કોણ છે શેખ રેહાના ? કે જેમની દીકરી બ્રિટનમાં સાંસદ તો દીકરો કાઉન્સેલર….
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી દીધું છે અને હાલ ભારતમાં છે અને કહેવાય રહ્યું છે કે અહીંથી શેખ હસીના લંડન અથવા ફિનલેન્ડ જઈ શકે છે. શેખ હસીનાની સાથે તેની બહેન શેખ રેહાના પણ છે. શેખ હસીના તેની બહેન સાથે લંડનમાં શરણ લેવાની તૈયારી કરી રહ્યા છે. શું તમે જાણો છો કે તેમની બહેન કોણ છે અને પરિવારના રાજકારણમાં તેમનું કેટલું યોગદાન છે? તો ચાલો જાણીએ આ બધા સવાલોના જવાબ અને એ પણ જણાવીએ કે લંડન સાથે તેમનું શું કનેક્શન છે?
કોણ છે શેખ રેહાના?
શેખ રેહાના શેખ હસીનાની નાની બહેન છે. જો કે શેખ હસીનાના પરિવારના અન્ય સભ્યો પણ હતા, પરંતુ તે બધાની 1975માં હત્યા કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં વર્ષ 1975માં સેનાના વિદ્રોહમાં આવું જ કંઈક થયું હતું અને તે સમયે શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાન અને તેની માતા અને ત્રણ પુત્રોની હત્યા કરી નાખી હતી. આ સમય દરમિયાન શેખ હસીના બાંગ્લાદેશમાં નહોતા અને તેમના પતિ વાજિદ મિયાં અને નાની બહેન શેખ રેહાના સાથે જર્મનીમાં હતા. જેના કારણે બંને બહેનોનો જીવ બચી ગયો હતો.
આ પણ વાંચો : શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ પણ બાંગ્લાદેશમાં હિસાનો દોર ચાલુ
રેહાનાનો જન્મ 13 સપ્ટેમ્બર 1955ના રોજ થયો હતો અને તે બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા શેખ મુજીબુર રહેમાનના પરિવારની સૌથી નાની પુત્રી છે. શેખ રેહાનાનું પ્રારંભિક શિક્ષણ લખાઈ શાહીન સ્કૂલમાંથી થયું હતું. 1971માં જ્યારે બાંગ્લાદેશની આઝાદીની લડત શરૂ થઈ ત્યારે પાકિસ્તાની સેનાએ શેખ રેહાનાને પણ નજરકેદ કરી દીધી હતી.
પિતાની હત્યાના મુદ્દાને આપ્યું વૈશ્વિક મંચ:
શેખ રેહાના પરિવારના કેટલાક સભ્યોની હત્યા થયા બાદ તે 1975માં જર્મનીથી ભારત આવી હતી. તે સમયે બંને બહેનો લગભગ 6 વર્ષથી ભારતમાં રહી હતી અને બાદમાં 1981માં બંને બાંગ્લાદેશ ગયા હતા. રેહાના ભલે પારિવારિક પાર્ટીમાં સક્રિય ન હતી, પરંતુ તેણે પડદા પાછળ પાર્ટી માટે ઘણું કામ કર્યું છે. શેખ રેહાનાએ 1975માં તેના પિતાની હત્યાનો મુદ્દો વૈશ્વિક મંચ પર ઘણી વખત ઉઠાવ્યો હતો. તેમણે 1979માં સ્ટોકહોમ, સ્વીડનમાં એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં આંતરરાષ્ટ્રીય માંગ તરીકે ખૂનીઓ સામે પગલાં ઉઠાવ્યા.
ત્યારબાદ 10 મે 1979 ના રોજ તેમણે ઓલ-યુરોપિયન બક્ષલ કોન્ફરન્સમાં આપેલા ભાષણથી તેમને વૈશ્વિક સ્તરે ઓળખ મળી. આ કોન્ફરન્સમાં યુરોપિયન દેશોના વડાઓ, યુએનના વડાઓ અને આંતરરાષ્ટ્રીય NGOના ઘણા વરિષ્ઠ લોકોએ ભાગ લીધો હતો.
શેખ રેહાનાના પરિવારમાં કોણ છે:
શેખ રેહાનાના લગ્ન શફીક સિદ્દીકી સાથે થયા હતા, જેમનું શિક્ષણ ક્ષેત્રમાં મહત્વનું યોગદાન માનવામાં આવે છે. શફીદ સિદ્દીકી ઢાકા યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂક્યા છે અને ઢાકા કોમર્સ કોલેજની ગવર્નિંગ બોડીના અધ્યક્ષ પણ રહેલા છે. રેહાનાને ત્રણ બાળકો છે – એક પુત્ર અને બે પુત્રી. તેમના પુત્રનું નામ રદવાન સિદ્દીકી છે જ્યારે પુત્રીનું નામ તુલી સિદ્દીકી અને અજમીના સિદ્દીકી છે.
તુલીપ સિદ્દીકી બ્રિટિશ સંસદની સભ્ય:
રદવાન સિદ્દીકી ઢાકામાં જ એક આંતરરાષ્ટ્રીય સંસ્થામાં કામ કરે છે અને સાથે જ આવામી લીગના રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં મહત્વપૂર્ણ યોગદાન પણ છે. તેમની મોટી પુત્રી તુલીપ સિદ્દીકી લેબર પાર્ટી તરફથી બ્રિટિશ સંસદની સભ્ય છે. આ ઉપરાંત તેમની એક દીકરી કંટ્રોલ રિસક્સમાં ગ્લોબર રિસ્ક એનાલિસિસ સંપાદક છે.