બાંગ્લાદેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો યથાવત, બેકાબૂ ભીડ બેરિકેડ તોડી સંસદ ભવનમાં પ્રવેશી

ઢાકા : બાંગ્લાદેશમાં શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ પછી ફાટી નીકળેલી હિંસા હજુ પણ યથાવત છે. જેમાં હવે બેકાબૂ ભીડ બેરિકેડ તોડીને સંસદ ભવનમાં પ્રવેશી હતી. પ્રદર્શનકારીઓએ ગૃહ બાબતોના સલાહકાર લેફ્ટનન્ટ મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીના રાજીનામાની માંગણી કરી હતી.આ પ્રદર્શનકારીઓએ હાદીના હત્યારાઓની ધરપકડ પણ માંગ કરી હતી.
ઉસ્માન હાદીની દફનવિધિ બાદ ઢાકામાં મોટા પાયે હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ ઉપરાંત ઉસ્માન હાદીની દફનવિધિ બાદ તેમના સમર્થકોએ યુનુસ સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જેમાં જો 24 કલાકની અંદર હાદીના તમામ હત્યારાઓની ધરપકડ કરવામાં નહીં આવે તો મોટો વિરોધ કરવામાં આવશે.
હાદીના હત્યારાઓને ઝડપથી પકડવા આવશે
બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે મોહમ્મદ યુનુસે કહ્યું કે ઉસ્માન હાદીને ક્યારેય ભૂલાશે નહીં અને તેમણે રાષ્ટ્ર માટે કરેલા કાર્યોથીજીવંત રહેશે. યુનુસે અગાઉ કહ્યું હતું કે હાદીના હત્યારાઓને ઝડપથી પકડવા આવશે અને આકરી સજા ફટકારવામાં આવશે.
બીએનપી નેતાના ઘરે આગ લગાવી, સાત વર્ષની બાળકીનું મોત
બાંગ્લાદેશમાં વધતી હિંસા વચ્ચે સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ શનિવારે લક્ષ્મીપુર સદર ઉપજિલ્લામાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી BNP)ના નેતાના ઘરને બહારથી તાળું મારીને આગ લગાવી દેવામાં આવી હતી. જેમાં સાત વર્ષની બાળકીનું મોત થયું હતું . જયારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે વહેલી સવારે ભવાનીગંજમાં ઉદ્યોગપતિ અને બીએનપી નેતા બેલાલ હુસૈનના નિવાસસ્થાને હુમલો થયો હતો.
તસ્લીમા નસરીન દીપુ દાસની હત્યા સંદર્ભે પોલીસ પર સવાલ ઉઠાવ્યા
આ દરમિયાન બાંગ્લાદેશના હિંસક તોફાનો દરમિયાન હિંદુ યુવકની હત્યાનો મામલો પણ ગરમાયો છે. જે સંદર્ભે બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીન દીપુ દાસની હત્યાના સંદર્ભમાં પોલીસ પર સવાલ ઉઠાવ્યા છે. તસ્લીમા નસરીન સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં દીપુ દાસ પોલીસ સ્ટેશનની અંદર બેઠેલો દેખાય છે. તેમજ પોલીસ સાથે વાત કરતો જોવા મળે છે.
વીડિયોમાં દીપુ દાસ વાદળી રંગનો સ્વેટશર્ટ અને ટ્રાઉઝર પહેરીને તેમની સાથે વાતચીત કરી રહ્યો છે. પોલીસકર્મીઓ તેમની આસપાસ ઉભા છે. તસ્લીમા નસરીને સવાલ ઉઠાવ્યો છે કે પોલીસ કસ્ટડીમાં હોવા છતાં દીપુ દાસ સુધી પ્રદર્શનકારીઓ કેવી રીતે પહોંચ્યા.
આ પણ વાંચો…બાંગ્લાદેશમાં યુનુસ સરકાર એક્શનમાં, હિંદુ યુવક દીપુ ચંદ્ર દાસની હત્યા કેસમાં સાત લોકોની ધરપકડ



