઉત્તર અમેરિકા અને યુરોપ, ઇઝરાયેલ, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. જયશંકરે કહ્યું કે સાંસ્કૃતિક પુનઃસંતુલનનો ખરો અર્થ વિશ્વની વિવિધતાને ઓળખવાનો, વિશ્વની વિવિધતાનો આદર કરવાનો અને અન્ય સંસ્કૃતિઓ અને અન્ય પરંપરાઓનો આદર કરવાનો છે.