ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા, ગમે ત્યારે થઈ શકે છે ઈઝરાયેલ પર હુમલો
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તંગદીલી હવે એક ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. જેણે મધ્ય પૂર્વને નવા યુદ્ધની અણી પર મૂકી દીધું છે. હાલ ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. વિવિધ અહેવાલો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે ઈરાન કોઈપણ સમયે ઈઝરાયેલ સાથે યુદ્ધ શરૂ કરી શકે છે, 48 કલાકનું અલ્ટીમેટમ પણ સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે હાલમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ હજું ચાલું જ છે અને ગાઝામાં સતત હુમલા થઈ રહ્યા છે, આવી સ્થિતિમાં એક યુદ્ધ વચ્ચે બીજા યુદ્ધના ભણકારાથી સમગ્ર વિશ્વને ટેન્શનમાં મુકી દીધું છે.
બે અમેરિકન અધિકારીઓએ શુક્રવારે મીડિયા સાથે વાત કરતા ઈઝરાયેલ પર હુમલાની શક્યતા વ્યક્ત કરી છે. 1 એપ્રિલના રોજ, ઇઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઇરાની વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કર્યો, જેમાં ઇરાનના સિનિયર કમાન્ડર રેઝા ઝાહેદી સહિત સાત લશ્કરી અધિકારીઓ માર્યા ગયા હતા.
ઈરાને તેના કમાન્ડરોની હત્યાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે અને ઈઝરાયેલને પરિણામ ભોગવવાની ધમકી આપી છે. અમેરિકાએ ઈઝરાયેલમાં પોતાના નાગરિકોને મોટા શહેરો ન છોડવાની સલાહ આપી છે. ભારતે શુક્રવારે એક એડવાઈઝરી પણ જારી કરી હતી.
અમેરિકના અધિકારીઓએ જણાવ્યું કે ઈરાને ઈઝરાયેલની અંદરના સૈન્ય લક્ષ્યાંકો પર હુમલો કરવા માટે 100 થી વધુ ડ્રોન અને ડઝનેક મિસાઈલો તૈયાર કરી છે. શુક્રવારે ઈરાન કોઈપણ સમયે તેને લોન્ચ થઈ શકે છે. અધિકારીઓએ કહ્યું કે ઇઝરાયેલ માટે આટલા મોટા હુમલા સામે બચાવ કરવો ખૂબ જ મુશ્કેલ હશે.
જો કે, તેમણે એવી શક્યતા વ્યક્ત કરી હતી કે ઈરાન બદલો લેવાના હુમલા અને યુદ્ધના વધુ ફેલાવાના ડરને કારણે નાના હુમલાનો વિકલ્પ પસંદ કરી શકે છે. તેહરાને હજુ સુધી જાહેરમાં જણાવ્યું નથી કે તે ક્યારે અને કેવી રીતે ઇઝરાયેલ સામે બદલો લેશે પણ બંને દેશો વચ્ચે યુધ્ધની ઘડીઓ ગણાઈ રહી છે.
આ દરમિયાન, એવો મોટી આશંકા એ છે કે જો ઈરાન ઈઝરાયેલ પર સીધો હુમલો કરશે તો ગાઝામાં ચાલી રહેલું યુદ્ધ મધ્ય પૂર્વના મોટા વિસ્તારમાં ફેલાઈ જશે. લેબનોનમાં ઈરાનની પ્રોક્સી હિઝબુલ્લાહ ઈઝરાયેલ વિરુદ્ધ પહેલેથી જ સક્રિય છે.