અમેરિકન રાષ્ટ્રપતિ ગળે મળ્યા એ નાનકડી ઢીંગલી કોણ છે???
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજથી G-2 0 સમિટનો આરંભ થઈ ગયો છે અને આ સમિટમાં ભાગ લેવા માટે અનેક દેશના વડા ભારતની રાજધાની દિલ્હીમાં પહોંચી ગયા છે. પણ આ બધા વચ્ચે અમેરિકના રાષ્ટ્રપતિ જો બાઈડનનો એરપોર્ટનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એક નાનકડી બાળકીને ગળે મળી રહ્યા છે.
આ વીડિયોને જોતા લોકોને એવો સવાલ થઈ રહ્યો છે કે આખરે આ નાનકડી બાળકી છે કોણ? જો તમને પણ આવો સવાલ થઈ રહ્યો છે તો અમે અહીં તમારા આ સવાલનો જવાબ લઈને આવ્યા છીએ.
દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થયેલા અમેરિકન રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા માટે કેન્દ્રિય પ્રધાન જનરલ વીકે સિંહ પહોંચ્યા હતા અને એમની સાથે એ સમયે એક નાનકડી બાળકી પણ હતી. અમેરિકન રાષ્ટ્રપતિએ પણ બાળકીને ગળે લગાવીને વહાલ કર્યું હતું.
આ બાળકી અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટીની દીકરી છે જેનું નામ માયા છે. માયા અવારનવાર એરિક સાથે જોવા મળે છે. આ પહેલાં જ્યારે એરિકે ભારતમાં અમેરિકન રાજદૂત તરીકેના શપથ લીધા હતા એ સમયે પણ માયા સાથેનો એમનો એક ફોટો વાઈરલ થયો હતો જેમાં માયા હિબ્રુ બાઈબલ લઈને ઊભેલી જોવા મળી હતી. આ જ બાઈબલ પર હાથ રાખીને એરિકે શપથ લીધા હતા.
માયા જુઆનિતા ગાર્સેટી ભારતમાં એમરિકાના રાજદૂત એરિક ગાર્સેટી અને એમની પત્ની એમી વેકલેન્ડની એકની એક દીકરી છે. તે અવારનવાર પોતાના પિતા સાથે જોવા મળી છે. રાજકીય રેલી ઉપરાંત અન્ય કાર્યક્રમોમાં પણ તે જોવા મળી છે. તે પોતાના સૌમ્ય સ્વભાવને કારણે જ્યાં જાય ત્યાં બધા સાથે સરળતાથી હળીમળી જાય છે.