પૅરિસ ઑલિમ્પિક વિલેજમાં ભારતીય સંઘમાં શેનો ખળભળાટ શરૂ થઈ ગયો?
પૅરિસ: આગામી 26 જુલાઈએ ફ્રાન્સના પાટનગર પૅરિસમાં શરૂ થનારી સમર ઑલિમ્પિક ગેમ્સ સંબંધમાં રહેવાની સગવડો સહિતની સુવિધાઓ બાબતમાં નાના-મોટા વિવાદ આવનારા દિવસોમાં જાણવા મળી શકે, પરંતુ ભારતીય ઑલિમ્પિક સંઘને લગતી એક ઘટના બે દિવસથી ચર્ચાસ્પદ થઈ છે. આ બનાવ ભારતીય બૉક્સિંગ ટીમના મસાજરના રહેવાની સગવડ વિશેની છે.
વાત એવી છે કે ઑલિમ્પિક્સમાં ભાગ લેનાર ભારતીય બૉક્સરોએ વારંવાર બૉડી-મસાજ કરાવવો પડશે. જોકે કહેવાય છે કે તેમના મસાજર વિજય કંબોજ (Vijay Kamboj) માટે ઑલિમ્પિક વિલેજમાં નહીં, પણ વિલેજની બહાર રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમના સ્થાને બૅડમિન્ટન-સ્ટાર પીવી સિંધુ (PV Sindhu)ના પર્સનલ કોચ અને કુસ્તીબાજ વિનેશ ફોગાટ (Vinesh Phogat)ના પર્સનલ કોચ માટે વિલેજમાં રહેવાની વ્યવસ્થા કરાઈ છે.
એક જાણીતા અંગ્રેજી દૈનિકના અહેવાલ અનુસાર પીવી સિંધુના મેન્ટર પ્રકાશ પાદુકોણ અને વિનેશ ફોગાટના પર્સનલ કોચ વૉલર અકૉઝ માટે વિલેજમાં રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે. કંબોજને ભારતીય બૉક્સરોની ટીમથી દૂર રાખીને અન્ય ઍથ્લીટોના કોચ માટે કરાયેલી વ્યવસ્થા સોશિયલ મીડિયામાં ચર્ચાના ચકડોળે ચડી છે.
કંબોજે આ ઇવેન્ટ દરમિયાન બૉક્સરોના મસાજ માટે વારંવાર તેમની પાસે આવવું પડશે, પરંતુ કંબોજના રહેવાની વ્યવસ્થા વિલેજની બહાર કરાઈ હોવાથી તેમનો સમય ઘણો બગડશે.
સોશિયલ મીડિયામાં એવી પણ ચર્ચા છે કે નામાંકિત ઍથ્લીટો પોતાના સપોર્ટ સ્ટાફને પોતાનાથી દૂર રાખવામાં આવ્યા હોવાની ફરિયાદ કરે તો મામલો બગડી જાય એ હેતુથી જ તેમને માટે થઈને કંબોજને વિલેજની બહાર રહેવાનું કહેવામાં આવ્યું છે.
અખબારી અહેવાલ મુજબ એક સૂત્રએ એવું જણાવ્યું હતું કે ‘પ્રકાશ પાદુકોણ અને રેસલિંગના કોચને વિલેજની બહાર રાખી શકાયા હોત અને તેઓ ડેઈલી પાસ પર અંદર આવી શક્યા હોત. બૉક્સરોને મસાજરની જરૂર વારંવાર પડતી હોવાથી તેમના રહેવાની વ્યવસ્થા વિલેજની અંદર જ થવી જોઈતી હતી. જોકે સ્ટાર ખેલાડીઓની જરૂરિયાત પ્રત્યે પહેલા ધ્યાન આપવામાં આવતું હોય છે.’
મસાજર કંબોજને સરકાર તરફથી દૈનિક મોંઘવારી ભથ્થું તેમ જ ભોજન માટેના પૈસા મળવાના છે.