ઈઝરાયેલ-હમાસની લડાઈમાં નેતન્યાહુનો પરિવાર આ કારણે ફસાયો વિવાદોમાં
સૈન્ય જ્યારે યુદ્ધ લડતું હોય કે રજવાડા પર આક્રમણના ભણકારા હોય કે પછી રજવાડામાં દુષ્કાળ હોય તેમ છતાં રાજા પોતાની રાણી કે પટરાણીઓ સાથે આનંદથી જીવન વિતાવતો હોય તેવી વાર્તાઓ કે પૌરાણિક કથાઓ આપણે સાંભળી છે. જોકે આજના સમયમાં સોશિયલ મીડિયાની હાજરી આવી એક વાતને પણ આગને ફેલાવે છે ધૂમાડા બહાર નીકળ્યા કરે છે.
હાલમાં ઈઝરાયલ અને હમાસના યુદ્ધમાં બન્ને તરફે ભારે ખુવારી થઈ રહી છે અને કેટલાય હોમાઈ રહ્યા છે તો લાખો નાગરિકોનો જીવ પડીકે બંધાયો છે અને તેઓ તદ્દન અમાનવીય વર્તનનો ભોગ બની રહ્યા છે ત્યારે ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમના પત્ની સારા તેમ જ તેમનો પુત્ર યાયર વિવાદોમાં ફસાયા છે. આ મામલે સ્વાભાવિક કોઈ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ સોશિયલ મીડિયા સહિત મીડિયામાં તેમની નોંધ લેવાઈ રહી છે.
વાત જાણે એમ છે કે નેતન્યાહુ દંપતીએ યુદ્ધ વચ્ચે મિત્રના આલીશાન અને સુરક્ષિત બંગલાને પોતાનું ઘર બનાવ્યું છે. જ્યારે બીજી બાજુ તેમના પુત્ર યાયરનો અમેરિકાના ફ્લોરિડામાં બિચ પર સમય પસાર કરતો વીડિયો વાયરલ થયો હતો. એક બ્રિટિશ અખબારે તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે દંપતી જ્યાં રહે છે તે ખાનગી હવેલી જેરુસલેમમાં સ્થિત છે, જેમાંથી એક પરમાણુ બંકર છે. કેમ્પસની સુરક્ષા માટે સુરક્ષાકર્મીઓ દિવસભર હાજર રહે છે. નેતન્યાહુ જ્યાં રોકાયા છે તેના માલિક અમેરિકન અબજોપતિ સિમોન ફાલિક છે. અમેરિકન અબજોપતિ પાસે જેરુસલેમમાં બે અને દરિયાકાંઠાના શહેર સીઝેરિયામાં એક મોટો આલીશાન બંગલો હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ, સિમોને જેરુસલેમમાં પોતાની આલીશાન હવેલી નેતન્યાહુને ઓફર કરી હતી. તેમના અંગત રસોઇયા સહિતના કર્મચારીઓની ત્યાં બદલી કરવામાં આવી રહી હોવાનું કહેવાય છે. તૈયારીઓને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નેતન્યાહૂ આગામી સમયમાં અહીં વૈશ્વિક નેતાઓ સાથે પણ બેઠક કરશે.
તો બીજી બાજુ યાયર નેતન્યાહુ આ વર્ષની શરૂઆતમાં અમેરિકાના ફ્લોરિડા ગયા હતા અને હજુ પણ ત્યાં જ છે. આ દરમિયાન યાયરની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં તે બીચ પર મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. આ તસવીર વાયરલ થયા બાદ સામાન્ય ઈઝરાયલીઓ અને સૈનિકોમાં ભારે રોષ જોવા મળ્યાના પણ અહેવાલો છે. પોતે નોકરી, ઘર પરિવાર બધુ છોડી યુદ્ધનો મોરચો સંભાળ્યો છે ત્યાપે પીએમના પુત્ર ક્યાં છે તેવા સવાલો ઊઠી રહ્યા છે.
નોંધનીય છે કે કે ઈઝરાયેલના ફરજિયાત સૈન્ય સેવા નિયમો અનુસાર ઈમરજન્સીના સમયે યાયર ઈઝરાયેલના રિઝર્વ સૈનિકો સાથે સેવામાં હોવા જોઈએ. જ્યારે આવું ન થયું ત્યારે ઇઝરાયેલના નાગરિકો અને સૈનિકોની ટીકાનો તેઓ ભોગ બની રહ્યા છે.